શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૧. – એની વાટ જોતો જાગું છું

૯૧. – એની વાટ જોતો જાગું છું


ટેકો દેવો તો કોને દેવો
ને લેવો તો કોનો લેવો?
કકડભૂસ થતી આ મહોલાતને
કોણ અટકાવી શકે ને ટકાવી શકે
કટોકટીના કાળમાં!

ભારે ઘમસાણ વચ્ચે
આ રથનું પૈડું નીકળવામાં છે
ને કૈકેયીની આંગળી તો થઈ ગઈ છે કોકડી…

ગિરિરાજને ટકાવી શકે એવી
એક ટચલી આંગળીયે ટચકાવી ગયું છે કોઈ
અધરાતે – મધરાતે અંધકારમાં…

આખું આકાશ ગાજવીજ સાથે
તડાક તૂટી પડવા તલપાપડ છે
ને મારી ગાયો ગાયબ છે
કોઈ કાળી ઊંડી ખોમાં…

જ્યારથી એ નથી ત્યારથી
એક નાનકડા પથરાનેય ઊંચકવાની મારી હોંશહિંમત
ઊડી ગઈ છે હવાયેલી હવામાં!

એક ઊખડેલા ઉંબરને બેસાડવા જતાં જ
અનિચ્છાએ બેસી પડાયું છે મારાથી
મારા પંડમાં…

હવે તો કોણ મને હાથ ગ્રહીને ઉઠાડે છે
એની વાટ જોતો જાગું છું
ખંડેરના એક ખૂણે,
ટમટમતા એક કોડિયે…

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૪)