સત્યના પ્રયોગો/અહિંસાદેવી

૧૪. અહિંસાદેવીનો સાક્ષાત્કાર?

મારે તો ખેડૂતોની હાલતની તપાસ કરવી હતી. ગળીના માલિકોની સામે જે ફરિયાદો હતી તેમાં કેટલું સત્ય છે તે જોવું હતું. આ કામને અંગે હજારો ખેડૂતોને મળવું જોઈએ. પણ તેમની સાથે આમ સંબંધમાં આવ્યા પહેલાં ગળીના માલિકોની વાત સાંભળવાની ને કમિશનરને મળવાની મેં આવશ્યકતા જોઈ. બંનેને ચિઠ્ઠી લખી.

માલિકોના મંત્રીની મુલાકાત વખતે તેણે સાફ જણાવ્યું કે, તમે પરદેશી ગણાઓ, તમારે અમારી અને ખેડૂતોની વચ્ચે નહીં આવવું જોઈએ, છતાં જો તમારે કંઈ કહેવાનું હોય તો મને લખી જણાવજો. મેં મંત્રીને વિવેકપૂર્વક કહ્યું કે, હું મને પોતાને પરદેશી ન ગણું, ને ખેડૂતો ઇચ્છે તો તેમની સ્થિતિની તપાસ કરવાનો મને પૂરો અધિકાર છે. કમિશનર સાહેબને મળ્યો. તેમણે તો ધમકાવવાનું જ શરૂ કર્યું. ને મને આગળ વધ્યા વિના તિરહુત છોડવાની ભલામણ કરી.

મેં સાથીઓને બધી વાત કરીને કહ્યું કે, તપાસ કરતાં મને સરકાર રોકશે એવો સંભવ છે, ને જેલજાત્રાનો સમય મેં ધાર્યો હતો તેના કરતાં વહેલો પણ આવે. જો પકડાવું જ જોઈએ તો મારે મોતીહારી અને બની શકે તો બેતિયામાં પકડાવું જોઈએ. અને તેથી બનતી ઉતાવળે ત્યાં પહોંચવું જોઈએ.

ચંપારણ તિરહુત વિભાગનો જિલ્લો અને મોતીહારી તેનું મુખ્ય શહેર. બેતિયાની આસપાસ રાજકુમાર શુક્લનું મકાન હતું, ને તેની આસપાસની કોઠીઓના ખેડૂતો વધારેમાં વધારે રંક હતા. તેમની હાલત બતાવવાનો રાજકુમાર શુક્લનો લોભ હતો. ને મને હવે તે જોવાની ઇચ્છા હતી.

તેથી સાથીઓને લઈને હું તે જ દિવસે મોતીહારી જવા ઊપડયો. મોતીહારીમાં ગોરખબાબુએ આશ્રય આપ્યો ને તેમનું ઘર ધર્મશાળા થઈ પડયું. અમે બધા માંડ માંડ તેમાં સમાઈ શકતા હતા. જે દિવસે પહોંચ્યા તે જ દિવસે સાંભળ્યું કે મોતીહારીથી પાંચેક માઈલ દૂર એક ખેડૂત રહેતો હતો તેની ઉપર અત્યાચાર થયા હતા. તેને જોવા મારે ધરણીધરપ્રસાદ વકીલને લઈને સવારે જવું, એવો નિશ્ચય કર્યો. અમે સવારે હાથી ઉપર સવારી કરીને નીકળી પડ્યા. ચંપારણમાં હાથીનો ઉપયોગ જેમ ગુજરાતમાં ગાડાનો થાય છે એમ લગભગ થાય છે. અર્ધે રસ્તે પહોંચ્યા ત્યાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો માણસ આવી પહોંચ્યો ને મને કહ્યું: ‘તમને સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ સલામ દેવડાવે છે.’ હું સમજ્યો. ધરણીધરબાબુને મેં આગળ જવાનું કહ્યું. હું પેલા જાસૂસની સાથે તેણે ભાડે લીધેલી ગાડીમાં બેઠો. તેણે ચંપારણ છોડવાની નોટિસ મે આપી. મને ઘેર લઈ ગયો ને મારી સહી માગી. મેં જવાબ લખી આપ્યો કે, હું ચંપારણ છોડવા ઇચ્છતો નથી, ને મારે તો આગળ વધવું છે ને તપાસ કરવી છે. બહિષ્કારના હુકમનો અનાદર કરવા સારુ બીજે જ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો સમન મળ્યો.

આખી રાત જાગીને મેં મારે જે કાગળો લખવાના હતા તે લખ્યા, ને જે જે સૂચનાઓ આપવી હતી તે બ્રજકિશોરબાબુને આપી.

સમનની વાત એક ક્ષણમાં બધે ફેલાઈ ગઈ, અને લોકો કહેતા હતા કે કદી નહીં જોયેલું એવું દૃશ્ય મોતીહારીમાં જોવામાં આવ્યું. ગોરખબાબુનું ઘર અને કચેરી લોકોથી ઊભરાઈ ઊઠયાં. સારે નસીબે મેં મારું બધું કામ રાતના આટોપી લીધું હતું, તેથી આ ભીડને હું પહોંચી વળ્યો. સાથીઓની કિંમત મને પૂરેપૂરું જણાઈ આવી. તેઓ લોકોને નિયમમાં રાખવામાં ગૂંથાઈ ગયા. કચેરીમાં જ્યાં જાઉં ત્યાં ટોળેટોળાં મારી પાછળ આવે. કલેક્ટર, મૅજિસ્ટ્રેટ, સુપરિન્ટેન્ડેન્ટ વગેરે અને મારી વચ્ચે પણ એક જાતની ગાંઠ બંધાઈ. સરકારી નોટિસો વગેરેની સામે કાયદેસર વિરોધ કરવો હોત તો હું કરી શકતો હતો. તેને બદલે તેમની બધી નોટિસોના મારા સ્વીકારથી ને અમલદારોની સાથેના જાતિપરિચયમાં વાપરેલી મીઠાશથી તેઓ સમજી ગયા કે, મારે તેમનો વિરોધ નથી કરવો પણ તેમના હુકમનો વિનયી વિરોધ કરવો છે. તેથી તેમને એક પ્રકારની નિર્ભયતા મળી. મારી કનડગત કરવાને બદલે તેમણે લોકોને નિયમમાં રાખવા સારુ મારી ને સાથીઓની મદદનો ખુશીથી ઉપયોગ કર્યો. પણ સાથે તેઓ સમજી ગયા કે તેમની સત્તા આજથી અલોપ થઈ. લોકો ક્ષણભર દંડનો ભય તજી તેમના નવા મિત્રના પ્રેમની સત્તાને વશ થયા.

યાદ રાખવાનું છે કે ચંપારણમાં મને કોઈ ઓળખતું નહોતું. ખેડૂતવર્ગ સાવ અભણ હતો. ચંપારણ ગંગાને પેલે પાર છેક હિમાલયની તળેટીએ નેપાળની નજીકનો પ્રદેશ, એટલે નવી દુનિયા. અહીં મહાસભાનું નામ ન મળે. મહાસભાના કોઈ સભ્યો ન મળે. જેમણે નામ સાંભળ્યું હોય તે નામ લેતાં કે તેમાં ભળતાં ડરે. આજે મહાસભાના નામ વિના મહાસભાએ ને મહાસભાના સેવકોએ પ્રવેશ કર્યો, ને મહાસભાની આણ વર્તી.

સાથીઓની સાથે મસલત કરી મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાને નામે કંઈ જ કામ કરવું નથી. નામનું નહીં પણ કામનું કામ છે, ટપટપનું નહીં પણ મમમમનું કામ છે. મહાસભાનું નામ અળખામણું છે. આ પ્રદેશમાં મહાસભાને અર્થ વકીલોની મારામારી, કાયદાની બારીઓથી સરકી જવાના પ્રયત્નો, મહાસભા એટલે બૉમ્બગોળા, મહાસભા એટલે કહેણી એક, કરણી બીજી, આવી સમજણ સરકારમાં અને સરકારની સરકાર ગળીના માલિકોમાં હતી. મહાસભા આ નથી, મહાસભા બીજી જ વસ્તુ છે, એમ અમારે સિદ્ધ કરવાનું હતું. તેથી અમે મહાસભાનું નામ જ ક્યાંયે ન લેવાનો ને લોકોને મહાસભાના ભૌતિક દેહનો પરિચય ન કરાવવાનો નિશ્ચય કર્યો હતો. તેઓ તેના અક્ષરને ન જાણતાં તેના આત્માને જાણે ને અનુસરે તો બસ છે, તે જ ખરું છે, એમ અમે વિચારી મૂક્યું હતું.

એટલે મહાસભાની વતી કોઈ છૂપા કે જાહેર જાસૂસો મારફત કાંઈ ભૂમિકા તૈયાર કરવામાં આવી નહોતી. રાજકુમાર શુક્લમાં હજારો લોકોમાં પ્રવેશ કરવાની શક્તિ નહોતી. તેમનામાં કોઈએ આજ લગી રાજ્યપ્રકરણી કામ કર્યું જ નહોતું. ચંપારણની બહારની દુનિયાને તેઓ જાણતા નહોતા. છતાં તેમનો અને મારો મેળાપ જૂના મિત્રો જેવો લાગ્યો. તેથી મેં ઈશ્વરનો, અહિંસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ અક્ષરશઃ સત્ય છે. એ સાક્ષાત્કારનો મારો અધિકાર તપાસું છું તો મને લોકો પ્રત્યેના પ્રેમ સિવાય કંઈ જ નથી મળતું. આ પ્રેમ તે પ્રેમ અથવા અહિંસાને વિશે રહેલી મારી અચલિત શ્રદ્ધા.

ચંપારણનો આ દિવસ મારા જીવનમાં કદી ન ભુલાય એવો હતો. આ મારે સારુ ને ખેડૂતોને સારુ એક ઉત્સવનો દિવસ હતો. સરકારી કાયદા પ્રમાણે મુકદ્દમો મારી સામે ચાલવાનો હતો. પણ ખરું જોતાં તો મુકદ્દમો સરકારની સામે હતો. કમિશનરે મારી સામે રચેલી જાળમાં તેણે સરકારને ફસાવી.