સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૩૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકરણ ૩૩ : ગંગા-યમુના

કુસુમ : ‘સરસ્વતીચંદ્રને સંસારના દંભ છોડીને જે રાત્રિ જોવાનો અભિલાષ હતો તે રાત્રિ[1] તમે પણ એમની સાથે જોઈ આવ્યાં ખરાં!’ કુમુદ : ‘મારે તે જ તને આજે કહેવાનું છે. સંસારનું પરમ કલ્યાણ કરવાનો એમનો અભિલાષ મારાથી સિદ્ધ કરાવાય એમ નથી તેના સાક્ષી ચંદ્રકાંતભાઈ; ને તારાથી તે કરાવાય એમ છે, તેના સાક્ષી પણ એ જ.’ કુસુમ : ‘ઓત્ તમારું ભલું થાય! ભોળાં બહેને અહીં વહાણ આણ્યું કે?' ‘આ કવિતા ગા જોઈએ.'

કુસુમ તે ગાવા લાગી :

‘મોરલી અધર ચઢી રે!
મોરલી અધર ધરી રે!'

‘જેના હૃદયમાં આવું ગાન ભરેલું છે તેની મોરલી મારાથી થવાતું નથી એ વિચારે મને શું થતું હોય?' ‘માટે જ હું તો તમારાથી ચેતી ગઈ છું. હવે તો ભૂલેચૂકે એ રસ્તે કબી ભી ન જાઉંગી, કબી ભી ન જાઉંગી.’ ‘કુસુમ! એમ કર્યાથી તો સઘળું વણસે છે ને સંસારનું કલ્યાણ કરવાની મહાત્માની શક્તિ અને વૃત્તિ પથ્થર ઉપર પડતી વૃષ્ટિ પેઠે નિષ્ફળ થાય છે. એ મહાત્મા ચંદ્ર પેઠે ફરશે અને રંક કુમુદ છેક નીચેના તળાવમાં તેને જોઈને જ વિકસશે. ખાબોચિયામાં પડી પડી રંક કુમુદમાળ એ ચંદ્રનાં માત્ર કીર્તિ-કિરણને પોતાના હૃદય ઉપર ધારશે. પણ સુંદરગિરિનાં આભલાંમાં એ ચંદ્ર ઢંકાઈ રહે તો તારી કુમુદ અકાળે કરમાશે. તો કુસુમ! એ વાદળાને વિખેરનારી પવનલહરી થઈ મારી કુસુમ શું એને પ્રફુલ્લિત નહીં કરે? કુસુમ! તારી કુમુદ સંસારની દૃષ્ટિએ કલંકિતા છે, એ ફૂલ હવે નિર્માલ્ય થયું છે. કુસુમ! દોષહીન અણસૂંઘ્યું કુસુમ એ મહાત્માને સુરક્ષિત રાખવાને સમર્થ છે.' ‘કુમુદબહેન! એ કાંઈ ન વળે. જે સંસાર તમને કશું કલંક ન હોવા છતાં કલંકિતા ગણે એવો આંધળો છે, તેના કલ્યાણ સાથે તમારે શી લેવાદેવા?' ‘આવા મહાત્માની મોરલી શું મારી કુસુમ નહીં થઈ શકે?' ‘મને આ કથાનો જ કંટાળો છે. બીજી વાત કાઢો.’ ‘જો મારું દુઃખ નિવારવા તું રાજી નથી, તો મારે હવે બીજી વાત શી કરવાની છે? મારી છેલ્લી આશા તેં ઉચ્છેદી છે. જે મહાત્માએ સગી માતાને અભાવે સંસાર છોડ્યો, પ્રીતિ છોડી, મુંબઈ જેવું ઉત્કર્ષસ્થાન છોડ્યું, તે સુગંધવાળું ફૂલ રણની ઊકળતી રેતીમાં ચીમળાઈ આયુષ્ય પૂરું કરશે. હવે આ વિના બીજે માર્ગ તેમને પણ નથી ને મારે પણ નથી.’ ‘ને તમારી ધારણા પ્રમાણે વર્તું તો તમે જન્મારો ક્યાં પૂરો કરશો?' ‘મારા અને પવિત્ર દેવીના દુ:ખથી સસરાજી સંન્યાસ લેવા ધારે છે તેમને આશ્વાસન આપવા હું તેમને ઘેર જઈશ, દેવી નાનો પુત્ર મૂકી ગયા છે તેમને ઉછેરવામાં, તારા બનેવીનું શ્રાદ્ધ અને તર્પણ માનીશ. બાકીનો કાળ સુવર્ણપુરમાં રહી તમ દંપતીનો લાભ સુવર્ણપુરનાં કુટુંબોમાં પ્રસારવા મથીશ. કંઈક કાળ ગુણિયલ પાસે, કંઈક તારી પાસે ને કંઈક ચંદ્રાવલીબહેન ને મોહનીમૈયાના સત્સમાગમમાં ગાળીશ, પરમાત્માના ચિંતનમાં ગાળીશ.' ‘તમે જ શાસ્ત્ર કાઢ્યું છે કે પ્રીતિ વિનાનું લગ્ન સાધુજનો વંચનાલગ્ન ગણે છે ને મારું એવું લગ્ન કરાવવા તમે ઊભા થાઓ છો તે શું?' ‘એ પ્રીતિનું બીજ તારામાં નથી એવું નથી. ચંદ્રકાંતભાઈ તેના સાક્ષી છે. તે જ લખ્યું હતું કે ‘દેખ મછેંન્દર! ગોરખ આયા’ એવું તેમને કહેવાનો તારે અધિકાર છે.’ ‘વા...રુ! એવું કહ્યું તેમાં શું આવી ગયું જે! આમ ઊંધા ઊંધા અર્થ કરતાં આ સાધુઓમાં રહી શીખ્યાં હશો! હવે આ પ્રકરણ બંધ કરીશું?' ‘ગમે તો એ પ્રકરણ અને આપણો બેનો સંબંધ બંધ કર, ને ગમે તો તે બંને સાથે ચાલવા દે.' ‘જાઓ; પિતાજી, તમે, ગુણિયલ ને સરસ્વતીચંદ્ર – ને હાં વળી, પાંચમા દાદાજી – બધાંયનો એક મત થાય – એકે જ ન પડે-તો કબૂલ કરું તો?' ‘હા, હુંયે બંધાઉં ને તુંયે બંધા.’ ‘ત્યારે શું હું બંધાઈ જ?' કુસુમે નિશ્વાસ મૂક્યો. ‘શું કરવા નિઃશ્વાસ મૂકે છે? આ વંટોળિયામાં છુટ્ટી ધૂળ ઊડે છે તે છોડ પર આ ગુલાબ બંધાઈ રહ્યાં છે – તે બેમાંથી સારું જીવન કોનું? આ ધૂળ છુટ્ટી છે તે સ્વતંત્રતાથી સુખમાં મહાલે છે! ને ગુલાબ લોકકલ્યાણ માટે સરજેલાં છે તે બિચારાં કાંટાઓ વચ્ચે આમ બંધાઈ વીંઝાઈ રહ્યાં છે!... તું કહેની, તું એકલી સ્વતંત્ર રહી શું કરીશ?' ‘સારું વાંચીશ, જાણીશ ને સ્વસ્થ રહીશ.’ બીજી કાંઈ કલ્યાણકર ક્રિયા વિના આટલા એકલપેટા સ્વચ્છંદી નિષ્ફળ જીવનથી તને સંતોષ છે? પાણી ભરેલાં વાદળાં વાદળમાં જ વેરાઈ જાય તેમ તારા સુંદર જીવનને વેરી નાખવાને માર્ગે તું ચઢતી નથી? કુસુમ! આ રત્નાકરનો ને સુભદ્રાનો સંગમ તો જરી જો!' કુસુમે દૃષ્ટિ કરી પણ ઉત્તર ન દીધો. ‘કુસુમ! તું એકલી કૌમારવ્રત પાળી શું કરવાની હતી? એકલો પડેલો પાણીનો રેલો ધૂળમાં ભળી જાય છે, મનુષ્યોની ચરણરજમાં ચંપાઈ જાય છે, ને તડકામાં ઊડી જાય છે! તેવું તારા જીવનનું થશે! જે મહાત્માનાં ભાવનાસ્વપ્ન મેં તને વંચાવ્યાં ને તેં જોયાં, તે મહાત્માના હૃદયરત્નાકરની તું રંક સુભદ્રા થઈશ તે પણ ઓછી વાત નથી. તો આ તો એની ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, સર્વ થવા તું એકલી જ સમર્થ છે. કુમુદથી એ બનવું અશકય છે – એ તો તું ગંગા થઈશ તો તારી યમુના થશે, અને તું એ બેની ગંગા નહીં થાય તો તું પાણીનો રેલો ને કુમુદ પણ પાણીનો રેલો! બાકી તારા સ્વીકારથી લક્ષ્મીનંદનની વૃદ્ધાવસ્થાના આશીર્વાદ આપણી ઉપર રેલાશે. નહીંતર, મારી અને સુંદરગિરિ પરનાં સાધુજનોની આશાઓ એ મહાત્માને ટકાવી રહી છે – તે તું નિષ્ફળ કરીશ અને આપણે સંસારમાં સ્વચ્છંદી અને ક્રૂર પુત્રીઓનાં દૃષ્ટાન્તરૂપ થશું... હવે વધારે કહેવાની મારી શક્તિ નથી. ડુબાડ કે તાર, જિવાડ કે માર! તારું મનોગત કહી દે. હું તારા ઉપર બળ કરતી નથી ને કરવાની નથી. સર્વના એકમત પ્રમાણે ચાલવાની તેં હા કહી છે, પણ તેથી તારો જન્મારો બગડશે તે મારાથી નહીં ખમાય. દુ:ખી કુસુમ કરતાં દુ:ખી કુમુદ સારી. કુમુદ તો દુ:ખમાં જન્મી છે, દુ:ખમાં વસી છે ને દુ:ખમાં મરશે. પણ સુખમાં જન્મેલી મીઠા જળની માછલી જેવી કુસુમને ખારા પાણીમાં નહીં નાખું.’ ‘બહેન, તમારા બોલેબોલ સાચા છે. મારા હૃદયની કેવી વૃત્તિ છે તે હું સમજી શકતી નથી. તમે મારા હૃદયની પરીક્ષા કરી જે ઔષધ કરશો તેથી મારું કલ્યાણ થશે.’




  1. જીવનની યાતનાઓનાં દુ:ખો, અંધકારાવસ્થા. (સં.)