વેણીનાં ફૂલ/પદમણી પીશે

પદમણી પીશે

વીરડાનાં પાણી કેમ કરી પીધાં? છાલીયે પીધાં ટોયલે પીધાં ખોબલે પીધાં મોઢડે પીધાં વળી વળી પીધાં લળી લળી પીધાં!

વીરડાનાં પાણી મીઠડાં કેવાં? માતાના દૂધ જેવાં વીરાના વ્હાલ જેવા બાપુના બોલ જેવા સહીયરના કોલ જેવા.

વીરડાની પોળે કોણ કોણ બોલે? મોર બોલે સુડલા બોલે ભમરલા બોલે.

વીરડાને કાંઠે કોણ કોણ બેઠું?
બેડલું બેઠું
બટુકડું બેઠું
ઈંઢોણલી બેઠી
પારેવડું બેઠું
પોપટજી બેઠા
ગાવડલી બેઠી
ગોવાલણી બેઠી
માદેવજી બેઠા
પારવતીજી બેઠાં
સીતા ને રામ બેઠાં
રાધા ને શ્યામ બેઠાં!

વીરડાને કાંઠે કોણના વિસામા?
ધોરીના વિસામા
પનીઆરીના વિસામા
મહીયારીના વિસામા
ભતવારીના વિસામા
દુઃખીયારીના વિસામા!