રાજા-રાણી/પાંચમો પ્રવેશ2

પાંચમો પ્રવેશ

ત્રીજો અંક


         સ્થળ : ત્રિચૂડ રાજ્યમાં ક્રીડા-ઉદ્યાન. ઇલાની સખીઓ.

પહેલી સખી : રોશની ક્યાં ક્યાં થવાની, બહેન?
બીજી : રોશનીની ચિંતા ન કર. રોશની તો બસ એક જ રાત મળવાની. પણ બંસી હજુ કાં ન આવી? બંસી બજ્યા વિના મને લહેર નથી પડતી, બહેન!
ત્રીજી : બંસીવાળાને તો ઠેઠ કાશ્મીરથી તેડવા ગયેલ છે. હવે તો આવીયે પહોંચ્યા હશે. હવે ક્યારે બજશે, ભલા?
પહેલી : બજશે, બાપુ, બજશે. તારા કર્મમાંયે એક દિવસ બજશે. ધીરી તો થા!
ત્રીજી : બળ્યું, બહેન! મનેય બંસીના જ ઉચાટ થયા કરે છે.
[પહેલી સખી ગાય છે]
પિયુ આવીને બંસી બજાવશે
બેની, જોને સાજન ઘેર આવે!
એ તો નાજુક બંસરી લાવશે
સખી, જો ને સાજન ઘેર આવે!
અંતરની બધી વાત અંતરમાં
શમી જઈને શરમાવશે,
સખી, જો ને સાજન ઘેર આવે!
આછે અધરે હાસ્ય રેલાવશે
બેની, જો ને સાજન ઘેર આવે!
નીર ભર્યા એનાં નયન છલકતે
બેની, જોને સાજન ઘેર આવે!
સ્નેહનાં સુખ અકળાવશે,
સખી, જો ને સાજન ઘેર આવે!
એને ઉરે અગન સળગાવશે
બેની જો ને સાજન ઘેર આવે!
બીજી : ગાવું રહેવા દેને, બાપુ! વારે વારે મારા હૈયામાં જાણે બળ્યા જ કરે છે. મનમાં થાય છે કે જાણે રોશની, હાસ્ય-કલ્લોલ અને ગાવું-બજાવવું — બસ, એક જ રાત રહેવાનાં; અને વળતે દિવસથી જ જાણે અંધારાં ઊતરવાનાં.
પહેલી : રોવાના દિવસ તો ઘણાય છે, બાપુ, આ બે દિવસ તો નરી આનંદ કરી લે! હું તો, બહેન, જો ફૂલ ન કરમાતાં હોત તો આજથી જ માળા ગૂંથવા માંડત.
બીજી : હું વરરાજાનું શયન-ગૃહ શણગારીશ.
પહેલી : હું કુંવરીબાને શણગાર સજાવીશ.
ત્રીજી : ત્યારે હું શું કરું?
પહેલી : અલી, તું પોતે જ શણગાર સજજે. કોને ખબર છે, યુવરાજ કદાચ તારા ઉપર મોહી પડે!
ત્રીજી : તું તો, બાપુ, હાંસી જ કર્યા કરવાની ને! તારાથી ન મોહાયા, એ મારા પર તો શે મોહે? અરે! જેણે કુંવરીબાને એક વાર જોયાં હોય, એનું મન તે કદી આડેઅવળે રસ્તે મોહાય? લો, આ આવી બંસી. સાંભળ તો, બંસી બજવા મંડી.
[પહેલી સખીનું ગીત]
રે! મીઠી વાંસળી વાગે;
વનમાં વાગે, એના મનમાં વાગે,
મીઠી વાંસળી વાગે.
વાય વસંતની લહેર ક્યંહી,
ક્યંહી ફૂલડાં ડોલે,
કહે રે સખી! રૂડી સ્નેહ-રાતલડીની
પૂનમ ક્યાં થકી રેલે?
વનમાં રેલે, એના મનમાં રેલે,
મીઠી વાંસળી વાગે.
જાઉં કે જાઉં ના, લાજી મરું
સખી, લોક શું કે’શે?
હું શું જાણું મારો પ્રીતમ વ્યાકુલ
ભમતો હશે છાને વેશે?
વનને દેશે મારા દિલને દેશે
મીઠી વાંસળી વાગે.
બીજી : અલી, ચુપ; જો, કુમારસેન આવ્યા.
ત્રીજી : ચાલો, બહેન, આપણે જરા ઓથે ઊભાં રહીએ. તમને તો કાંઈ નથી થતું, પણ બહેનો, કોણ જાણે શાથી યુવરાજની સમીપે જતાં મને કંઈક થઈ જાય છે.
બીજી : પરંતુ આ જયકુમાર એકાએક કવખતે કેમ આવ્યા?
પહેલી : અલી ઘેલી, એને તે હવે શું વખત-કવખત હોય? રાજાના પુત્ર થયા એટલે શું મદનરાજ એને એકને જ અણવીંધ્યા છોડશે? ન રહેવાય, બાપુ! ન સહેવાય!
ત્રીજી : ચાલો, ઓથે ચાલો.

[પછવાડે જાય છે. કુમારસેન અને ઇલા પ્રવેશ કરે છે.]

ઇલા : બસ, પ્રભુ, વધુ બોલવાની જરૂર નથી. ‘જરૂરી કામ છે! રાજ્ય છોડીને જવું પડે છે! માટે થોડો સમય વિવાહ ઠેલવા પડે છે!’ બસ? એથી વધુ કંઈ સાંભળવાનું રહે છે?
કુમારસેન : સદાય મારા ઉપર એવો જ વિશ્વાસ ધરજો, કુમારી! વિશ્વાસથી જ મનેમન પરસ્પરની વાતો સમજી જશે. અબોલ અંતરની વાતોને વિશ્વાસ જ ખેંચીને બહાર લાવી શકે છે. આ ઉપવનની અંદર, આ ઝરણાને તીરે, આ લતામંડપ તળે, આ સંધ્યાકાળે, પશ્ચિમ આકાશને સીમાડે, એ શુક્ર તારાની સામે જોઈને તમારા પ્રવાસી પતિને યાદ કરતાં રહેજો. અને સંભારજો કે હુંયે સમી સાંજે કોઈ તરુવરને છાંયડે એકલો બેઠો આ એ જ શુક્ર તારાની ઉપર તમારી આંખોના તારલા છવાયેલા જોતો હઈશ. મનમાં કલ્પજો, કુમારી, કે એ નીલ આકાશની અંદર ફૂલોની સુવાસ સરખી આપણ બન્નેની પ્રીતિ પરસ્પર લપેટાઈ રહી છે. સમજજો કે બન્નેની વિરહ-રાત્રી ઉપર એકનો એક જ ચંદ્ર ઉદય પામ્યો છે.
ઇલા : જાણું છું, જાણું છું, નાથ! તમારા હૃદયને હું બરાબર સમજું છું. બીજું કાંઈ કહેવું બાકી છે?
કુમારસેન : ત્યારે હવે, અયિ અંતરની લક્ષ્મી, જીવનની મર્મમૂર્તિ, અયિ સર્વાધિક સહચરી! હું જાઉં છું.

[જાય છે. સખીઓ પ્રવેશ કરે છે.]

બીજી : હાય હાય! આ શું કહેવાય?
ત્રીજી : બહેન, જાવા કાં દીધા?
પહેલી : એ સારું જ કર્યું. રાજી થઈને રજા ન દીધી હોય તો બધાં બંધનો તોડીને કદાચ સદાને માટે નાસી છૂટે! હાય રે બહેનો, અંતે શું આ ઉત્સવના દીવા બુઝાવાનું જ સરજ્યું હશે!
ઇલા : બહેનો, ચુપ કરો, હૃદય તૂટી પડે છે. તોડી નાખો એ દીપમાલાને અને કહો, પેલી નિર્લજ્જ પૂર્ણિમાના દીવાને કોણ ઓલવી નાખશે? આજ કાં એવું લાગે, કે મારા જીવતરનો સૂર્ય પણ આથમતા સૂર્યની સાથોસાથ જ પશ્ચિમે ડૂબી ગયો? મને — ઇલાને — પોતાની છાયા બનાવીને એ અસ્તને પંથે કાં ન લઈ ગયો?