લોકમાન્ય વાર્તાઓ/ગોકો ડોસો
ઉઘાડે પગે ખેતરમાં ‘મોર્નિંગ વોક’ કરવા જતાં બકુનો પગ લચકાઈ ગયો અને બપોર થતાં પોંચા ઉપર સારા પ્રમાણમાં સોજો ચડી ગયો. ‘જયલાલ, માશીબા પાસેથી આયોડિન ન મળી શકે?’ બકુએ તુમારી ઢબે મારી મારફત માશીબા સમક્ષ માગણી રજૂ કરાવી. માશીબા તો આ છોકરાઓ શું માગી રહ્યા છે એ જ પૂરું સમજી શક્યાં નહીં; બકુએ સ્પષ્ટતા ખાતર આખું નામ ઉચ્ચાર્યું: ‘ટિંકચર ઑફ આયોડિન… મેળવી આપો ને, માશીબા!’ ‘તમે તો ઓલ્યા રાજાના કુંવરને ફોડકી થઈ’તી એના જેવા લાડ માંડ્યા છે. હાલતાં હાલતાં પગ મરડાઈ ગયો છે એમાં તો મલાવીને મોટો કરી બેઠા છો! હળદર ખદખદાવીને ચોપડશું તો અબઘડી મરડ ઊતરી જાશે…’ માશીબાએ તળપદો ઉપાય સૂચવ્યો. ‘પણ હળદર ચોપડવાથી કપડાં નહીં બગડે?’ બકુએ ભય વ્યક્ત કર્યો. ‘વાહ રે લાડકા!’ માશીબાએ મોં પર અજબ અભિનય કરીને બકુની ઠઠ્ઠા કરી. પછી કહ્યું: ‘હળદર ચોપડતાંય લૂગડાં બગડતં હોય તો મેલો વાત તડકે. હાલો ગોકા ડોસા પાસે પગ ઓરંડાવા, એટલે મારે હળદર ખદખદાવવી મટી.’ ‘એ શું?’ માશીના નવા સૂચનનો અર્થ બકુ સમજી નહોતો શક્યો. ‘પગ ઓરંડાવા. બીજું શું?’ ‘એટલે? એ શું મસાજનો કોઈ પ્રકાર છે?’ બકુને આમાં સમજ નહોતી પડતી. ‘અરે તમારા મસાજ કરવાવાળાય આ ગોકા ડોસા પાસે પાણી ભરે પાણી!’ માશીબા જાણે કે ગોકા ડોસાનાં કેન્વાસિંગ એજન્ટ હોય એટલા બધા અહોભાવથી બોલતાં હતાં: ‘ભલભલાં મરડ, નસતર ને ટચકિયાંને ગોકો ઘડીકમાં હળવાં ફૂલ કરી મૂકે છે.’ બકુનું કુતૂહલ ઉત્તેજાતું હતું, એ તો એના મોંની રેખાઓ કહી આપતી હતી. હોઠ ઉપર આછો મલકાટ પણ હતો. એમાં, માશીબા તેમ જ ગોકા ડોસા બન્ને પ્રત્યે ઉપહાસનો ભાવ પણ અછતો નહોતો રહેતો. રોંઢો નમતાં સુધીમાં તો બકુએ ગોકા ડોસા વિશે જાતજાતની વાતો પૂછીપૂછીને માશીબાનો દમ કાઢ્યો. ‘એમ પૂછ પૂછ કર્યે પગ નહીં મટે, લાડકા!’ માશીબા ઉત્તરો આપતાં થાકતાં ત્યારે છેવટ સંભળાવતાં. સાંજ સુધીમાં બકુએ શોધ કરી લીધી કે ગામ આખામાં ‘આયોડિન’ જેવી વસ્તુ શોધી જડે એમ નથી. પણ માશીબાને હાથે હળદર ચોપડાવતાં પહેલાં આ ગોકા ડોસાનો પરિચય તો સાધી જ લેવો એમ બકુએ નિર્ણય કર્યો. ‘જયલાલ, પગ ન મટાડે તો ફિકર નથી, પણ ગોકો ડોસો નવી નૉવેલનું કૅરેક્ટર તો પૂરું પાડશે જ.’ માશીબાને મોંએથી મેળવેલા પરિચય ઉપરથી બકુએ મત બાંધ્યો હતો. વાળુ પતાવ્યા પછી માશીબા અમને ગોકા ડોસાના ઘર ભણી લઈ ચાલ્યાં. કણબીવાડનું નાકું વળોટતાં વાતાવરણ જ એવું પલટાઈ ગયું કે આપમેળે સમજાઈ જાય કે ખેડૂતોની આ વસાહત છે. સાવ નીચે ખામણે ઊભેલાં એકઢાળિયાં મકાનોની પછીતોને વરસાદના માર સામે રક્ષવા માટે ઝરડાંની આડશો કરી હતી. છૂટેલાં ગાડાં-ગડેરાં હાલવાનો મારગ રોકીને આડાંઅવળાં પડ્યાં હતાં. ગામના સુથારે ઘડી આપેલ ટચૂકડી બળદગાડીઓ લઈને નાગાંપૂગાં પણ ફૂટડાં છોકરાં મસ્ત બનીને રમતાં હતાં. અમારા જેવા અપરિચિત આગંતુકોને આવા અસૂરે ટાણે ફળિયામાં દાખલ થતા જોઈને કેટલાંક સમજુ છોકરાં જાણે કે હૈયા-ઉકલતથી જ આપમેળે પૂછવા મંડ્યાં: ‘ગોકાબાપાને ઘેરે જાવું છે ને?’ બકુ તો આ જાણભેદુઓથી ડઘાઈ જ ગયો. માશીબાએ હુકમ કર્યો: ‘એલા છોકરાંવ, તમારા ડાઘિયાની આડા જઈને ઊભાં રિયો ઘડીક વાર એટલે અમે ગોકાબાપાને ઘેરે પૂગી જઈએ…’ કણબી-પાનો ડાઘિયો કૂતરો અજાણ્યાંઓને કરડવામાં કુશળ હતો. એ પ્રાણીના રિંગ-માસ્તર તરીકે ફળિયાનાં આ છોકરાં જ કામ કરી શકતાં. થોડાં છોકરાં ડાઘિયાની અટકાયતમાં રોકાયા અને બીજાં થોડાં ગોકા ડોસાને અમારા આગમનનો સંદેશો આપવા પહોંચ્યાં. જઈને જોયું તો એક એકઢાળિયા ઘરની ઓશરીમાં ડોસો ડોકાતો હતો. સંધ્યાનું ઝાંખું અજવાળું પણ એની આંખોને આંજી નાખતું હોય એમ એણે બન્ને હાથનું નેજવું કરીને કપાળે ગોઠવ્યું હતું. અમને તો ડોસો પારખી શકે એમ નહોતો. પણ અમારો પગરવ અને બકુનો સતત ચાલતો વાક્પ્રવાહ સાંભળીને જ એણે આવકાર આપી દીધો: ‘આવો; હાલ્યા આવો, જી હોય ઈ, હાલ્યા આવો બાપલિયા!’ આંખો પર છાજલી રચવામાં રોકાયેલ એના બન્ને હાથનાં આંગળાં તેમ જ હથેળી પર બાજરાના લોટની કણક ચોંટી હતી. અમારું તો એ તરફ બહુ ધ્યાન ન ખેંચાયું પણ માશીબા એ પારખી જઈને બોલ્યાં: ‘ગોકાબાપાને આપણે રોટલા ઘડતા ઘડતા ઉઠાડ્યા!’ ‘રોટલા તો ઘડાશે એને ટાણે. હજી તો રાત્ય જેવડી રાત્ય પડી છે.’ ‘આ આપણે ઘેરે મેમાન આવ્યા છે એનો પગ લચકાઈ ગયો લાગે છે…’ માશીબાએ કહ્યું. ‘અબઘડી ઓરંડી દઉં. એમાં શું?’ કહેતાં ગોકો ડોસો ચૂલા ભણી વળ્યો અને બોલ્યો: ‘આ રોટલો તાવડીએ પડ્યો છે એને ઊથલાવી લઉં. ભમરો ઊઠી આવશે તો છોકરાંવને ભાવશે નહીં.’ અને પછી કાંઈક આદત મુજબ જ ગણગણ્યો: ‘છોકરાંવ પણ ભારે ચાગાંદુગાં પાક્યાં – સરોસર એની મા ઉપર ઊતર્યાં – એક રૂંવાડાંનોય ફેર નંઈ ને!’ માશીબા કાંઇક બોલવા જતાં હતાં, પણ બકુએ જ આડે કહ્યું: ‘તમારું કામ બધું પતાવી લેજો હં કે! અમે તમને ખલેલ કરવા નથી માગતાં…’ અને આ સ્થળના નિર્ભેળ ગ્રામીણ વાતાવરણમાં દુમેળિયો ‘ખલેલ’ શબ્દ સહુના કાનમાં ખટકી રહ્યો. બકુએ લાગ સાધીને માશીબાને વિદાય આપી: ‘માશીબા, તમતમારે ઘેરે પહોંચો ને! અમે નિરાંતે આવશું.’ ‘ભલે!’ કહેતાં માશીબા બહાર નીકળ્યાં. પણ વળી પાછાં ફરીને ડોસાને ભલામણ કરતાં ગયાં: ‘ગોકાબાપા, આ ભાણિયાવને તમારું ફળિયું વળોટાવી દેજો. અજાણ્યાંને જોઈને ડાઘિયો ભુરાયો થાય છે…’ ‘ફકર નંઈ.’ ડોસો રોટલો ઉથલાવતાં બોલ્યો: ‘એમ તો ડાઘિયો માણહ કરતાંય વધારે સમજુ છે.’ સાવ સાહજિકતાથી ઉચ્ચારાઈ ગયેલું ડોસાનું છેલ્લું વાક્ય સાંભળીને બકુએ મારા કાનમાં ગણગણાટ કર્યો: ‘ડોસાએ આબાદ સિકસર ઠોકી હોં!’ ગમે તેવાં અજાણ્યાં માણસો સાથે પણ ઘડી-પળમાં જ ઘરોબો કેળવી લેવાની કલા તો બકુને સહજસાધ્ય હતી. અહીં પણ એ કલા અજમાવીને એ સીધો ચૂલા નજીક જતોકને ડોસાના પડખામાં જ ભરાઈ બેઠો. અને પછી તો જાણે કે અદાલતમાં આરોપીની ઊલટતપાસ લેતો હોય એમ એણે પ્રશ્નોની ઝડી જ વરસાવવા માંડી. સારું થયું કે ડોસો સહૃદય નીકળ્યો. ‘આ છોકરા બેય તમારા કે?’ સામે ખૂણે પડેલા ઘોડિયામાં સૂવાને બદલે બેસીને હીંચકતા બે ગોબરા છોકરા કેમ જાણે કોઈનો ચોરાઈ માલ હોય, એવી ઢબે બકુએ પૂછ્યું. ‘મારે એવડા છોકરા હોય?’ ડોસાએ એક જ વાક્યમાં અજબ અભિનય કરીને બકુની વ્યવહારિક બુદ્ધિનું દેવાળિયાપણું સૂચવી દીધું અને સ્ફોટ કર્યો: ‘ઈ તો મારા ગગાના ગગા છે…ભગવાને જીવતા રાખ્યા છે…’ બકુએ ઘરને ચારે ખૂણે નજર ફેરવીને પૂછ્યું: ‘તમારો દીકરો અહીં નથી?’ ડોસાએ ઊધું ઘાલીને જ કહ્યું: ‘ઈ હોય તો તો અટાણે મારા હાથમાં આ લોટના લૂઆને બદલે તળશીની માળા ન હોય!…બધીય લેણાદેણીની વાતું છે!’ બકુ હજી એ જ પ્રશ્નનો સગડ નહોતો છોડતો: ‘દીકરો ક્યાંય કમાવા ગયો છે?’ ‘કમાવા તો ગયો જ’તો ને? કમાવે તો સહુ કરતાં સવાયો હતો. પણ મારા ફૂટલ નસીબમાં ન સમાણો…જેવી લેણાદેણી!’ હવે બકુએ પોતાના પ્રશ્નોમાંથી ઊલટતપાસનું બરછટપણું દૂર કરીને દિલસોજી અને કુમાશ દાખલ કરી. ડોસાને પણ આ દિલસોજી શાતાદાયક લાગી, અને મોકળે મને હૃદય ઠાલવવા માંડ્યું: ‘ટપુ કહળ્યો અમદાવાદની મિલમાં કમાતો. આજ ઈ બેઠો હોત તો આ ગામને ટીંબે એણે વિલાયતી નળિયાં નાખીને મેડી ચણાવી હોત. એની મોટામાં મોટી અબળખા વિલાયતી નળિયાંવાળી મેડીની હતી. પણ મનમાં મોરાં મનમાં જ રિયાં ને મિલમાં સાપટિંગનો પટો ચડાવતાં સંચોડે પંડ્યે જ એમાં ચડીને ચેપાઈ ગયો…ચોમાસામાં પે’લે વરસાદે સેંથકનાં દેડકાં ફૂટી નીકળે ને એકાદું ગાડાના ધરામાં ચેપાઈ જાય એમ સાડાતન મણની કાયા સાવ ચેપાઈ ગઈ. ઢીમ ડળી પડ્યું…મારું રાંકનું રતન…’ અને પછી, ઘોડિયે હીંચકતાં બેય છોકરા તરફ આંખ ફેરવીને ઉમેર્યું: ‘આ બે છાણના કીડા જેવા સંભારણાં મેલતો ગયો…’ બકુનું કુતૂહલ વધતું જતું હતું: ‘આ છોકરાંઓની મા…?’ ‘હતી. પણ ટપુના પાછા થ્યા કેડે બીજે જ દી હાલી નીકળી. ટપુના કોક અમદાવાદી ભાઈબંધ ભરમાવી ગ્યા. ઈ તો જીવતા લોહીની જ સગી હતી. પોત નિચોવવા લગણેય નો રોકાણી. હોય ઈ તો, જેવી આપણી લેણદેણ!’ ‘આપણી’ શબ્દમાં ડોસાએ અમને પણ આપ્ત ગણી લીધાં હતાં. ‘મેં જઈને ઝટ આ બેય છોકરાં એની પાસેથી લઈ લીધાં. નીકર તો આ મૂંગાં પહુનેય એની મા વેચીને કાવડિયાં કરી નાખત, એવી કજાત હતી ઈ બાયડી…’ ડોસાના અવાજમાં પહેલી જ વાર વેદના વ્યક્ત થઈ. ‘પછી એણે શું કર્યું?’ બકુએ પૂછ્યું. ‘એણે થોડાક દી તો કોકના રોટલા ઘડ્યા! પણ પછી નાટકકંપનીમાં કામ કરવા ગઈ. આ ગામના એકબે જુવાનિયા એનું મોઢું જોઈ આવ્યા છે. કે’તા’તા કે ‘ચેલૈયા’ના ખેલમાં હાલરડું બવ મજાનું ગાય છે…ને પેટના ચેલૈયા આ બેય આંહી પડ્યા છે.’ ડોસાએ ફરી હૃદયની બળતરા વ્યક્ત કરી; પણ તુરત, આદત પ્રમાણે આશ્વાસન લીધું: ‘હોય ઈ તો; જેવી મા હારે જણ્યાંની લેણાદેવી!’ થોડી વાર ડોસો સાવ મૂંગો રહ્યો. આંખ મીંચીને જાણે કે કશુંક આંતરદર્શન ન કરતો હોય! પછી એ મંથનનું નવનીત ઠાલવી દીધું: ‘મારા ટપુનું આટલું આ નામલેણું રિયું, ઈ મારે મન લાખું છે. હજી તો બચાડા છાણના કીડા છે; પણ કાલ સવારે મોટા થઈ રે’સે ને ટપુનું નામ રાખશે. ને આ છોકરા ઉઝેરવામાં મારોય જીવ પરોવાયો રિયે છે, તો ટપુના મરણાનો ઘા વસમો નથી લાગતો! નીકર ટપુની વીવી કરતો કરતો હું ગાંડો જ થઈ જાત. આ છોકરા તો મારે આંધળાની હાથલાકડી જેવાં છે…ભગવાન એને ક્રોડ વરહના કરે!…’ તાવડીમાંથી રોટલા ઉથલાવતા ડોસાએ કહ્યું: ‘લ્યો હવે હાથ ધોઈને તમારો પગ ઓરંડી દઉં. એક છેલ્લો રોટલો વાંહેથી ઢીબી લઇશ. તમારે શેઠિયા માણહને અસૂરું થાશે.’ ‘ના, ના, અમારે ઉતાવળ નથી જરાય,’ બકુએ કહ્યું: ‘તમે તમારે છેલ્લો રોટલોય ઘડી લ્યો નિરાંતે.’ ‘તો ભલે. આ દીવી જેવા તાપમાં અબઘડીએ ઢીબી નાખીશ.’ બકુની ઊલટતપાસ હજી પૂરી થઈ નહોતી. પૂછ્યું: ‘ડોસા, તમે ધંધોપાણી શું કરો છો?’ ‘ધંધો!’ ડોસાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું: ‘અમારે મૂલી માણસને વળી ધંધો ક્યાંથી લેવા જાવો? મેં તો જંદગી આખી જાખડિયે ઠેસણે મજૂરી કરી છે. પણ હવે અવસ્થા થઈ એટલે બે મણથી વધારે ભાર ઊપડતો નથી. જુવાનીમાં તો સાત-સાત મણની ગૂણ એકલે હાથે ખંધોલે ચડાવી દેતો. કોઈના ઢીંઢાનોય ખપ નો પડતો. પણ હવે કાયા એટલું કામ નથી કરતી એટલે જંક્શનેથી આંયાની ટપાલ હાફિસનો કોથળો લેવા-દેવા જાઉં છું.’ ‘પણ જંક્શન તો અહીંથી તેર માઇલ થાય – સાડા છ ગાઉ થાય!’ બકુએ કહ્યું. ‘જંક્શન તો મારે મન પઘડે ઘા જેવું. સાત ગાઉ તો સાત ડગલાં જ ગણોની! અવસ્થા થઈ છે તોય મારી હાલ્ય જરાય મોળી નથી પડી હો! હજીય હું મારગે ઊડતો જ જાઉં. ખદડુકે હાલતા ઘોડાને હું મારી વાંહે રાખી દઉં. આડે ઓઝતનો ખેતરવા પટ આવે છે, પણ ગમે તેવા ઘોડાપૂરમાંય હું સોંસરવો તરી જાઉં ને ટેમસર કોથળો પોંચાડી દઉં.’ ‘એમ કે?’ ‘હા, ઈ વિના ટપાલ હાફિસવાળા મને નભાવતા હશે? આ બૈય છોકરાંવને મારા બાજઠ જેવા વાંહા ઉપર ફાળિયું વીંટીને બાંધી લઉં, ને માથે ઉપાડું કોથળો, તોય મારી હાલ્ય જરાય મોળી ન પડે હો!’ ‘આ છોકરાંઓને પણ સાથે જ લઈ જાઓ છો?’ બકુએ પૂછ્યું. ‘આંઈ વાંહે એને કોના વસુ મેલવાં? જરાક સમજણાં થાય પછી રેઢાં મેલાય. હમણાં તો મારી ભેગાં જ રાખ્યે છૂટકો. મારગમાં ક્યાંકથી ખલેલાં તોડીને ખવરાવું, કોકની વાડીએથી ચીભડું ચખાડું, ને કાલી કાલી વાતું કરતાં બાપ-છોરું ઝીંકોટા કરતાં જાઈં, તો મારગ ક્યાં કપાઈ ગ્યો એની ખબરે ન પડે. હું એકલો હાલું તો ટપુની વીવીએ ચડી જાઉં…’ લોટવાળા હાથ ધોઈને ડોસો બકુની સારવારમાં લાગ્યો. ‘કેમ કરતાં પગ લચકાણો, ભાણાભાઈ?’ બકુ શરમાઈ ગયો હોય એમ એના મોં ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. આ વૃદ્ધ માણસની રોજના છવીસ માઇલની ઝડપી દોડ સામે પોતાના બે ફર્લાંગના મોર્નિંગવોકમાં પણ પગ લચકાઈ જવા બદલ એને ક્ષોભ ઊપજતો હતો. ડોસાને એણે એટલો જ ઉત્તર આપ્યો: ‘ઉઘાડે પગે ચાલવા ગયો એમાં.’ ‘હાલવાની મઝા તો ઉઘાડે પગે જ આવે ને ભલા માણસ! મારાં કાંટારખાં દસ વરસ મોરના સીવડાવેલ હજી ટકે છે, પણ પગબળણું હોય તંયે જ પગમાં ઘાલુ; ઈ સિવાય તો એને ટપાલના કોથળા હારે બાંધી રાખું. પગમાં જેટલો ભાર વધારે એટલી આપણી હાલ્ય મોળી પડે એમ સમજવું.’ ‘પગ મટાડવાનો તમારી પાસે કોઈ કીમિયો છે?’ બકુએ પોતાની મહાન શંકા છેવટે વ્યક્ત કરી જ. ‘મારા જેવા માણસ પાસે કીમિયો વળી કેવો? આ તો એક સૂટકો છે કાલોઘેલો. ગલઢાં કેતાં ગ્યાં છે એમ કરીએ છીએ…’ ‘સૂટકો? એ વળી શું કોઈ વિદ્યા છે?’ ‘ના રે ભાઈસા’બ, ના. વૈદાં એમ આપણને ક્યાંથી આવડે? આ તો ગલઢાં કે’તાં ગ્યાં છે, ઈ પરમાણે અમે…’ ‘ગલઢાંઓ શું કહી ગયાં છે?’ બકુનું કુતૂહલ હવે હાથ નહોતું રહેતું. ડોસાના મોં ઉપર મુગ્ધાની શરમના શેરડા પડ્યા: ‘ભાઈ, તમે શેરમાં રેનારાં ન સમજો એટલે મારે મોઢે જ બોલવું પડશે. આ પગ ઓરંડવાનો સૂટકો સહુને હાથે ન થાય. મારા જેવા કોક જ…’ ફરી ડોસો ક્ષોભ અનુભવતો થોડી વાર મૂંગો રહ્યો. પણ બકુની આતુરતા અને અધીરાઈ જોઈને છેવટે ડોસાને સ્ફોટ કરવો જ પડ્યો: ‘મારા જેવા કોક જ, માના ઓદરમાંથી માથાને બદલે પગેથી નીકળ્યા હોય ઈ જ પગનાં ટચકિયાં ઓરાંડે.’ કશુંક અદ્ભુત જીવનદર્શન લાધ્યું હોય એમ બકુ આનંદી ઊઠ્યો, અને એક પ્રકારના મુગ્ધ ભાવે ડોસા સામે તાકી રહ્યો. બોલ્યો: ‘પણ એવાં માણસો તો ગણ્યાગાંઠ્યાં જ હોય ને?’ ‘હા, આ ગામમાં તો એક હું છઉં, ને-બીજી છે સથવારા-પામાં એક સથવારણ. પણ તમ જેવાં માણહ સથવારા-પામાં પગ માઠો મેલે એટલે ઘણું ખરું તો મારે જ સૂટકો કરવો પડે છે. ભગવાન કરશે તો સવાર પડતાં જ તમારો પગ હળવોફૂલ થઈ જાશે…’ બહાર નીકળતાં પહેલાં બકુએ પૂછ્યું: ‘આની ફી તમને શું આપવાની?’ પણ ડોસો આમાં કશું સમજ્યો હોય એમ લાગ્યું નહીં. એટલે બકુએ સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું: ‘તમને કેટલા પૈસા આપવાના?’ ‘અરે, રામ રામ કરો મારા ભાઈ! સૂટકાના તી ક્યાંય પૈસા લેવાતા હશે? આ તો ધરમનું કામ કે’વાય. મારી આવડી અવસ્થામાં હજારું પગ ઓરંડી નાખ્યા, પણ કોઈની રાતી પૈ લેવી ગવ-મેટ બરાબર. માશીબાને કે’જો કે કાલ્ય તાવડી માંડતાં પેલો રોટલો કૂતરાંનો ઘડીને મારું નામ લઈને નાખી દિયે…ઈ મારી ફી!’ ‘ભલે.’ કહી અમે બહાર નીકળ્યા. ડોસો અમને ફળિયાના નાકા સુધી વળાવવા આવ્યો. નાકા પર ડાઘિયો પડ્યો પડ્યો હાંફતો હતો. ડોસો બોલ્યો: ‘તમ તમારે ડાઘિયાનો જરાય ભો રાખજો મા. તમે એને વતાવો નંઈ ત્યાં લગણ ડાઘિયો કરડવા ન ધોડે…’ અને છેવટે પેલી ‘સિક્સર’ ફરીથી ફટકારી: ‘એમ તો મૂંગાં જનાવર માણહ કરતાંય વધારે સમજુ છે.’