સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩૪


પ્રકરણ ૩૪ : ‘ઘેલી મારી કુસુમ!’

સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંતને એક જુદી પર્ણકુટીમાં ઉતારો મળ્યો, તેમાં તેમણે બાકીનો દિવસ ગાળ્યો. સાંજે છ-સાત વાગતાં બહાર નીકળવા વિચારે છે ત્યાં કમાડ ખખડ્યું ને ચંદ્રાવલી આવી. ગુણસુંદરી સાથે પોતાને અને કુસુમ સાથે કુમુદને થયેલી સર્વ વાત ચંદ્રાવલીએ કહી ને અંતે બોલી : ‘સાધુજન! બે બહેનોએ પરમ સ્વતંત્રતાથી, પરમ કલ્યાણબુદ્ધિથી નિર્ણય કર્યો છે. મારી મધુરીમૈયા – સંસારની કુમુદસુંદરી – પરિવ્રાજિકાજીવન ગાળશે. તો હવે કુસુમબહેનની પ્રીતિનો આપ સ્વીકાર કરો. કુસુમબહેન ગંગામૈયા પેઠે આપનો સમાગમ પામશે ને કુમુદબહેન તેમની પાછળ યમુનામૈયા પેઠે રહેશે. ચંદ્રકાંત આનંદમાં આવી બોલ્યો : ‘મિત્ર, કંથા તમારે રાખવી હોય તો કુસુમસુંદરી પણ રાખશે. લક્ષ્મીનંદન શેઠ કાલે આવી પહોંચશે. આ વિજ્ઞપ્તિ સ્વીકારશો તો તમારા વિના સર્વનાં હૃદય પ્રફુલ્લ થશે. આ યજ્ઞમાં તમારી એ વૃત્તિનું પણ બલિદાન આપો અને સર્વને સંતોષો.' ચંદ્રાવલી : ‘સાધુજન, આપના દુ:ખી પિતાને શાંત કરો એટલું જ નહીં પણ પરમાત્માની વિભૂતિઓને સંસારમાં વસંતોત્સવના અબીલગુલાલ પેઠે ઉરાડો, એમાં ગુરુજીના આ મઠનો પણ અપૂર્વ ઉત્કર્ષ જ છે. મહાત્મા! પ્રધાનજીના પિતા અને પત્નીને શો સંદેશ કહું?' સરસ્વતીચંદ્ર : ‘મૈયા! એમને કહેજો કે હું તો કંથાધારી સાધુજન છું. આ શરીર અને દ્રવ્ય સઘળું લોકયજ્ઞમાં વેરી નાખવાની પ્રતિજ્ઞાથી બંધાઈ ગયો છું. પ્રધાનજીનાં એક પુત્રીની જે દશા મારાથી થઈ, તે પછી બીજાં પુત્રીના વિષયમાં આપે વધારે સાવધાન રહેવાનું છે. છતાં કુમુદસુંદરીના હૃદયની આજ્ઞા અને કુસુમસુંદરીના હૃદયની ઇચ્છા એક થાય તો હું ગુરુજીની ઇચ્છાથી દૂર નથી.’ સર્વ ઊઠ્યાં. સરસ્વતીચંદ્ર પ્રણામ કરતો બોલ્યો : ‘ચંદ્રાવલીમૈયા, આ બે પવિત્ર દીવીઓના દી૫ મારાથી કંપે કે હોલાય એવો પ્રસંગ ન આવવા દેશો. પ્રાત:કાળ થયો. લક્ષ્મીનંદન શેઠ અને ગુમાન દશેક વાગ્યે આવે છે એવા સમાચાર મળ્યા. પહેલાં હરિદાસ આવ્યો. ‘ભાઈ’ને ભેટ્યો ને સાથે પાઘડીલૂગડાં આપ્યાં હતાં, તે અંચળો કાઢી પહેરવા ‘ભાઈ’ને કહેવા લાગ્યો. વસ્ત્રો પહેરતો સરસ્વતીચંદ્ર બોલ્યો, ‘હરિદાસ, પિતાશ્રીની પાસે હું આ વસ્ત્રો પહેરીશ ને અન્ય પ્રસંગે કંથા પહેરીશ. તું આ કંથાને રત્ન પેઠે જાળવી રાખજે ને માગું ત્યારે આપજે!' સર્વ શેઠને સામા લેવા ગયા. પિતા, માતા અને પુત્ર માર્ગ વચ્ચે ભેટ્યાં અને રોયાં. સરસ્વતીચંદ્ર અને કુસુમનું લગ્ન સાધુજનોના સંપ્રદાય પ્રમાણે થયું. વરકન્યા વિષ્ણુદાસજીને ચરણે કંથાઓ પહેરીને નમ્યાં. લક્ષ્મીનંદન શેઠે વીસ હજાર રૂપિયાની ભેટ મૂકી; તેમાંનો અર્ધો ભાગ સુરગ્રામમાં વહેંચવા વિષ્ણુદાસજીએ આજ્ઞા કરી. વરકન્યાને વિદાય કરતી વેળા ગુણસુંદરી અને સુંદર રોઈ પડ્યાં. વિદ્યાચતુર ગંભીર મૌન ધારી પાણી ભરેલી આંખે જોઈ રહ્યો. ધનનંદનના મૃત્યુથી સરસ્વતીચંદ્ર એકલો વારસ ઠર્યો. પિતા-માતાની સેવા માટે જરૂરી દ્રવ્ય રાખી બાકીનું પોતાના મનોરાજ્યની પૂર્ણાહુતિમાં વાપરવા સરસ્વતીચંદ્રે નક્કી કર્યું. કુમુદ, કુસુમ અને મિત્રમંડળ સૌ તે યોજનાઓની વાતો કરતાં રત્નનગરી જવા નીકળ્યાં. એક પાસ કુસુમ અને બીજી પાસ વિદ્યાચતુર, ગુણસુંદરી અને સુંદર વચ્ચે, રત્નનગરીમાંથી નીકળતી વેળા મનોવેધક પ્રસંગ રચાયો. સરસ્વતીચંદ્ર તો વિચારમગ્ન મનોદશામાં હતો. વરકન્યાના રથમાં બેસી કુમુદ થોડેક સુધી વળાવવા ગઈ. અંતે કુમુદ પણ પાછી વળી ને રથમાંથી ઊતરી તૂટતે સ્વરે બોલી : ‘કુસુમ! ચિંતા ન કરીશ. હું ત્યાં આવતી રહીશ. ને નહીંતરે સંસારનું આ રત્ન તને સોંપ્યું છે તેને જીવની પેઠે જાળવજે.’ બે બહેનો એકબીજાંને ખભે માથાં મૂકી રોઈ. કુમુદ સરસ્વતીચંદ્રને ચરણે પડી ને ઊઠતી ઊઠતી બોલી : ‘મહાત્મા! આ સંસારની જાળમાં આપને નાખ્યા છે તે ક્ષમા કરજો. આપના મનોરાજ્યને સફળ કરજો ને હું મારી ગંગામાં યમુના પેઠે ભળીશ. સ્વપ્નમાં આપને મારો હાથ આપની માતાનો લાગ્યો હતો, તે જ પ્રમાણે હવે હું આપનાં ભાવનાસ્વપ્નની માતા થઈ છું.’ સરસ્વતીચંદ્ર અત્યંત આર્દ્ર હૃદયે કુમુદની ક્ષમા માગતો ચરણે પડ્યો ને કુમુદનો ઉઠાડ્યા ઊઠ્યો. ‘સરસ્વતીચંદ્ર! ઈશ્વરની લીલાથી એક ભવમાં અનેક ભવ થાય છે તેમ મારે – તમારે થયું. કુસુમ! આ મહાત્માની તું અહોનિશ હૃદયપૂજા કરીશ તે કાળે સદા આ તારી બહેનને અવશ્ય સંભારજે! કુસુમ! પતિ એ સ્ત્રીની પરમ ગતિ છે. એમની આરતી કરે ત્યારે કુમુદને તો માત્ર ઘંટા પેઠે તારા હૃદયમાં વગાડજે!

*

કુસુમને લઈ મુંબઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ થયું. એમના ઉપર ગુણસુંદરીના પત્રો આવતા. એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી ને કુમુદના સ્વાસ્થ્યથી એના સુખનો પ્યાલો ઊભરાતો હતો. વિદ્યાચતુર રાજકાર્યમાં રોકાયેલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતોપણ અવકાશ મળતાં ખબર પુછાવતો અને અનુભવભરી સૂચનાઓ કરતો. કુમુદ સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો. નણંદભોજાઈ બુદ્ધિધનની સંભાળ રાખતાં ને દેવીએ મૂકેલા બાળકને રમાડી કલ્લોલ કરવા લાગ્યાં. કુમુદ સદ્ગ્રન્થો વાંચતી, ગુણસુંદરી પાસે જઈ આવતી, ચંદ્રાવલીની અતિથિ થઈ આવતી ને એમ કાળ ચાલ્યો જતો. હવે કુસુમથી છૂટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા તેથી અલકને લઈ મુંબઈ જઈ આવવું ધાર્યું. બાકી કલ્યાણગ્રામની યોજના, સરસ્વતીચંદ્રના જીવનની સફળતા, કુસુમનું સુખ – એ અંગે સવિસ્તર પત્ર વારંવાર આવતા. મુંબઈમાં સરસ્વતીચંદ્રની કલ્યાણગ્રામની યોજના પૂરી થવા આવી હતી ને તેનો અમલ પણ હવે શરૂ થતો હતો. ભાતભાતના વિદ્વાનોનો સમાગમ સરસ્વતીચંદ્ર સાધતો ને વિહારપુરી દ્વારા વિષ્ણદાસજી સાથે પત્રવ્યવહાર રાખતો. ધનનંદન જતાં ગુમાન અદેખી અપરમાતા મટી વહુઘેલી સગી માતા બની હતી. સરસ્વતીચંદ્ર માટે વાલકેશ્વરનો બંગલો રાખેલો હતો. તેને સજાવવાની – ભાઈને આ જોઈશે ને વહુને આ દીપશે, એની જ ચિંતા ગુમાન કર્યા કરતી. આ સર્વ સુખમાં લક્ષ્મીનંદનને માત્ર એકબે વાતનો ઊંડો અસંતોષ હતો. જે ખંડમાં સરસ્વતીચંદ્રે કુમુદની મોટી છબી રાખી હતી તે ખંડમાં એ છબી આગળ કંથા પહેરી ઊભો રહેતો અને ક્વચિત્ આંસુ સારતો; તેમ કેટલીક વાર તો બંને વરવધૂ કંથા પહેરી છબી પાસે ઊભાં રહીને પગે લાગતાં. આથી લક્ષ્મીનંદનનું સંતાનોત્સુક હૃદય ચિંતાતુર રહેતું. અંતે લગ્નને વર્ષ પૂરું થયું તે દિવસે ગુમાને વાલકેશ્વરની મહાપૂજા કરાવી તેમાં પુત્રના સર્વ મિત્રોને ને આશ્રિતોને આમંત્ર્યા. હરિદાસ કુસુમને લઈ સ્ટેશન ઉપર ગયો. કુમુદ અને તેની સાથેના મંડળને લઈ કુસુમ અને હરિદાસ આવ્યાં. સરસ્વતીચંદ્ર તેમને જોઈ અલકબહેન સાથે વાતો કરતો પગથિયાં ચઢવા લાગ્યો ને સૌભાગ્યદેવીના બાળકપુત્રને લઈ તેની સાથે વિનોદ કરવા લાગ્યો. કથા પૂરી થઈ. ગુમાને આરતી લઈ કુસુમને સરસ્વતીચંદ્ર પાસે મોકલી. સરસ્વતીચંદ્ર નિદ્રાવશ થઈ સૂતો હતો તેના સામી આરતી લઈ કુસુમ ઊભી, પણ એ જાગ્યો નહીં. એના મુખ ઉપર આરતીનો પ્રકાશ પડતાં કુસુમ મુગ્ધ બની ઊભી રહી. દેવને કરવાની આરતી પતિદેવને જ કરવા ઇચ્છતી હોય, તેમ આરતીના પ્રકાશમાં એ મુખને જોતી ઊભી જ રહીને ગણગણી :

‘વ્રજ વ્હાલું રે! વૈકુંઠ નથી જાવું!
ત્યાં મુજ નંદકુંવર કયાંથી લાવું?'

ઘણાંને આરતી લેવી રહી ગઈ હતી ને વહુ પાછી આવી નહીં, એટલે ગુમાન એને તેડવા આવી. દૂરથી આ દેખાવ આનંદના ઉમળકાથી જોઈ રહી. કુસુમને બોલાવવાનું ભૂલી શેઠ પાસે આ દેખાવની વધામણી ખાવા દોડી. કુમુદે ભગવી કંથા મૂકી ન હતી. તે પહેરીને, અત્યારે કુસુમ એકલી હશે જાણી, એને ખોળતી એ ઉપર આવી, કુસુમના બારણા આગળ ઊભી. પોતાની પૂર્ણાહુતિનું પુણ્યફળ દેખી અંજાઈ ગઈ હોય એમ સ્તબ્ધ થઈ એક કમાડમાં લપાઈ રહી.

ઘેલી કુસુમ હજી સુધી આરતી લઈ મલકાતી મલકાતી પતિમુખને ન્યાળી રહી હતી. અચિંતી કાંઈ ઊર્મિ ઊઠવાથી આરતી ઉતારતી ઉતારતી ગાવા લાગી :

‘જાગો, કન્થા.... ધા... રી!
મારા જાગો કન્થા... ધારી!'

વળી આરતીનો વેગ વધારતી વધારતી

જ્યતિ તેડધિકં જન્મના જગત્[1]

વાળું ગોપિકાગીત ઉલ્લાસભેર ગાવા લાગી. આરતી ઉતારતાં ઉતારતાં તેનાથી રહેવાયું નહીં ને નદી સમુદ્રમાં ધસે તેમ, પતિના કમળપુટ પેઠે બિડાયેલા અધરપુટ ઉપર પોતાના અધરને – બીજી આરતી પેઠે – મુગ્ધા ધરવા જાય છે ને એનું પોપચું કંઈ ઊઘડતું દેખે છે, ત્યાં આ સુખસ્વપ્ન જોઈ કુમુદથી હસી પડાયું, પરમ આનંદનાં આંસુ તેની આંખોમાં આવી ગયાં ને ત્યાંથી તો તે પાછે પગલે ખસી ગઈ, પણ ખસતાં ખસતાંયે કુસુમને ચમકાવનાર શબ્દમાં કુમુદથી મોટેથી કહેવાઈ જવાયું : ‘ઘેલી મારી કુસુમ!’[2]




  1. તારા જન્મથી જગત્ અધિક જય પામે છે. લક્ષ્મી અહીં જ શાશ્વત આશ્રય પામી વસે છે. હે પ્રિય! તારામાં જ પ્રાણ પરોવીને તારાં જનો બધી દિશાઓમાં તને શોધે છે તે જો! – એવા ભાવાર્થવાળો શ્લોક.
  2. (સરસ્વતીચંદ્ર ભાગ ૪)