સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૫


પ્રકરણ ૨૫  : કુસુમનું તપ

‘કુસુમ, ઓ કુસુમ! તને ખોળીખોળીને તો હું થાકી ગઈ! બળ્યું, આમ તે શું કરતી હઈશ?' એમ બોલતી કુસુમના માંડવા! આગળ થઈને સુંદર ઉતાવળી ચારે પાસ જોતી ફરતી હતી. છેવટે માળણની ઓરડીની પાછળ એક પીપળા તળે કંઈક ઘસારો લાગ્યો. જુએ છે તો એક હાંલ્લામાં કંઈક રાંધવા બેઠેલી કુસુમની પીઠ-માળણનો જાડો સાલ્લો પહેરેલો તેથી ઓળખાઈ નહીં... કૃષ્ણ પક્ષમાં મધ્ય રાત્રિએ ચંદ્રબિંબ ક્ષિતિજમાં ઊગે અને આસપાસના પ્રદેશમાં રમ્ય નવીન પ્રકાશ પ્રકટાવી રહે, તેમ ઝાડના મેલા થડ આગળ કાળા સાલ્લામાં કુસુમનું ગૌર મુખબિમ્બ નવીન કાન્તિ ધરતું હતું. તે જોતાં સુંદરને ઉમળકો આવ્યો અને છતી થઈ તેને બાઝી પડતી અટકી. ઝાડની ડાળો અને પાંદડાં વચ્ચેથી કોયલ ટહુકી ઊઠે તેમ આ શાંત સ્થાનમાં કુસુમ બોલી ને સુંદરનો પગ અટક્યો : ‘જમની, આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભૂંગળી વગર શું કરવું? વગર ભૂંગળીએ તાપ લાગે એવું બતાવ.' માળણ ઊઠી આવી ને ચૂલા સામી જતી જતી બોલી : ‘વારુ, બહેન, તમે કર્મી લોક તેને આ તે શા અકર્મીના ધંધા કરવા? જાવ, ઘેર જાવ! જુઓ તો ખરાં! આ ધુમાડે તમારી આંખો કરી છે તે – કેસુડાનાં ફૂલ જેવી!' કુસુમ જરાક ઊંચી થઈ વિચારમાં પડી ને બોલી ઊઠી, ‘જો ભૂંગળીને ઠેકાણે આ હથેલી મોં આગળ રાખું ને ફૂંક મારું તો દેવતા સળગશે કની?' ફૂંક મારતાં આંખમાં રાખ ઊડી ને માળણ હસી પડી. ‘લ્યો, લ્યો હવે! જાવ ઘેર. જેનું કામ તે તે જ કરે. આવા રૂડા મોં ઉપર રાખોડી ઊડી ચોંટી તે બાવીઓ જેવાં કાળાં હતાં તે તો બરોબર લાગત.’ ‘ત્યારે આ કેવી લાગે છે?' કુસુમ બોલી. માળણ બોલે ત્યાર પહેલાં સુંદર પાસે આવી બોલી ઊઠી : ‘આ દિવસમાં ધોળી વાદળીઓથી ઢંકાયેલો ચંદ્ર લાગે છે, એવું તારું રાખોડીવાળું મોં લાગે છે, કુસુમ!' કાકીને દેખીને કંઈક ચમકી અને સ્વસ્થ થઈ, ખીચડીના દાણા કાઢી ચાંપી જોતી, કુસુમ બોલી : ‘કાકી, એ રાખોડી ને એ મોં-એ બે આખરે એક દેખાવાનાં; આખરનું જે સાથી તેનું આજથી જ હેત કરું છું.' સુંદરગૌરી : ‘કર્યું કર્યું એ હેત! કેમ કુસુમ, કહ્યું માને છે કે નહીં? ઊઠે છે કે ઘરમાંથી વડીલને બોલાવું?' ચાંપેલો દાણો હાંલ્લીમાં પાછો નાખી હાંલ્લાં ઢાંકતી ઢાંકતી કાકી ભણી ઊંચું જોઈ કુસુમ બોલવા લાગી : ‘તે શું, કાકી, એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવશે?' ‘ના, તું તો એમની હોડી-લજામણી! તે તને કેમ ધમકાવે? પણ એટલું તો થશે કે તારા આ ચાળા જોઈ વડીલ દુ:ખના દરિયામાં ડૂબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ! જોઉં તો ખરી કે કોનાં કોનાં કાળજાં બાળે છે? ભાયડાઓ છોકરીઓને ભણાવે ને આમ બગાડે તે તારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે.’ હસતી હસતી હાંલ્લીમાં પાણી રેડતી કુસુમ બોલી : ‘કાકી! કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલાં બાવીઓ પેઠે કેમ રહેવાય – આવું કેમ ખવાય ને આવું કેમ પહેરાય તે શીખું છું.’ ‘શું આમ હાથમાંથી જવાને બેઠી છે? ઘરના જેવું આ અન્ન ન હોય.’ ‘કાકી, આ ખીચડી ખાતે તો બેત્રણ દિવસ થયા.’ ‘હેં! ત્રણ દિવસ થયા ખાય છે? દીકરી, ગજબ કર્યો!' સુંદર ચપ લઈને ઊભી થઈ અને હાંલ્લીને અડકવા ગઈ. ‘હાં, હાં, અડકશો નહીં – નવણમાં છું. કુસુમ ગાજી ઊઠી. ‘કાકી, આવો તો ખરાં, જરા ચાખો તો ખરા; આમ શું ગાંડાં કાઢો છો?' ‘હા, હા, હું ગાંડી; ને તું ગાંડી તે ડાહી. હું તો અડકું છું ને હાંલ્લી બાંલ્લી બધું લઉં છું ઘરમાં-તારાં માને ને બાપને દેખાડવાને.’ સુંદર અડકવા ગઈ. કુસુમે તેને અટકાવી. ‘તમે કબૂલ કરો છો કે તમારે આ વાત કોઈને કહેવી નહીં?' ‘હા.' ‘ને મને અટકાવવી નહીં?' ‘એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવીયે પડે!' ‘તે બળથી કે કળથી?' કળથી, બાપુ, કળથી. એટલુંયે કબૂલ તો કર.’ ‘જુઓ, ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાનું છે-તેની આપણે ના છે. બહેનના સસરા તે મારા વડીલ. પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્રને પરણાવવી છે – તેમાં પણ આપણી ના સમજવી. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે ને તેના ઉપર મને બીજી બેસાડવાની માગણી તેમના ભાઈએ કરી છે – તેનો કાગળ પિતાજી ઉપર છે – તેની પણ ના.’ સુંદર : ‘બેની તો ના સમજાઈ; પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે?' કુસુમ : ‘બે વાતની ના–માં છેલ્લે સુધી બધાને સમજાવવા મને મદદ આપો તો સમજાવું.’ સુંદર : ‘તે એટલી બધી હું બંધાઉં તેને માટે તું કેટલું બંધાય છે?' કુસુમ : ‘સરસ્વતીચંદ્રને ના પરણવાનું મારું કારણ બદલામાં તમને સમજાવું.’ સુંદર : ‘ના, તે એટલામાં બદલો ન વળે! હું બંધાઉં તેના બદલામાં તું સરસ્વતીચંદ્રને પરણવાને બંધાય છે?' કુસુમ : ‘આવડી આવડી ના!' એણે ‘આવડી’ ઉચ્ચારતાં હાથનાં ચાળાં કર્યાં. સુંદર : ‘ત્યારે અમારીયે આવડી આવડી ના; આટલી છોકરી મને પટાવે છે; જમની! જો તો ખરી.' કુસુમ : ‘જો તમે આટલું બંધાઓ તો હું એટલી બંધાઉં કે જો સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તોપણ તેટલાથી કંઈ મારે મારા વિચાર ફેરવવાના નથી – પણ હું પૂછું એ બધા પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મારા મનનું સમાધાન થાય ને મારા વિચાર ફરે ને તેમનો ને મારો બેનો વિચાર એક થાય, તો પછી હું મને ઠીક લાગે તે વિચાર કરું – તે વિચાર કરું – હાં વિચાર કરું; બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નહીં.' સુંદર : ‘આ જોને – આનું આમ થાય, તેનું તેમ થાય, પેલાનું પેલું થાય – તો પછી મારાં કુસુમબહેન શું કરે? – વિચાર કરે! બીજું કાંઈ ન કરે, પણ વિચાર કરે; જાઓ, અમે તો કંઈ બંધાતાં નથી.’ કુસુમ : હું તો આ ખાવા બેસું.' પત્રાળું તૈયાર થયું હતું. તેમાં ખીચડી નાખી કુસુમ ખાવા લાગી. કુસુમ મોં ધોઈ ઊઠી અને મોં લોહતી લોહતી આગળ આવી. સુંદર : ‘ત્યારે શું?' કુસુમ : ‘ત્યારે કે-ગાઉ?' કુસુમબહેન ચા....લ્યાં.... રે.... ગોદાવરી!' ‘ગોદાવરી જતાં તે પૈસા બેસે, પણ સુંદરગિરિની બાવીઓ અને એવાં સ્થાન કયાં ઓછાં છે? કાકી, હવે કુસુમ મીરાંબાઈ થવા તૈયાર છે, શરીરનો રથ અને મનની સવારી; કુસુમ કાઢે સંઘ ત્યાં આનંદની વારી.’ ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. કુસુમ ઓઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. ગ્લાનિ તજી કુસુમ કાકીની પાછળ ઘરમાં ચાલી. ત્યાં એક બારીએ વિદ્યાચતુરને એકલો ઊભો ઊભો વિચાર કરતો દીઠો. કુસુમને દૂરથી જોતાં તેના વિચાર અટક્યા. કુસુમની કૌમારવ્રતની ભાવના એને પ્રિય હતી. મેધાવિની[1] પુત્રીને દાદર ઉપર જોઈ પિતાના હૃદયે હૃદયમાં કાલિદાસની વાણી વડે, પણ બોલ્યા વિના આશીર્વાદ દીધો : શાન્તાનુકૂલપવનશ્ચ શિવશ્ચ પન્થા :।।[2] ‘રંક કુમુદની સ્વતંત્રતા ઊગતા પહેલાં જ મેં નષ્ટ કરી. કુમુદનાં દુર્ભાગ્ય જોઈ આ દૃષ્ટિ ઊઘડી. તેનો લાભ કુસુમને મળશે – એ તેનું ભાગ્ય. કુસુમ! લગ્નની ઉપાધિમાંથી મુક્ત રહેવાનો તારો અભિલાષ દૃઢ જ રહેશે તો તારા આ સુંદર સ્વતંત્ર પવિત્ર અભિલાષને માટે નાતજાત ને પ્રધાનપદ જેવા સર્વ સ્વાર્થનો ત્યાગ કરવા તારો પિતા તત્પર છે.’





  1. બુદ્ધિશાળી. (સં.)
  2. શાન્ત અને અનુકૂળ પવન હો અને પન્થકલ્યાણમય હો! (સં.)