સત્યના પ્રયોગો/મજૂરોનો

૨૦. મજૂરોનો સંબંધ

હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની મને નહોતી ઇચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત.

બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજૂરોના પગાર ટૂંકા હતા. તેમની પગાર વધારવાની લાંબા કાળની માગણી હતી. આ બાબત તેમને દોરવાની મને હોંશ હતી. આ પ્રમાણમાં નાનું લાગતું કામ પણ હું દૂર બેઠો કરી શકું એવી મને આવડત નહોતી. તેથી પહેલી તકે હું અમદાવાદ પહોંચ્યો. મારા મનમાં એમ હતું કે, બંને કામની તપાસ કરી થોડા સમયમાં હું ચંપારણ પાછો પહોંચીશ ને ત્યાંના રચનાત્મક કામની દેખરેખ રાખીશ.

પણ અમદાવાદ પહોંચ્યા પછી એવાં કામો નીકળી પડ્યાં કે મારાથી ચંપારણ કેટલાક કાળ સુધી જઈ ન શકાયું, ને જે નિશાળો ચાલતી હતી તે એક પછી એક પડી ભાંગી. સાથીઓએ અને મેં કેટલાયે હવાઈ કિલ્લા બાંધ્યા હતા, પણ ઘડીભર તો તે તૂટી પડ્યા.

ચંપારણમાં ગ્રામનિશાળો અને ગ્રામસુધાર ઉપરાંત ગોરક્ષાનું કામ મેં હાથ કર્યું હતું. ગોશાળા અને હિંદી પ્રચારના કામનો ઇજારો મારવાડી ભાઈઓએ લીધો છે એવું હું મારા ભ્રમણમાં જોઈ ચૂક્યો હતો. બેતિયામાં મારવાડી ગૃહસ્થે પોતાની ધર્મશાળામાં મને આશ્રય આપ્યો હતો. બેતિયાના મારવાડી ગૃહસ્થોએ મને તેમની ગોશાળામાં સંડોવ્યો હતો. મારી જે કલ્પના આજે છે તે જ કલ્પના ગોરક્ષા વિશે ત્યારે ઘડાઈ ચૂકી હતી. ગોરક્ષા એટલે ગોવંશવૃદ્ધિ, ગોજાતિસુધાર, બેલની પાસેથી મર્યાદાસર કામ લેવું, ગોશાળાને આદર્શ દુગ્ધાલય બનાવવી, વગેરે. આ કામમાં મારવાડી ભાઈઓએ પૂરી મદદ કરવાનું વચન આપ્યું હતું. પણ હું ચંપારણ સ્થિર ન થઈ શક્યો એટલે તે કામ અધૂરું જ રહ્યું. બેતિયામાં ગોશાળા તો આજે પણ ચાલે છે, પણ તે આદર્શ દુગ્ધાલય નથી બની શકી. ચંપારણના બેલની પાસેથી હજુ વધારેપડતું કામ લેવામાં આવે છે. નામના હિંદુઓ હજુયે બેલોને નિર્દયતાપૂર્વક માર મારે છે ને ધર્મને વગોવે છે. આ ખટકો મને હમેશાંને સારુ રહી ગયો છે. અને જ્યારે જ્યારે ચંપારણ જાઉં છું ત્યારે ત્યારે આ અગત્યનાં અધૂરાં રહેલાં કામોનું સ્મરણ કરી નઃશ્વાસ મૂકું છું, ને તે અધૂરાં મેલવા સારુ મારવાડી ભાઈઓ અને બિહારીઓનો મીઠો ઠપકો સાંભળું છું.

નિશાળોનું કામ તો એક નહીં તો બીજી રીતે બીજી જગ્યાઓમાં ચાલે છે. પણ ગોસેવાના કાર્યક્રમે જડ જ નહોતી ઘાલી, એટલે તેને જોઈતી દિશામાં ગતિ ન મળી શકી.

અમદાવાદમાં ખેડાના કામ વિશે મસલત ચાલી રહી હતી તે દરમિયાન મજૂરોનું કામ મેં હાથ ધરી લીધું હતું.

મારી સ્થિતિ અતિશય નાજુક હતી. મજૂરોનો કેસ મને મજબૂત જણાયો. શ્રી અનસૂયાબાઈને પોતાના સગા ભાઈની જોડે લડવાનું હતું. મજૂરો અને માલિકોની વચ્ચેના આ દારુણ યુદ્ધમાં શ્રી અંબાલાલ સારાભાઈએ મુખ્ય ભાગ લીધો હતો. મિલમાલિકો સાથે મારો સંબંધ મીઠો હતો. તેમની સાથે લડવું એ વિષમ કામ હતું. તેમની સાથે મસલતો કરી તેમને મજૂરોની માગણી વિશે પંચ નીમવા વીનવ્યા. પણ માલિકોએ પોતાની અને મજૂરીની વચ્ચે પંચની દરમિયાનગીરી હોવાની યોગ્યતાનો સ્વીકાર ન કર્યો.

મજૂરોને મેં હડતાળ પાડવાની સલાહ આપી. આ સલાહ આપતાં પહેલાં મજૂરોના અને મજૂર આગેવાનોના પ્રસંગમાં સારી રીતે આવ્યો. તેમને હળતાડની શરતો સમજાવીઃ

૧. શાંતિનો ભંગ ન જ કરવો.

૨. જે કામે ચડવા માગે તેના ઉપર બળાત્કાર ન કરવો.

૩. મજૂરોએ ભિક્ષાન્ન ન ખાવું.

૪. હડતાળ ગમે તેટલી લંબાય તોયે તેમણે દૃઢ રહેવું, તે પોતાનો પૈસો ખૂટે તો બીજી મજૂરી મેળવી ખાવાજોગું કમાવું.

આ શરતો આગેવાનો સમજ્યા ને તેમણે કબૂલ રાખી. મજૂરોની જાહેર સભા થઈ ને તેમાં તેમણે ઠરાવ કર્યો કે, પોતાની માગણીનો સ્વીકાર ન થાય, અથવા તેની યોગ્યતાઅયોગ્યતાની તપાસ કરવા પંચ ન નિમાય, ત્યાં લગી તેમણે કામ ઉપર ન જવું.

આ હડતાળ દરમિયાન શ્રી વલ્લભભાઈ અને શ્રી શંકરલાલ બýકરને હું ખરી રીતે ઓળખતો થયો કહેવાઉં. શ્રી અનસૂયાબાઈનો પરિચય મને તેની પૂર્વે જ સારી રીતે થઈ ચૂક્યો હતો.

હડતાળિયાઓની સભા રોજ નદીકિનારે એક ઝાડની છાયા નીચે ભરાવા લાગી. તેમાં તેઓ સેંકડોની સંખ્યામાં રોજ હાજરી પૂરતા હતા. પ્રતિજ્ઞાનું હું તેમને રોજ સ્મરણ કરાવતો; શાંતિ જાળવવાની, સ્વમાન સંઘરવાની આવશ્યકતા સમજાવતો હતો. તેઓ પોતાનો ‘એક ટેક’નો વાવટો લઈ રોજ શહેરમાં ફરતા ને સરઘસરૂપે સભામાં હાજર થતા.

આ હડતાળ એકવીસ દિવસ ચાલી. તે દરમિયાન વખતોવખત માલિકોની જોડે હું મસલત કરતો, ઇન્સાફ કરવા વીનવતો. ‘અમારે પણ ટેક હોય ના? અમારી ને અમારા મજૂરોની વચ્ચે બાપદીકરાનો સંબંધ હોય. … તેમની વચ્ચે કોઈ આવે તે અમે કેમ સહન કરીએ? તેની વચ્ચે પંચ કેવા?’ આ જવાબ મને મળતો.