વિનોદ જોશીનાં કાવ્યો/સંકેલી લેશું ચોપાટને

From Ekatra Wiki
Revision as of 00:25, 21 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંકેલી લેશું ચોપાટને

હવે સમજ્યાં આ સોગઠાંની જાતને,
         સખી! અમે સંકેલી લેશું ચોપાટને...

કેટલીયે રાત કરી કાળી
         ને કેટલાં પરોઢ ભરી અંધારાં ધોયાં,
માંડેલા દાંવ અમે માંડ્યાં’તા માંડ
          પછી પગડે બેઠાં ને તોય રોયાં;

હવે પડતી મેલીશું પંચાતને,
          સખી! અમે સંકેલી લેશું ચોપાટને...

આંસુ હાર્યાં ને પછી હાર્યાં અણસાર
          એક કળતર જિતાઈ ગયું કાળું,
આંખો તો સૂનમૂન સપનાની ઓરડી
          ને ઉપર ઉજાગરાનું તાળું;

હવે જીરવશું જીવતરની ઘાતને,
          સખી! અમે સંકેલી લેશું ચોપાટને...