રવીન્દ્રપર્વ/૨૫. શાન્તિમન્ત્ર

૨૫. શાન્તિમન્ત્ર

હવે હું છોડીને હોડી સંસારપ્રવાહે
જાઉં ફરી નિજ કર્મે રત થવા કાજે —
હે અન્તર્યામિની દેવી, ત્યજીશ ના મને,
જઈશ ના ફેંકી મને જનાકુલ પથે
કર્મકોલાહલે. ત્યહીં સર્વ ઝંઝાવાતે
નિત્ય બજી રહો ચિત્તે તારી વીણાતણો
મધુર મંગલ ધ્વનિ. વિદ્વેષનાદ્વ બાણત્ન
વક્ષ વીંધી વ્હાલી દે રક્તસ્રોત ત્યારે
તારી એ સાન્ત્વનસુધા અશ્રુવારિસમ
ઝરો સદા અવિરત, ક્ષતપ્રાણે મમ.
વિરોધ ગર્જીને એની શત ફણા માંડે
ત્યારે મૃદુ સ્વરે ઉચ્ચારજે શાન્તિમન્ત્ર —
‘સ્વાર્થ મિથ્યા, સર્વ મિથ્યા’ કહેજે તું કાને,
‘હું છું માત્ર નિત્ય સત્ય તવ મર્મમાંહે.’
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪