સરોવરના સગડ/ઉપોદ્ઘાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 160: Line 160:
('યશવંત શુક્લ', પૃ. ૪૫)  
('યશવંત શુક્લ', પૃ. ૪૫)  
આ વિધાન સ્વયં અસરકારક છે. પણ ‘મહાભારત'ના 'સભાપર્વ’ના શ્લોકના ચરણના સંદર્ભમાં જોઈએ તો વધુ અસરકારક લાગે છે. આ ચરણ છે :  
આ વિધાન સ્વયં અસરકારક છે. પણ ‘મહાભારત'ના 'સભાપર્વ’ના શ્લોકના ચરણના સંદર્ભમાં જોઈએ તો વધુ અસરકારક લાગે છે. આ ચરણ છે :  
'ન સા સભા યત્ર ન સાન્ત વૃદ્ધા: ।'
‘ન સા સભા યત્ર ન સાન્ત વૃદ્ધા: ।'
એ અર્થમાં એ (ચિનુ મોદી) ક્ષણોના મહેલના માણસ હતા. (પૃ. ૧૫૫)  
એ અર્થમાં એ (ચિનુ મોદી) ક્ષણોના મહેલના માણસ હતા. (પૃ. ૧૫૫)  
'ક્ષણોના મહેલમાં'. ચિનુભાઈની કૃતિ છે એ સંદર્ભમાં જોઈએ તો આ વાક્ય એકદમ ચમત્કૃતિ બની જાય છે.
‘ક્ષણોના મહેલમાં'. ચિનુભાઈની કૃતિ છે એ સંદર્ભમાં જોઈએ તો આ વાક્ય એકદમ ચમત્કૃતિ બની જાય છે.
પ્રસ્તાવના આટલી બધી લાંબી હોય? ન હોય પણ આ પ્રસ્તાવના નથી ઉપોદ્ઘાત છે. હવે ઉપોદ્ઘાત લખાતા બંધ થઈ ગયા છે. પણ, નરસિંહરાવે લખેલો મુનશીના ‘ગુજરાતનો નાથ'નો ઉપોદ્ઘાત અને રઘુવીર ચૌધરીએ લખેલો ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’નો ઉપોદ્ઘાત – આ બંને ઉપોદ્ઘાતની મારા મન પર અમીટ છાપ છે. ઉપોદ્ઘાતકારનું કામ વાચકોને એક ઉત્તમ પુસ્તક વાંચવા માટે મજબૂર કરવાનું છે. આમ કરવામાં હું કેટલો સફળ થયો છું તે જાણતો નથી; પણ, મેં એવો પ્રયત્ન અવશ્ય કર્યો છે.
પ્રસ્તાવના આટલી બધી લાંબી હોય? ન હોય પણ આ પ્રસ્તાવના નથી ઉપોદ્ઘાત છે. હવે ઉપોદ્ઘાત લખાતા બંધ થઈ ગયા છે. પણ, નરસિંહરાવે લખેલો મુનશીના ‘ગુજરાતનો નાથ'નો ઉપોદ્ઘાત અને રઘુવીર ચૌધરીએ લખેલો ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’નો ઉપોદ્ઘાત – આ બંને ઉપોદ્ઘાતની મારા મન પર અમીટ છાપ છે. ઉપોદ્ઘાતકારનું કામ વાચકોને એક ઉત્તમ પુસ્તક વાંચવા માટે મજબૂર કરવાનું છે. આમ કરવામાં હું કેટલો સફળ થયો છું તે જાણતો નથી; પણ, મેં એવો પ્રયત્ન અવશ્ય કર્યો છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 01:54, 6 May 2024


ઉપોદ્ઘાત

હૃદયમાં પડેલી છબિઓનું મનહર અને મનભર પ્ર-દર્શન

રતિલાલ બોરીસાગર

‘ખાલી નાવ' અને ‘ભરેલા હૃદય’ સાથે સાહિત્યસાગર ખેડવા નીકળી પડેલા હર્ષદ ત્રિવેદીએ બહુ પ્રારંભથી જ પોતાનું કૌવત દેખાડ્યું હતું. તત્ત્વતઃ કવિહૃદયના આ સર્જકે ગદ્યક્ષેત્રે પણ પોતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. એમના સાહિત્યપ્રવેશનો પ્રથમ દશક પૂરો થાય એ પહેલાં ‘પાણીકલર' નામે બાળવાર્તાઓનો સંગ્રહ એમણે આપ્યો. બાળસાહિત્ય પરત્વે આપણા વિવેચનની ઉદાસીનતાને કારણે આ ક્ષેત્રે જે કંઈ સારું કે નરસું કામ થાય છે તે અંગે ભાવકોનું ધ્યાન જતું નથી. એટલે હર્ષદભાઈની આ નોખી ભાત પાડતી બાળવાર્તાઓ તરફ આપણું બહુ ધ્યાન ગયું નથી. એ પછી પ્રથમ દશક પૂરો થતાં સુધીમાં એમણે ‘જાળિયું' વાર્તાસંગ્રહ આપ્યો. આ પછી દીર્ઘકાલીન મૌન સેવ્યા પછી છેક ૨૦૧૭માં ‘સોનાની દ્વારિકા' નવલકથા એમની પાસેથી મળી. લેખનરીતિના નાવીન્યને કારણે તેમજ ભાષાવૈભવને કારણે આ નવલકથાએ સહૃદયોનું ધ્યાન ખેંચ્યું છે. હવે પછી 'ફૂલવા' નામે નવલકથા આપવા સર્જક વચને બંધાયા છે. ‘શબ્દાનુભવ' એમનો વિવેચનસંગ્રહ છે ને ‘કંકુચોખા' લોકગીત-આસ્વાદનું પુસ્તક છે. આ પુસ્તક માટે કંકુચોખાની જેવા જ શુભશુકન કરાવતો પ્રતિષ્ઠિત 'કુમારચંદ્રક’ પણ એમને એનાયત થયો છે. -પણ લગભગ બે દાયકા સુધી હર્ષદ ત્રિવેદીએ કરેલું ‘શબ્દસૃષ્ટિ’નું સંપાદન એમના સાહિત્ય મુકુટનું સૌથી વધુ ઝગારા મારતું પીછું છે. ‘શબ્દસૃષ્ટિ'ના અને એ નિમિત્તે પ્રગટ કરેલા વિશેષાંકોના સંપાદનમાં એ એટલા ઓતપ્રોત રહ્યા કે એમની સર્જકતા પણ નેપથ્યમાં હડસેલાઈ ગઈ. ગુજરાતી ભાષાનાં સમગ્ર સામયિકસંપાદનની ઉજ્જ્વળ પરંપરામાં હર્ષદ ત્રિવેદીનું નામ આદરપૂર્વક લેવું પડે એવું એમનું આ ક્ષેત્રનું માતબર અર્પણ છે. હવે હર્ષદ ત્રિવેદી 'સરોવરના સગડ' નામે ભાતીગળ રેખાચિત્રોનો સંગ્રહ લઈને આપણી સમક્ષ આવ્યા છે. ‘રેખાચિત્રો' કહીએ એટલે લીલાવતી મુનશીનાં રેખાચિત્રોથી લઈને ‘છબિ ભીતરની’ (અશ્વિન મહેતા) સુધીનાં રેખાચિત્રોનાં નોંધપાત્ર પુસ્તકો યાદ આવે. પણ સહૃદયતા સર્જનાત્મક ભાષા, ચિત્રાત્મક નિરૂપણ અને વિનોદની લહરીઓના ઉપલક્ષ્યમાં આ રેખાચિત્રોને જોઈએ તો રજનીકુમાર પંડ્યાનાં ‘ઝબકાર શ્રેણી'નાં ચરિત્રો, 'સહરાની ભવ્યતા’ (રઘુવીર ચૌધરી) અને ‘વિનોદની નજરે' (વિનોદ ભટ્ટ)ની પંગતમાં માનભર્યું સ્થાન મેળવવાનો આ પુસ્તકનો અધિકાર છે. એમ સહૃદયોને અવશ્ય લાગશે. ‘વિનોદની નજરે'ની જેમ આ પુસ્તકના લેખો પણ 'કુમાર'માં જ જાન્યુઆરી ૨૦૧૭થી જુલાઈ ૨૦૧૮ દરમિયાન પ્રસિદ્ધ થયા અને ‘વિનોદની નજરે'ની જેમ જ સહૃદય ભાવકોનો ઉમળકાભર્યો આવકાર પામ્યા એ પણ એક શુભસંયોગ છે. ‘સરોવરના સગડમાં ઓગણીસ સાહિત્યકારોનાં રેખાચિત્રો છે. આને રેખાચિત્રો કહેવામાં જ ઔચિત્ય છે. આ વીગતોવાળા ચરિત્રલેખો નથી; પણ, સર્જકતાની મદદથી આળેખાયેલાં રેખાંકનોમાં હૃદયનો રંગ ભેળવીને આ અંગત નિબંધોનું સર્જન થયું છે. સાચકલો સાહિત્યકાર ઋજુ હૃદયની વ્યક્તિ હોય છે. એટલે સાહિત્યકાર માટે 'સરોવર'નું કલ્પન લેખકને સૂઝ્યું છે એમાં પૂરું સ્વારસ્ય છે. મોટે ભાગે હરીશ મીનાશ્રુની પંક્તિ છે :

‘પાણીને નવ પડે ઉઝરડો,
એમ સરોવરને અડવાનું!’

– લેખકે દરેક સર્જકને ‘મનુષ્યતા'ના પરિપ્રેક્ષ્યમાં જોયા છે. ગોવર્ધનરામ કહે છે તેમ દરેક મનુષ્ય તેજ-અંધાર'નું પૂતળું હોય છે. લેખકે જે-તે સર્જકના તેજને જ બતાવવાનું મુખ્ય લક્ષ્ય રાખ્યું છે. પણ તેમ કરતી વખતે ‘અંધાર’ને ઉવેખ્યો નથી. માત્ર એ 'અંધાર'ને આળેખતી વખતે પાણીને – સર્જકની ઋજુતાને – ઉઝરડો ન પડે એ રીતે તેઓ જે-તે ‘સરોવર’ને અડ્યા છે. સર્જકની આ ‘સાવધાની' આ પુસ્તકનો વિશેષ છે એમ હું માનું છું. તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેવું આ અઘરું કામ હતું. આ અઘરા કામમાં લેખક ઉત્તીર્ણ થયા છે એનો આનંદ પ્રગટ કરું છું. આ પુસ્તકમાં કેવળ દિવંગત સાહિત્યકારો વિશે જ લખવું એવા નિર્ણય સાથે લેખકે આ શ્રેણીનો આરંભ કર્યો હતો. એમ કરવા પાછળનો પોતાનો આશય પણ લેખકે સ્પષ્ટ કર્યો છે. પ્રસ્તાવના ‘યથેચ્છસિ તથા કુરુ’માં લેખક લખે છે : ‘જે મુરબ્બીઓ અને મિત્રો હયાત છે એમને અંગે લખવામાં બે પ્રકારનાં જોખમ : એક તો હું મારી રીતે, કોઈ પ્રસંગ કે ઘટના અંગે તારણ ઉપર ન આવી શકું. બીજું, હજી એમના જીવનમાં કોઈ ને કોઈ બદલાવ આવવાની પણ પૂરી શક્યતા… કેટલુંક એવું પણ અનુભવાયું હોય કે જે-તે સાહિત્યકારની ઉપસ્થિતિને કારણે લખવામાં બહુ મોટું સાહસ ગણાય. કેમકે, આપણે જેમને અમુક રીતે ઓળખતાં હોઈએ એ લોકો તદ્દન અંગત ક્ષણોમાં કે લાભગેરલાભની ક્ષણે, એક માણસ તરીકે તદ્દન જુદા, એટલે કે બહુ મોટા અથવા સાવ નાના અનુભવાયા હોય!’ હયાત વ્યક્તિઓ વિશે લખવામાં 'સાહસ' હોવાની વાત સાચી છે. તેજના લિસોટા આળેખવાની સાથે એની છાયાઓ આળેખવા જતાં અનેક પ્રકારના વિવાદોનો સામનો કરવાનો આવે. રેખાચિત્રોના આળેખનની કળાની ચર્ચાને બદલે અમુક વ્યક્તિના જીવનમાં તમુક ઘટના બની હતી કે નહોતી બની એની ચર્ચાનો વંટોળ ઊભો થાય છે. ‘વિનોદની નજરે' શ્રેણી 'કુમાર'માં પ્રસિદ્ધ થતી હતી ત્યારે એના લેખક વિનોદ ભટ્ટને આવા વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. વિનોદ ભટ્ટની જેમ જ હર્ષદ ત્રિવેદીમાં પણ આવા વિવાદોને પહોંચી વળવાની પૂરી ક્ષમતા છે, આવું લખવાને કારણે જે સહન કરવું પડે એ સહન કરવાની એમનામાં શક્તિ પણ છે, અને એ માટેની એમની તૈયારી પણ છે. આજે હયાત છે એવા અનેક સાહિત્યકારોની છબિ એમના હૃદયમાં પડેલી તો છે જ. માત્ર એ છબિનું દર્શન કરાવવાનું હાલના તબક્કે તો એમણે મોકૂફ રાખ્યું છે. આમ છતાં, આ તો હર્ષદ ત્રિવેદી છે, ઉમાશંકર જોશીએ વર્ષો પહેલાં જેમને ‘યંગ ટર્ક' કહ્યા છે તે હર્ષદ ત્રિવેદી છે - એ ગમે ત્યારે હયાત સાહિત્યકારો વિશે પણ લખી શકે. અલબત્ત, જો અને જ્યારે એ હયાત સાહિત્યકારો વિશે લખશે ત્યારે જે લખશે તે પૂરી તટસ્થતાથી, નિર્ભિકતાથી ને તદ્દન નિર્દંશપણે લખશે એમ હું કશાય ખચકાટ વગર કહી શકું. આ રેખાચિત્રોના આળેખનમાં લેખકે પ્રત્યક્ષ અનુભવને જ મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારના આળેખનમાં આ વાત ઘણી અગત્યની છે. આ બધાં અંગત આલેખનો છે એટલે અંગત અનુભવના આધારે જ લખાય એમાં પૂરું ઔચિત્ય છે. બીજાંઓ પાસેથી જાણેલી હકીકતો ગમે તેટલી પ્રમાણભૂત હોય તોપણ એના આધારે લખવામાં હૃદયનો રંગ ન જ ભળે! એટલે અંગતતા જ આવાં આળેખનોનો પ્રાણ છે. જે-તે વ્યક્તિને પોતાના લોહીના લયમાં જેવી અનુભવી હોય તેવી જ આળેખે તો જ આવાં રેખાચિત્રોમાં હૃદયનો ધબકાર ઝિલાય! અલબત્ત, આવો અનુભવ સાપેક્ષ હોય એ તો સ્વયંસ્પષ્ટ છે. લેખક પોતે જ પોતાનો અનુભવ ‘સાપેક્ષ' અને ‘અનેકપાર્શ્વી' છે એમ કબૂલે છે. અહીં આળેખાયેલાં વ્યક્તિચિત્રો લેખકની અંગતતાની નીપજ છે. લેખકના હૃદયકેમેરામાં જે-તે વ્યક્તિની જેવી છબિ ઝિલાઈ છે તે લેખકે આપણને બતાવી છે. લેખકના કૅમેરાવર્કની કુશળતા-અકુશળતા લેખકે પસંદ કરેલો ઍંગલ, જે-તે વ્યક્તિના વ્યક્તિત્વના કયાં પાસાને હાઈલાઈટ કરવાં ને કયાં પાસાંને કેમેરાના લેન્સની સરહદ બહાર રાખવાં - આ બધું જ લેખકની મુનસફી પર આધારિત હતું. લેખક આપણને જેવી છબિ બતાવે એવી છબિ જ જોવા આપણે બંધાયેલાં છીએ. આ સાહિત્યકૃતિઓ છે. એ યાદ રાખી, છબિની રમણીયતાને આપણી ગરજે માણવાની છે. ભાવક તરીકે આપણી નિસબત આટલી જ છે - હોવી જોઈએ. એટલે જ આ છબિઓ નિહાળતી વખતે પ્રત્યેક ક્ષણે લેખકની પોતાની કેફિયત સતત યાદ રાખવી ઘટે! ‘મારા રસનો વિષય, કોઈનું પણ અખિલાઈના સંદર્ભે જ નિરીક્ષણ કરવું ને મારું હૈયું જે પ્રતિભાવ આપે તેને રાગદ્વેષ વિના વળગી રહેવું, એમ કહો ને કે આ છબિ છે તે પણ આખરી અને સંપૂર્ણ નથી. વ્યાપક સમયના સંદર્ભમાં કહું તો કોઈ એકાદી ક્ષણમાં જે ઝિલાયું છે તે આવ્યું છે. દિવસે ને દિવસે માણસાઈનો દુકાળ પડતો જાય છે, ઉચ્ચ જીવનધોરણો અળપાતાં જાય છે,- આવા સંજોગોમાં આ બધા પૂર્વસૂરિઓ કોઈને કોઈ રીતે મારા માટે આસ્થાનાં સ્થાનક બની રહ્યા છે. એ એમના વ્યક્તિત્વની મોટાઈ છે. આ બધા દેવોની કોટિના હોત અથવા સાવ પામર જ હોત તો મને લખવામાં રસ પડ્યો ન હોત. એમ કહેવું જોઈએ કે આ બધા તમામ અર્થમાં વિશિષ્ટ અને વિલક્ષણ હતા; કદાચ, મારા માટે એ જ આકર્ષણનો વિષય હતો. સરોવરપણું તો એમનામાં હતું જ, મેં તો એના સગડ શોધવાનો પ્રયત્ન કર્યો છે.' ઉપરોક્ત નિવેદન પછી એ સ્પષ્ટ છે કે જે-તે સરોવર સુધી પહોંચવા માટે લેખકે શોધેલા સગડે-સગડે આપણે ચાલવાનું છે. એમ કરીશું તો જ સરોવરનાં સમ્યક્ દર્શન પામીશું. બની શકે કે કોઈ કોઈ ભાવકના સગડ લેખકે શોધેલા સગડ સાથે પૂરેપૂરા મૅચ ન પણ થતા હોય! જે-તે સાહિત્યકારની ભીતરની છબિનાં દર્શન કરાવવાની સાથે એમની બાહ્ય છબિનું દર્શન કરાવવામાં પણ લેખકને રસ છે. ‘આકૃતિ ગુણાન્ કથયતિ ।’ એવી સંસ્કૃતમાં એક ઉક્તિ છે. આ ઉક્તિમાં ઘણું તથ્ય છે. કોઈ પણ વ્યક્તિના બાહ્ય વ્યક્તિત્વમાં એના ભીતરનો પડઘો અચૂક પડતો હોય છે. અહીં કોઈ પણ સાહિત્યકારનું આંતરબાહ્ય વ્યક્તિત્વ સર્જકની આંખોમાં ઝિલાયું છે, અને એનું આળેખન સર્જકની કલમે થયું છે. સાથેસાથે ગુજરાતી સાહિત્યજગતની છેલ્લા ચાર દાયકાની એક તસવીર પણ જોવા મળે છે. લેખકનું કૅમેરાવર્ક ખરેખર અદ્ભુત છે. કેટલીક વાર તો બાહ્ય વ્યક્તિત્વના આલેખનમાં ઝીણી ઝીણી એટલી બધી વીગતો લેખક આપે છે કે ભાવકના ચિત્તમાં સાહિત્યકારની છબિ આબેહૂબ ઝિલાય છે - માનોને કે પોતાના ચિત્તમાં પડેલી છબિ લેખક ભાવકના ચિત્તમાં ફોરવર્ડ કરે છે! દૃષ્ટાંત થોડું લાંબું પડશે, પણ ‘મીનપિયાસી'ના બાહ્ય વ્યક્તિત્વનું વર્ણન આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે :

‘ચૂડાની બજારનું દૃશ્ય છે. રજેરજ ને કણેકણમાં આશ્ચર્ય અને મુગ્ધતાથી ઓતપ્રોત; છતાં, આ જગતમાં આગંતુક લાગે એવો એક આધેડ, તદ્દન નિર્દોષ ભાવે ધીમેધીમે ડગ માંડતો જઈ રહ્યો છે. આમ તો એને પોતાના ઘેર જ જવું છે; પણ, પગલાંમાં સહેજે ઉતાવળ નથી. ખબર છે કે ડેલીમાં પાંપણ પાથરીને એમના પદરવની પ્રતીક્ષા કરતું કોઈ નથી બેઠું. એટલે પોતાનાથીય મોટી, પણ આગળ આગળ સહેજ તીરછી ચાલે ચાલતી પંડછાયાને જોતો જાય ને ચાલતો જાય!
પગમાં કુરુમના ચામડાની કાળી મોજડી, ચામડીમાં ભળી જાય એવા રંગનાં ક્યારેક પહેર્યાં હોય મોજાં. જરાક કધોણ પડેલો પણ સફેદ, સાંકડી મોળીનો પાયજામો; વચ્ચે બટન અને કૉલર-પટ્ટીવાળો ઝભ્ભો. જવાહરલાલ પહેરતા એવો ઢીંચણ લગીનો, લાંબો કોટ, માથે ગૂઢા ભૂરા રંગની ઊંચી દીવાલની ખાદીની ટોપી. ગળે મફલર અને આંખે બાયફોકલ ચશ્માં. કાને હિયરિંગ એઈડ કે જેનો સફેદ ચમકતો વાયર દૂરથી પણ દેખાય અને એની બૅટરીનો દટ્ટો ઝભ્ભાના ઉપલા ખિસ્સામાં. ગળામાં લટકતું મોટું-કાળું-વજનદાર-મેઈડ ઈન રશિયા-દૂરબીન. એની નીચે સ્ટીલની પાતળી સાંકળીમાં થિયૉસોફિકલ સોસાયટીનો સિમ્બોલ. કોટના ગાજમાં ભરાવેલો સાંકળીનો હૂક અને સાંકળી સાથે બંધાયેલી રોમન આંકડાવાળી ગોળ ઘડિયાળ– તે કોટની બહારના ઉપરના ખિસ્સામાં પડી પડી સમયને સાચવે અને હૃદયને તાલ દે.
ડાબા ખભે ચામડાના મરૂન જેવા કવરમાં બે બૅન્ડનો મરફી કંપનીનો રેડિયો. કોટની અંદરના જમણા ખિસ્સામાં સ્ટીલ બૉડીની બે સેલવાળી ‘જીપ’ની ટૉર્ચ, એની બરાબર બાજુમાં કવિના વાળને નિયંત્રણમાં રાખવા માટે ‘ઉષા' કંપનીનો ડબલ દાંતાવાળો મોટો કાંસકો. અંદરના ડાબા ખિસ્સામાં લાલ-વાદળી-લીલી અને કાળી શાહીની જાડી પણ પારદર્શક એવી, બહેનપણીઓની જેમ ગોઠવાયેલી ચાર પેન. એ ચારેયની તહેનાતમાં હોય એવી ધારદાર અને અણીવાળી કાળી પેન્સિલ. એની સાથે એક છેડે ભૂરી અને બીજા છેડે રાતી એવી જાડી; પણ, બંને બાજુથી લખી શકાય એવી પેન્સિલ. ઝભ્ભાના ડાબી બાજુના ખિસ્સામાં ખાદીનો સફેદ રૂમાલ. કોટના ખિસ્સામાં ડાયરી ફરતે વીંટેલો હેન્ડલૂમનો મધ્યમ કદનો ખરબચડો નૅપ્કિન. જમણા ખભે પહોળા પટ્ટાવાળો જાડો ને આડો થેલો. એમાં એકાદ બે પુસ્તકો. બિસ્કિટનું પડીકું, પીવાના પાણીનો શીશો. આ બધું ઓછું હોય એમ, ન દેખાય એવી વસ્તુ - તે સારણગાંઠ માટેનો ચામડાનો કમરપટ્ટો. અરે હા, હાથમાં લીધેલી સીસમની લાકડી તો યાદ કરવી જ રહી ગઈ! આ બધાં સ્થૂળ-સૂક્ષ્મ ઉપકરણોનો જીવંત સરવાળો એટલે શ્રીમાન દિનકરરાય કેશવલાલ વૈદ્ય - મતલબ કે કવિ શ્રી મીનપિયાસી.’

('મીનપિયાસી' પૃ. ૧-૨)
-આ બાહ્ય છબિના તાણાવાણામાં આંતરછબિનું પોત પણ વણાતું આવે છે એનો સહૃદય ભાવકને તરત ખ્યાલ આવશે. એટલે જ લેખક બાહ્ય વ્યક્તિત્વના દર્શનમાંથી અત્યંત સાહજિકતાથી આપણને ભીતરની છબિ ભણી લઈ જાય છે. લેખકના કૅમેરા વર્કનાં કળા-કૌશલ્ય માત્ર સાહિત્યકારનાં બાહ્ય વ્યક્તિત્વનાં દર્શન કરાવવા પૂરતાં સીમિત નથી રહેતાં. કોઈ સ્થળ કે જગ્યાનાં વર્ણનો પણ લેખકના કૅમેરાવર્કનાં કળા-કૌશલ્યની ગવાહી આપનારાં બન્યાં છે. કવિ ‘મીનપિયાસી'ના ઘરનું ચિત્રાત્મક વર્ણન વાંચો :

‘કવિ રહેતા એ ઘર પણ જોવા જેવું હતું. એક મોટું ડહેલું અંદર જાવ એટલે ખુલ્લા ચોક જેવું ફળિયું. સામે લાંબી ઓશરીએ બે રૂમ. ડાબા હાથે રસોડું. જમણા હાથે સંડાસ-બાથરૂમ. ઘરના આ નીચેના ભાગમાં કવિના નાના ભાઈ હસમુખભાઈ – ‘જાદુગર બેલી’ રહે અને ડહેલા ઉપર, બહાર શેરીમાં નાની-નાની બારીઓ પડે એવો ગાડીના ડબ્બા જેવો લાંબો રૂમ, એ કવિનિવાસ. તમે ઉપર જાવ એટલે સાચે જ ‘બર્ડલૅન્ડ’માં પ્રવેશ્યાં હો એવો અનુભવ થાય. દાદરાવાળી દીવાલે કવિનાં સ્વજનોની બ્લૅક એન્ડ વ્હાઈટ તસવીરો. સામેની દીવાલે નહીં નહીં તોય નાનીમોટી પચીસેક ફોટોફ્રેમ. દરેક ફ્રેમમાં અંદર વીસ-પચ્ચીસ ચિત્રો. બધી ફ્રેમ પાછળથી ખૂલે એવા ચાપડાવાળી. કવિ રોજ એમાંનાં ચિત્રો બદલે. લગભગ બેઅઢી કલાક ઉપરનો સમય એમાં જાય. વાઘ, સિંહ, હરણ, કલકલિયો, લક્કડખોદ, ગરુડ, ફ્લૅમિંગો અને બીજાં અનેક પ્રાણીપંખીઓનાં રંગીન ચિત્રો પોતે જ ગોઠવે અને પોતે જ હરખાય. દૂર અને નજીક ઊભાં રહીને અલગ-અલગ ઍન્ગલથી ધારી-ધારીને જોયાં કરે. એમને એકાંત નહોતું પીડતું એટલી એકલતા પીડતી હતી. આંગણે કોઈ પક્ષી આવી ચડ્યું કે કોઈએ ટપાલમાં પતાકડું કે નવું કૅલેન્ડર મોકલ્યું હોય એ દિવસ કવિ માટે સાવ સોનાનો. બારીમાં આવતાં કાબર-ચકલાં-હોલાં-કાગડા વગેરે એમના રોજના સાથીદારો. કવિ એમની લીલા જોયે રાખે.’

('મીનપિયાસી' પૃ. - ૩-૪)

-ઉપરોક્ત વર્ણનમાં શબ્દેશબ્દે કવિના બાહ્યવિશ્વની સાથે કવિના આંતરવિશ્વની બારીઓ એક પછી એક ખૂલતી અનુભવાય છે. ભલે, બધાં રેખાચિત્રોમાં બાહ્ય વ્યક્તિત્વનું આટલી વીગતે વર્ણન નથી કર્યું; પણ, લગભગ દરેક સાહિત્યકારના રેખાચિત્રમાં કેટલીક વાર તો માત્ર લસરકાથી બાહ્ય વ્યક્તિત્વનો નિર્દેશ તો થયો જ છે. આવો નિર્દેશ સવિસ્તર હોય કે સંક્ષેપમાં હોય - કોઈને કોઈ રીતે સાહિત્યકારના આંતરવ્યક્તિત્વ સાથે એનો તાળો મળે જ છે! આ રેખાચિત્રોમાં કેટલીક જગ્યાએ અત્યંત લાઘવથી જે-તે સાહિત્યકારનું હૃદયસ્પર્શી રેખાંકન થયું છે તે તરફ પણ સહૃદયોનું ધ્યાન ગયા વગર નહીં રહે. મીનપિયાસી : ‘ભાવનગર રાજ્યના વડા સ્વાસ્થ્ય અધિકારી એચ.એલ. વૈદ્ય એમના સગા મામા. અનંતરાય પટ્ટણી (ભાવનગર રાજ્યના દીવાન) માસા અને સર પ્રભાશંકર પટ્ટણી (ભાવનગર રાજ્યના દિવાન) તથા ‘મસ્તફકીર’ (સમર્થ હાસ્યલેખક) આ કવિના ફુઆ થાય. પુષ્કર ચંદરવાકરે છે કે ‘છતાંય આ કવિજીવે આવી લાગવગનો રોટલો રળવા હોદ્દો પ્રાપ્ત કરવા કે નાગરિક પ્રતિષ્ઠામાં ઉમેરો કરવા માટે લાભ નથી લીધો.’ (મીનપિયાસી : પૃ.૩) રઘુવીરભાઈએ કહ્યું છે કે ‘રાજેન્દ્રભાઈને જ્યારે પણ જોયા છે, ત્યારે એમની આંખમાં આનંદદેશના કોઈ નવા વિસ્તારને સર કર્યાની ચમક વર્તાઈ છે. વિરલ છે આ વ્યક્તિત્વ. મેં એમને ઉદ્વેગ ને ગમગીનીની મનોદશામાં કદી જોયા નથી. મિત્રોએ પણ જોયા નથી.’ હું ઉમેરું કે વર્ષો વીત્યાં મેં પણ એમને વિચલિત થતાં નથી જોયા એમનાં પત્ની મંજુબહેનની માંદગી કે અવસાન વખતે પણ નહીં! ('રાજેન્દ્ર શાહ પૃ. ૨૬)

એક તો પ્રખર મેધા; બીજું, જીવનનો નક્કર અને અખંડ અનુભવ માનવહૃદયને ઓળખવાની ને એના સુધી પહોંચવાની તળપદી સૂઝ; સાહિત્યસાધન અને જિવાતા જીવન વચ્ચે સહેજ પણ અંતર નહીં! લોકસંસ્કૃતિ અને ભદ્રસંસ્કૃતિર્ન ચાહનામાં પણ વિરોધ નહીં, સર્જન અને દર્શન બંને પોતીકાં. આ બધું એમને સ્વપ્નદૃષ્ટા બનાવે છે. અને તેથી એમનાં સ્થૂળ-સૂક્ષ્મ હરકોઈ સર્જનમાં માનવની ઉન્નતિ કરે એવાં જીવનપોષક તત્ત્વો આપોઆપ આવી મળે છે. એ રીતે મનુદાદા અસાધારણ વ્યક્તિત્વના આસામી હતા. (મનુભાઈ પંચોળી ‘દર્શક’, પૃ. ૩૩) અહીં સમાવેલા સાહિત્યકારોમાંથી કેટલાક વિશે એકદમ વિશિષ્ટ પ્રકારનું નિરૂપણ વાંચવા મળે છે; જેમકે, - રાજેન્દ્ર શાહના રેખાચિત્રમાં એમના વિશેનું નિરૂપણો જુઓ : - રાજેન્દ્રભાઈની આધ્યાત્મિક ઉપલબ્ધિ વિશેની સામાન્ય જાણકારી ઘણાંબધાં સાહિત્યરસિકોને છે પણ, ચમત્કાર કહેવાય એવી - એમના જ મુખે કહેવાયેલી વાતો - લેખકને કહેલી વાતો અહીં છે. આને કારણે રાજેન્દ્રભાઈના વ્યક્તિત્વનું વિશિષ્ટ પરિમાણ અહીં પ્રગટ થાય છે.

લેખક લખે છે : 'રાજેન્દ્રભાઈ જાતિસ્મર હતા. કહે કે, 'આ મંજુ! પૂર્વભવમાં હું યોગી હતો ત્યારે મારા આશ્રમે નાનકડી કન્યા રૂપે આવતી. ભક્તિભાવે સેવા કરતી. ફૂલો વગેરે લાવીને એની માળા ગૂંથતી. એ વખતે જે લેણદેણ બાકી રહી ગઈ હતી તે આ ભવે પૂર્ણ કરવાની છે. તમે નહીં માનો! પણ, આ ભવે જ્યારે ઘોડિયામાં સૂતી ત્યારે મેં એને હીંચકા નાખ્યા છે. મને નાની ઉંમરથી જ ખબર હતી કે આ તો મારી પૂર્વભવની સખી છે અને આ ભવે મારી પત્ની બનવાની છે! એ વખતનું નામ પણ બોલેલા. પછી જાણે પુરાવો આપતા હોય એમ મંજુબહેનને પૂછ્યું: 'બોલ સાચું છે કે નહીં?’ મંજુબહેને હસીને કહ્યું કે 'મને તો રજેરજ યાદ છે!’
કવિની આવી વાતોમાં આપણને શ્રદ્ધા બેસે કે નહીં એ જુદો અને વૈયક્તિક પ્રશ્ન છે. પણ, એમને આવું કહેવા માટે કોઈ દુન્યવી કારણ નહોતું. વધારામાં એમની પ્રકૃતિ કોઈ પણ પ્રકારની વંચનામાં રાચે એવી પણ નહોતી.'

(‘રાજેન્દ્ર શાહ’ પૃ. ૨૭)

રાજેન્દ્રભાઈને તથા લેખકને ઓળખનાર સૌ કોઈ લેખકની વાત સાથે સંમત થશે. લેખકે વર્ણવેલો બીજો પ્રસંગ તો ખરેખર અસાધારણ કહેવાય તેવો છે : ‘આ 'રાજેન્દ્રબાપા'ની સાથે નિકટથી રહેવાનું ને એમને પ્રહરે પ્રહરે નિહાળવાનું બન્યું તે તો કેન્યાની રામકથા દરમિયાન. એમનાં દીકરી વિભૂતિબહેન પણ સાથે આવેલાં. કવિની કોઈ ડિમાન્ડ નહીં એટલું જ નહીં; એ પોતાની હાજરી પણ ક્યાંય વર્તાવા ન દે! એમ લાગે કે આઠે પ્રહર આ કવિ આનંદમાં જ રહે છે! એમનો હાથ પકડીને ચાલતી વખતે મેં અનુભવ્યું કે એમના શરીરમાંથી કોઈ ખાસ પ્રકારની પીમળ આવી રહી છે. પ્રસાધનોનો ઉપયોગ કરનારા તો એ હતા નહીં. એટલે મેં સહજભાવે જ વ્યક્તિત્વની સુગંધ વિશે પૂછ્યું એમની આંખો ચમકી. મોતિયાવાળા ચશ્માંમાં એમની આંખો વધારે વિસ્ફારિત લાગતી હતી. મારો હાથ દબાવીને કહે: ‘કેમ એમ પૂછ્યું?' ‘મને તમારી સુગંધ આવી! ‘સાચે જ?' ‘હા.’ ‘મારી બાના શરીરમાંથી પણ. સહજ સુગંધ આવતી હતી.’ ઝાઝું ન બોલ્યા. પણ એટલું કહ્યું કે ‘ક્યારેક ક્યારેક આવું થાય ને ક્યારેક ક્યારેક કોઈને એનો અનુભવ પણ થાય. (રાજેન્દ્ર શાહ પૂ. ૩૦) દિલીપ રાણપુરાનો કિસ્સો પણ ઘણો વિલક્ષણ છે. લેખક સિવાય આની કોઈને ખબર નહોતી. દિલીપભાઈ અને લેખક વચ્ચેનો આ સંવાદ વાંચ્યા પછી ભાવકના ચિત્તમાંથી ખસતો નથી. એક ખાસ વાત કરવા આવ્યો છું. વચન આપ કે ઢીલો નહીં પડું.’ મારા મગજમાં ધમધમાટ થવા લાગ્યો. શું હશે? એમણે મારા બરડે હાથ ફરવ્યો. એકદમ દબાતા સ્વરે બોલ્યા : ‘થયું કે એક રાત તને નિરાંતે મળી લઉં! પછી મળાય ન મળાય...!’ ‘કાકા ! કેમ આવું ભાંગ્યું વેણ બોલો છો? મગજ તો ઠેકાણે છે ને?’ શું થયું છે તમને? ‘કૅન્સર!’ ‘હેંએએ?’ 'હાઆઆ!' ‘અરે પણ… તો એની સારવાર કરાવીએ.’ પેલી પોચીપોચી હથેળીએ મારો હાથ પકડી લીધો. ‘સાંભળ! અથરો ન થા... એ બધું ઘણા વખતથી ચાલે છે. મેં તને કહ્યું નહોતું. હવે તો સમય પણ થોડો જ રહ્યો છે. થયું કે તારી હાર્યે મોંમેળો કરતો જાઉં....’ ‘કાકા, બચવાના તો અનેક ઉપાય હશે… એમ કંઈ હથિયાર થોડાં જ હેઠાં મૂકી દેવાય? આપણી આટલી બધી ઓળખાણો શા ખપની? અને તમને... તમને આવું થાય જ શી રીતે?’ ‘થયું નથી; રગીરગીને લીધું છે. પૂરેપૂરી ઇચ્છાથી આવકાર્યું છે. જિંદગીમાં ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું નથી. પણ આ કૅન્સર તો કુદરત પાસેથી માગીભીખીને… આજીજી કરીને મેળવ્યું છે!’ ‘..પણ એવું કેમ?' ‘મારે તારી કાકીને… સવિતાને થયેલી પીડા અનુભવવી હતી… અને એ રીતે એની સાથે એકાત્મ કેળવવું હતું.' મને લાગ્યું કે, મારા કોઈ શબ્દનો કંઈ જ અર્થ હવે રહ્યો નથી. એક જ ક્ષણમાં જીવન કેટલું ખોખલું છે અને સાચો પ્રેમ શું છે એનો ખ્યાલ આવી ગયો!’ (‘દિલીપ રાણપુરા' પૂ. ૧૧૨) ઘણાંખરાં રેખાચિત્રોના હૃદયસ્પર્શી અંત પરત્વે સહૃદયોનું ધ્યાન અવશ્ય જશે. કેટલીક વાર તો અંતભાગ એટલો બધો હૃદયસ્પર્શી છે કે વાંચીને સૂનમૂન થઈ જવાય છે. ચિત્ત પર એની એવી પ્રબળ અસર થાય છે, કે તરત તો આગળ વાંચતાં અટકી જવાય છે. ઉદાહરણ રૂપે ‘દર્શક' વિશેના રેખાચિત્રનો અંતભાગ :

‘લોકભારતીમાં જે લાખો રૂપિયાનો ગોટાળો થયો એના આઘાતે મનુભાઈને ધીરેધીરે કોરી ખાધા. એમણે જાહેર નિવેદન કર્યું કે અમે વહીવટમાં કાચા સાબિત થયા. એ સાવ ભાંગી ગયા કે શું આપણે આખી જિંદગી આ શિક્ષણ આપ્યું હતું? દળીદળીને ઢાંકણીમાં? એમને માણસમાં અંતિમ કક્ષાનો વિશ્વાસ હતો કે 'આ તો આવું ન જ કરે' એ વિશ્વાસનો ધજાગરો મનુભાઈને અને ‘દર્શક’ને - બંનેને ભરખી ગયો. હજી તો એમને ‘મુક્તિમંગલા'માં લિંકનને જીવતો કરવાની હામ હતી. પણ કહે છે કે મનનો પ્રભાવ શરીર ઉપર પડ્યા વિના રહેતો નથી. એમનું શરીર માંદું પડી ગયું. લિંકન જીવતો થાય એ પહેલાં મનુદાદા ચાલી નીકળ્યા.
વાસ્તવ અને સ્વપ્નની ભેળસેળ કરવા ઉપરાંત કલ્પના ઉમેરીને હું એક પ્રસંગને આમ જોઉં છું :
એકવાર કોઈ ભાંગતી રાતે ખુદ સોક્રેટિસને મન થયું કે ચાલો, આપણા લઘુઅવતારને જોઈએ તો ખરા કે એ શું કરે છે? તે એ તો ઘડીના છઠ્ઠા ભાગમાં આવી ચડ્યા આંબલા મુકામે! ‘દર્શક' અંધારિયા ઓરડામાં ખાટલા ઉપર એકલા જ બેઠા છે. સોક્રેટિસના ધવલઉજ્જ્વલ આગમને આછું દૂધિયું અજવાળું ફેલાય છે. એકલા ધોતિયા વરાંસે, અર્ધું ઉઘાડું શરીર વાંકું વળીને ખાટલા નીચેથી વખનું ડબલું ઉપાડે છે, ઉઘાડે છે. હાથમાં પિત્તળનું છાલિયું લે છે. કંપિત હાથે કાંઠા સુધી ભરે છે. અક્ષયપાત્રમાંથી અમીપાન કરવું હોય એમ મોઢે માંડવા જાય છે, ને સોક્રેટિસને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે. થાય છે કે આ ઇતિહાસ બેવડાવો ન જોઈએ! જ્ઞાનવૃદ્ધ સોક્રેટિસ દોડીને ઝપટ મારે છે. છાલિયાને ભોંય ઉપર રડતુંદડતું કરી મેલે છે. ગોળ ગોળ ફરતા છાલિયાનો રણુંકાર ધીમેધીમે ખૂણામાં જઈને શાંત થઈ જાય છે!’

('દર્શક' પૂ. ૪૧)
‘ઝેર તો પીધાં છે જાણી જાણી'ના લેખકને જીવનના અંતિમ ચરણમાં વિશ્વાસઘાતના ઝેરના કેવા ઘૂંટડા ભરવાના આવ્યા! અહીં આળેખાયેલાં રેખાચિત્રોની પડછે અન્ય કેટલાંક પાત્રોનાં આછાં રેખાંકનો પણ આસ્વાદ્ય બન્યાં છે. આમાં મુખ્યત્વે સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે. પણ ચુડાના ઠાકોરસાહેબ કે હર્ષદનાં સાસુ કમળાબા જેવાંના રેખાંકનો પણ છે. કવિ મીનપિયાસી રસ્તા પર ચાલ્યા જાય છે. એ વખતે પાછળ ચૂડાના ઠાકોરસાહેબ ધર્મેન્દ્રસિંહજીની મોટર કવિની ગતિએ પાછળ પાછળ ચાલી રહી છે. કવિને ઓવરટેઈક નહીં કરવાની અને હોર્ન પણ નહીં વગાડવાની ડ્રાઈવરને સ્પષ્ટ સૂચના છે લેખક લખે છે : ‘આ લાંબી અને ધીમી પ્રક્રિયા દરમિયાન જાણે કે આખું બ્રહ્માંડ થંભી ગયું હતું. ચાલતો હતો, તે માત્ર ગુજરાતી ભાષાનો એક કવિ; અને, એને અનુસરતો હતો તે… ભલે નાના સ્ટેટનો પણ મોટો રાજવી’ ('મીનપિયાસી' પૃ. ૨) ‘નાના સ્ટેટનો મોટો રાજવી’-એટલા શબ્દોમાં જ ઠાકોરસાહેબના અભિજાત વ્યક્તિત્વનો જાણે પૂરો પરિચય મળી જાય છે. ‘દર્શક' કમળાબાના પ્રિય લેખક. ‘દર્શક' હર્ષદભાઈને ત્યાં આવ્યા ત્યારે કમળાબા હાજર હતાં. બંને વિનોદ ભટ્ટના શબ્દોમાં કહીએ તો ‘કર્ણસુખ’ ભોગવતાં હતાં. બંને વચ્ચેનો સંવાદ :

બાએ કહ્યું : ‘તમારી તો એકેએક ચોપડી વાંચી છે.’
દાદાએ પૂછ્યું, ‘કાંઈ વાંચો છો ખરાં?’
બાએ કહ્યું : ‘હા, મજામાં. રામ રાખે એમ રહેવું.’
દાદાએ પૂછ્યું : ‘કેટલાં વરસ થયાં?’
બાએ કહ્યું: ‘હમણાં થોડાક દી’ આંય આવી છું. બિન્દુને હારું લાગે એટલ્યે’ પછી હળવેથી કહે કે ‘મને ઓછું સંભળાય છે!’ એમનો હાથ કાન ઉપર ગયો.
દાદાએ પોતાના કાન ઉપર હાથ મૂકીને કહ્યું: ‘તાણીને બોલો! મનેય ઓછું જ સંભળાય છે.'
બાએ કહ્યું : ‘દુનિયામાં કંઈ છે સાંભળવા જેવું? તો કહો!’
- અને બંને હસી પડ્યાં.

('દર્શક' પૃ. ૩૭)

હીરાબહેન પાઠકનો આગ્રહ એવો કે ‘ભાઈ જયંત! મારે ત્યાં જમ્યા વિના અમદાવાદ પાછાં જવાનું નથી! સાથે પેલાં છોકરાઓનેય લેતાં આવજો.' અમે ચોપાટી પાસે, ચાર નંબરના ઑર્ફનેજ બિલ્ડિંગમાં ગયાં ત્યારે હીરાબહેને જાતે બનાવેલાં બત્રીસ ભાતનાં ભોજનનો અન્નકૂટ તૈયાર રાખેલો.… કીર્તિદાબહેનને પાપડ તળવા પૂરતી કીર્તિ માંડમાંડ એમણે આપી : મેં જોયું કે પાઠકસાહેબને ગયાને તો વરસો થઈ ગયેલાં, છતાં હીરાબહેન રાતે ચૂડલે ને રાતે ચાંદલે હજી એમનાં સાન્નિધ્યમાં જ જીવતાં હતાં પાઠકસાહેબને આ ભાવે ને તે ભાવે! એમનું નાક બહુ ગંધીલું. સુગંધ પરથી જ વાનગીનો સ્વાદ વરતી લે અને… લીલી ચટણી તો દીઠી મૂકે નહીં! એવું એવું બોલતાં જાય ને આગ્રહ કરીને અમને પીરસતાં જાય! મા અન્નપૂર્ણા અને સરસ્વતીનું સાક્ષાત્, રૂપ આ હીરાબહેનથી જુદું હોઈ શકે?

(‘જયંત કોઠારી' પૃ. ૮૯)

- રઘુવીરભાઈ (રઘુવીર ચૌધરી) વિશે સૌથી વધુ ઉલ્લેખો જોવા મળે છે. આવા ઉલ્લેખોમાં ક્યાંક નારાજગી પણ પ્રગટ થાય છે. પરંતુ, મૂળ હૃદયભાવ તો પ્રેમ અને આદરનો જ રહ્યો છે. રઘુવીરભાઈની કટાક્ષશક્તિનું ઉદાહરણ ઉમાશંકર જોશી વિશેના લેખમાં મળે છે. -હું અને ડંકેશ ઓઝા મધ્યસ્થ સમિતિમાં ઉમેદવારી કરીએ છીએ. યાદીમાં મારું નામ જોઈને રઘુવીરજી મને પૂછે : ‘તારાં પત્ની પરિષદના આજીવન સભ્ય છે?' 'ના.' ‘તો તો તને, તારો પોતાનો એક જ મત મળશે અને તે પણ રદ નહીં થાય તો!’ આ અંગે હર્ષદની વળતી ટિપ્પણી જુઓ : ‘કટાક્ષાયુધો આનંદપૂર્વક કેવી રીતે ઝીલી શકાય એનું શિક્ષણ આપવાનું એમણે શરૂ કર્યું હતું?”’ (‘ઉમાશંકર જોશી’ પૃ. ૧૪)
રઘુવીરભાઈ વિશે જ્યાં જ્યાં ઉલ્લેખ આવે છે ત્યાં ત્યાં લેખક કોઈને કોઈ વિશેષણ પ્રયોજે છે. જે-તે સ્થાને દરેક વિશેષણ પૂરા ઔચિત્યથી પ્રયોજાયું છે. આ દરેક વિશેષણ દ્વારા રઘુવીરભાઈના વ્યક્તિત્વની કોઈને કોઈ રેખા દોરાય છે. જેમકે, વિનોદ ભટ્ટ વિશેના લેખમાં રઘુવીરભાઈ માટે એક વાક્ય છે : -વિનોદભાઈની તાજપોશીઘટના પૂર્વે આઆજાનબાહુ રઘુવીર ચૌધરીના મુખ્ય પ્રયત્નો થકી પરિષદનું જે ભવન આજે છે એ નિર્માણ પામી ચૂક્યું હતું. (વિનોદ ભટ્ટ પૃ. ૧૪૦)

અહીં 'આજાનબાહુ' વિશેષણ કેટલું બધું સમુચિત ને સાર્થક છે! પરિષદ માટે રઘુવીરભાઈના હાથ ક્યાં ક્યાં લંબાયા હતા! -યશવંતભાઈ (યશવંત શુક્લ) વિશેના લેખમાં જયંત પંડ્યા અને ચિમનભાઈ ત્રિવેદીનાં રેખાંકનો જુઓ:

‘જોયું નથી, પણ સાંભળ્યું છે કે યશવંતભાઈ એકાંતમાં સિગારેટ પીતા હતા, વારુ! કેવી હશે એમની અદા? જોકે જયન્ત પંડ્યાને મેં સિગારેટ પીતા જોયા છે એને આધારે કલ્પના કરું છું કે એ અદાની પ્રથમ આવૃત્તિ યશવંતભાઈએ જ બહાર પાડી હોવી જોઈએ! સિગારેટ તો ચિમનભાઈ પણ પીતા, પરંતુ એમની પાસે મોહક અદા નહોતી. આંગળી દાઝવા સુધીની રાડ પાડે ત્યારે ચિમનભાઈ સિગારેટને ઠૂંઠું બનવાની મોકળાશ આપે!

(યશવંત શુક્લ, પૃ. ૪૬)

-અમર ભટ્ટે તો ભગતસાહેબની માત્ર ઉપસ્થિતિ જ નહીં, સહભાગીદારીમાં નિરંજનાષ્ટક કરેલું. ભગતસાહેબ પઠન કરે અને એ રચનાનું અમરભાઈ ગાન કરે! અમર એક એવો વીરલો છે કે જેણે કદી કવિના શબ્દને દબાવા દીધો નથી, બલ્કે કવિના શબ્દને વધારે દૈદિપ્યમાન અને લવચીક કર્યો છે.

(‘નિરંજન ભગત' પૃ. ૬૭)

-રોહિત કોઠારી વિશેના લેખમાં જાણીતા વાર્તાકાર અને પરિષદના ક. લા. સ્વાધ્યાય મંદિરના પૂર્વનિયામક રમેશ ર. દવેનું રેખાંકન જુઓ : ઈ.સ. ૧૯૮૧માં, દર્શકના પ્રમુખપદે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હૈદરાબાદ મુકામે યોજાયું હતું ત્યારે ‘ગુજરાતી સાહિત્યકોશ'ના તત્કાલીન મુખ્ય સંપાદક જયંત કોઠારીની રાહબરી હેઠળ દક્ષિણ ભારતનો પ્રવાસ યોજાયેલો એના સંદર્ભમાં લેખક લખે છે : ‘રમેશભાઈ (રમેશ ર. દવે)માં લોકભારતીના સંસ્કારો એવા ને એવા જ. એટલે કે કાટ ખાધા વિનાના; ફટાક દઈને બસની સીડી ઝાલીને ચડી ગયા ઉપર! રોહિતભાઈ, હું, લાલજી મકવાણા અને ચંદ્રકાંત ભાવસાર વગેરે નીચેથી સામાન ઉપર આપીએ. બધાંનો સામાન બરાબર જાય છે કે નહીં એનું ધ્યાન રમણભાઈ અદબપૂર્વક રાખે. રમેશભાઈ મોટી મોટી બૅગ લઈને છાપરા ઉપર ચાલતા, બસની આગળ બાજુએ જઈને ગોઠવે. સ્વાભાવિક જ એમનો શ્રમ બેવડાય. (‘રોહિત કોઠારી' પૃ. ૧૭૮)
આ સમગ્ર રેખાચિત્રોનાં આલેખનમાંથી લેખકના પોતાના વ્યક્તિત્વની રેખાઓ દોરાતી આવે છે એ આ બધાંમાં સૌથી વિશેષ આસ્વાદ્ય ભાગ છે. અગાઉ કહ્યું છે તેમ આ બધા સાહિત્યકારોના અંગત અનુભવોમાંથી આ રેખાચિત્રોનો જન્મ થયો છે. એટલે જ એકેએક રેખાચિત્ર પર લેખકના વ્યક્તિત્વની સ્પષ્ટ મુદ્રા ઉપસી આવે છે. અહીં આળેખાયેલાં ઓગણીસ રેખાચિત્રોમાંથી ઉમાશંકર જોશી, નિરંજન ભગત, ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર, બાપુભાઈ ગઢવી, જગદીશ વ્યાસ - આ છ સર્જકો સિવાયના બધા જ સાથે મારે અત્યંત ઘનિષ્ઠ કહી શકાય એવો સંબંધ હતો, તેમ છતાં, હર્ષદે શોધેલા સગડ પર ચાલીને એમને મળ્યો ત્યારે જાણે આ સૌને પહેલી જ વાર મળતો હોઉં એવો અનુભવ થયો. આનું કારણ આ બધાં રેખાચિત્રો પર સજ્જડડપણે લેખકની મુદ્રા અંકિત થઈ છે તે છે. એટલે જ હર્ષદને બિલકુલ ઓળખતી ન હોય એવી સર્જક પ્રતિભા ધરાવતી કોઈ પણ વ્યક્તિ કેવળ આ રેખાચિત્રોના આધાર પર હર્ષદનું રેખાચિત્ર દોરી શકે. –‘ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિનો હર્ષદનો પ્રથમ પ્રવેશોત્સવ કેવો ઝંઝાવાતી બન્યો એનું વર્ણન ‘ઉમાશંકર જોશી’ વિશેના લેખમાં છે, લેખકનો આશય તો ઉમાશંકરભાઈની મોટપ ને નવા લોહીને સમજવા-સ્વીકારવાની એમની ઉદારતાનું આલેખન કરવાનો જ છે. પણ એની પડછે દિગ્ગજ વડીલ સાહિત્યકારો સામે ડંકેશ ઓઝા જેવા સાથીદારોની મદદથી ઝીંક ઝીલવાની લેખકની હિંમત ને લોકશાહી રસમ માટેની એમની નિસ્બત ખરે જ એમના માટે માન ઉપજાવે તેવી છે. ઉમાશંકરભાઈએ યોગ્ય રીતે એમને ‘યંગ ટર્ક’નું બિરુદ આપ્યું ને હર્ષદે આજ સુધી એ સ્પિરીટ જાળવી રાખીને આ બિરુદને સાર્થક કર્યું છે. આમ છતાં, આ બધા વરિષ્ઠ સાહિત્યકારો લેખક માટે કેવા પૂજ્ય ને પ્રણમ્ય છે એનો ચિતાર પણ આ રેખાચિત્રોમાંથી મળે છે. લેખકે સાહિત્યિક સામયિક ‘શબ્દસૃષ્ટિ’નું વીસ વર્ષ સુધી સંપાદન કર્યું. એક તો શુદ્ધ સાહિત્યિક સામયિક ને તે પણ સરકારી સંસ્થાનું સામયિક! ખાંડાની ધારે ચાલવા જેવું આ કામ હતું. આ પુસ્તકમાં ‘દર્શક’ વિશે ને કવિ ‘ઉશનસ્' વિશે લેખો છે. આ બંને દિગ્ગજ સાહિત્યકારોની નબળી રચનાઓ નહીં સ્વીકારવાની હિંમત લેખકે બતાવી હતી. ‘દર્શક'ની રચના અસ્વીકૃત ઠરી ત્યારે તો 'દર્શક' ‘ગુજરાત સાહિત્ય અકાદમી'ના પ્રમુખ પણ હતા! હર્ષદની સંપાદક તરીકેની તટસ્થતા ને નિર્ભીકતાની રેખાઓ બહુ સ્પષ્ટ રીતે ઉપસે છે. હર્ષદનાં સગર્ભા પત્ની નીમુબહેનને તકલીફ થઈ. પત્ની પોતે વૈદ્ય એટલે આયુર્વેદમાં શ્રદ્ધા. ઠાકરસાહેબ (લાભશંકર ઠાકર)ના કિલનિક પર પહોંચ્યાં. પણ, ગાંધીનગરથી અમદાવાદ આવવાની બસ બહુ દુર્લભ હોય છે એટલે મોડાં પડ્યાં. ક્લિનિક બંધ કરીને ઠાકરસાહેબ નીકળતા હતા. એમણે ઇનકાર કરી દીધો. હર્ષદે વીનવ્યા પણ એ તો ઠાકરસાહેબ - ના એટલે ના. ને… ‘હવે મારો મિજાજ ફાટ્યો. એકદમ ઝાલાવાડી રૂપ પ્રગટ્યું. મેં એકદમ ગુસ્સામાં કહ્યું કે, ‘ઠાકરસાહેબ તમે તો વૈદ્ય છો કે વેરી? જોતા નથી, અમે કેવી રીતે દોડતાં આવ્યાં છીએ? છેક ગાંધીનગરથી આવ્યાં છીએ. બસ મળે ત્યારે આવીએ ને? અને તમે જતા જ રહ્યા હોત તો જુદી વાત હતી. છો તો વાત સાંભળીને સલાહ આપવામાં તમારા… તમારું શું જાય? તમારી જે ફી થતી હોય તે લઈ લો ને! હું ક્યાં ના પાડું છું? આ તો ઠીક છે, પણ રાત્રે એને કંઈક થઈ જશે તો? મને લાગે છે કે સાચે જ તમારો સમય પૂરો થઈ ગયો છે! નહીંતર… કવિ તમને આવા નહોતા. ધાર્યા.’ -અને ઠાકરસાહેબ ઢીલા પડી ગયા. ખુરશીમાં બેસી ગયા. નીમુને નિરાંતે સાંભળી. બે પ્રકારના આસવ સૂચવ્યા. (લાભશંકર ઠાકર, પૃ. ૧૩૩)

ઠાકરસાહેબને ઓળખનારાં તો આ વાંચીને સ્તબ્ધ થઈ જાય! આ રીતે એમની સાથે બાખડી પડનાર કદાચ એક માત્ર હર્ષદ ત્રિવેદી જ હશે. અને આ પછી સામેથી ફોન કરી, નીમુબહેનની ખબર પૂછી, હર્ષદની ક્ષમાયાચના કરનાર પણ ઠાકરસાહેબ એક જ હશે! આ પછી ઠાકરસાહેબ સાથેનો હર્ષદનો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો - બંનેના હૃદયની નિર્મળતાને કારણે જ આ શક્ય બન્યું. ‘ટર્કીશપણાની’ સાથેસાથે હર્ષદના કવિ હૃદયની ઋજુતાની અનેક ઝલક આ રેખાચિત્રોમાંથી મળે છે. ઉમાશંકર જોશીના અવસાન સમયનો લેખકનો અવસાદ, જીવનના છેલ્લા ચરણમાં 'દર્શક'ના જીવનની કરુણાન્તિકા, યશવંતભાઈના જીવનનો અંતિમ અધ્યાય ‘ગુજરાતી સાહિત્યકોશ'નું કામ અર્ધેથી છોડવું પડ્યું એ કારણે જયંત કોઠારીએ અનુભવેલી અપાર વેદના, કેન્સરગ્રસ્ત દિલીપ રાણપુરા સાથે અંતિમ દીર્ઘ વાર્તાલાપ, ચિનુ મોદી સાથેનું અંતિમ મિલન, બાપુભાઈ ગઢવી જેવા સ્વમાની ને ખુમારીવાળા સર્જકની આર્થિક બેહાલી, સાવ અંગત મિત્ર જગદીશ વ્યાસનું વેડફાઈ ગયેલું જીવન - આ બધાંનું આલેખન દ્રવતા હૃદયે ને ઝરતી આંખે થયું છે. જયંત કોઠારીની કરુણાન્તિકાના આલેખન વખતે તો હૃદય દ્રવવાની સાથે સંસ્થાના મોવડીઓ સામેનો લેખકનો આક્રોશ પણ ભળ્યો છે,

‘ગુજરાતી સાહિત્યકોશના ત્રણેય ખંડો એમના સંપાદનમાં જ પૂરા થયા હોત તો, સ્વાભાવિકપણે જ ચિત્ર જુદું હોત! પણ, પરિષદના તે વખતના સત્તાધૂરીણો અને એમની વચ્ચે એકબે નહીં, અસંખ્ય વખત મતભેદો પડ્યા હતા. શબ્દફેરે વિશ્વાસની જ કટોકટી ખડી થઈ ગયેલી. કોઈ આરોવારો ન રહેતાં, જ.કો.એ પોતે જ એ કામ અધવચ્ચેથી છોડ્યું. સાહિત્યજગતની એ એક અવાંછિત ઘટના હતી. કોનું શું કર્તૃત્વ અને કોનું શું સારું કે હીણું યોગદાન એની ખાતાવહીમાં ન પડીએ તોપણ, એમ લાગે છે કે ‘વિશ્વશાંતિ' યજ્ઞ કરાવવામાં આપણું સામૂહિક શાણપણ પાછું પડેલું. આપણી સાહિત્યિક પ્રતિબદ્ધતામાં પડેલું એ સૌથી મોટું ગાબડું હતું. સમષ્ટિનાં હિત નાનાં થયાં હતાં ને વ્યક્તિઓના અહમ્ મોટ્ટા થઈ ગયા હતા. કહો કે એક અમંગળ બિના બની ગઈ હતી.
...કોઠારીસાહેબના મિત્ર અને કોશસાથી જયંત ગાડીતના આ શબ્દોમાં બંને જયંતનાં હૃદયની પીડા ઊભરાઈ આવી છે : ‘સાહિત્યકોશનું કામ જયંતભાઈને જીવથીય વધારે વહાલું હતું. એને છોડવું પડ્યું એની અપાર વેદના એમના હૃદયમાં હતી. ‘કોઈ મારી ચામડી ઉતરડી લેતું હોય એમ મને લાગે છે.’ બેત્રણ વખત આ વાક્ય તેઓ મારી પાસે બોલેલા. મૌન સિવાય આશ્વાસનના બીજા શબ્દો મારી પાસે ન હતા.'
-‘એમ લાગે છે કે અત્યારે મારી પણ વાચા હણાઈ ગઈ છે.’

(‘જયંત કોઠારી' પૂ. ૯૩)
-લેખકના સ્વભાવમાં રહેલી કૃતજ્ઞતાની લાગણી વિનોદ ભટ્ટ વિશેના લેખમાં જોવા મળે છે : -‘અકાદમીની બાબતે હું અને વિનોદભાઈ તદ્દન સામસામે છેડે હતા. તેમ છતાં, મારી સ્વૈચ્છિક નિવૃત્તિ ટાણે મને અકારણ હેરાનગતિ ન થાય એ માટે વિનોદભાઈ અને રઘુવીરભાઈ ઉપરાંત એક વરિષ્ઠ અધિકારીએ માત્ર ભલામણ જ કરી નહીં, પૂરેપૂરો પૂર્વગ્રહ વિનાનો નિર્ણય થાય તે માટે આગ્રહ રાખેલો. એ ઘટના આ ત્રણેય મહાનુભાવોની મારા પ્રત્યેના વાત્સલ્ય સમેતની માનવીય ઊંચાઈ બતાવે છે.’ ('વિનોદ ભટ્ટ' પૃ. ૧૪૪)

-જે-તે લેખમાં જેમનું રેખાચિત્ર છે એમના નામ સાથે જે-તે સાહિત્યકારની વિશેષતા દર્શાવતું જે ઉમેરણ છે તે અંગે મારે ખાસ ધ્યાન ખેંચવું છે. જેમકે, મનુભાઈ પંચોળી 'દર્શક’: ઝેર તો પીધાં છે જાણી જાણી, ચંદ્રકાન્ત બક્ષી: ગુજરાતી સાહિત્યનું એક રફ એન્ડ ટફ નામ!; વિનોદ ભટ્ટ: દંતકથાનો નાયક, વગેરે. આ ઉમેરણમાં જે-તે સાહિત્યકારના વ્યક્તિત્વનો અર્ક સમાયો છે. ગાગરમાં સાગર ભરવાની કળા અહીં જોઈ શકાય છે. -ચરિત્રસાહિત્ય પરલક્ષી સાહિત્યપ્રકાર છે; પણ, રેખાચિત્રના સર્જનમાં આપોઆપ આત્મલક્ષીપણું પ્રવેશે છે. જે-તે વ્યક્તિ વિશેના અંગત અનુભવો દ્વારા રેખાચિત્રનું સર્જન થાય છે. જે-તે વ્યક્તિ વિશે જે લખાય તે સત્ય જ હોવું જોઈએ, સત્ય સિવાય કશું ન હોવું જોઈએ. પણ, જે સાચું હોય એ બધું લખવાનું આવશ્યક નથી. એટલે ચરિત્રસાહિત્યના લેખકે જે-તે વ્યક્તિ વિશે લખતી વખતે વિવેકની ધાર તેજ રાખવી પડે છે. આનો અર્થ એવો નથી કે જે તે વ્યક્તિની મર્યાદાઓ ન દર્શાવવી. જે-તે વ્યક્તિના ગુણદોષ સમેતનું ચરિત્રલેખન જ જીવંત બને. રેખાચિત્રમાં તો ખાસ. પણ જે-તે વ્યક્તિના અંગત જીવનની બાબતો વિશે લખવામાં વિવેક કરવો જોઈએ - એમાંય પણ એક વ્યક્તિ વિશે લખતાંલખતાં અન્ય વ્યક્તિઓ વિશે લખતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ. સરોવરના સગડ બતાવતી વખતે લેખકે આ સાવધાની રાખી છે પણ બેએક જગ્યાએ લેખકની કલમ લથડી છે એ તરફ મારે ધ્યાન દોરવાનું છે. ઉમાશંકર જોશીનો શિશુપ્રેમ જાણીતો છે. જે સ્નેહીઓને ત્યાં જવાનું થાય કે એમને અન્યત્ર મળવાનું થાય ત્યારે એમના સમગ્ર કુટુંબના સમાચાર પૂછે, બાળકોનાં તો નામ દઈને એમના વિશે પૂછે – આવો ઘણાનો અનુભવ છે. એટલે ઉમાશંકરભાઈના રેખાચિત્રમાં આ વાત આવે તે સહજ છે. પણ અહીં લેખકે આ વાત લખતી વખતે આપણા એક દિગ્ગજ સર્જક-વિવેચકના પોતાના પુત્ર સાથેના ગેરવર્તાવનું - આઘાત લાગે એવા ગેરવર્તાવનું વર્ણન કર્યું છે. અલબત્ત, લેખકે એમનું નામ નથી આપ્યું. પણ, ગુજરાતી સાહિત્યનો નજીકનો સંપર્ક હોય એ સર્વને માટે આ નામ છાનું નથી રહેવાનું. એ જ રીતે મફત ઓઝા વિશેના લેખમાં મફતભાઈનું ગુણદર્શન કરાવતી વખતે આપણી ભાષાના બે દિગ્ગજ સાહિત્યકારોને લેખકે હડફેટે લીધા છે. સી.આઈ.ડી. ફિલ્મના એક ગીતની પંક્તિની જેમ અહીં ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના' જેવો ઘાટ થયો છે. અહીં પણ સીધી રીતે નામો નથી અપાયાં, પણ એ નામો અંગે પોતાની સર્જકતાનો ઉપયોગ લેખકે એ રીતે કર્યો છે કે નામો સ્પષ્ટ થઈ જાય છે આ ત્રણેય ગણમાન્ય સાહિત્યકારો વિશે જે કહેવાયું છે તે સાચું છે કે ખોટું તે મુદ્દો નથી. આવું આલેખન સુરુચિપૂર્ણ નથી લાગતું. ત્રણ સાહિત્યકારોની લીટી નાની બતાવીને ઉમાશંકરભાઈ કે મફતભાઈની લીટી મોટી બતાવવાની ચેષ્ટામાં કળા સચવાતી નથી. આ બંનેના જે ગુણો અહીં બતાવાયા છે એ આ ત્રણની મર્યાદાઓ બતાવ્યા વગર પણ દર્શાવી જ શકાત. આ પુસ્તકના લેખો ભાષાના સૌંદર્યથી મંડિત છે. એ જ રીતે આ સરોવરોમાં ઊઠતી વિનોદલહરીઓ પણ પુસ્તકને રસાળ બનાવે છે. આ વિનોદલહરીઓના પ્રાદુર્ભાવમાં પણ અભિવ્યક્તિની સૌંદર્યછટાઓનું ઘણું યોગદાન છે. અનેક સ્થાનોએ આનાં ઉદાહરણો સહૃદયોને મળી આવશે. તેમ છતાં, કેટલીક વાર કોઈને કોઈ સંદર્ભવિશેષના નિર્દેશ દ્વારા જોવા મળતી અભિવ્યક્તિની વિશિષ્ટ છટા તરફ મારે ખાસ ધ્યાન ખેંચવાનું છે. આ સંદર્ભવિશેષની જાણકારી વગર આવી છટાઓનો આસ્વાદ લઈ શકાશે નહીં! આવાં કેટલાંક સ્થાનો: - તમે ઉપર જાવ એટલે સાચે જ બર્ડલૅન્ડ'માં પ્રવેશ્યા હો એવો અનુભવ થાય. (‘મીનપિયાસી' પૃ. ૪) પર્યાવરણનાં ચિત્રો ‘બર્ડલેન્ડ' નામ સાર્થક કરે છે. પણ કવિના ઘરનું નામ ‘બર્ડલૅન્ડ' હતું. આ સંદર્ભથી આ વાક્યમાં એક વિશેષ અર્થ ઉમેરાય છે. -એ બાળકોય હવે તો શિક્ષક તરીકે કામ કરીને નિવૃત્ત થઈ ગયાં છે ને છતાંય આ પાર્વતી-પરમેશ્વરના સાયુજ્ય જેવા ઉમાશંકરને ભૂલ્યાં નથી! (ઉમાશંકર જોશી પૃ. ૧૨) અહીં કાલિદાસના 'રઘુવંશ’ના ‘જગતઃ પિતરૌ વન્દે પાર્વતી-પરમેશ્વરૌ' વાળા પ્રથમ સર્ગના પ્રથમ શ્લોકનો સંદર્ભ છે. - એમને જમાડવાની જવાબદારી ભાઈ કિરીટ દુધાતે સ-હર્ષા સ્વીકારી હતી. (“ઉમાશંકર જોશી' પૃ. ૧૭) ‘હર્ષા; જાણીતા વાર્તાકાર કિરીટ દુધાતનાં પત્નીનું નામ છે એ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અભિવ્યક્તિની ચમત્કૃતિ માણી શકાય. પણ એવી ખબર ન હોય તો ‘સ-હર્ષ' ને બદલે 'સહર્ષા' છપાયું છે એમ લાગે! પ્રૂફરીડર મિત્ર આ છાપભૂલ ‘સ-હર્ષ' સુધારી નાખે એ પણ સંભવિત છે! -લગભગ એકાદ કલાકની પૃથ્વીપ્રદક્ષિણા પછી પણ ‘ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું! સમય થઈ ગયો હતો એટલે રાજ્જા દિલીપ એવું વદ્યા કે…’ ('ઉમાશંકર જોશી, પૃ. ૧૭) કવિમિત્ર દિલીપ ઝવેરી સાથે ઉમાશંકરભાઈનું ઘર શોધવાનો નિષ્ફળ ઉદ્યમ લેખકે કર્યો હતો. આ ‘નિષ્ફળ ઉદ્યમ'નું સૂચન ઉમાશંકરભાઈની જ પંક્તિ ‘ગીત અમે ગોત્યું…’ દ્વારા થયું છે! ને ‘દિલીપ’ નામનો લાભ લઈ ‘રઘુવંશ’ના રાજા દિલીપને યાદ કર્યા છે. – ‘બધાંને બધું છિન્નભિન્ન થયેલું અનુભવાય છે.’ (‘ઉમાશંકર જોશી’ પૃ. ૨૦) ઉમાશંકરભાઈના મૃત્યુને કારણે સૌએ જે રંકપણું અનુભવ્યું તેની વાત ઉમાશંકરભાઈના કાવ્ય ‘છિન્નભિન્ન છું'ના નિર્દેશથી કરી છે. ગુજરાતી કવિતામાં હતાશા ને છિન્નભિન્નતાના ભાવો ઝિલાવાના પ્રારંભમાં - ૧૯૫૬માં - આ કાવ્ય લખીને ઉમાશંકરભાઈએ સૌને ચોંકાવી દીધા હતા! -આજે પણ કોઈ સવારે, ઊગતા સૂર્યની કેશરિયા ટશર નિહાળતી એ 'પાવકજ્વાળાઓ' યાદ આવે છે અને હું મને પૂછી વળું છું: ‘કાલે તડકો ક્યાં છે?’ (‘ઉમાશંકર જોશી' પૃ. ૨૦) અહીં કટોકટીના દુઃસ્વપ્નનો સંદર્ભ છે. ઈ.સ. ૧૯૭૫ની ૨૫મી જૂનની - એટલે કે ૨૬ જૂનના પ્રારંભની ક્ષણે દેશ પર કટોકટીના ઓળા ઊતર્યા. ગઈ કાલ સુધી દેશમાં મુક્ત આબોહવા હતી. પણ, એકાએક ગુલામીની ગૂંગળામણનો અનુભવ શરૂ થયો. ને ઉમાશંકર જોશીનું લઘુકાવ્ય રચાયું. તા. ૨૬ જૂન,[1] ૧૯૭૫. શીર્ષક પરથી કાવ્યનો મર્મ પકડાય છે. એ કાવ્યની છેલ્લી પંક્તિ છે : 'કાલે હતો તે તડકો ક્યાં છે?’ ઉમાશંકરના અવસાનથી વ્યાપેલા સૂનકારને વ્યક્ત કરવ એમની જ કાવ્યપંક્તિનો સમર્થ ઉપયોગ કરી જાણ્યો છે! -યશવંતભાઈ વિનાની સભાને પણ જ્ઞાનીપુરુષો સભા નહોતા કહેતા. ('યશવંત શુક્લ', પૃ. ૪૫) આ વિધાન સ્વયં અસરકારક છે. પણ ‘મહાભારત'ના 'સભાપર્વ’ના શ્લોકના ચરણના સંદર્ભમાં જોઈએ તો વધુ અસરકારક લાગે છે. આ ચરણ છે : ‘ન સા સભા યત્ર ન સાન્ત વૃદ્ધા: ।' એ અર્થમાં એ (ચિનુ મોદી) ક્ષણોના મહેલના માણસ હતા. (પૃ. ૧૫૫) ‘ક્ષણોના મહેલમાં'. ચિનુભાઈની કૃતિ છે એ સંદર્ભમાં જોઈએ તો આ વાક્ય એકદમ ચમત્કૃતિ બની જાય છે. પ્રસ્તાવના આટલી બધી લાંબી હોય? ન હોય પણ આ પ્રસ્તાવના નથી ઉપોદ્ઘાત છે. હવે ઉપોદ્ઘાત લખાતા બંધ થઈ ગયા છે. પણ, નરસિંહરાવે લખેલો મુનશીના ‘ગુજરાતનો નાથ'નો ઉપોદ્ઘાત અને રઘુવીર ચૌધરીએ લખેલો ભગવતીકુમાર શર્માની નવલકથા ‘અસૂર્યલોક’નો ઉપોદ્ઘાત – આ બંને ઉપોદ્ઘાતની મારા મન પર અમીટ છાપ છે. ઉપોદ્ઘાતકારનું કામ વાચકોને એક ઉત્તમ પુસ્તક વાંચવા માટે મજબૂર કરવાનું છે. આમ કરવામાં હું કેટલો સફળ થયો છું તે જાણતો નથી; પણ, મેં એવો પ્રયત્ન અવશ્ય કર્યો છે.


  1. + આ મુદ્દો લખી રહ્યો છું એ દિવસ યોગાનુયોગે ૨૬મી જૂન છે!