વસુધા/કોક આવે છે

કોક આવે છે

કદીકે કોક આવે છે,
જીવનની નાની કેડીએ
થઈ વંટોળ આવે છે.

નયનને બારણે ઊભી ટકોરા કૈં લગાવે છે,
મિંચાતી પાંપણે બેસી હિલેાળા કૈં જગાવે છે.

કદીકે ચિત્તની ચોકી વટાવી દમ ભરાવે છે,
ગરીબની અલ્પ શાન્તિને અહા નિર્દય ઝુંટાવે છે.

ધરીને શકલ યારીની મગજ ભોળું ભમાવે છે,
નથી જ્યાં કોઈ ફાવ્યું ત્યાં સિફતથી ખૂબ ફાવે છે.

બચુકડી આશગુડિયાને અજબ તાલે નચાવે છે,
‘મળી જા’ કે ‘મરી જા’ના સ્વરે મેહફિલ મચાવે છે.

હૃદયની ખોલતાં ખિડકી, મિંચી આંખો ઝુકાવે છે,
અહા એ મૌત કે જીવન કયો પૈગામ લાવે છે?

કદીકે કોક આવે છે,
અજબ ખુશબૂ ભર્યો ગાંડો
થઈ વંટોળ આવે છે.