રવીન્દ્રપર્વ/૩૧. મૃત્યુના નેપથ્ય થકી

૩૧. મૃત્યુના નેપથ્ય થકી

મૃત્યુના નેપથ્ય થકી ફરી પાછી આવી છે તું આજે
હૃદયના વિવાહમન્દિરે નૂતન વધૂના સાજે
નિ:શબ્દ ચરણપાતે. ક્લાન્ત જીવનની સર્વ ગ્લાનિ,
ધોવાઈ મરણસ્નાને. આ નિરતિશય નવ રૂપ
પામી છે તું વિશ્વતણી લક્ષ્મીની અક્ષય કૃપાથકી.
સ્મિતસ્નિગ્ધ મુગ્ધ મુખે આ ચિત્તના નિભૃત પ્રકાશે
નિર્વાક્ આવી તું ઊભી. મરણના સિંહદ્વારે થઈ
સંસાર વટાવીને તું અહતરે પ્રવેશી અયિ પ્રિયા.

આજે નહીં વાગે વાદ્ય કે ના અહીં જનતાઉત્સવ,
બળે નહીં દીપમાળા; આજનું આ આનન્દગૌરવ
પ્રશાન્ત ગભીર સ્તબ્ધ વાક્યહીન અશ્રુનિમજ્જિત.
આજના દિનની વાત જાણે ના સુણે ના અન્યજન.
મારા આ અન્તરે માત્ર જ્વળે છે પ્રદીપ સ્થિર એક,
એકાકી સંગીત મારું મિલનનું ગૂંથ્યા કરે ગીત.
(સ્મરણ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪