સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૯


પ્રકરણ ૧૯ : પ્રમાદધનની દશા

પોતાના પક્ષના માણસોના દોષ થતાં પ્રજા પોતાની પાસે ફરિયાદ કરવા નહીં આવી શકે, તો એ પાપ કોને માથે? પ્રમાદધનનો અથવા મારા પક્ષના માણસોનો દોષ ‘બુદ્ધિધન! તારી પાસે કોણ કાઢશે?' એ પ્રશ્ને એનું મસ્તક ભમાવ્યું. પ્રમાદધનની વધારે વધારે કથા જાણતાં બુદ્ધિધન વધારે કંપ્યો ને આ અનુભવે એને વધારે નરમ કરી નાખ્યો. ‘શઠરાયને ત્યાં દુષ્ટરાય પાક્યો ને મારે ત્યાં પ્રમાદધન – ત્યારે મારામાં ને શઠરાયમાં શો ફેર?' આ અને એવા પ્રશ્નો કારભારને બીજે-ત્રીજે દિવસે બુદ્ધિધનને ગૂંચવવા લાગ્યા. બનાવો એવા બન્યા હતા કે આ દુ:ખી મગજમાં દુ:ખની ભરતીનો પાર રહ્યો ન હતો. નવીનચંદ્રના જતા પહેલાં વનલીલા દ્વારા પ્રમાદધનની કેટલીક વાતો સૌભાગ્યદેવી ને અલકકિશોરી પાસે ને ત્યાંથી બુદ્ધિધન પાસે ગઈ હતી. પણ એથીયે વધારે દુઃખની વાત હવે આવી. જે દિવસે કુમુદસુંદરી ગઈ તે જ દિવસે વનલીલા કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સર્વ વાત અલકકિશોરી ને સૌભાગ્યદેવીને કહી આવી. એ બે જણે પ્રમાદધનને મોઘમ ઠપકો દીધો. અપરાધી ચિત્તે તેમાંથી બચી જવા કૃષ્ણકલિકાએ આપેલું શસ્ત્ર વાપર્યું ને ‘મર્મદારક ભસ્મ’વાળા કાગળના કડકા બતાવ્યા. ગરીબ કુમુદ ઉપર આરોપ મૂક્યો, તે સાંભળતાં જ મા-દીકરીને વનલીલાએ કહેલી વાત ખરી લાગી. સૌભાગ્યદેવીની આંખમાં આંસુ આવ્યાં. ‘બ્રાહ્મણીને પેટે રાક્ષસ અવતર્યો. શિવ! શિવ! શિવ!' અનેક દુ:ખ સહેનારીથી આ દુ:ખ ન સહેવાતાં પરસાળમાં જઈ જમીન ઉપર લૂગડું પગથી માથા સુધી ઓઢી રોતી રોતી સૂઈ ગઈ. અલક ભાઈ ઉપર કૂદી ઊછળી અને ગાજી : ‘ધિક્કાર છે તને, લાજ! લાજ!' પ્રમાદે નવીનચંદ્રવાળી ચિઠ્ઠીના કડકા પુરાવા રૂપે સામે ધર્યા. અલકે આ સઘળું બુદ્ધિધનને જ બતાવી તેની પાસે ન્યાય કરાવવાનું ધાર્યું. ‘પુરાવો ને બુરાવો; જોઈ લેજો ને કે બધુંયે નીકળશે. કુલટા મેડીમાં આવી હતી ને આપે કેવડો ને સાંકળી એના પર રસ્તામાં ફેંક્યાં હતાં તે શાનું સાંભરે?' કુમુદે કૃષ્ણકલિકા પર ફેંકેલાં કેવડો ને સાંકળી યાદ આવતાં પ્રમાદધન નરમ થઈ ગયો, એની બુદ્ધિ ગુમ થઈ ગઈ. બાજી હાથમાંથી ગઈ સમજી નીચું જોઈ ચાલતો થયો. આ સર્વ હકીકત બુદ્ધિધનને પહોંચી. તેણે સર્વ વાત સાંભળી પુત્રની પાસેથી પોતાના વિશ્વાસુ નરભેરામ દ્વારા ઉત્તર લીધો. પ્રમાદે કૃષ્ણકલિકાએ સુઝાડેલો વિશેષ ઉત્તર એ આપ્યો કે નવીનચંદ્ર અને કુમુદ સંપ કરી પોતાની વાત ઉઘાડી પડતાં ભદ્રેશ્વર ગયાં છે એ મારો વધારે પુરાવો. શાંત વિચાર કરતાં પુત્રની વાત પિતાને પણ છેક અસંભવિત ન લાગી. બધાંને એકઠાં કર્યાં સિવાય ખુલાસો શી રીતનો થાય? અને બધાને એકઠાં કરવાનો પ્રસંગ આવે તો કુટુંબની પ્રતિષ્ઠા જાય – એ વિચારમાં આખો દિવસ કાઢી નાખ્યો. સાયંકાળે સુરસિંહને પકડી પોતાનાં માણસો આવ્યાં અને રાત્રિના નવ વાગતાં કુમુદસુંદરીવાળો રથ ઠાલો લઈ ગાડીવાન આવ્યો ને કુમુદસુંદરી તણાઈ ગયાના ને શોધ કરતાં પણ ન મળ્યાના સમાચાર કહ્યા. કુટુંબમાં અત્યંત શોક વ્યાપી ગયો. કુમુદસુંદરી ઉપર મૂળથી હતી તે દયા અને પ્રીતિ દશગણાં થયાં અને કૃષ્ણકલિકા ને પ્રમાદધન ઉપર કુટુંબનો ક્રોધ સો ગણો વધ્યો. વિદ્યાચતુરનો બુદ્ધિધન ઉપર પત્ર આવ્યો હતો ને તેમાં પ્રમાદધનને સારી સંગત માટે રત્નનગરી તેમ સુવર્ણપુરને બદલે કોઈ ત્રીજે જ સ્થળે મોકલવા લખેલું. બુદ્ધિધન આ બધું વિચારતો હતો ત્યાં અલક આવી ને રડી પડી બોલી : ‘પિતાજી, હવે તો તમે આમાંથી ઉગારો ત્યારે. ભાભી, જવા બેઠાં તે સહેવાતું નથી. તેમાં આ ભાઈ એમની પાછળ ગમે તે બકે છે ને ઊલટો ચોર કોટવાળને દંડે તેમ થયું છે, હોં! તમે એને બહેકાવશો નહીં, હોં! ભાઈ તમારી પાસે આડીઅવળી વાતો ભરવશે ને ભાભીના ભણીની વાત કોઈ કહેનાર નથી.' બુદ્ધિધને અલકકિશોરીને શાંત કરી વિદાય કરી. બુદ્ધિધન એકલો પડ્યો. ‘હે ઈશ્વર! આ જગતનાથી કેવો ઊલટો માર્ગ કે ભાઈનું સગપણ મૂકી ભાભીની વકીલાત કરવા બહેન આવી! કુમુદસુંદરી! મારા ઘરની લક્ષ્મી! આ સૌ તમારી પવિત્રતાનો પ્રતાપ!’ છેવટે બધો વિચાર કરતાં બુદ્ધિધનને લાગ્યું કે નવીનચંદ્રના અક્ષરવાળી કવિતા નિર્દોષ છે. ખરા આરોપમાંથી બચવા ખોટો પ્રત્યારોપ[1] પ્રમાદધને કુમુદ ઉપર મૂક્યો હોવાની પ્રતીતિ થઈ ને પિતા બોલી ઊઠ્યો : ‘દુષ્ટ! મારી પ્રતિજ્ઞા છે કે મારો સંબંધી હશે તેને માથે પણ આરોપ સિદ્ધ થતાં હું શિક્ષા કરીશ. પ્રમાદ! તું હવે મારો પુત્ર નથી અને હું તારો પિતા નથી!' વળી વિચાર થયો – ‘પુત્રને શિક્ષા કરી મારાથી દૂર કરીશ તો એનાં પુણપાપની ભાગિયણ થવાને સૃજાયલી ગરીબ કુમુદને પણ વગર શિક્ષાએ શિક્ષા જ થવાની! છેવટે નક્કી કર્યું કે ‘પ્રમાદને પદવીભ્રષ્ટ કરીશ, દરબારમાંથી એનો પગ કાઢીશ – બીજી શિક્ષા ન્યાયાધીશ પાસેની – હરિ! હરિ! સવારે તું જે બુદ્ધિ આપીશ તેમ હું કરીશ.’ આમ વિચારતાં વિચારતાં બુદ્ધિધન નિદ્રાવશ થયો. એ નિદ્રામાં પડ્યો તે વેળા પ્રમાદધન ઘેર આવ્યો ન હતો, આવવાનો ન હતો, અને પ્રાત:કાળે સૌ ઊઠ્યા પણ એ આવ્યો ન હતો. લોકમાં તો અનેક વાતો કહેવાઈ. સમુદ્ર ઉપર એક મડદું તણાતું દેખાયું હતું. તે એનું કહેવાયું. કોઈ કહે એણે આપઘાત કર્યો, કોઈ કહે એને કોઈએ મારી નાખ્યો, કોઈ કહે એ જતો રહ્યો. પિતાની પાસેથી મળવાની શિક્ષાના ભયથી તેમ લજજાથી પણ ગયો કહેવાયો. એનું ખરેખર શું થયું તે ઈશ્વર જાણે. ‘એ પુત્ર શોધવા યોગ્ય નથી–ગયો તો ભલે. મારે એનું કામ નથી. જીવતો હો કે મૂઓ હો તે મારે મન એક જ છે. હું તો એનું સ્નાન કરી નાખું છું.’ ઇત્યાદિ વચન પુત્રના સંબંધમાં બુદ્ધિધને કહ્યાં કહેવાયાં. પરિભવ[2] પામેલા મનસ્વીજનોનું પ્રાયશ્ચિત્ત આવું જ હોય છે.




  1. સામો આરોપ. (સં.)
  2. તિરસ્કાર. (સં.)