રવીન્દ્રપર્વ/૪૩. પ્રેમનો અભિષેક

૪૩. પ્રેમનો અભિષેક

તેં તો મને બનાવ્યો સમ્રાટ. તેં તો મને
પહેરાવ્યો ગૌરવમુકુટ. પુષ્પહારે
સજાવ્યો છે કણ્ઠ મમ. તવ રાજટીકા
ઝળહળે લલાટમાં મહિમાની શિખા
અહનિર્શ. મારાં સર્વ દૈન્ય અને લાજ,
જે કાંઈ ક્ષુદ્રતા મમ, ઢાંકી છે તેં આજ
તવ રાજ-આસ્તરણે. ઉરશૈયાતલે
શુભ્ર દુગ્ધફેનનિભ, કોમલ શીતલ,
એમાં મને બેસાડ્યો તેં, સમસ્ત જગત
બહાર રહ્યું છે ઊભું, નહીં પામે પથ
એ અન્તર-અન્ત:પુરે. નિભૃત સભાએ
મને ચારે બાજુ ઘેરી સદા ગાન ગાયે
વિશ્વના કવિઓ સર્વ. અમર વીણાએ
થઈ ઊઠે શો ઝંકાર! નિત્ય સંભળાયે
દૂર દૂરાન્તર થકી દેશવિદેશની
ભાષા, યુગયુગાન્તરની કથા, દિવસની
નિશીથની ગીતિ, મિલનની વિરહની
ગાથા, તૃપ્તિહીન શ્રાન્તિહીન આગ્રહની
ઉત્કણ્ઠિત તાન.
અહનિર્શ તારી સોહાગસુધાનાં પાને
અંગ મારું થયું છે અમર. ને શું વળી
જોઈ શકે એઓ — નિત્ય મને રહે ઢાંકી
મન તવ અભિનવ લાવણ્ય-વસને.
તવ સ્પર્શ તવ પ્રેમ રાખું છું જ તને,
તવ સુધાકણ્ઠવાણી, ને તવ ચુમ્બન,
તારી એ આંખની દૃષ્ટિ, સર્વ દેહમન
પૂર્ણ કરી, રાખે છે જે રીતે સુધાકર
દેવતાની ગુપ્ત સુધા યુગયુગાન્તર
પોતાને જ સુધાપાત્ર કરી, વિધાતાનો
પુણ્ય અગ્નિ પ્રજ્વલિત રાખે છે સદાય
સવિતા જ તને જેમ અને કમલાના
ચરણકિરણે જેમ પહેરે છે હાર
સુનિર્મલ ગગનનું અનન્ત લલાટ.
હે મહિમામયી મને કર્યો તેં સમ્રાટ.
(ચિત્રા)