સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૨૪ : રસ્તામાં તારામૈત્રક

જે પ્રાત:કાળે ભક્તિમૈયા અને અન્ય સાધુજનના સાથમાં કુમુદસુંદરી સુંદરગિરિ ઉપર જવા નીકળી તે પ્રાત:કાળે સરસ્વતીચંદ્ર વિહારપુરી અને રાધેદાસના સાથમાં સુરગ્રામ અને સમુદ્રતટ જોવા પર્વત ઉપરથી નીચે જવા નીકળ્યો. સુંદરગિરિનું પશ્ચિમ અંગ આ કાળે વિચિત્ર રમણીયતા ધરતું હતું. ચિત્રવિચિત્ર વૃક્ષોની ઝાડીઓ, લીલાં અને સૂકાં ઘાસનાં જંગલ વચ્ચે વચ્ચે ઉઘાડાં કાળાં માથાંવાળા ખડકો અને તેની અણિયાળી શિખાઓ અને અનેક નાનામોટા સર્વ જેવા અને કંઈક દેખાતા ને કંઈક ન દેખાતા વાંકાચૂંકા રસ્તાઓ – એ સર્પ પદાર્થ તીર્થવાસી બ્રાહ્મણોના સાથરાઓ પેઠે અને તેમની સામગ્રી પેઠે આરા જેવા ઢોળાવ ઉપર પથરાયેલા હતા. આ બધો ભાગ પશ્ચિમ દિશાનો હતો. આકાશ સ્પષ્ટ કેવળ ભૂરું અને ડાઘા વગરનું હતું અને છેલ્લામાં છેલ્લો તારો અસ્ત થઈ ગયો હતો. સૂર્ય, તારા અને વાદળાં-એમાંના કંઈ પણ પદાર્થ વગરનું, કરચલી વગરની મોટી ભૂરા વસ્ત્રની છત જેવું આકાશ હતું. તે કાળે સાધુજનોના સથવારામાં કુમુદસુંદરી અર્ધો ઢોળાવ ચઢી ગઈ હતી અને માર્ગની આસપાસની શિલાઓ ઉપર એ અને સર્વ સ્ત્રીઓ વિશ્રાન્તિ લેવા વાતો કરતી બેઠી હતી. સર્વ સાધુ સ્ત્રીઓ વચ્ચે એકલી કુમુદસુંદરી રૂપથી, વસ્ત્રથી, અને અલંકારથી જુદી પડતી હતી. ભક્તિમૈયા ઊંચી, પહોળી, કાળી અને કદરૂપી બાવી હતી. બીજી બાવીઓ એનાથી નીચી હતી અને એક વામનરૂપ ઠીંગણી બાવીને બાદ કરતાં બીજી સર્વ કુમુદથી ઘણી ઊંચી હતી. સર્વ બાવીઓનાં વસ્ત્ર તો ભગવાં જ હતાં. માત્ર કુમુદે માતાની પ્રસાદીની ચૂંદડી પહેરી હતી તે ધોળાં ટપકાંવાળી કસુંબલ અને રેશમી હતી. વર્ષાઋતુની વાદળીઓ વચ્ચે ચંદ્રલેખા જેવી દેખાતી કુમુદ આ બાવીઓની વચ્ચે એક પથરા ઉપર બેઠી હતી. પ્રસંગોચિત્ત વાર્તાલાપ ગાયન અને નૃત્ય થઈ રહ્યાં ને એટલામાં માર્ગનો વાંક ઓળંગી સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસ ઊતરી આવ્યા. સ્ત્રીમંડળો જોઈ તેઓ સ્તબ્ધ થઈ સંકોચાઈ ઊભા. તેમને જોઈ સ્ત્રીઓ પણ વીજળીની ત્વરાથી સાવધાન અને સ્વસ્થ થઈ ઊભી. ભક્તિમૈયા જરા આગળ આવી અને તેણે તથા રાધેદાસે યદુશૃંગના સાંકેતિક અભિવંદનનો ઉચ્ચાર કર્યો. ‘નન્દકો નન્દન એક આનન્દ દેત હય!' આ ઉચ્ચારની ગર્જના સરસ્વતીચંદ્ર અને કુમુદ વિના બાકીના સર્વ મંડળે કરી. તેમાં ન ભળેલાં બે જણની દૃષ્ટિ એકબીજા ઉપર સ્વાભાવિક રીતે વળી. ભગવાં વસ્ત્રમાં ઢંકાયેલો પ્રિયજન કુમુદે ત્વરાથી ઓળખી લીધો. સરસ્વતીચંદ્રે તેને જોઈ; કુમુદસુંદરી જ ઊભી લાગી. પણ આ સ્થાને એ હોવાનો સંભવ કોઈ પણ રીતે નથી એમ ગણી આંખ પાછી વાળી લેવા પ્રયત્ન કર્યો. વામની : ‘નવીનચંદ્રજી તે આ જ કે?' કુમુદ જાણતી છતાં પળ વાર કંપી. વિહારપુરી : ‘હા, એ જ.’ નવીનચંદ્રના સુંદરગિરિ પરના આશ્રમના અંગે વાર્તાલાપ ચાલતો હતો ત્યાં વિહારપુરી બોલ્યો : ‘વામનીમૈયા, દિવસ ચઢશે અને ભગવાન સૂર્યનારાયણ તપશે અને શિલાઓને તપાવશે ત્યારે બીજા કોઈનાં ચરણને નહીં તો જે પુષ્પલતાને લઈ તમે જાઓ છો તેને કરમાવી નાખશે; માટે હવે આપણે પોતપોતાને માર્ગે પડીએ.’ ભક્તિમૈયાએ કુમુદને ઉપાડી લીધી અને અન્ય સ્ત્રીઓ સાથે ગિરિરાજ ઉપર ચઢવા લાગી. ‘તારામૈત્રક જ!' બંસરી મોહનીના કાનમાં ભણી. મોહની સર્વને ખસેડી બોલતી સંભળાઈ : ‘શ્રીકૃષ્ણ પરમાત્મા કરે તે ખરું. જ્યાં એ યોગીનો યોગ અને કયાં આવી પ્રીતિની મધુરતા? બાકી તારામૈત્રક તો નિ:સંદેહ જ!'

*

તીર્થક્ષેત્ર સુરગ્રામમાં ઘણાંક દેવાલય હતાં, પણ તે સર્વ ગામબહાર નદી અને સમુદ્રના તીર ઉપર અને તેમના સંગમ ઉપર હારોહાર ઠઠબંધ હતા. ગામમાં માત્ર બે જ માર્ગ પાઘડીપને એકબીજાની આગળપાછળ સમાંતર રેખામાં આવેલા હતા. એક માર્ગનું નામ ગુરુમાર્ગ અથવા ગોરની શેરી હતું. બીજો માર્ગ ચૌટાને નામે પ્રસિદ્ધ હતો. શેરી અને ચૌટાની વચલી હારમાં એક મોટું શિવાલય હતું. પ્રાત:કાળે નવ વાગતામાં સરસ્વતીચંદ્ર પોતાના સાથી સાથે અહીં આવી પહોંચ્યો. અને આ શિવાલયના ચોકની એક પાસના ઓટલા પર બેઠા બેઠા સર્વ થાક ઉતારવા લાગ્યા. કુમુદસુંદરીને દીઠા પછી તે એ જ છે એવો નિર્ણય થઈ શકતો નહોતો, પણ તેના સ્વરૂપના સંસ્કાર ખસતા ન હતા. શિવાલયને જોઈ રાજેશ્વર અને ત્યાંના અનેક અનુભવ મનમાં તરવરવા લાગ્યા. સહચારી બાવાઓની સાથે તે ગોષ્ઠીવિનોદ કરતો હતો. તેમાં આ સર્વ સંસ્કાર ખડા થઈ વિઘ્ન નાખતા હતા. વાતો કરતાં વચ્ચે ઘડી-અધઘડી સુધી કોઈ બોલે પણ નહીં એવી વેળા પણ આવતી હતી. તેટલામાં એક બ્રાહ્મણ મહાદેવનાં દર્શન કરવા આવ્યો, ઘંટ વગાડવા લાગ્યો, અને દર્શન કરી, ચોખા નાખી, મંડપના બહારના પગથિયા ઉપર પાઘડી ઉતારી બેઠો. ત્યાંથી બાવાઓ પાસે આવ્યો. બાવાઓ ‘અત્યારે અહીં ક્યાંથી?’ એમ પૂછતા ‘મહેતાજી! નવીનચંદ્રને સુરગ્રામ બતાવવા લાવ્યા છીએ.’ એવો વિહારપુરીએ જવાબ દીધો. મહેતાજી : ‘વર્તમાનપત્રોમાં.... એક ચંદ્રની વાત આવે છે તે તો આપ નહીં?' એમ પૂછી મુંબઈથી ચંદ્ર ઉપરના નામવાળા એક વિદ્વાન અદૃશ્ય થઈ ગયા છે તે તેણે છાપાંઓમાં વાંચ્યું હોવાનું જણાવ્યું. સરસ્વતીચંદ્રની તે બાબતમાં જિજ્ઞાસાથી પાસે જ પુસ્તકશાળામાં તે લઈ ગયો ને ત્યાંથી વર્તમાનપત્રો કાઢી બતાવ્યાં. મુંબઈના એક પત્રમાં લક્ષ્મીનંદન શેઠે પ્રસિદ્ધ કરાવેલા લેખ હતા અને તેને મથાળે ‘સરસ્વતીચંદ્રનો શોધ નંબર-૧૦' એવા અક્ષરો મોટા મોટા હતા. સર્વ વાત વાંચતાં આંસુ મહા પ્રયત્નથી તે દાબી શક્યો. ‘બીજા કંઈ પત્રો અને સમાચાર છે?' એમ પૂછ્યું. મહેતાજી – ‘હા જી, આ રત્નનગરીમાં નીકળતા પત્રમાં અમારા પ્રધાનજીના કુટુંબમાં બનેલા શોકકારક સમાચાર છે.’ તે ઉતાવળથી વાંચતાં વાંચતાં સરસ્વતીચંદ્ર ગભરાયો. પ્રમાદધન મૂઓ, કુમુદસુંદરી ડૂબી ગયાં, સૌભાગ્યદેવી ગુજરી ગયા અને બુદ્ધિધનને સંન્યસ્તનો વિચાર છે! આ સર્વ વાંચતાં સરસ્વતીચંદ્ર હબકી ગયો. મહેતાજી – ‘આપને આ સમાચારથી આટલું દુઃખ થાય છે તે આપ જ સરસ્વતીચંદ્ર તો નથી?' સરસ્વતીચંદ્ર શોકને દાબી શક્યો. તેનાં અશ્રુ દૂર થયાં. કપાળે પરસેવો વળ્યો તે લોહતો લોહતો બોલ્યો. ‘સરસ્વતીચંદ્ર નાસી ગયો. તેની મને લેશ ચિંતા નથી. હું સુવર્ણયુગમાં રહેલો છું અને બુદ્ધિધનભાઈના સૌજન્યને જાણું છું. તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો.’ મહેતાજીની જિજ્ઞાસા નષ્ટ થઈ. સાધુજન તૃપ્ત થયા. એટલામાં એક વણિક ગૃહસ્થ આવ્યો અને વિહારપુરીને નમીને બોલ્યો : ‘મારી ભક્તિ ઉપર પ્રભુએ જ નજર કરી ને મને આપનાં દર્શન થયાં. મહારાજ, ત્રણે મૂર્તિઓ રંકને ઘેર પધારી ભોજન લેવાની કૃપા કરો.’ સૌ શિવાલયમાંથી બહાર નીકળ્યા. વણિકને ત્યાં ભોજન માટે જતાં પહેલાં રાધિકેશજીના મંદિરના ઠાકોરજીની પ્રતિષ્ઠાનો વાર્ષિક ઉત્સવ હોઈ તે તરફ વળ્યા. રસ્તામાં મહેતાજી સાથે જ હતા. તેમની પાસેથી રત્નનગરી વગેરેના રાજકીય સમાચાર જાણી સરસ્વતીચંદ્ર ગંભીર થઈ ગયો. આખા દેશના અનેક વિચારો એના હૃદયને વલોવવા લાગ્યા. ‘મારો દેશ! મારી કુમુદ! મારા પિતા! મારું મુંબઈ!' એવા ઉચ્ચાર હૃદયમાં ઊછળવા લાગ્યા. જતાં જતાં દેવાલયો માર્ગમાં આવવા લાગ્યા અને શાંતિનો મેઘ ઝરમર ઝરમર વૃષ્ટિ કરવા લાગ્યો. રાધિકેશજીના મંદિરમાં સૌ ગયા, ત્યાં પણ સરસ્વતીચંદ્રના ચિત્તમાં તો મંથન જ ચાલ્યા કરતું હતું. ‘પ્રમાદધન મૂઓ, કુમુદ વિધવા થઈ’ વગેરે વિચાર અને જંપીને બેસવા નહોતા દેતા. સરસ્વતીચંદ્ર વિના સર્વેયે દેવને પ્રણામ કર્યા. સર્વ પાછા ફર્યા ને મંદિર બહાર નીકળ્યા. સામી ચંદ્રાવલી મળી. રાધેદાસને પકડી ઊભો રાખી પૂછવા લાગી : ‘રાધેદાસજી, ભક્તિમૈયા માર્ગમાં દેખાઈ? એની સાથે મારી મધુરી હતી?' સરસ્વતીચંદ્ર ઉત્તર સાંભળવા ઊભો. ‘કોઈ નવીન ગૃહસ્થકન્યા તો હતી.’ ‘તમ પુરુષજાતિની કઠોરતાનો ભોગ થઈ પડેલી એ બાપડી ડૂબતી ડૂબતી માતાને શરણે આવી જીવી છે.’ ‘જ્યાંત્યાં અમ પુરુષોનો જ દોષ?' ‘છે તે છે.’ રાધેદાસ બહાર ચાલ્યો. ચંદ્રાવલી મંદિરમાં અંદર ચાલી. સરસ્વતીચંદ્ર રાધેદાસની આગળ ચાલતો હતો. વિહારપુરી સૌથી આગળ નીકળી ગયો હતો અને વાટ જોતો માર્ગમાં ઊભો હતો. ચંદ્રાવલીને માસીનું જ અનુકરણ કરી કુમારી રહેલી ભાણેજ બિન્દુમતી સામે મળી અને બોલી : ‘મૈયા, વિહારપુરી જોડે નવીન કોણ હતું?' ‘આપણે શી ચિંતા?' ‘હું તો સહેજ પૂછું છું. તેની આકૃતિ રમણીય હતી. એ ઘણું કરીને ‘હેં! વિષ્ણુદાસજીના અતિથિ છે હે! ત્યારે તો આપણે તેનું કામ છે-મધુરીની કથા તેં સાંભળી છે કની?' ‘તે પુરુષ આ?' ‘એમ જ હોવું જોઈએ.’ ‘સૂર્ય ગયે પદ્મિની મીંચાય છે તે યોગ્ય જ છે. મધુરીના દુઃખની મધુરતા અને તીવ્રતા હવે સમજાય છે.' ‘મધુરી વિશે મારો જીવ ઊંચો હતો, તે હવે વધારે ઊંચો થયો.’ તે યદુશૃંગ જવા ધારો છો?' ‘હા... ને તું પણ મારી સાથે જ ચાલજે. બેટા બિન્દુ, તારા અને માધુરીના વયમાં બહુ ફેર નથી. તારી સાથે એ મન મૂકી વાત કરશે ને એને સુખી કરવામાં તું સાધનભૂત થાય તો એ પુણ્ય તારે ઓછું નથી. માટે મારી સાથે ચાલ.'