શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫. ચણીબોર ચાખીને

૫. ચણીબોર ચાખીને.



ચણીબોર ચાખીને ચાખ્યો સમય,
હવે તો શબ્દે શબ્દે એની મીઠી વાત કહેવી…

આંખોમાં ખૂંચે છે રજકણ.
આંખે ખારાં પાણી,
પણ અમને તો ભઈ, ખુશી
ગરેલાં ચણીબોર બેચાર મળ્યાં-ની!

ઉજ્જડ ઉજ્જડ વગડો
ને લુખ્ખું લુખ્ખું આભ,
બરછટ બરછટ હાથ,
પણ ચણીબોરનો લાભ!

ઝાઝા ઠળિયા,
ઝાઝી છાલ,
થોડાં લિસ્સાં બોર
કાંટાળી કૂડી જાળ!

અમારો રસ્તો ખોટો નથી!
અમારો નિષ્ફળ આંટો નથી!

ચણીબોર ચાખીને ચાખ્યો સમય,
હવે તો ડગલે પગલે ચણીબોરની વાતો વ્હેવી!

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૨૪)