રવીન્દ્રપર્વ/૪૪. મૃત્યુદૂત આવ્યો હતો
Jump to navigation
Jump to search
૪૪. મૃત્યુદૂત આવ્યો હતો
મૃત્યુદૂત આવ્યો હતો હે પ્રલયંકર, અકસ્માત્
તારી સભામાંથી લઈ ગયો વિરાટ પ્રાંગણે તવ;
નયનોએ જોયો અન્ધકારે; જોઈ ના અદૃશ્ય આભા
અન્ધારના સ્તરે સ્તરે અન્તરે અન્તરે; જે આલોક
નિખિલ જ્યોતિનો જ્યોતિ; દૃષ્ટિ મારી હતી આચ્છાદાઈ
પોતાની જ છાયા વડે. એ જ આલોકનું સામગાન
મન્દ્રિત થશે આ મમ સત્તાની ગભીર ગુહા થકી
સૃષ્ટિના સીમાન્ત જ્યોતિર્લોકે, એને કાજે હતું મમ
આમન્ત્રણ. લઈશ હું ચરમનું કવિત્વગૌરવ
જીવનની રંગભોમે, એને કાજે સાધી હતી તાન.
બજી નહીં રુદ્રવીણા, નિ:શબ્દ ભૈરવ નવરાગે,
જાગી નહીં મર્મતલે ભીષણની પ્રસન્ન એ મૂર્તિ
તેથી પાછી વાળી એને. આવશે એ પાછી એક દિને
જ્યારે આ કવિની વાણી પરિપક્વ ફૂલની જ જેમ.
નિ:શબ્દે પડશે ખરી આનન્દની પૂર્ણતાના ભારે
અનન્તના અર્ઘ્યથાળ મહીં. ચરિતાર્થ થશે અને
જીવનનું શેષ મૂલ્ય, શેષ યાત્રા, શેષ નિમન્ત્રણ.