લોકમાન્ય વાર્તાઓ/વેળાવેળાની છાંયડી

વેળાવેળાની છાંયડી

એક વેળાના મોટા ને મોભાદાર ખોરડાની આબરૂ ઢાંકવાને કોઈ આરોવારો ન રહ્યો ને ઓતમચંદ જેવો ભડ વેપારી પણ આર્થિક ભીડમાં મતિ મૂંઝાઈ જતાં આંધળોભીંત થઈ બેઠો ત્યારે ચતુરસુજાણ લાડકોરે પતિને હિંમત આપી: ‘તમે ચાર છોકરાંના બાપ ઊઠીને આમ સાવ પોચા કાં થઈ જાવ? હોય ઈ તો. મલકમાં બીજા કોઈને વેપારમાં ખોટ નંઈ આવતી હોય? દુનિયા આખીમાં કોઈ દેવાળાં નંઈ કાઢતાં હોય? વેપારધંધા કોને કિયે? આ તો તડકાછાંયા છે. કાલ સવારે છોકરાંના નસીબ ઊઘડશે તો પાછાં ખાતાંપીતાં થઈ જાશું. દી આવતો થાશે તો ઈ જ અગાશીવાળી મેડી લઈ લેતાં કેટલી વાર?…’ ઓતમચંદ જાણે કશું સાંભળતો જ ન હોય એમ શૂન્યમનસ્ક બેઠો બેઠો, મહિને સવા બે રૂપિયાને ભાડે લીધેલા ધૂળિયા ખોરડાની ઊખડી ગયેલી ગારના પોપડા નખ વડે ખોતરી રહ્યો હતો. પતિની મૂંઝવણ ઓછી કરવા લાડકોરે આજ ઉપરાઉપરી ત્રીજી વાર સૂચન કર્યું: ‘તમે ઈશ્વરિયે મારા દકુભાઈ પાસે જઈને વાત તો કરો. તમારો હાથ પાછો નંઈ ઠેલે, હો.’ ઓતમચંદે ત્રીજી વાર પણ મક્કમતાથી ઈનકાર કર્યો: ‘કોઈનું આપ્યું ને તાપ્યું કેટલા દી બેઠું રિયે?’ ‘પણ ક્યાં કોઈ પારકા પાસે માગવા જાવું છે? આ તો મારો માનો જણ્યો દકુભાઈ–’ ‘ભાણાની ભાંગે, ભવની નહીં.’ ઓતમચંદે મિતાક્ષરી ઉત્તર આપ્યો. ‘અટાણે તો ભાણાની ભાંગે તોય ભગવાનનો પાડ માનવા જેવો સમો છે.’ લાડકોરે ઘરની કંગાલિયત એક જ વાક્યમાં રજૂ કરી દીધી. પછી એનો વિગતે સ્ફોટ કર્યો: ‘રાતે મનુડાને રોટલીને બદલે ખાખરો આપ્યો તી ભાવ્યો નંઈ ને ભૂખ્યે પેટે સૂઈ ગ્યો. ચંપલીને વાટકામાંથી બટકે ઘી ચડાવીને ખાવાની ટેવ, તી હવે કોળિયા ગળે ઠહકાય છે. શેજાદાઓને તમે ટેવું પણ બવ સારી પાડી છે!’ ‘બચારાં ગભૂડાં કાંઈ સમજે છે?’ ઓતમચંદે સહાનુભૂતિથી કહ્યું: ‘એક વાર તો શેજાદાંથીય સવાયાં હતાં ને? આપણો સમો બદલ્યો એમાં એનો શું વાંક?’ ‘એટલે તો કહું છું કે બીજા કોઈ સારુ નંઈ તો ઈ પહુડાંની દયા ખાઈને પણ દકુભાઈને વાત કરો. સગો મામો ઊઠીને ભાણજાવને ભૂખ્યાં નંઈ રેવા દિયે. સાસ્તરમાં સો ભામણ બરાબર એક ભાણેજ કીધો છે.’ લાડકોરે ‘મારો દકુભાઈ‘ની જ્યારે મોંપાટ જ લેવા માંડી ત્યારે ઓતમચંદથી ન રહેવાયું. એણે હાથનો પોંચો સીધો કરીને પૂછ્યું: ‘આ શું કહેવાય?’ ‘આંગળાં, બીજું શું?’ ‘ને આ? –’ ‘નખ, વળી.’ ‘બરાબર. પણ નખ આંગળીથી કેટલા છેટા છે?! એટલામાં સંધુંય સમજી જા.’ ઓતમચંદે ભારેખમ મોંએ ચુકાદો આપી દીધો. ‘તમે તમારી તો લાજ ખોઈ, પણ હવે મારી લાજ ખોવા બેઠા લાગો છો!’ લાડકોરે છણકો કર્યો: ‘મારો માનો જણ્યો દકુભાઈ સગી બેન હારે આવી જુદાઈ જાણતો હશે? તમે મારાં પિયરિયાંને સાવ ભૂખ સમજી બેઠા છો?’ ‘ભગવાન કોઈને ભૂખ ન આપે!’ ઓતમચંદે સ્વાનુભવથી દુઆ ગુજારી. પછી ઉમેર્યું: ‘પણ હું તો એમ કહેતો’તો કે એવા પારક ઘીએ ચૂરમાં થાય ખરાં? માગતાં તો મુકતાફળ મળે, પણ ભીખને માથે ભઠ.’ ‘વાહ રે તમારી શેઠાઈ! સગા ભાઈ આગળ બેન હાથ લાંબો કરે એ તમારે મન માગ્યું કે’વાતું હશે! અમે કળોયાં તો જીવીએ ત્યાં લગી ભાઈ પાસે માગીએ. અમારો તો લાગો લેખાય ને વળી મારા દકુભાઈનો હાથ તો હવે પોંચતો થયો છે. આ ખેપે તો મોલમિનથી ગાંહડા ને ગાંહડા ઢરઢી આવ્યો છ. દહકો આવતો થયો તો કેવો તરી ગયો, જોતા નથી? મારી સમરથભાભીને તો સૂંડલે સોને પગથી માથા સુધી મઢી દીધી છ ને મારા ભત્રીજા બાલુ સારુ તો મોટા મોટા નગરશેઠિયાની છોકરિયુંનાં નાળિયેર ઉપરાઉપરી પછડાયા કરે છ, ઈ તમે જાણો છો?’ ‘હા, હમણાં ટોપરાંનું બજાર તેજ છે ખરું! મને ખબર નહીં કે તારા દકુભાઈએ નાળિયેરનો ખેલો માંડ્યો છે!’ આફત ને ચિંતાથી ઘેરાઈ ગયેલા ઓતમચંદમાંથી રમૂજવૃત્તિએ હજી વિદાય લીધી નહોતી. આમ મોડી રાત ધણી-ધણિયાણીએ ઈશ્વરિયે જવાની ચર્ચામાં વિતાવ્યા બાદ આખરે, લાડકોરનું મન સાચવવા તથા પરદેશની કમાણીથી શાહુકાર બનેલા સાળાનો દાણો દાબી જોવાના ઉદ્દેશથી ઓતમચંદ ઈશ્વરિયે જવા તૈયાર થયો. જામેલા વેપારના ચડતા દિવસમાં વછિયાતી ઉઘરાણી પાછળ જે ઘોડી પરથી જીન ન ઊતરતાં એ પવનવેગી ‘ચંદરી’ને તો દેવાળું જાહેર થયા પછી લેણદારો જપ્તીમાં લઈ ગયા હતા. પગે પંથ કાપવાનો હતો. ઘરમાં ઘી જેવી ચીજનો તો સ્વાદ જ જાણે કે ભુલાઈ ગયો હતો તેથી ગોળપાપડીનું ભાતું બાંધવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે સાથવાનો સૂકો ભૂકો ને ગોળનો ગાંગડો બાંધીને ઓતમચંદે ઈશ્વરિયાનો કેડો લીધો. સૂરજનો તાપ શું કહેવાય એની જેને જાણ નહોતી એ ઓતમચંદ આજે વખાનો માર્યો ટાંટિયા ઢસરડતો મારગ કાપી રહ્યો હતો. આખે રસ્તે એક ફિલસૂફની પરલક્ષીતાથી પોતાના ભૂતકાળને એ વાગોળી રહ્યો હતો. જામતા વેપારની વધારે પડતી આશામાં પોતે જંજાળ વધારી મૂકી અને ઊંચી શાખ પર આવતી હૂંડીપત્રીઓનો કોઈ હિસાબ જ ન રહ્યો. પોતાની શાખ એવી તો જામી કે રાંડીરાંડો અને ધર્માદા સંસ્થાઓ પણ સલાતમી ખાતર ઓતમચંદની જ પેઢીએ ધીરધાર કરવા લાગી. કમનસીબે દેશાવરની એક મોટી આસામી ડૂલી એમાં ઓતમચંદને ભારે ફટકો લાગી ગયો અને જંગી રકમ સલવાઈ રહી. કોઈ હાંડલાં ફોડોએ લાગ જોઈને ગપ હલાવી કે ઓતમચંદ પાઘડી ફેરવવાના વેતમાં છે. ઓતમચંદ પેલો ધક્કો તો ગમે તે જોગવાઈ કરીને ખમી ખાત, પણ આ ગપ ઊડતાં, બેન્ક પર દરોડો પડે એમ, પેઢી પર હૂંડી-પત્રીવાળાઓનો દરોડો પડ્યો. દૂધ-ચોખા અકબંધ રાખીને દેવાળું કાઢવાની કરામતોનો ઉદય થવાને હજી વાર હતી. ઇન્સોલ્વન્સી એક્સ્પર્ટ્સ(દેવાળા-નિષ્ણાતો)ની વિશિષ્ટ સેવાઓ હજી સરજાઈ નહોતી, એ જમાનાની આ વાત. ઓતમચંદે નેકીને નજર સામે રાખીને પહેલવહેલી પતાવટો તો વિધવાઓ ને ધર્માદા સંસ્થાઓની કરી, પણ પોતે એટલો બધો ઘેરાઈ ચૂક્યો હતો કે પહોંચી વળવું મુશ્કેલ હતું. ‘ઘર, ઘરેણાં ને ઘાઘરી’ એ કહેવતના ત્રણેય ‘ઘ’ વેચીને પણ ચૂકવાય એટલું ચૂકવ્યું અને પછી ઠામનાં થોડાં ઠોસરાં લઈને કૂબા જેવા ઘરમાં વાસ કર્યો. ‘વેળા પડી છે ને!’ ઓતમચંદ અંતર્મુખ બનીને વિચારતો હતો: ‘વેળા કરે એવું કોઈ ન કરે…’ અને તરત દકુભાઈનું ચિત્ર આંખ સામે ખડું થતાં એ માણસનો આખો ભૂતકાળ પણ ઓતમચંદની નજર સામે તરવરી રહ્યો. ઈશ્વરિયાના એક મેમણ શેઠિયાએ મોલમિનમાં ચોખાની મિલ નાખેલી, એમાં પેટવડિયા વાણોતર તરીકે એ બેકાર માણસ બર્મા ગયેલો. અનેક કાળાંધોળાં કરીને દકુભાઈ શી રીતે આગળ આવેલો અને ભોળિયા શેઠિયાને ભોળવીને એક દાયકામાં દકુએ પેઢી પર કેવો હાથ મારેલો એ હકીકત ઓતમચંદ જાણતો હતો. એનું અણહક્કનું નાણું પોતાના ઘરમાં ન પ્રવેશે એની ઓતમચંદે આજ સુધી ભારે તકેદારી રાખી હતી. આજે લાડકોરે એને ધક્કો મારીને ઈશ્વરિયે મોકલ્યો હતો એ બદલ ઓતમચંદ ક્ષોભ તેમ જ ભય બંને અનુભવતો હતો. દકુભાઈએ જેનું નામ ‘દીવાનખંડ’ પાડ્યું હતું એ ઓરડો અત્યારે મહેમાનોથી ભરચક્ક હતો. બાલુનું નાળિયેર લઈને એક મોટા ગામના નગરશેઠ આવ્યા હતા. ઓરડાની સજાવટમાં દકુભાઈએ લગારે કચાશ રાખી નહોતી. બર્મી જીવનનું નાનું સરખું પ્રદર્શન જ જાણે કે અહીં ગોઠવાઈ ગયું હતું. ભીંત પરનાં ચિત્રોમાં બર્મી નિસર્ગદૃશ્યો ને બર્મી રૂપસુંદરીઓ; ભોંયે બિછાવેલી જાજમ અને એની ઉપરનો ગાલીચો બર્મી બનાવટનાં; પાનસોપારીની તાસક અને ડબ્બાનું નકશીકામ પણ બર્માનું. કાચના કબાટમાં દેખાતાં કાષ્ઠ કોતરકામનાં રમકડાંયે બર્મી. દકુભાઈના ભાવિ વેવાઈઓને આ ઝળહળાટે આંજી નાખ્યા હતા. દકુભાઈ વાતચીતમાં દર ત્રીજે વાક્યે હેન્ઝાડા, પ્રોમ ને અક્યાબનો ઉલ્લેખ કરતા હતા. ‘અમારે મોલમિનમાં –’ એ એમનો જપતાલ હતો. બદામપિસ્તાં અને ચારોળી મિશ્રિત કઢેલાં કેસરિયાં દૂધ કાચનાં કપરકાબીમાં ગોઠવાઈને આવ્યાં ત્યારે તો મહેમાનોનાં આશ્ચર્ય અને અચંબાની અવધિ આવી રહી. કુતૂહલથી જ પૂછાઈ ગયું: ‘દકુભાઈ શેઠ, આ ઠામ વળી કઈ ધાતુનાં?’ ‘ધાતુ નથી; કાચ છે કાચ! ફણફણતાં દૂધ રેડો તોય હાથ નો દાઝે!’ દકુભાઈએ મોં પર આવશ્યક ભાર રાખીને કહ્યું. કાઠિયાવાડમાં એકાદબે રેલવે જંક્શનોના પહેલા-બીજા વર્ગના રિફ્રેશમેન્ટ રૂમ સિવાય બીજો ક્યાંય કાચનાં વાસણોનો વિસ્તાર નહોતો વધ્યો એ દિવસોની આ વાત. મહેમાનના કુતૂહલનો પાર ન રહ્યો. સ્વાભાવિક શંકાથી જ પુછાઈ ગયું: ‘મોઢે માંડવામાં ધરમનો કાંઈ બાધ નહીં ને?’ આખા ઓરડાને ભરી દે એટલું બધું દકુભાઈ હસી પડ્યા. બોલ્યા: ‘અમારે મોલમિનમાં તો કાચની જ થાળી ને કાચનાં જ કચોળાં. અમારે મોલમિનમાં તો કુલ હોલ ઇંગ્લિશ સ્ટાઇલમાં જ રે’વાનું.’ મહેમાનોમાં, સાપના કંડિયા જેવી આંટીઆળી પાઘડી બાંધીને બેઠેલા એક વૃદ્ધે આના પર ટિપ્પણ કર્યું: ‘સાસ્તરમાં કીધું છે કે કળગજમાં જેના ઘરમાં સવાશેર કાંસું રહેશે એ શાવકાર કે’વાશે…હવે તો આ કાચનાં ઠીકરાં હાલી મળ્યાં છે ઠીકરાં.’ દકુભાઈએ આ કથનનો જડબાતોડ જવાબ આપ્યો: ‘આ કાચ તો કાંસા કરતાં ક્યાંય મોંઘો છે શેઠ!’ બરોબર આ વખતે દીવાનખંડના બારણામાં ઓતમચંદ આવી ઊભો. એના દીદાર એવા હતા કે ઘડીકમાં એને ઓળખવો પણ મુશ્કેલ પડે. પગપાળા કાપેલા લાંબા પંથે એના ઉઘાડા પગની ઘૂંટી સુધી ખેતરાઉ ધૂળના થથેરા લગાવી દીધા હતા. પેટમાં પડેલ વેંત એકના ખાડાને કારણે આંખો ઊંડી ઊતરી લાગતી હતી. દિવસોની વધેલી દાઢી ધૂળિયા મારગે રજોટાતાં આખો દીદાર વિચિત્ર દેખાતો હતો. દકુભાઈ વેવાઈઓ સમક્ષ પોતાની સમૃદ્ધિ અને શાહુકારીનું વર્ણન કરી રહ્યા હતા એ જ ઘડીએ, દેવાળું કાઢીને દરિદ્ર બનેલા બનેવીએ બારણામાં દેખાવ દીધો તેથી દકુભાઈને એવી તો દાઝ ચડી કે મૂંગી ચીડમાં એમની આંખો ચાર થઈ ગઈ. કૂતરું વડચકું ભરે એમ દકુભાઈ તાડૂક્યા: ‘ટાણું-કટાણું કાંઈ જુવો છો, કે પછી હાલી જ નીકળ્યા છો ભાતું બાંધી ને?’ કઢેલા દૂધના કટોરાની જ્યાફત જોઈને જ ઓતમચંદ ડઘાઈ ગયો હતો, એમાં દકુભાઈને મોંએથી આવો અણધાર્યો ટોણો સંભળાતાં એ ગમ ખાઈ ગયો. એની થાકેલી આંખો સામે લાલ, પીળો ને વાદળી ત્રણેય મૂળ રંગોની મેળવણીઓ થવા લાગી. દકુભાઈથી આ ટોણો મારતાં તો મરાઈ ગયો, પણ પછી એમને ભાન થયું કે ભાવિ વેવાઈઓ સમક્ષ પોતાનું આવું ઉદ્દંડ વર્તન ખાનદાનીના દેવાળામાં ખપશે. બનેવીએ તો આર્થિક દેવાળું કાઢ્યું છે, પણ હું સજ્જનતાનો દેવાળિયો પુરવાર થઈશ. તુરત એમણે બગડી બાજી સુધારી લેવા કહ્યું: ‘ઓશરીમાં વિહામો ખાવ જરાક.’ ઓતમચંદ દીવાનખંડમાંથી પાછો ફરીને થાક્યોપાક્યો ઓશરીમાં બેસી ગયો. બેસતાં બેસતાં મનોમન ગણગણ્યો: ‘વગર પૈસે ખાવા જડે એવી ચીજ તો એક વિહામો જ છે ને?’ ‘વાણિયો ભારે હાથભીડમાં આવી ગ્યો બચારો.’ મહેમાનોમાંથી એક જણાએ ઓતમચંદને ઓળખી કાઢતાં, દકુભાઈ સમક્ષ દિલસોજી વ્યક્ત કરી. ‘હાથે કરીને હાથભીડમાં આવે એમાં કોઈ શું કરે?’ દકુભાઈએ જવાબ આપ્યો. પછી ઉમેર્યું: ‘ગજું માપ્યા વિના મોટા વેપલા કરવા જાય પછી તો આમ જ થાય ને? આજ તો સહુને લખપતિ થઈ જાવું છે, પણ રૂપિયા એમ ક્યાં રેઢા પડ્યા છે? આ અમે પંડ્યે કાચાં માથાં લઈને મોલમિન ખેડ્યું તંયે આ આવતો દી જોવા પામ્યા છંયે.’ ઓશરીમાં બેઠેલો ઓતમચંદ આ અપમાન બદલ સાળાને નહીં પણ પત્નીને દોષ દઈ રહ્યો હતો; દકુભાઈ પર નહીં પણ લાડકોર પર મનમાં રોષ ઠાલવી રહ્યો હતો. આજે બાલુના વેવિશાળની ખુશાલીમાં લાપશી-ભજિયાંનું મિષ્ટાન્ન રંધાઈ રહ્યું હતું. રસોડામાંથી સમરથવહુ ચૂલે તવો મૂકીને ભજિયાં તળવાનું તેલ ઓશરીમાંના ખાણિયામાંથી કાઢવા હાથમાં બરણી લઈને બહાર આવી. ઓશરીમાં ઘૂડ પંખીની જેમ બેઠેલા નણદોઈ પર નજર પડતાં એણે હાથ એકનો ઘૂમટો તાણ્યો અને હળવેકથી ખાણિયા પરની પથ્થરની ચાકી ખેસવી, ઝટ ઝટ એમાંથી તેલની બરણી ભરીને, નણદોઈની હાજરીમાં શરમાતી – સંકોચાતી રસોડામાં દોડી ગઈ. કેડ સમાણા ઊંડા તેલના ખાણિયા પર ચાકી ગોઠવીને ફરી ઢાંકવા પણ એ ન રોકાઈ. એણે મનમાં વિચારેલું, ‘પછી નવરી થઈશ ત્યારે ઢાંકી દઈશ.’ થોડી વારે બજારમાંથી બાલુ આવી પહોંચ્યો. એના બન્ને હાથમાં અકેકી ફાંટ હતી. એક ફાંટ એણે સીધી રસોડાના ઉંબરા ઉપર ઠલવી. એમાંથી કેળાં, રીંગણાં, તૂરિયાં અજમાનાં પાંદડાં વગેરેનો ઢગલો થયો. બીજી ફાંટ જરા ભારે વજનવાળી હોય એમ બાલુના મોની તંગ રેખાઓ કહી આપતી હતી. રસોડામાંથી તેમ જ દીવાનખંડમાંથી એકીસાથે સમરથવહુ તેમ જ દકુભાઈના અવાજો ઓતમચંદે સાંભળ્યા. સમરથવહુએ ધીમો છણકો કર્યો: ‘મારા તવાનું તેલ બળી ગયું તંયે તું શાક-પાદડાં લઈ આવ્યો. એ હું કંયે એનાં પતીકાં કરીશ ને કંયે ભજિયાં ઉતારીશ!’ દકુભાઈએ પૂછ્યું: ‘સોમેસરગોરને બરકી આવ્યો?’ ‘આવું છું એમ કીધું.’ બાલુએ જવાબ આપ્યો. ‘એમ આવુ છું નહીં ચાલે મારે ઘેર, કહી દે એને, આવવું હોય તો કંકાવટી લઈને અબઘડીએ જ આવી જાય. આ કાંઈ નાતનાં લાહાં ખોરડાં માંઈલું ખોરડું નથી. જા ઝટ, ઊભાઊભ પાછો જા, ને એને ભેગો જ લેતો આવ્ય!’ દકુભાઈના શંકિત માનસમાં શંકા પેઠી હતી કે થનાર વેવાઈઓ સમક્ષ ઓતમચંદની દરિદ્રતાનું જે કમનસીબ પ્રદર્શન થઈ ગયું છે એ જોઈને વેવાઈઓ કદાચ બાલુ જોડે સગપણ કરવાનો નિર્ણય ફેરવી બાંધશે! ‘સારા કામ આડે સો વિઘ્ન’ એમ વિચારી, ઓતમચંદે ઊભા કરેલા વિઘ્ન બદલ એના પ્રત્યે મૂંગે મોઢે ચીડમાં દાંત કચકચાવતાં એણે આ શુભ કાર્ય ઝટપટ આટોપી લેવાનું નક્કી કર્યું. બાલુ પણ કપાળ કંકુઆળું કરાવવાની યૌવનસહજ ઉત્સુકતાથી બીજી થેલી પટારામાં મૂકવા રોકાયા વિના, ખાણિયા પાસે જ મૂકતોકને જે ઝડપે આવ્યો હતો એથીય વધારે ઝડપે સોમેશ્વર મહારાજને તેડવા દોડ્યો. દીવનાખંડમાં ખાલી થયેલા દૂધ-કટોરા ફરી ભરાતા હતા. દકુભાઈ મહેમાનોનાં કાંડાં મરડીમરડીને અને મીઠાં સમસગરાં દઈ-દઈને દૂધ રેડાવી રહ્યા હતા. આ બધા વાતાવરણે ભૂખ્યા ડાંસ ઓતમચંદને ઓશરીમાં જાણે કે સો સો કીડીઓના ચટકા ભરાવ્યા. આ હીણપતભર્યા વાતાવરણમાં એક ઘડી પણ હાજર રહેવાનું અસહ્ય લાગતાં એ ઊભો થઈ, કોઈને પણ જાણ કર્યા વિના ડેલી બહાર નીકળી ગયો અને ઝડપભેર પોતાના ગામને કેડે ચડીને પંથ કાપવા લાગ્યો. થોડી વારે ઓશરીમાં ‘વવ વવ’ કરીને ઝઘડતા બે બિલાડાઓએ એવી તો ધમાચકડી મચાવી મૂકી કે કશુંક પછડાવાનો ભફાક કરતોકને અવાજ ઊઠ્યો. દકુભાઈએ સોપારી વાંતરતાં વાંતરતાં રાડ નાખીને સમરથવહુને પૂછ્યું: ‘એ…શું પડ્યું?’ રસોડામાંથી જ સમરથવહુએ જવાબ આપ્યો: ‘ઈ તો મીંદડે-મીંદડાં વઢે છે, મૂવાં…’ વાત વિસારે પડી. રોંઢો નમતાં ઓતમચંદે અરધો પંથ કાપી નાખ્યો. કઢેલા દૂધની સોડમ નાકમાંથી દૂર થતાં, લાડકોરે પ્રેમપૂર્વક સાથે બંધાવેલો સાથવો એને યાદ આવ્યો. નદીનું ખળખળિયું આવતાં ઝાડનો છાંયો શોધીને એણે સાથવો છોડ્યો. દકુભાઈના દીવાનખંડના દૃશ્ય પ્રત્યે ફિલસૂફની અદાથી હસતાં હસતાં કળશામાં પાણી ભરીને એમાં ગોળ પલાળ્યો. શેકેલ લોટના ભૂકામાં ગળ્યું પાણી રેડીને કોળિયો ચોળ્યો ને ઘેઘૂર આંબલીને છાંયડે બેસીને પહેલો કોળિયો મોંમાં મૂકવા જાય છે ત્યાં તો પાછળથી કોઈએ બોચી પકડી. જોયું તો દરબારી ઘોડેસવારો ઊભેલા દીઠા! ઓતમચંદ આ બધું સમજવા પ્રયત્ન કરે એ પહેલાં તો કોઈએ પાછળથી આવીને ઓતમચંદને અડબોથ મારી. ‘સાલ્લા ચોરટા મલકના! પારકા ગામમાં આવીને આવા ગોરખધંધા કર છ?’ ગામનો પસાયતો કહેતો હતો. ‘શું છે પણ, ભાઈસા’બ?’ ઓતમચંદે પૂછ્યું: ‘મારો કાંઈ વાંકગનો?’ ‘વાંકગનાની પૂંછડી! તારી વાણિયાગત અમારી આગળ નંઈ હાલે. સીધો થઈને રૂપિયા સંધાય ગણી દે.’ ‘શેના રૂપિયા? કોના રૂપિયા?’ ‘શાવકારની પૂંછડી થા મા, સાલ્લા ડફેર!’ પસાયતાએ ઓતમચંદના પડખામાં ઠેસો લગાવતાં કહ્યું: ‘દકુભાઈની ઓશરીમાંથી કોથળી સોતા રૂપિયા…’ ‘હું નંઈ, ભાઈસા’બ! તમે માણહ ભૂલ્યા…’ ‘હવે મૂંગો રે મૂંગો, માળા, અમને શીખવવા નીકળ્યો છો? અમારો ગરુ થાછ?’ હવે બીજા પસાયતાએ ગાલિપ્રદાન શરૂ કર્યું: ‘નારુભા, આ પંડ્યે જ ચોર છે, ધોળા દીનો. દકુશેઠે દીધાં ઈ સંધાંય એંધાણ સાચાં પડ્યાં: આ ચોમાહાની ધરો જેટલી દાઢી, આ કોરી ગજીનું કડિયું ને આ બગહરાની પછેડી…’ ‘તમારું ડાઈ માના દીકરાવનું ડા’પણ આ ડંગોરા પાંહે નંઈ હાલે હો!’ નારુભાએ પોતાનું હથિયાર બતાવીને ઓતમચંદને ધમકાવ્યો: ‘સીધો થઈને કોથળી સોંપી દઈશ તો સારો માણહ ગણીને અમે પોલીસ-કેસ નંઈ થાવા દઈએ.’ ‘પણ કઈ કોથળી?’ ‘મારો દીકરો, સતનું પૂતળું થાવા જાય છે!’ ઓતમચંદના વાંસામાં પસાયતાનો એક ગડદો અને પેટ પર પાટું પડ્યું, અને એ ભૂખ્યા ને થાકેલા માણસના મોંમાંથી ઓયકારો નીકળી ગયો. ‘બાલુબાઈ બચારો તને સાજાની માણહ ગણીને ખાણિયાની પાળે કોથળી મેલી ગ્યો, ને તું બાપનો માલ ગણીને બગલમાં…’ ‘હું અડ્યો હોઉં તો મારા પેટના છોકરાના સમ…’ ‘હવે સમવાળી! અમને આવું વાણિયા-સાસ્તર ભણાવવા નીકળ્યો છો?’ પસાયતાએ ગુસ્સે થઈને સીસાની કડિયાળી લાકડી ઓતમચંદને ફટકારી. આ વખતે તો ઓયકારો કરવાની પણ એને શુધસાન ન રહી. એ ડોળા તારવી ગયો. પસાયતાઓ ગાળભેળ એ ગઠ્ઠા-પ્રહારો સાથે પ્રશ્નો પૂછતા જતા હતા: ‘નદીમાં કયે ઠેકાણે કોથળી દાટી છે, બોલ! અમે અમારી મેળે ખોદી લઈશું, બોલ!’ પ્રહારો અને પ્રશ્નોનો એક અક્ષર સુદ્ધાં સાંભળી શકવાને ઓતમચંદ શક્તિમાન નહોતો. એ ઢગલો થઈ જઈને આંબલીના થડ નજીક ઢળી પડ્યો હતો. લાઠીપ્રહારોને અન્તે જ્યારે પસાયતાઓના જ હાથ દુખવા આવ્યા અને જ્યારે સમજાયું કે આમાં તો કંઈક આંધળે બહેરું કુટાયું છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ઓતમચંદ જરાય સળવળતો નહોતો. ગુનેગારને આવો ઢોરમાર મારવા બદલ આપણે જ ગુનેગાર ગણાઈશું એવો ભય ઊપજતાં પસાયતાઓ ઘોડે ચડીને ગુપચુપ ગામ ભણી વિદાય થઈ ગયા. ઓતમચંદે આંખ ઉઘાડી ત્યારે તદ્દન અપરિચિત વાતાવરણ જોયું. પોતે ખાટલામાં પડ્યો છે. પાંગતે એક પડછંદ-કાય માણસ બેઠો છે. બાજુમાં ગરવા મોંવાળી એક નમણી સ્ત્રી ઊભી છે. ‘તમે કોણ?…’ મહામહેનતે ઓતમચંદે હોઠ ઉઘાડી, બે શબ્દો ઉચ્ચાર્યા. ‘અમને તો ક્યાંથી ઓળખો, શેઠ! મારું નામ વાશિયાંગ. મારું ખાડું લઈને વીરડીમાંથી ગામઢાળો આવતો’તો તંયે ખળખળિયામાં ઢોરાં પાવા ઊભો ને તમને આંબલી હેઠાળે ભાળ્યા. નાકે આંગળી મેલી જોઈ, તો હાહ ન હંભળાણો, પણ તાળવે તપાટ હતો એટલે જાણ્યું કે જીવ હજી તાળવે ચોંટ્યો છે. હું તો તમને ઝોળીએ ઘાલીને ઘેર ઉપાડી આવ્યો – રામને લેખે.’ ‘તમે મને જીવતદાન દીધું, ભાઈ!’ ઓતમચંદે અહેસાન વ્યક્ત કર્યો. ‘મેં નંઈ; મારી આ ઘરવાળીએ.’ વાશિયાંગે બાજુમાં ઊભેલી આહીરાણી તરફ આંગળી ચીંધતા કહ્યું: ‘હું તો દ ઊગ્યાથી આથમ્યા લગણ ધણ લઈને વગડે ભટકું. આણે જ, કૂકડી ઈંડું સેવે એમ, તમારી સેવાચાકરી કરી. તમારા દાંતની દોઢ્ય વળી ગઈ’તી એમાં એણે ટોયલીએ ટોયલીએ દૂધ-પાણી ટોયાં. આજ આઠમે દી તમે આંખ્ય ઉઘાડી ને અમારી મે’નત લેખે લાગી.’ આ અજાણ્યા ઘરની સેવા-શુશ્રૂષા પામ્યા પછી ઓતમચંદ હરતોફરતો થયો અને પોતાને ગામ જવા નીકળ્યો ત્યારે આહીરાણીને એણે માની જણી બહેન કરીને પોતાને ગામ આવવાનું ઈજન આપ્યું. આહીરાણીએ કહ્યું: ‘મારે સંધીય વાતે સુખ છે, પણ પિયરમાં માનો જણ્યો ભાઈ નથી. તમે મારા ધરમના ભાઈ!’ ઘેર પહોંચ્યો ત્યારે લાડકોરે ‘મારા દકુભાઈએ શું દીધું?’ એ પ્રશ્ન પૂછીપૂછીને ઓતમચંદની ગંધ કાઢી નાખી. દરેક વખતે એ પ્રશ્નને છેડે લાડકોર ઉમેરતી: ‘પણ તમે આટલા બધા દી રોકાઈ કાં રિયા?’ ‘દકુભાઈ મને ખસવા દિયે તો આવું ને?’ ‘મારો દકુભાઈ વનેવિવેકે ઓછો નથી!’ ‘રોજ હું રજા માગું ને દકુભાઈ બારણા આડો ઊભીને મને રોકી દિયે…’ ‘મારો દકુભાઈ!’ ‘આઠમે દી તો હું માથું મારીને પરાણે નીકળી ગ્યો.’ ‘પણ તમને આપ્યું શું, એ વાત તો કરતા નથી!’ ‘ઘણુંય આપ્યું બચ્ચારે…’ ‘હું નો’તી કે’તી? મારો દકુભાઈ–’ ‘…પણ આપણા ભાગ્યમાં ન સમાણું…’ ‘એમ કેમ બોલો છો?’ ‘હું રૂપિયાની કોથળી બાંધીને ગામમાંથી નીકળ્યો એનો કોક જાણભેદુએ વેમ રાખી લીધો હશે. નદીને ખળખળિયે બે બોકાની-બંધા વાટ બાંધીને ઊભા’તા. મને ઢોરમાર મારીને સંધુંય આંચકી ગ્યા…’ ‘સાચું કિયો છો?’ ‘આ જોઈ લે નજરોનજર, માન્યામાં ન આવતું હોય તો…’ ઓતમચંદે કડિયું ઊંચું કરીને વાંસામાં ને પડખામાં ઊઠેલી લીલીકાચ ભરોડોનો દર્શનીય પુરાવો રજૂ કર્યો. • ચાર ચાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. બધી વાત ભુલાઈ ગઈ. ચાર વર્ષના ગાળામાં ઓતમચંદ આપબળે ઠીક ઠીક તરતો થઈ ગયો. ઉછીઉધાર મૂડીએ એણે ફરી વેપાર જમાવ્યો ને નસીબ આડેનું પાંદડું ઉડાડી મૂક્યું. લેણી રકમો ઓતમચંદે પાઈએ પાઈ ચૂકવી આપી અને ફરી વેપારી દુનિયામાં પૂર્વવત્ શાખ મેળવી લીધી. ઈશ્વરિયેથી દકુભાઈએ બાલુના લગ્નની કંકોતરી મોકલી ત્યારે લાડોકર અર્ધી અર્ધી થઈ ગઈ. આ ચાર વર્ષમાં દકુભાઈ બર્માની એક બીજી ખેપ કરી આવ્યા હતા, પણ આ ખેપમાં નાણાંનો ઉસરડો કરી આવવાને બદલે ખોઈને આવ્યા હતા એમ ગામમાં સંભળાતું હતું. લાડકોરે પોતાના ભત્રીજાના લગ્નમાં મહાલવાની ધૂમ તૈયારીઓ કરવા માંડી. ‘વરની ફઈ’ તરીકેના પોતાના સ્પૃહણીય હોદ્દાથી એ એટલી તો સભાન બની ગઈ કે ચોવીસે કલાક ‘ઈશ્વરિયું’ ને ‘મારો દકુભાઈ’ સિવાય બીજું નામ એના મોંમાંથી ન નીકળતું. જે દિવસે લાડકોર તથા છોકરાંઓ લગનિયાં બનીને મામાને ગામ જવા ગાડામાં બેઠાં તે દિવસે ઓતમચંદે છેલ્લી ઘડીએ જણાવ્યું કે તમે સહુ જાવ, મારે વાગડિયા દરબારનો વજે જોખવા જાવાનું છે એટલે મારાથી નહીં અવાય. પણ લગ્નને દી અવાશે તો ઘોડીએ ચડીને આવી જઈશ. ઘરઘરાઉ ગાડા ઉપર ગાડીવાને માફો નાખી છાંયો કર્યો અને લાડકોર તથા છોકરાં ઈશ્વરિયાને મારગે પડ્યાં. લગ્નને આગલે દિવસે લાડકોર દકુભાઈના દીવાનખંડની ઓશરીમાં બેઠી બેઠી માથું ઓળાવતી હતી. પાછળ માંચી પર બેસીને સમરથવહુ નણંદના માથામાં ધૂપેલ ચાંપતી હતી. ફળિયામાં જમણવારની તડામાર તૈયારીઓ થતી હતી. હોંશીલી ફઈએ ભત્રીજાના લગ્નને દીપાવવા આ ચાર દીમાં ભાતભાતનાં વડી-પાપડ વણી કાઢ્યાં હતાં. અત્યારે એ વડીપાપડ ચૂલ પર તળાઈ રહ્યાં હતાં એ માટે મોટા જથ્થામાં તેલની જરૂરિયાત ઊભી થતાં ઓશરીમાંનો આખો ખાણિયો ઉલેચાઈ રહ્યો હતો. કંદોઈ તપેલાં ભરીભરીને તેલ ઉલેચતો જતો હતો. એવામાં એક તપેલું કશાક જોડે ભટકાતાં અવાજ થયો ને એ ચમક્યો! એણે ખાણિયામાં આખો હાથ નાખીને એક વજનદાર થેલી બહાર કાઢી અને ઓશરીની છો પર એ પછડાતાં ચાંદીના રૂપિયાનો મીઠો રણકાર સંભળાયો. ‘ઓહોહો! ભાભી, તમે તો ભારે નાણાંવાળાં લાગો છો!’ લાડકોરે હસીને કહ્યું: ‘આમ તેલના ખાણિયામાંય તમારે તો રૂપિયાની ખાણ્યું ભરી છે ને શું?’ જવાબમાં સમરથ તરફથી કશું સંભળાયું નહીં, પણ એને સાટે ઉત્તરમાં ઊનાં ઊનાં બે આંસુ લાડકોર ઉપર પડ્યાં. અને એ ચમકી. પાછળ જોયું તો ભાભીનું મોં કાળું ધબ્બ જોયું. સમરથવહુએ રડતે અવાજે, તે દિવસે ઓતમચંદ પર વિતાડેલાં વીતકોની વાત પ્રામાણિકપણે અથેતિ લાડકોરને સંભળાવી. ‘અરરર…મારા ધણી પર તમે આવાં આળ ચડાવ્યાં?’ મીંડલા ગૂંથાવ્યા વિના જ લાડકોર ઊભી થઈ ગઈ. ‘સગે ભાઈએ ઊઠીને બેનના વરને આવો ઢોરમાર મરાવ્યો! ઈ ભાઇના પાણિયારાનાં પાણી મને નો કળપે. એના ઘરના અન્નનો દાણો મારે પરમાટી પરમાણ..’ તુરત લાડકોરે પોતાના ગાડીવાનને ગોતીને ગાડું જોડાવ્યું અને છોકરાંઓ સાથે એમાં બેસી ગઈ: ‘હાલો આપણે ગામ પાછાં.’ દકુભાઈએ બેનનાં મનામણાં કરવામાં જરાયે મણા ન રાખી. છેલ્લા ઉપાય તરીકે એ ગાડા આડે સૂઈ ગયો પણ ખરો. પણ છંછેડાયેલી લાડકોર પીગળે એમ નહોતી. એણે તો સંભળાવ્યું: ‘તારા ઉપરથી ગાડું હાંકી જાઉં તોય મને હત્યા નો ચડે. તું તો માણસમાર છો!’ ભૂખી-તરસી હાલી નીકળેલી લાડકોરે ખળખળિયાને કાંઠે પહોંચીને પોરો ખાવા ગાડું છોડાવ્યું. ગાડીવાન બળદને ‘ત્રાહે…ત્રાહે…’ કરીને પાણી પાતો હતો ત્યારે સામે કાંઠેથી મારમાર ઘોડીએ આવતા ઓતમચંદે ઘોડીને ખદડૂક કરીને પાણીમાં નાખી. ‘કેમ પાછાં આવ્યાં ઈશ્વરિયેથી?’ ઓતરમચંદે પૂછ્યું: ‘તોરણ તો કાલ્યની તથ્યનાં છે ને?’ ‘એનાં તોરણમાં લાલબાઈ મેલવી છે મારે?’ લાડકોરે કહ્યું: ‘તમે તો મીંઢા, તી સદાયના મીંઢા જ રિયા! મને સાચી વાત પણ કોઈ દી નો કરી? નીકર ઈ રાખહ જેવા દકલાનું નામ પણ હું શેની લેત?…’ ‘પણ છે શું આ બધું?’ ઓતમચંદ હસતો હતો. ‘તમે તો સમદર-પેટા, તી સંધુય હસી કાઢો છો! આવો ઢોરમાર મારનારને ઘેર પોતાની પરણેતરને તમારા જેવો ધણી જ મોકલે.’ લાડકોરે રડતાં રડતાં તેલના ખાણિયાનો આખો પ્રસંગ અને સમરથવહુએ આપેલો અહેવાલ ઓતમચંદને કહી સંભળાવ્યો. ‘હોય ઈ તો, એમ જ હાલે; તંયે આપણી દશા મોળી હતી; આપણાકરમનો જ વાંક –’ ‘હવે રાખો, રાખો. આવા માણસમાર ભાઈને તો કાંધ કાપીએ તોય ઓછું. આજથી મને નભાઈ થઈ ગણજો. ઈશ્વરિયાની દૃશ્ય આજથી દેવાઈ ગઈ ગણજો…’ ‘એમ ગણશું લે, હવે છે કાંઈ?’ ઓતમચંદ પોતાની આદત મુજબ ફિલસૂફની ઢબે હસતો હતો. ‘પણ તમે અટાણે આની કોર ક્યાંથી? વજે તો વાગડિયા દરબારનો જોખવાનો હતો ને?’ લાડકોરે પૂછ્યું. ‘વજે તો કોઈનો જોખવાનો નો’તો. મારે મારી બેનને ઘેર લગ્નમાં જવાનું હતું એટલે બા’નું કાઢ્યું.’ ‘કઈ બેન? આટલા વરહ કોઈ દી નામ તો જાણ્યું નથી!’ ‘આંહી ભીમોદર રિયે છે. ચાર વરસથી જ નાતો થ્યો છ, એટલે નામ ક્યાંથી જાણો?’ ઓતમચંદે કહ્યું: ‘પણ હવે તો તમેય હાલો. બચારાં બહુ રાજી થાશે પોતાની ભોજાઈને જોઈને. આમેય લગનિયાં થઈને લગ્ન ઊજવ્યા વિના ઘેર આવીએ તો અપશુકન ગણાય. હાલો, ગાડું ભીમોદરની દૃશ્યે વાળો.’ રસ્તામાં લાડકોર હજી રડતી જ જતી હતી અને ઓતમચંદ એની મીઠી મશ્કરી કર્યે જતો હતો. ‘તારા એક ભાઈએ તારો ચૂડલો ભાંગવાનું કર્યું, બીજા એક ભાઈએ એ ચૂડલાની રખ્યા કરી…’ ‘કોણ?’ ‘વાશિયાંગભાઈએ. એણે જ મને મરેલા જેવાને ઝોળીએ ઘાલીને ભીમોદરે આણ્યો ને આઠ દી લગી મારો ટેલટેપોરો કરીને બોલતો કર્યો. એને ઘેરે પણ કાલ્યની તથ્યનાં તોરણ છે.’ ‘જીવતો રિયે મારો વીર! ક્રોડ વરહનો થાય…’ વાશિયાંગની ડેલીમાં દાખલ થતાં જ આહીરાણીએ આવીને ઓતમચંદનાં દુખાણાં લીધાં ને આઠે આંગળીએ ટાચકા ફોડતાં કહ્યું: ‘સાચું વેણ પાળ્યું મારા વીર! સમેસર પોગાડ્યાં. મામા વિના મારો બીજલ અણોહરો લાગતો’તો.’ પછી વાશિયાંગ તરફ ફરીને કહે: ‘મારી ભુજાઈને પણ ભેગાં લઈ આવ્યા છ.’ ‘તારી ભુજાઈ, ને મારી બેન.’ વાશિયાંગે કહ્યું. વળતે દિવસે લાડકોરે બાલુ માટે ઘડાવી રાખેલાં ઘરેણાં બીજલને પહેરાવ્યાં ત્યારે, એ જ સમયે, દકુભાઈ બાલુના સસરા જોડે ઝઘડતા હતા: ‘દીકરી દીધા પછી પરણાવવી નથી, એમ? છેલ્લી ઘડીએ છટકી જાવ છો?’ ‘તને દીકરી કાંઈ તાંબાને પતરે લખી નથી દીધી. મારી છોકરીનો ભવ નથી બગાડવો, મારે.’ ‘પીઠી ચોળેલો વર પરણ્યા વિના પાછો ફરશે, એમ?’ ‘ફરવુંય પડે.’ વેવાઈ ટાઢોબોળ જવાબ આપતા હતા. ચાર વર્ષ પહેલાં ચાંદલા કરતી વેળા દકુભાઈએ વેવાઈને બતાવેલી ‘અમારા મોલમિન’ની કાચની સમૃદ્ધિ, બર્માની બીજી ખેપમાં નંદવાઈ ગઈ હતી એ હકીકતની જાણ થતાં બાલુભાઈની ‘આવતી’ વહુ સવેલી બીજે ઠેકાણે પરણાવાઈ ગઈ હતી!