સંચયન-૬૦

From Ekatra Wiki
Revision as of 19:01, 31 December 2023 by Meghdhanu (talk | contribs) ()
Jump to navigation Jump to search
Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchyan-60-title.jpg
સંચયન - ૬૦


અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩


  • સમ્પાદકીય
    • ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
  • કવિતા
    • વાડ વગરના વેલા ~ બાબુ નાયક
    • વાડો ~ બાબુ નાયક
    • પાનખર ~ હરીન્દ્ર દવે
    • થાક લાગે ~ હરીન્દ્ર દવે
    • મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
    • તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
    • મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
    • કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
    • પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
    • ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
    • તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
    • ગઝલ ~ હર્ષદ સોલંકી
  • વાર્તા
    • મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
  • નિબંધ
    • ત્રિકાલ ~ દિગીશ મહેતા
  • સાહિત્ય જગત

સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી

  • કલા જગત

ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ

પ્રારંભિક

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
અંક - ર : ડિસેમ્બર ૨૦૨૩
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : જે. સ્વામીનાથન

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૧૨/૨૦૨૩





Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ (ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ર૦/૦૮/૨૦૨૩ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

Sanchayan 60 Pic 2.jpg

JAGDISH SWAMINATHAN (1928-1994)
Untitled (Bird, Tree and Mountain Series)
signed and dated ‘J. Swaminathan ‘86’ (on the reverse)
oil on canvas
45 ¾ x 31 ¾ in. (116.2 x 80.6 cm.)
Painted in 1986


અનુક્રમ

ચયનઃ બીજો તબક્કો: અંક - ર: ડિસેમ્બર - ૨૦૨૩

  • સમ્પાદકીય
    • ગ્રંથાવલોકન માટે જગા છે ખરી? ~ કિશોર વ્યાસ
  • કવિતા
    • વાડ વગરના વેલા ~ બાબુ નાયક
    • વાડો ~ બાબુ નાયક
    • પાનખર ~ હરીન્દ્ર દવે
    • થાક લાગે ~ હરીન્દ્ર દવે
    • મઝધારે મુલાકાત ~ હરીન્દ્ર દવે
    • તમે થોડુંઘણું ~ હરીન્દ્ર દવે
    • મેણાં બોલ મા ~ હરીન્દ્ર દવે
    • કપાસનું ફૂલ ~ હરીન્દ્ર દવે
    • પિંજરામાં રહી ગઈ કાયા ~ હરીન્દ્ર દવે
    • ઝેરનો કટોરો ~ હરીન્દ્ર દવે
    • તમે યાદ આવ્યાં ~ હરીન્દ્ર દવે
    • ગઝલ ~ હર્ષદ સોલંકી
  • વાર્તા
    • મિસ યુ રાહુલ ~ કોશા રાવલ
  • નિબંધ
    • ત્રિકાલ ~ દિગીશ મહેતા
  • સાહિત્ય જગત

સર્જકતા... ~ પ્રમોદકુમાર પટેલ ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી? ~ જયંત કોઠારી

  • કલા જગત

ગીવ પટેલ સાથે જે. સ્વામીનાથનની વાતચીત ~ અનુવાદ/સંકલન: કનુ પટેલ

સમ્પાદકીય

ગ્રંથાવલોકન માટે જગા છે ખરી?

‘જ્યાં સુધી પુસ્તક પરીક્ષાનું ઈલાયદું ચોપાનિયું ન નીકળે ત્યાં સુધી વિવેચન માટે વિલંબ ન થાય એવી અધિપતિમાત્રને હું અરજ કરું છું.’ (શેઠ વલ્લભદાસ પોપટ, વિજ્ઞાન વિલાસ, નવે-ડિસે, ૧૮૮૨) ગુજરાતી ભાષામાં જ નહીં, કોઈપણ ભાષામાં ગ્રંથાવલોકનનો ભારે મહિમા છે કેમકે તાજેતરનાં પ્રકાશનો સાહિત્યની ગતિવિધિનો એક આલેખ પૂરો પાડતાં હોય છે. પ્રકાશનની જાણકારી સાથે એ ઉત્તમ પુસ્તકોની તારવણી કરી આપતાં હોય છે. કવિતા, વિવેચન અને સંશોધનનાં પુસ્તકોને બદલે ચરિત્રાત્મક કે પ્રેરણા આપનારાં પુસ્તકો શાને આટલાં વધી રહ્યાં છે એ વાત પ્રકાશિત થયેલી આ સમક્ષાઓ પરથી આપણે તરત જાણી શકીએ છીએ. સાહિત્યજગતમાં સ્થિર થયેલા પ્રથિતયશ સર્જકનો નવો સંગ્રહ હોય કે કોઈ નવો આશાસ્પદ અવાજ હોય, એના લખાણમાં કશુંક ટકી શકે એવું છે કે કેમ એ સર્જનને યથાયોગ્ય માણનારો સમીક્ષક આપણને ચીંધી બતાવતો હોય છે. સમીક્ષાના આવા લાભ વિશે પૂર્વે જે કહેવાયું છે એ ઢગલાબંધ ને બેસૂમાર છે. કેટલાંક સામયિકોએ એકથી વધુવાર ગ્રંથાવલોકન વિશેષાંકો કરીને આનું મહત્ત્વ સ્થાપિત કરેલું છે. ગ્રંથ અને પ્રત્યક્ષને આપણે ગ્રંથાવલોકનોનાં ઉત્તમ સામયિક તરીકે સ્મરણમાં લાવીએ છીએ પરંતુ હવે એ સામયિકો નથી ત્યારે શું? આપણે તરત એમ કહીશું કે સમકાલીન સામયિકોની એ ફરજ બને છે કે એમણે આવી ગ્રંથસમીક્ષાઓ પ્રગટ કરવી. આવાં સામાયિકોમાં ગ્રંથાવલોકન કેન્દ્રમાં નથી. અન્ય સામગ્રી પણ છાપવાનો દાબ હોવાથી તેઓ પૂરતા પ્રમાણમાં સમીક્ષાઓ પ્રગટ કરી શકતાં નથી અને ક્યારેક તો આવી સમીક્ષાઓ મેળવવાની ઉદાસીન સ્થિતિને કારણે એવી સમીક્ષાઓ પ્રગટ કરવાની જ રહી જાય છે જે થવી જોઈતી હતી. કહે છે કે ગુજરાતી ભાષામાં દર વર્ષે લગભગ પાંચસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થાય છે! એમાંના પંદર-પચીસ પુસ્તકોની વર્ષમાં સમીક્ષાઓ પ્રગટ કરનારાં સામાયિકો કેટલાં છે? જાણે આપણને આવા પ્રતિભાવ આપવાની દરકાર જ નથી અને એ કારણે અત્યંત મહત્ત્વની રચનાઓ વિશે એકાદ સમીક્ષા લેખ પણ જો પ્રગટ થાય છે તો આનંદ થાય કે ચાલો, કોઈની નજર તો સાવધાનપણે ફરી રહી છે. એક વર્ષનાં મહત્ત્વનાં પુસ્તકોની યાદી કોઈ કરે અને એમાંનાં એવાં કેટલાંક પુસ્તકોની નોંધ તૈયાર કરે કેજેની સમીક્ષા થવા પામી હોય તો એ ચિત્ર આપણને ઘણું પ્રક્ષોભ કરનારું નિવડે એમ છે. શિરીષ પંચાલ એક જગાએ કહે છે કે, ‘જો કોઈ સમીક્ષા લખી આપતું ન હોય તો સંપાદકે જાતે સમીક્ષા લખવાની તૈયારી દાખવવી પડે!’ ભાગ્યે જ કોઈને યાદ હશે કે કોઈ સંપાદકે આજકાલમાં આવી સમીક્ષાઓ લખી આપી હોય. સરવાળે સામયિકોમાં એક-બે સમીક્ષાઓથી આપણે સંતોષ પ્રાપ્ત કર્યા કરીએ છીએ. ગુજરાતમિત્ર કે દિવ્યભાસ્કર જેવાં અખબારો દર સપ્તાહે પ્રકાશિત પુસ્તકોની કમ સે કમ જે નોંધ લે છે એ આપણને આશ્વસ્ત કરે. આ બાબતે સંપાદકોની એક દલીલ એવી છે કે અમને પુસ્તકોની અભ્યાસપ્રદ સમીક્ષા કરનાર મળતા નથી. આ દલીલમાં પણ વજૂદ છે. સારગ્રહી કે ગોળગોળ સમીક્ષાથી આપણું દળદર ફીટે એમ નથી. વળી, ઝીણું કાંતનાર, લાગ્યું એવું લખવાની ટેવ ધરાવતા સમીક્ષકો જ આપણે ત્યાં કેટલા છે? લેખકને પોતાને અનુકૂળ પ્રતિભાવ સ્વીકારવાની ઘણી હોંશ હોય છે પરંતુ જરા સરખી ટીકા ખમી ખાવાનું કૌવત કેળવાયું ન હોવાથી સમીક્ષક જાણે દુશ્મન બની બેસે છે! આવા સમયે મેઘાણીએ નાથાલાલ દવેને પુસ્તક સમીક્ષામાં દોષ બતાવવામાં આવે ને તે ન ગમે તો એનો ઉપાય દર્શાવતાં કહ્યું હતું કે, ‘એવો દોષ ગમાડવાની લેખકે ધીરે ધીરે ટેવ પાડવી જોઈએ.’ તેઓ આગળ કહે છે કે ‘I Review the book, and not its man.’(હું પુસ્તકનું અવલોકન કરું છું. લેખકનું નહીં.) સમીક્ષાના આવા અનેક પ્રશ્નોની વચ્ચેથી માર્ગ શોધીને આપણે નવાં નવાં ઉત્તમ પુસ્તકોની સમીક્ષાને હાથમાં લઈએ તો સાહિત્યમાં વખતોવખત ચેતન પ્રસરતું રહે...

કિશોર વ્યાસ

શ્રદ્ધાંજલિ

પ્રો. મધુસૂદન કાપડિયા કારકિર્દીના પ્રારંભે મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક હતા. વધુ અભ્યાસ માટે તેેઓ USA ગયા ને ત્યાં સ્થાયી થયા. ‘ગુજરાતી લીટરરી અકાદમી નોર્થ અમેરિકા’ - ના સ્થાપક સભ્યોમાંના અગ્રણી સભ્ય એવા પ્રો. કાપડિયા અકાદમીના અધ્યક્ષ પણ રહેલા. અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ વડે અમેરિકાવાસી ગુજરાતી સાહિત્ય રસિકોનાં રસરુચિ ઘડવામાં એમનું વિશેષ યોગદાન હતું.

ઊંડા અભ્યાસી, નિર્મમ વિવેચક એવા પ્રો. કાપડિયાના બે વિવેચનગ્રંથો પણ માર્ગદર્શક બન્યા છે. ‘એકત્ર ફાઉન્ડેશન' સાથે જોડાઈને એ અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદાનું સંપાદન કરી રહ્યા હતા. ૮૬ વર્ષની વયે ઓક્ટોબર, ૨૦૨૩માં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. એકત્ર ફાઉન્ડેશન પરિવાર એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે.

કવિતા

વાડ વગરના વેલા
~ બાબુ નાયક

આ તો વાડ વગરના વેલા
નહીં ઓથ, આધાર ન કોઈ, ઉખરમાં ઊછરેલાં.

આ તો વાડ વગરના વેલા...

કો પંખીની ચરક પડી શું, પવન ચડી પટકાણા,

ક્યાં ફાલ્યા, ક્યાં ફૂલ્યા પાછા ઘરતીમાં ધરબાણા.

નડીં ખેડ નહીં ખાતર-પાણી, ફોરાંએ ફણગેલા.

આ તો વાડ વગરના વેલા...

બે પાંદડીઓ ફૂટી ત્યાં તો જગ જોવામાં રાજી,

આજકાલ કરતાં તો એને ઝાઝી કૂંપળ બાઝી.

હરિયાળા ને હરખપદુડા, ઝાકળમાં ઝળકેલા.

આ તો વાડ વગરના વેલા...

ઝડી, ઝાળ, ઝંઝાવાતોમાં, રામ ભરોસે રેઢા,

પથ્થરમાં પથરાતા એવા પાળ નહીં કૈ શેઢા,

તુંબડિયાં ઝંખે એ રસને, તંબૂરથી ટપકેલાં.

આ તો વાડ વગરના વેલા...

ના કોઈ ધરમ-કરમ કે ના કોઈ ભેદ-ભરમની,

ના હો વાણી અવળ-સવળ ના હોયે અગમ-નિગમની.

છેડો એવા સૂર, શબદ જે સ્હેજ મહીં સમજેલા.

આ તો વાડ વગરના વેલા...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)


Babu nayak.jpg

વાડો
~ બાબુ નાયક


ઘર વ્હાલું પણ એથી અદકો ઘર પછવાડે વાડો,

ઘરનાં નાનાં-મોટાં કામો કરતાં આખો દા’ડો.

ઘર વ્હાલું...
મસ્તીનું મેદાન મોકળું, ઘરને લેતા માથે,

લેશનથી પરવારી પાછાં, રમતાં ભેરું સાથે.

કુસ્તી ને કસરતનો જાણે મલનો હોય અખાડો

ઘર વ્હાલું...
ઠીબ તાપણે, ઓળા ભડથું, પોંક શેકતાં ફોફાં,

વનભોજનનો લ્હાવો લેતાં, ગોળથી ભર્યાં ગલોફાં

કોઈને ના કૈં અણગમતું કે અમથો ન્હોય દેખાડો

ઘર વ્હાલું...
ખાંડણિયું, રાંધણિયું એમાં, પાણિયારું પરસાળે,

સાંગા માંચી, ખાટ, માંચડો, ઝૂલો લટકે ડાળે,

નાતાં, ધોતાં નાવણિયા પર મૂકી ખાટલો આડો.

ઘર વ્હાલું...
દૂધી, ગલકાં, તૂરિયાં, વાલોળ, કાળંગડીના વેલા,

ક્યારીમાં ગલગોટા ગુંજે, લીલવણ હોય લચેલાં.

પારસ જાંબુ, આંબો કલમી, ફળનાં જબરાં ઝાડો

ઘર વ્હાલું...
પંખી માળે, ઢોર ગમાણે, ગલૂડિયાં પણ બોડે,

આ સઘળો પરિવાર અમારો સુખદુઃખમાં સૌ જોડે.

વ્હાલા જણની વધામણીના વાવડ દેતો હાડો

ઘર વ્હાલું...
અભ્યાગતના હોય ઉતારા, આંધણ અહીં ઓરાતાં,

ઉત્સવ ને અવસર બધાયે, હળીમળીને થાતા

વાડાનું વડપણ પણ એવું રજવટનો રજવાડો.

ઘર વ્હાલું...
(‘ઝાકળભીનો સૂરજ’ - ૨૦૨૩ માંથી)