લીલુડી ધરતી - ૧/ટીહા વાગડિયાની ખડકી


ટીહા વાગડિયાની ખડકી

બરોબર રોટલા ટાણે ટીહા વાગડિયાની સાંકળ ખખડી.

સામાન્ય રીતે દિવસને સમયે તો ખુલ્લી જ રહેતી આ ખડકી ખરે બપોરે શા માટે વાસવી પડી હશે, ને ચોરને કાંધ મારવા જેવા આ સમયે શા માટે કોઈએ એ ઉઘડાવવા માટે સાંકળ ખખડાવવી પડી હશે એ કુતૂહલ આ લત્તાના રહેવાસીઓ માટે કાંઈ જેવું તેવું નહોતું.

કણબીપાનાં આ રહેવાસીઓના કાન એવા તો સરવા હતા કે ડેલીના આગળા-ઉલાળિયા કે સાંકળ નકૂચા કે ચણિયારાના અવાજ પરથી જ કોના ઘરનું બારણું ઊઘડ્યું કે વસાયું એ પારખી જતાં ગુંદાસરના જ ખીમા લુહારે ગજવેલને ઓઝતનું પાણી પાઈને ઘડેલી વાગડિયાની ખડકીની સાંકળને એનો આગવો કહી શકાય એવો એક વિશિષ્ટ રણકો હતો. એ રણકો અહીનાં સહુ આડોશીપડોશીઓને સુપરિચિત હતો; અત્યારે ખરે મધ્યાહ્ને પુરુષવર્ગ ખેતરે ગયો હોય, સ્ત્રીઓ ભાથ પહોંચાડવા ગઈ હોય અથવા ઘરકામમાં પડી હોય ત્યારે તો પરગામનું કોઈ મહીમહેમાન રોટલો ખાવા આવે તો જ કોઈની સાંકળ ખખડે. છેલ્લા દાયકામાં રોટલે ઘસાઈ ગયેલા ટીહાને ઘેર વળી દુકાળમાં અધિક માસ જેવું કોણ મહેમાન આવી પડ્યું, એ જોવા જાણવા માટે અડખેપડખેનાં બેત્રણ પડોશી બૈરાંઓએ પોતાના ઘરમાંથી ડોકિયાં કર્યા.

ખડકીનાં બંધ બારણાંની સમીપમાં પાણકોરાની પાઘડી કે ​માથાબંધણું વાટેલા કોઈ ખેડૂતને બદલે નગરી બાંધણીનો ફાંકડો સાફો બાંધેલ વ્યક્તિ ઊભેલી જોઈને એકાદ બે વહુઆરુઓ તો ગભરાઈ ગઈ.

‘હાય હાય ! આ તો તખુભા બાપુનો ખવાહ છે, ખવાહ!’

આવનાર વ્યક્તિએ માથે બાંધેલું એ લહેરિયું ગુંદાસર ગામમાં એટલું તો પરિચિત હતું કે એની પીઠ જોઈને જ અડોશીપડોશીઓએ એ સાફાના પહેરનારને પારખી કાઢ્યો.

‘આ તો જીવોભાઈ ખવાહ છે. જીવોભાઈ !’

‘તખુભા બાપુનો હોકો ભરવો પડતો મેલીને ઠેઠ કણબીપા લગણ આવ્યો છે, તો કાંઈક નવાજૂની થઈ હશે.’

ખવાસ માણસ ખેડૂતને ઉંબરે આવીને ઊભો એટલે જરૂર કાંઈક આફતના સમાચાર, એમ સમજીને એકબે ગભરુ પડોશીઓએ તો પોતાનાં ઘરનાં બારણાં વાસી દીધાં. ‘દરબારી માણહથી દહ ગાઉનું છેટું સારું !’

જીવા ખવાસે એક વાર સાંકળ ખખડાવી, છતાં કોઈએ બારણું ન ઉઘાડ્યું તેથી બીજી વાર જરા જોરથી અવાજ કર્યો ને સાથે એમાં પોતાનો સત્તાવાહક ખુંખારો પણ ઉમેર્યો.

અંદર રાંધણિયામાં એક પગ નિરાંતે લાંબો કરીને કથરોટમાં રોટલાનો લોટ મસળી રહેલી હરખના કાન હવે ચમક્યા. હવે જ એને ખ્યાલ આવ્યો કે દિવસે ખુલ્લી રહેતી ખડકીનું બારણું અત્યારે વાસેલું છે, ને કોઈક બહારથી સાંકળ ખખડાવે છે.

'એલી સંતડી ! ખડકીને ઉલાળિયો નાખીને બેઠી છો ને પાછી ઉઘાડતી ય નથી ! ટીહાની વહુ હરખે પુત્રીને ઉદ્દેશીને કહ્યું. ‘કો’ક બાર્ય ઊભું સાંકળ ખખડાવે છે, ઈ સાંભળતી નથી ?’

‘મર ખખડાવે.’

‘કેમ એલી આવો તોછડો જબાવ દે છ? કવછું કે ખડકી ઉઘાડ્ય !’ ​‘નઈ ઉધાડું—’

‘આવા પગબળણા તડકામાં બિચારા જીવને બાર્ય ઊભાં ઊભાં પગ સડસડી હાલશે એનો વચાર કર્ય !’

હરખ હજી એમ સમજતી હતી કે બહાર કોઈક ઉઘાડપગો ખેડૂત ઊભો છે, અને ઉનાળાની બળબળતી ધૂળ એના પગમાં ફડફોલા પાડી રહી છે. આ ગરીબ ખેડુપત્નીને ક્યાંથી ખબર હોય કે જીવાભાઈ ખવાસના પગમાં તો તખુભા બાપુનાં ઊતરેલાં અને હજી ય ચાલતી વેળા ‘ચેઈડ’ બોલાવતાં પમ્પશૂઝ છે ?

જીવાભાઈએ કંટાળીને રોષપૂર્વક ત્રીજી વાર સાંકળ ખખડાવી ત્યારે તો હરખે પણ એટલા જ રોષભર્યા અવાજે પુત્રીને સંભળાવ્યું :

‘એલી કાનમાં પૂમડાં ખોશ્યાં છ? બાર્ય કોઈના માથા ઉપર ભાર હશે એનો તો વચાર કર્ય !’

ભોળી હરખ ! એ બિચારી દુનિયા આખીને ટીહાના માપદંડ વડે જ માપતી. પોતાનો પતિ મૂલી તરીકે વેઠ-મજુરી કરતો ને માથે બબ્બે મણના ભાર ઊંચકતો, તેથી એને ઉંબરે આવનાર સહુ આગંતુકોને માથે એટલો જ અસહ્ય બોજો હશે એવી એની કલ્પના હતી. પણ એને ક્યાં ખબર હતી કે જીવાભાઈને માથે તો તખુભા બાપુનું ઊતરેલું હળવું ફૂલ લહેરિયું લહેરાય છે !

‘ઊઠ્ય ! કંવછંવ કે ઊઠ્ય !’ હવે તો હરખે સંતીને ઉગ્ર અવાજે આદેશ આપ્યો : ‘મારે આ તાવડી આકરી થઈ ગઈ છે... ઊભી થા ઝટ, ને ખડકી ઉઘાડ્ય !’

‘તું થા ઊભી તારે થાવું હોય તો !’ સંતુએ ઠંડે કલેજે કહી દીધું.

હરખને હવે તો બેવડી ચીડ ચડી. એ લોટ મસળતી જ ઊભી થઈ ગઈ ને હાથ ધોવા રોકાયા વિના જ ‘છોકરીનો ઉપાડો બવ વધ્યો છે..’ એવું બબડતી ખડકી તરફ ગઈ.

ધોળે દિવસે ડેલી ઠંહાવીને બેઠી છે, ને પછી ઊઠબેસ મારી ​પાસે કરાવવી છે.’ એવી ફરિયાદ અસ્પષ્ટ સ્વરે ગણગણતાં હરખે ડેલી ઉઘાડી.

આંગણામાં કોઈ મહેમાનને બદલે જીવાભાઈ ખવાસની મૂર્તિ જોઈને હરખ સ્તબ્ધ થઈ ગઈ ! તુરત એણે આ દરબારી માણસની અદબ જાળવવા હાથ એકનો ઘૂમટો તાણી લીધો.

ખુદ સંતુને પણ આશ્ચર્ય થયું. એણે તો ધાર્યું હતું કે શાદુળ પોતે જ હૉકીસ્ટીક લેવા આવશે, અથવા તો એના ખાટસવાદિયા માંડણિયાને મોકલશે. પણ જીવાભાઈ ખવાસ સુધી વાત પહોંચી જશે એવી તો એને કલ્પના પણ નહોતી.

‘હાય ! આ તો દરબારની ડેલીએથી વેઠને વારો આવ્યો !’ જીવાને જોઈને હેબતાઈ ગયેલી હરખે ઝટઝટ એને સંભળાવી દીધું ‘ઈ તો આજ શિરામણટાણાના વેકુર્ય ભરીને શાપર ગયા છે... વાળુટાણે આવશે—’

‘મારે ટીહાનું કામ નથી.’ જીવો બોલ્યો.

‘તંયે કોનું કામ છે ?’ હરખ વધારે ગભરાઈ ગઈ.

‘તમારી છોડી ક્યાં ગઈ ?’

‘કોણ ? સંતી ?’

‘હા, ઈ સંતડી—’

‘શું કામ છે ?’

‘ઈ તો ગગીને જ પૂછોની !’

‘હવે તો હરખ ખરેખર ગભરાઈ ગઈ. છોકરી કોઈ બહારના માણસ જોડે કારસ્તાન કરી આવી છે કે શું ?’

‘એલી સંતડી ! આ જીવોભાઈ શું કિયે છ ?’

‘મને શું ખબર્ય ?’

‘એલી છોકરી ! મોઢામાંથી ફાટ્યની ? આ દરબારી માણહ આપણી ડેલીએ કાંઈ અમથું આવ્યું હશે ?’

‘તી ઈને જ પૂછી જોની, શું કામે પધાર્યા છે?’ ​ પુત્રીના આવા ઉડાઉ જવાબ સાંભળીને હરખની મૂંઝવણ વધી. હવે એણે જીવાને જ પૂછ્યું :

‘જીવાભાઈ ! છોકરી છે જરાક મોઢે ચડાવેલ— ’

‘મોઢે ચડાવેલ હોય, કે માથે ચડાવેલ હોય, ઈ તમારા ઘરની—’

‘બાપુ ! છોકરી છે જરાક અલ્લડ, ને વળી અક્કલની ઓછી, કાંઈ વાંકગનામાં આવી ગઈ હોય તો બોલી નાખોની, હુ અબઘડીએ ઈને પાંહરી કરી નાખું—’

‘વાંકગનો ?’ જીવાભાઈએ હવે તીખે અવાજે કહ્યું, ‘વાંકગનો તો તમારી શેજાદી ગગીને જ પૂછોની ? બવ ફટવીને ફટાયો કર્યો છે તી !’

આટલી જીભાજોડી પછી પડોશીઓનું કુતુહલ હાથ રહે એમ નહોતું. જોણું ને વગોણું બન્ને તાલ ભેગા થયા હોય એમ લાગ્યું. તીરે ઊભીને તમાશો જોવા માટે ખડકી બહાર ખાસ્સું ટોળું જામી ગયું.

‘એલી મોસલ ! મારે તાવડી ઉપર રોટલો બળે છે, જટ ભંહી મર્યની !’ હરખે ધ્રૂજતાં ધ્રૂજતાં સંતુને સંભળાવ્યું, ‘જીવોભાઈ જેવું મોટું માણહ ઊંબરે ખોટી થાય છે—’

‘થાવા દે—’

‘જીભડો કાંઈ બવ વધ્યો છ ?’

‘નંઈ વધ્યો હોય તો હવે વધારવો પડશે.’ સંતુએ સામું પરખાવ્યું.

લાજના ઘૂમટામાં હરખ હવે અકળાઈ રહી. માથા પર ઓઢાણું જરાક ઊંચું તાણ્યું. બોલી :

‘જીવાભાઈ જેઠ ! છોકરીનું બોલ્યું ગણકારશો મા, ને અમ ઉપર દિયા કરો, બાપુ !’

‘તમારી ગગીએ શાદૂળભાની હોકી ઘરમાં ઘાલી છે. ડાહ્યાડમરાં થઈને સોંપી દિયો પાછી, નીકર કોઈની ખેર નથી રેવાની.’ ​‘હૉકી ?’ હરખ ફરી હેબતાઈ ગઈ. ‘અલી છોકરી ! દરબારની ચૂંગીનું તારે શું કામ પડ્યું ? તું જરદો–બરદો ફૂંકસ ?’

‘જરદો પીવાની હોકલીની વાત નથી કરતા. આ તો ગેડીદડે રમવાની લાંબી લાકડી—’

‘એલી સંતુડી ! આવી ચોરીચપાટી ક્યાંથી શીખી ?’

‘મા ! તું આમાં કાંઈ સમજે નહિં, સુણે નહિ, ને ઠાલી ડીફાં શું કામે દેતી હઈશ ?’ હવે સંતુ આગળ આવી. ‘તું જા રાંધણિયામાં. તાવડી ઉપર રોટલો દાઝે છે ઈને ઉથલાવ્યા. જીવાભાઈને જવાબ આપનારી હું બેઠી છું—’

સંતનો આ રુઆબ જોઈને સમજુ જીવાએ પોતાનો રોફ ઓછો કર્યો અને સમજાવટનો માર્ગ લીધો.

‘બાઈ, બેન મારી ! બવ અથરી થા મા, ને છાનીમાની પારકી ચીજ ઈના ધણીને સોંપી દે !’

‘ઈ ચીજના ધણીને પંડ્યને જ લેવા મોકલો !’

‘ગગી ! આવી છોકરમત્ય રેવા દે, ને સાનમાં સમજી જા—’

‘હંધુય સમજું છું.’

‘આવી વાત ચોળી ચીકણી કરવામાં માલ નહિ. ઠાલો ગામગોકીરો થાય, ને—’

‘ભલે થાય.’

'કહું છું, બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે—’

‘પડવા દિયો.’

‘તું ગમે એવી અજવાળી તો ય રાત્ય છો, બાપુ ! તું હજી અણસમજુ કહેવા—’

‘હંધું ય સમજું છું.’

‘સમજ છે, તો પછે ડાહી થઈને લાકડી સોંપી દે ને ?’

‘કીધું નહિ કે લાકડીના ધણીને જ આંયાંકણે લેવા મોકલો ?’

‘આવી ધડ્ય કરવી રેવા દે, ને આપણે ઘરનો ગળ ઘરમાં જ ​ચોળી ખાઈએ. ઠાલા પારકા કાન સાંભળે એમાં શું લાભ ?’

'મારે સંભળાવવું છે, ગામ આખાને સંભળાવવું છે—’

‘બાપુ ! ઈમાં તો ઘોડીનાં ય ઘટે ને ઘોડેસવારનાં ય ઘટે. તું ગમે ઈવી રઈ, તો ય અંતે તો અસ્ત્રીની જાત્ય. અવતાર આખો રોળાઈ જાતાં વાર ન લાગે—’

‘મારો અવતાર ભલે રોળાઈ જાય પણ એક વાર તો શાદૂળિયાની સાત પેઢીને રોળતી જાઈશ—’

સંતુને મોઢેથી શાદૂળનું નામ ઉચ્ચારાતું સાંભળીને જ જીવો ચમક્યો. આજુબાજુ શેરીનાં માણસોનું ટોળું જામ્યું હતું. જીવાને સોંપાયેલું ‘મિશન’ આ આખુંય પ્રકરણ ભીનું સંકેલવાનું હતું. તેથી તો એ અત્યાર સુધી કોથળાની પાંચશેરીની જેમ બધી વાત મભમ કરી રહ્યો હતો. સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ એ રીતે આ કોકડાનો ઉકેલ લાવવાનું એને રઘા મહારાજે સૂચવેલું. પણ અહીં તો છડેચોક સંતુએ શાદૂળભાને સંભળાવી, તેથી જીવો જરા ઓઝપાઈ ગયો, વાણિયાશાહી ઢબે એણે વાત વાળી લીધી :

‘ઠીક બાઈ ! તને સૂઝે એમ કરજે. તું જાણ્ય ને તારાં કરમ જાણે—’

જીવા જેવો જોરૂકો માણસ આમ ઢીલો પડી ગયો. એથી સંતુને વધારે પાનો ચડ્યો પણ હરખ તો બાપડી શિયાંવિયાં થઈ ગઈ. રખે ને છોકરીનાં આડાંઅવળાં વેણ આ ઘર પર કશીક આફત ઉતારે, એ બીકે એણે જીવાને આશ્વાસન આપ્યું :

‘જીવા જેઠ ! અટાણે તો છોકરી જરાક મમતમાં છે એટલે સાચી વાત નહિ માને. એના બાપુને આવવા દિયો વાળુટાણે. એનો ડંગોરો ભાળશે ને, એટલે આફુડી પાંહરી થઈ જાશે.’

‘ભલે !’ કહીને જીવે મૂંગોમૂંગો ૨સ્તે પડ્યો.

જીવાને વીલે મોઢે પાછો જાતો જોઈને સંતુએ ગર્વસ્મિત વેર્યું. પણ હરખની મૂંઝવણનો તો આરંભ જ હવે થવાનો હતો. ​ખડકીને બારણે એકઠાં થયેલાં પડોશીઓ કાઉંકાંઉ કરી પડ્યાં.

‘હાય રે હાય ! જીવોભાઈ ખવાહ ઊઠીને વાગડિયાની ખડકીએ આવ્યો ?’

‘કાંઈક ચોરીચપાટીની વાત લાગે છે.’

'કોને ખબર ભઈ ? દરબારની ડેલીએ છોકરી ઓળીપો–બોળીપો કરવા ગઈ હશે ને બેઠકમાં ક્યાંક હાથફેરો કરી આવી હશે—’

‘દરબારી કામ કરવાં કાંઈ સહેલ છે ? હાથ ફૂલ જેવો ચોખ્ખો રાખવો જોઈએ.’

‘બાપુની ડેલીએ તો હજાર ચીજ રેઢી પડી હોય. આમ હાથફેરા કરે તો તો હાલે જ કેમ ?’

‘છોકરી છે પહોંચેલી; હાથફેરો ય કરતી આવે ને પગ આઘોપાછો ય પાડતી આવે.’

‘હા ભઈ જવાન લોઈ છે. સત્તર-સત્તર વરહની સાંઢ જેવડી થઈ તો ય હજી આણુ નથી થ્યું—’

‘ને હવે તો ઓણ સાલ થાશે ય કેમ કરીને ? હાદા ઠુમરને ખોરડે તો દીકરાનો સોગ આવી પડ્યો—’

‘તો પછી થાશે આવા ભવાડા, ને રોજ ઊઠીને ઢેઢફજેતા ! બીજું શું ?’

ડેલી બહાર આવી નુક્તેચિની ચાલતી હતી ત્યારે રાંધણિયામાં ચૂલે રોટલા ઘડવા બેઠેલી હરખના હૈયામાં હોળી સળગી હતી. સંતુ તો ક્યારનું મોઢું ચડાવીને મૂંગી બેઠી હતી; હરખની ભાષામાં કહીએ તો એણે તો તોબરું ચડાવ્યું હતું. તેથી માતા તરફથી પૂછાતા અનેકાનેક પ્રશ્નોમાંથી એકેયનો ઉત્તર એ આપતી નહોતી.

‘આવવા દે તારા બાપાને ! પછી ખબર પડશે તને. ઢીંઢું રંગી નાખશે !’

રોષ ઊભરાય ત્યારે હરખ આવી એકાદ ઉક્તિ સ્વગત ​ઉચ્ચારી નાખતી હતી.

‘ને બાપને ય ખબર પડશે કે છોકરીની જાત્યને બવ ફટવવી સારી નંઈ—’

આવા વાક્‌પ્રહારોની ય પુત્રી ઉપર કશી અસર ન થઈ તેથી આખરે હરખે સંભળાવી :

‘એલી, આમ મારી સામે મૂંગી મૂંગી મોસલ થઈને બેઠી છો, એના કરતાં બે બેડાં પાણીનાં સારી આવ્યની !’

'પાણી કેમ કરીને ભરું ?’ હવે સંતુએ ઉત્તર આપ્યો, ‘બેડું તો નંદવાણું છે—’

'કેમ કરતાં ?'

'ઠેસ વાગી—'

‘જરાક નીચું જોઈને હાલતી હો તો !’ હરખે ટોણો માર્યો; ‘તું તો કોણ જાણે શું ય ઊંચું ભાળી ગઈ છો, તી જાણે આભમાં પાટું મારતી હાલ છ !’

માતા તરફથી સહાનુભૂતિભરી પૂછપરછ થવાને બદલે આવું મહેણું સાંભળવા મળ્યું તેથી સંતુ ફરી મૂંગી થઈ ગઈ.

‘એલી, એમ મોંમાં મરી ભરીને બેઠી રૈશ તો બેડું કાંઈ સાજું નંઈ થઈ જાય. જ્યાં નંદવાણું હોય ન્યાંકણે હમણાં તો ગાડાના ધરામાંથી મળી લઈને ભરી દે; પછી ઓધિયા કંહારાની હાટે જઈને રેણ કરાવી આવશું—’

'પણ બેડું છે ક્યાં ઘરમાં ?'

હવે જ હરખનું ધ્યાન પાણિયારા તરફ ગયું.

‘ઘરમાં નથી ? ક્યાં ગ્યું ?’

‘મા, મને ય પૂરી ખબર નથી કે ક્યાં ગયું. પણ રઘા મા’રાજની હોટર પાહે ઊંધું વળ્યું તું—’

‘તી પાછું ઉપાડાય નંઈ. શેજાદી !’'

‘ઉપાડવા રોકાવાય એમ નો’તું —’ ​‘કેમ એમ, ભલા ?’

‘જરાક જોખમ જેવું હતું —’

‘જોખમ ? શેનું જોખમ ?’

‘આબરૂનું —’

હવે હરખ વિચારમાં પડી ગઈ. પુત્રીને મહેણાંટોણાં સંભળાવવાનું માંડી વાળ્યું. કશીક નવાજૂની થઈ છે, ને વાત વિચારવા જેવી છે તેમ એને લાગ્યું.

‘તી અટાણ લગી મોઢામાંથી ભંહતી કાં નથી ?’ હરખે પૂછ્યું પણ સંતુ જવાબ આપે એ પહેલાં તો ફરી ડેલી ઉપર સાંકળ ખખડી.

‘વળી પાછું કોણ ?’ હરખે સચિંત અવાજે પૂછ્યું.

‘હવે તું રોટલેથી ઊઠતી નઈ. હું જોઈ આવું છું.’ કહીને સંતુ ડેલીનું બારણું ઉઘાડવા ગઈ.

હળવેકથી ઉલાળિયો ખેસવીને કમાડ ઓરું કર્યું તો સામે માંડણિયો ઊભો હતો. સંતુના ત્રીજા લોચનને તાપ પોતા ઉપર વરસવા માંડે એ પહેલાં જ એણે શરૂ કરી દીધું :

‘શાદૂળભા કિયે છ હૉકી પાછી આપી દિયો તો અમે બેડું સોંપી દઈએ—’

‘ઈ કેનારાને જ આંયાં મોકલ્યની મારી પાંહે ! તું વચમાં ઠાલી મફતની અધ્યારી શુ કામ સારશ ?’

સંતુને મોઢેથી આવું વડછકું સાંભળીને માંડણિયો વિચારમાં પડી ગ્યો, અને એ કશો જવાબ આપી શકે એ પહેલાં તે સંતુએ ધડાક કરતુંક ને બારણું વાસી દીધું.

સાંજે દીવે વાટ ચડવા ટાણે એઝતને સામે કાંઠેથી ટીહાએ ગાડું વેકરામાં નાખ્યું. દિવસ આખો એ રેતી સારી સારીને થાકી ગયો હતો તેથી હવે બળદને ડચકારવાના ય એને હોશ નહોતા રહ્યા. ​ગાડીવાન જેવા જ ગરીબડા બળદો કેવળ આદતને જોરે ગુંદાસરની દિશામાં ચાલતા હતા.

ઓઝતના વિશાળ પટનો વેકરો પૂરો કરીને ગાડું પાણીમાં આવ્યું કે તુરત ટીહાને કાને વેણ પડ્યાં :

‘કાં ટીહા ! આજ તો બવ ઉતાવળો ?’

શૂન્ય આંખે સીમ ભણી તાકી રહેલા ટીહાએ બાજુ પર જોયું તો ગોઠણડૂબ પાણીમાં રઘો ગોર પંચિયાભેર નહાઈ રહ્યો હતો.

પણ આ રગશિયા જેવા ગાડાને પણ ‘ઉતાવળુ’ ગણાવવા પાછળ રધાએ વાપરેલો વ્યંગ સમજવા જેટલી ટીહાની શક્તિ નહોતી.

પોતાનો અર્થહીન પ્રશ્ન નિરુત્તર જ રહ્યો તેથી રઘાએ જ આગળ ચલાવ્યું :

‘પહોંચ, પહોંચ ઝટ ! ઘરભેળો થા જરાક ઉતાવળો થઈને—’

‘કાં ? કાંઈ થયુ છે ?...મારું: તો રોજનું ટાણું છે—’'

‘થાય તો શું બીજું ? સૂરજ મા’રાજ ઉગમણાને બદલે આથમણા થોડા ઊગવાના હતા ? આ તો સોનીભાઈના કજિયા જેવી વાતું... ઘેરે પૂગીશ એટલે ખબર પડશે—'

ટીહાને વહેમ ગયો કે વઢકણા સ્વભાવની હરખ આજે કોઈ પડોશીની કજિયો ઉછીનો લઈ આવી હશે તેથી એણે સચિંત અવાજે પૂછ્યું :

‘ગોરબાપા ! મારા ઘરમાંથી કોઈ હાર્યે વઢી આવી છે ?’

‘તારી ઘરવાળી તો મઢેલ માણહ છે; ઈ કાંઈ અવચારું કામ નો કરે—’

‘તંયે કોણે અવચારું કામ કર્યું ? મારી સંતુએ ?’

‘થઈ જાય ભૂલથી. જુવાન લોઈ કોને કિયે ?’

સાંભળીને ટીહાએ નદીના મધવહેણમાં જ ગાડું થોભાવી દીધુ.

‘ગોરબાપા ! સરખી વાત તો કરો ? હું તો શિરામણ ટાણાનો શાપર ગ્યોતો, વાંહેથી શું થઈ ગયું ? વાત તો કરો !’ ​ ‘ભાઈ ! વાતનું તે વતેસર થાય.’ કહીને રઘાએ કુશળતાથી આખી વાતને વળ ચડાવ્યા : ‘આ તો પેટમાં જ સંધરવા જેવી વાત છે. પારકે કાને જાય તો આબરૂના કાંકરા થાય—’

રઘા જેવા ચૌદશિયાને મોઢેથી આવાં વેણ સાંભળીને ટીહાના મનમાં ભય પેસી ગયો. નક્કી આ લોકોએ કાંઈક હોળી સળગાવી છે.

‘સંતુ છે જરાક મોઢે ચઢાવેલ, ગોરબાપા ! કાંઈ આડુંઅવળું બોલી ગઈ છે ?’

‘બાપુ, મોઢે ચડાવેલ હોય ઈ જણ્યાં ઘરમાં પોહાય, ગામમાં નંઈ—’ કહીને રઘાએ છેલ્લો મમરો મૂકી દીધો : ‘મોઢે ચડાવેલ તો માથાં વઢાવે—’

‘સરખી વાત તો કરો મને ! હું છોકરીને ઠપકો આપીશ—’

‘ઠપકો  ! ઠપકા આપ્યે હવે શું વળે ? હવે તો તારે કર્યા ભોગવવાનાં !’

‘છોકરી કાંઈ કુડું કરી બેઠી છે ?’ ટીહાએ પૂછ્યું.

ઘઉં ભરેલા બચકા જેવા ધોળા ફૂલ ડિલ ઉપર ગુંદાસરની જ ધૂળખાણની રાતી ધૂળને સાબુ તરીકે ઘસતાં ઘસતાં રઘાએ કહ્યું :

‘સંતુએ તો સાવજને છંછેડ્યો છે.’

‘હેં ! શું કીધું?’

‘સાવજનો અરથ સમજ છ કે નંઈ ?’ રઘાએ આ અભણ ખેડૂત ઉપર પોતાનો રુઆબ છાંટ્યો. ‘સંસ્કૃતમાં સાવજ એટલે શાદૂળ—’

‘આપણા શાદુળભા બાપુ ?’

‘નંઈ તો બીજા કોણ વળી ? સાવજ એટલે તો વનનો રાજા. ને રાજા કેટલા હોય ગામમાં ?...બીજા કોઈને નંઈને શાદુળભાને જ સંતુએ છંછેડ્યા.’

‘કેમ કરતાં પણ ?'

‘ભાઈ ! ઈની વાત કાંઈ કર્યા જેવી નથી. પણ હવે ઘરનો ​ગળ ઘરમાં જ ચોળી હોય તો ઘેર પૂગતાં વેંત એક કામ કરજે—’

‘શું?’

‘શાદૂળભાની લાકડી સંતુ આંચકી ગઈ છે. હવે હંધુય ભીનું સકેલવું હોય, ને ગામગોકીરો નો કરવો હોય તો ઈ લાકડી ઝટ મારી હોટરે પોંચતી કર્ય.’

‘જાતાંવેંત પોંચતી કરું. પછે કાંઈ?’

‘બસ, પછે તારી માથે ઘીના ઘડા. બાકીનું આ રઘો સંભાળી લેશે.’ કહીને રઘાએ અત્યારે સૂર્ય તો ક્યારને ડુબી ગયેલ છતાં નાક દાખીને મોટા સાદે ગાયત્રી ગાંગરવા માંડી.

ટીહાએ ઢાંઢાનાં પૂછડાં આમળ્યાં ને ઝટ નદી બહાર કાઢ્યા. પછી તો, ગામનું પાદર આવી પહોંચતાં, બળદોએ આપમેળે જ વેગ પકડ્યો, છતાં ટીહાએ એમને આર ઘોંચી ઘોંચીને વધારે વેગીલા બનાવ્યા. એને ઉતાવળ હતી, રઘાએ સૂચવ્યા પ્રમાણે ગામના સાવજ શાદૂળનું સાંત્વન કરવાની.

ટીહાની ગણના, ગુદાસરનાં ‘ધંહાઈ ગયેલ ખોરડાં’માં થતી. એના બાપની વારીમાં સારી ઘરખેડ હતી, પણ ઉપરાછાપરી બેત્રણ નબળાં વરસ આવ્યાં એમાં ઘર ઘસાઈ ગયું; ધીમે ધીમે ધરખેડ હાથથી ચાલી ગઈ ને ટીહાને તો પારકાના સાથી તરીકે કામ કરવાના દિવસો આવી ગયા. વર્ષો જતાં એ કામ પણ એને ન ફાવ્યું ને ખાણમાંથી પથ્થર સારવા એણે ગાડું ફેરવવા માંડેલું. આ સાલ એને શહેરમાં થતાં બાંધકામમાં રેતી પૂરી પાડવાનું સારું કામ મળી ગયેલું, તેથી આ વ૨સ તો રોટલાપાણી અંગે એ નચિંત થઈ ગયેલો.... અત્યારે પણ આવી નચિંત મનોદશામાં એ રેતી ઠાલવીને પાછો આવતો હતો, પણ રઘા ગોરે એને સંતુ અને શાદૂળ વિષેની અસ્પષ્ટ અને મભમ વાત કરીને સચિંત બનાવી દીધો હતો.

ટીહો જેવો ઘરનો તેવો જ હાડને પણ રાંક હતો. તેથી તો ​ગમે તેવા સપાઈસપરાં પણ એને વેઠે પકડી જતાં. ચોરામાં કોઈ મામૂલી તલાટીનો ઉતારી થાય ત્યારે એની તહેનાતમાં ટીહાને મુકવામાં આવતો. માત્ર અમલદારો જ નહિ, ગામના માણસો પણ ટીહા પાસેથી આવી સેવાઓ લેતા. નાતના પટેલ ભવાનદાને ઘેરે મહેમાન હોય ત્યારે ટીહો એમને માટે બૂંગણ પાથરે, ધડકીઓ બિછાવે ને અવૈતનિક ખાતરબરદાસ્ત કરે. દરબારની ડેલીએ ખોરડા ચાળવાનાં હોય ત્યારે ટીહાએ જવું પડે. એનું રાંક હાડ એના નિખાલસ ચહેરા ઉપર મુર્તિમંત થતું હતું. આ સરળહૃદયી માણસ રઘાએ કહેલી વાતથી અસ્વસ્થ થઈ જાય એમાં શી નવાઈ ?

પોતાના ભાવિ અંગે આ ભય અનુભવતો અને સંતુ પ્રત્યે ચિડાતો ચિડાતો ટીહો બળદની પીઠ ઉપર પરોણા સબોડી રહ્યો. ઝડપભેર પોતાની ખડકી સુધી જઈ ડેલીનાં બારણામાં જ એણે ગાડું થોભાવી દીધું.

પોતાની ગેરહાજરી દરમિયાન શા મામલો મચી ગયો છે એ જાણવા સારુ ટીહો અદ્ધર શ્વાસે ડેલીમાં દાખલ થયો ત્યારે એણે બે દૃશ્યો જોયાં : 'સંતુ ફળિયામાં બાંધેલી કાબરી વાછડીને કડબ નીરીને એની પીઠ પંપાળતી હતી; હરખ ઓસરીમાં ઊભી ઊભી પુત્રીને ઉદ્દેશીને કુપિત સ્વરે પૂછતી હતી : લાકડી પાછી નહિ સોંપી આવ્ય તો કાલ્ય સવારે બેડા વિના પાણી શેનેથી ભરીશ ?”

ટીહાએ આ બન્ને દૃશ્ય જોયાં. પ્રમથ દૃશ્ય બહુ પરિચિત હતું. આ દામ્પત્યમાં થોડું કવિતા જેવું પણ હતું. હરખ પરણીને આવી ત્યારે પિયરમાંથી એક ગાય પણ સાથે લેતી આવેલી. એ કાબરી ગાય તો મને કરિયાવરમાં મળી છે, એમ હરખ સહુને હરખભેર કહેતી. એ કાબરી ગાયને એક એવી જ કાબરી વાછડી થયેલી. આ મુગ્ધ દંપતીને મન એ વાછડીમાં અને સંતુમાં ઘણું સામ્ય હતુ. હરખ પોતાની પિયરઘરની ગાય જોડે એક વિચિત્ર ​પ્રકારનું તાદાત્મ્ય અનુભવતી, પોતાનાં અને કાબરીનાં સંતાનો લગભગ તેવતેવડાં હતાં. નર્યો અકસ્માત જ હતો, છતાં એ હકીકત હતી કે હરખ પ્રસૂતિમાંથી ઊઠી કે તુરત કાબરી પણ વિયાતી. સમયાંતરનું આ આકસ્મિક સામ્ય માત્ર સગાંવહાલાંઓને જ નહિ, ગામલોકોને પણ યાદ રહી ગયું હતું, અને તેથી કેટલીક ટીખળી ડોશીઓ તો ટકોર પણ કરતી કે હરખની ને કાબરીની ઊંબેલ સાવ સરખી ! હરખ આનો જવાબ પણ પોતાની લાક્ષણિક ઢબે જ આપતી : ‘સરખી તો હોય જ ને ! કાબરી તો મારી બેન મારી ભેગી કરિયાવરમાં આવી છે.’

હરખની આ ‘બહેને’ આરંભમાં બે વાછડા આપ્યા. એમને ધુંસરી નાખવાને બદલે હરખે પડખેના ગામમાં એક સોનીને ઘેર લીલ પરણાવવામાં સોંપી દીધા. એ પછી જે વાછડી આવી એ તો આબેહૂબ કાબરીની જ અનુકૃતિ જોઈ લો ! રૂપ, રંગ, ટીલાટપકાં, બધી બાબતમાં એ એની માની જ ‘કાર્બન કૉપી’ જેવી હોવાથી હરખે એનું નામ પણ કાબરી જ પાડેલું.

‘કાબરી જુનિયર’ જેવી આ રૂપાળી વાછડી સંતુની ગોઠિયણ બની રહેલી. સંતુ એનાં લાલનપાલન કરતી, એની જોડે ગેલ કરતી અને હરખની જેમ જ આ નાની કાબરી જોડે એ તાદાત્મ્ય અનુભવી રહેતી.

મોટી કાબરી વસૂકી ગયેલી ત્યારે ટીહાએ સ્વાભાવિક જ સૂચવેલું, ‘કાબરીને હવે માજનવાડે મેલી આવું,’ ત્યારે હરખે આંખ કાઢીને પતિને વેધક પ્રશ્ન પૂછ્યો : ‘તો તો મને ય કો’ક દી માજનવાડે મેલી આવશો !’ ત્યાર પછી એ જનાવરે ટીહાની જ કોઢમાં શેષ આયુષ્ય પૂરું કરેલું. એના સંભારણા સમી નાની કાબરી મોટી થઈ અને સંતુને એની જોડે માયા બંધાઈ ત્યારે એક દિવસ અનાયાસે જ હરખથી બોલાઈ ગયેલું : ‘અલી ! તને કાબરી ઉપર આટલું બધું વહાલ છે, તો મારે તને કરિયાવરમાં ભેગી વળાવવી પડશે, ત્યારે સંતુએ હરખાતાં હ૨ખાતાં કહેલું : ‘મા ! ​હવે આ બોલ્યું વેણ બરાબર પાળજે—’

આ વાતચીત થયા પછી સંતુએ કાબરીને જુદી જ નજરે અવલોકવા માંડેલી. વાછડીના વિકાસમાં એણે શિષ્ટ ૨સ લેવા માંડેલો, અને એક દિવસ ધનિયો ગોવાળ આવીને કહી ગયો : ‘હવે કાબરીને ધણમાં મેલતાં થાવ, તો ઈ નો વસ્તાર વધે—’ ત્યારે સંતુએ લજ્જાયુક્ત રોમાંચ અનુભવેલો. એ પછી રોજ સવારે ઊઠીને સંતુ જ કાબરીને ખીલેથી છોડતી અને એને ગામની ભાગોળે જઈને ધનિયા ગોવાળને સોંપી આવતી. સાંજે ધણ પાછાં વળવા ટાણે સંતુ ઉત્કંઠ બનીને કાબરીની પ્રતીક્ષા કરતી અને શેરીને નાકેથી એ ભાંભરતી સંભળાય કે તરત પોતે સામી દોડી જતી ને કાબરીને પંપાળતી પંપાળતી ડેલીમાં દોરી લાવતી, એની મખમલ જેવી રૂંવાટી ઉપર હાથ ફેરવતી, કાનમાંથી બગા વીણતી,’ ‘અરર ! મારી કાબરીને આ કેવી કરડતી હશે ? ને આ મૂંગુ જનાવર પણ પોતાની સારસંભાળ લેનાર પ્રત્યે એટલો જ પ્રેમ વ્યક્ત કરતું. સંતુના હાથ, પગ, અને ડોક ઉપર કાબરી એની જીભ ફેરવતી ત્યારે સંતુ એક મધુર ધ્રુજારી અનુભવી રહેતી.

ટીહાએ આ દૃશ્ય જોયું, સંતુ અને કાબરી જાણે કે એકબીજાંને આલિંગીને ઊભાં હતાં...

અને ટીહાએ બીજુ દૃશ્ય પણ જોયું. હરખ એની આદત મુજબ હાથ લાંબાટૂંકા કરીને પુત્રીને સંભળાવતી હતી : ‘લાકડી પાછી નહિ સોંપી આવ્યા તો કાલ્ય સવારે બેડા વિના પાણી શેનેથી ભરીશ ?’