સરોવરના સગડ/નિરંજન ભગત: સ્વાયત્તતાનો બીજમંત્ર!

From Ekatra Wiki
Revision as of 01:40, 7 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


Center

‘નિરંજન ભગત : સ્વાયત્તતાનો બીજમંત્ર!

(જ. તા. ૧૮-૫-૧૯૨૬, અવસાન તા. ૧-૨-૨૦૧૮)

ઓગણીસો બોંતેરનું વર્ષ હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી, સહજ રીતે જ ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી થવા જોઈતા હતા. પણ, દિલ્હી દરબારને, એટલે કે શ્રીમતી ગાંધીને એ મંજૂર નહોતું. એમણે એક વહેલી સવારે મૂળ સુરેન્દ્રનગરવાસી ઘનશ્યામભાઈ ઓઝાને પાલમથી વિમાનમાં બેસાડી દીધા. અહીં, 'બેસાડી દીધા'નો અર્થ મુખ્યમંત્રીની ખુરશીમાં એવો કરવો! આમ સાવ આસમાનમાંથી ઊતરી આવેલા આ ફરિશ્તાને જોઈને પ્રકાશ ન. શાહે મન્ના ડેને યાદ કર્યા અને રાગ ખમાજ (નમાજ ન છપાય તે જોવા વિનંતી!) છેડીને કોઈ ઠેકાણે પોતાના લેખનો મો'રો બાંધ્યો: 'આયો કહાં સે ઘનશ્યામ?' આમ તો ઉપરનો આદેશ હતો ને નીચે બધી રૈયત હતી, એટલે બીજી કોઈ મુશ્કિલ ન હતી. જે હતી તે તો આઠે પ્રહરની અને ગુજરાત પૂરતી જ હતી! કેમકે ચિમનભાઈને કરોડરજ્જુ હતી અને તે પણ ટટ્ટાર હતી! પછીની નવનિર્માણ અને આનુષંગિક ઘટનાઓ જાણીતી છે પરંતુ - રાજ્યના એ કપરાકાળમાં, એક દિવસ આપણા કવિવર ઉમાશંકર જોશીને ત્યાં વડાપ્રધાનના કાર્યાલયમાંથી ફોન આવે છે. કહે છે કે વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી ઉમાશંકર સાથે વાત કરવા ઈચ્છે છે. બરાબર એ વખતે, ઉમાશંકરના નિવાસ 'સેતુ'માં કવિશ્રી નિરંજન ભગત હાજર હતા અને ઈન્દિરાજી કઈ બાબતે ચર્ચા કરવાનાં છે એની ખબર તો બંનેને હતી જ. કેમકે આ બંને કવિઓ પણ ક્યારનાય ગુજરાતની પરિસ્થિતિ વિશે જ વાતો કરતા હતા. ફરી વાર ફોન રણકે એ પહેલાં સંસ્કૃતિપુરુષ ઉમાશંકરભાઈ ફક્ત ફરવા આવેલા કવિ નિરંજનને કામ સોંપે છે અને કહે છે કે - 'હું વાત કરતો હોઉં ત્યારે તમે મારો હાથ પકડી રાખજો અને જો હું ખોટી દિશા તરફ ઢળતો લાગું કે આપણે ચર્ચા થઈ છે તે સિવાયની કોઈ વાતમાં, ઇન્દિરાજી સાથે સંમત થતો લાગું તો તરત જ મારો હાથ દબાવજો ને મને રોકજો!' - તો આ હતા ઉમાશંકર અને આ હતા નિરંજન ભગત! હવે તો ભગતસાહેબને તસવીરમાં જ જોવાના છે. પણ, એમને મેં પહેલવારકા જોયેલા તે પણ તસવીરમાં જ. રાજેન્દ્ર શાહના તંત્રીપદે ચાલતા 'કવિલોક'માં એમની તસવીર છપાયેલી. એકદમ મક્કમ ચહેરો. રેખાઓ ઓછી પણ ઊંડી ને મજબૂત. ઊભું ઓળેલું માથું ને અવકાશભણીની સ્વપ્નિલ નજર. પંચધાતુના શિલ્પ જેવો ચહેરો. આમ તો એ ઉંમરે ભગતસાહેબ પ્રતિ આકર્ષણ થવાનું દેખીતું કોઈ કારણ નહોતું. પણ, મીનપિયાસીદાદા જેટલી વાર ઘેર આવે એટલી વાર એમની વાતમાં ચારપાંચ નામો વારંવાર પડઘાયા કરતાં. એ નામો હતાં: રામપ્રસાદ બક્ષી, ઉમાશંકર જોશી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત. એમને હંમેશા રાજેન્દ્ર શાહના પ્રાસ બાબતે અને નિરંજન ભગતને ગામસીમનો અનુભવ નથી એ બે બાબતે ફરિયાદ રહેતી. પાછા ઉમેરે ખરા કે – ‘બંને મોટા કવિ એ બાબતમાં શંકા નહીં!’ સાહેબ શબ્દ ભગતસાહેબને માટે શોભે એવો ઓછા લોકોના નામ સાથે શોભે. માત્ર એટલું જ નહીં, નામનો પણ ભાગ બની જાય! એમની ઊંચાઈ ઓછી તો નહીં જ. એમ સમજોને કે ચોવીસેય કલાક પેન્ટશર્ટમાં સજ્જ હોય. મોટે ભાગે ક્યૂબન કોલરવાળું ઇન કરેલું હાફશર્ટ, ગાઢા રંગનું પેન્ટ, પાતળી પટ્ટીનો બેલ્ટ. ખિસ્સામાં વિદેશી પેન. પગમાં સાદી ચપ્પલ અથવા તો સેન્ડલ, એક હાથમાં છાતી સરસાં દાબેલાં પુસ્તકો અને બીજા હાથમાં ગડી વાળેલો રૂમાલ એ એમની કાયમી મુદ્રા. શિયાળાની ઋતુ હોય ત્યારે આ અસબાબમાં કોટ ઉમેરી દેવો! કોઈએ ક્યારેય ભગતસાહેબને લઘરવઘર કે કવિવેડા કરતા જોયા નથી. સાફસૂથરા વ્યક્તિત્વનો પ્રભાવ જ એવો કે તમે કોઈ પણ જાતની છૂટછાટ લઈ જ ન શકો. ભગતસાહેબ હંમેશા એક આદર્શ નાગરિક તરીકે જ જીવ્યા. સૂક્ષ્મ અર્થમાં પણ કશું અયોગ્ય રીતે ઉલ્લંઘન કરવાનો એમનો સ્વભાવ નહીં. સારા અર્થમાં, બ્રિટિશ અનુશાસનની જીવતીજાગતી પ્રતિમા એટલે નિરંજન ભગત. એક વાર પરિષદના કોઈ કાર્યક્રમમાંથી નીકળીને હું અને જગદીશ વ્યાસ સાયકલ લઈને જતા હતા. માઉન્ટ કાર્મેલના બસસ્ટેન્ડે ભગતસાહેબ એટલે કે નિરંજન ભગતને હાથમાં ચોપડી દબાવીને ઊભેલા જોયા. એકદમ સાયકલ ઊભી રાખી. જઈને આદરપૂર્વક વંદન કર્યા. ભગતસાહેબે પરિચય પૂછ્યો. કહ્યું કે -'ગુજરાતી વિષયમાં એમ.એ. કરવા આવ્યા છીએ. કવિતાઓ લખીએ છીએ... વગેરે વગેરે.’ બધી બહુ સરસ વાતો થઈ. જતી વખતે જગદીશને શી કમત સૂઝી તે કહે કે - 'તમારે ક્યાં જવું છે? જ્યાં જવું હોય ત્યાં અમે મૂકી જઈએ...' ‘તમારી પાસે શું વાહન છે?’ ‘છે ને આ સાઈકલ! તમે પાછળ બેસી જાઓ...’ અને ભગતસાહેબે અમને ઝાડી નાંખ્યા! ટૂંકસાર આવો હતો.... ‘મારે જ્યાં જવું હોય ત્યાં… તમારે એ જાણીને શું કામ છે? તમને કાયદાની કંઈ ખબર છે? અમદાવાદમાં ડબલસવારી સાઈકલ ચલાવવાની મનાઈ છે એ જાણો છો? આવું કૃત્ય કાયદા વિરુદ્ધ ગણાય એ તમે જાણો છો? પોલીસ પકડે તો શું થાય? તમારે આ અમદાવાદમાં મારો વરઘોડો કાઢવો છે? શું સમજો છો તમારા મનમાં? અને હું શા માટે તમારી સાઈકલ પાછળ બેસું? મને બસના ભાડાના પૈસા નથી મળતા? હું આ રીતે તમારું શોષણ કરું? અને હું, મારે જ્યાં જવું છે ત્યાં મારી ગરજે જાઉં છું. મારા કામે જાઉં છું. તમારે શા માટે ચિંતા કરવાની? જાવ ભાગો...’ અમે તો એવા ડઘાઈ ગયા કે ક્યાંય સુધી એકબીજાની સામે પણ ન જોઈ શક્યા. પગ અને પૈડાં ફરતાં રહ્યાં. નવરંગપુરા પોસ્ટઓફિસ પાસે આવીને ઊભા રહ્યા. પરસેવો લૂછ્યો. હું જગદીશને વઢ્યો: 'સાલા! તને આવું ડહાપણ કરવાનું કોણે કીધું હતું? એટલું ય ભાન નથી કે આવડા મોટા માણસને…’ ‘હર્ષદ! હવે તું ન વઢ! ભગતસાહેબ પૂરતું વઢી ચૂક્યા છે… પણ, સાલું મને એમ થાય છે કે એ આ બધું અંગ્રેજીને બદલે ગુજરાતીમાં બોલ્યા હોત તો કંઈક સમજણેય પડત!' એમ કહીને લુચ્ચુંલુચ્ચું હસી પડ્યો… બીજે જ દિવસે પાછા અમે ભગતસાહેબને દર્શન દીધેલાં, શાહીબાગ ખાતે રિટ્રીટમાં! ત્યાં એમનું બોદલેર વિશે ભાષણ હતું. જો કે અમને ત્યાં જવાની જાણકારી અને પ્રેરણા પણ કોશિયામિત્ર કૌશિક બ્રહ્મભટ્ટે આપેલી. એ પણ સાથે આવેલો. એ એક એવો મિત્ર, કે જેને, બીજું કોઈ વાહન તો શું? સાઈકલ પણ ચલાવતાં નહોતી આવડતી! રિક્ષાના પૈસા દરેક વખતે તો ક્યાંથી હોય? એટલે એ કાયમ એએમટીએસને લાભ આપતો. પણ, એ દિવસે, ડબલસવારીમાં જ સાઈકલ લઈને ગયેલા. દૂરથી પોલીસને જોઈએ એટલે કૌશિક ઊતરી જાય. થોડું ચાલે અને વળી પાછો પાછળ બેસી જાય! એ દિવસે ભગતસાહેબ શું બોલ્યા હતા? કશું જ યાદ નથી. પણ, એમના હાવભાવ, આંખો, અસ્ખલિત ઊર્જાવાળો પ્રભાવક અવાજ અને અભ્યાસનિષ્ઠા એક ભાવપુદ્ગલરૂપે આજેય સ્મરણમાં છે. પછી તો અમે વિશ્વકવિતાકેન્દ્રના કાર્યક્રમોમાં પણ જતા થયેલા. પણ, કદીયે ભગતસાહેબે પેલી દ્વિચક્રીઘટના આંખમાંયે દેખાવા દીધી નહોતી. કોશકાર્યાલયમાં એ આવી ચડે એ ઘડીની અમને સહુને પ્રતીક્ષા રહેતી. ભગતસાહેબ દુનિયાભરની વાતો લાવે! એન્સાઈક્લોપીડિયા કેટલી જાતના હોય? એમાં કેવી રીતે સંદર્ભો આપવામાં આવે? આવા મુદ્દાઓથી શરૂ થયેલી વાતો છેવટે સાહિત્ય તરફ વળી જાય. બળવંતરાય અને ન્હાનાલાલના સંબંધો વિશે વાત કરતી વખતે એમનો ઉત્સાહ વધી જાય. સાહિત્યિક મતમતાંતર અને અંગત સંબંધો કેવી રીતે અલગ રહી શકે એની વાત કરતાં ગદ્ગદ્ થઈ જાય. એમણે કહેલું કે ન્હાનાલાલના દીકરાના લગ્નપ્રસંગે વેવાઈ તરફથી આવેલી પાઘડી ન્હાનાલાલે પોતે ન બાંધતાં સીધી જ બળવંતરાયને માથે બંધાવેલી! બળવંતરાય કાકાસાહેબની બહુ ટીકા કરતા. વાત મુદ્દા આધારિત હોય ત્યાં સુધી ભગતસાહેબને વાંધો ન હોય. પણ, 'પેલો મરેઠો!!' એમ કહે ત્યારે પોતે ભગત અટક છોડીને ઠાકોર થઈ જતા એની વાત પણ હસતાં હસતાં કરે. ગાંધીજી અને રવીન્દ્રનાથ એમના પ્રિય વિષય. ભગતસાહેબ અતિશયોક્તિના માણસ. સુપરલેટિવ્ઝ એમના સ્વભાવને વધુ અનુકૂળ. ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમણે અને લાભશંકર ઠાકરે અનેક કવિઓ વિશે અભ્યાસપૂર્ણ અને અદ્ભુત સળંગ વક્તવ્યો આપેલાં એ અનુભવ તો જાણે હવે સ્વપ્ન જ કહેવાય. આદિલસાહેબનો એક શે'ર છે : ‘આવું વારંવાર દેખાતું નથી, સદીઓમાં એકાદ ક્ષણ દેખાય છે!’ એ વ્યાખ્યાનોએ અમને મુગ્ધ કરેલા. એકથી વધુ સર્જકો માટે એમણે કહ્યું હશે : 'આવો સર્જક અમુક ભાષામાં થયો નથી ને થવો પણ નથી! એમની જે તે ભૂમિકાએ પહોંચવાની, એમના સ્વભાવને ઓળખવાની ને સર્જકમિજાજને સ્વીકારવાની ત્રેવડ જો તમારામાં હોય તો ભગતસાહેબ દરેક વખતે સાચા અને વિશિષ્ટ અર્થમાં આસ્વાદ્ય પણ લાગે. રવીન્દ્રનાથ અને ગાંધીજીની સૌન્દર્યદૃષ્ટિની વાત અને તુલના કરતી વખતે, એક વાર અમારા ટીટેબલ પર એમણે રવીન્દ્રનાથનો પક્ષ લઈને ઘણી વાતો કરી. પેલો જાણીતો પ્રસંગ – શાંતિનિકેતનમાં, રવીન્દ્રનાથ અને ગાંધીજી સવારે ફરવા જવાના હતા અને રવીન્દ્રનાથે તૈયાર થવામાં મોડું કરેલું - એ પણ કહ્યો. આ બધી વાતો અમારા માટે તો નર્યો આશ્ચર્યલોક જ હતો. પણ, ગૂજરાત વિદ્યાપીઠમાંથી પરિષદમાં ઉછીનીસેવા આપવા આવેલા કવિ-સંશોધક ચંદ્રકાન્ત શેઠના ગાંધીપ્રેમે ડોક ઊંચી કરી! કહે કે - 'સાવ એવું નહોતું. ગાંધીની સૌન્દર્યદ્રષ્ટિ ધરાતલની હતી અને એમની સામે અમુક ઉદ્દેશો પણ હતા. શેઠકાકા સ્વાભાવિક રીતે જ બોલેલા. પરંતુ, ભગતસાહેબ તો પહેલેથી જ તારસપ્તકમાં પહોંચી ગયેલા. એટલે એકદમ બોલી પડ્યા: 'તમારા ગાંધી તો રોંચા હતા રોંચા! એ દિવસે, પટાવાળો દેવરાજ ઓફિસ બંધ કરવા આવ્યો ત્યારે, કોઈ પણ જાતના આખરી નિર્ણય વિના વિદ્વન્મંડળી છૂટી પડી! જો કે ચંદ્રકાન્ત શેઠ અને ભગતસાહેબની જુગલબંદી મારે માટે નવી વાત નહોતી. આ પૂર્વે, એટલે કે એંશીની સાલમાં, ગાંધીનગરના આંગણે બૃહસ્પતિસભાના આતિથ્યે યુથહોસ્ટેલમાં બુધસભાનું સત્ર ભરાયેલું. એમાં આ બંને મહાનુભાવોના રાગાલાપનું ઉત્તમ રૂપ જોવા મળ્યું હતું. ‘આધુનિક' કવિતાની ચર્ચા કરતી વખતે, અનેક વિદેશી કવિઓની કવિતાઓનાં ઉદાહરણ આપીને શેઠકાકા સરસ રીતે વાત મૂકી રહ્યા હતા. કોઈક ક્ષણે એમનાથી એ મતલબનું બોલાઈ ગયું કે અમુક, ખાસ અર્થમાં જોઈએ તો નરસિંહ અને મીરાં પણ આધુનિક ગણાય! અને નિરંજનનિરાકારે અચાનક જ આકાર ધારણ કર્યો! શબ્દફેરે કહે કે -‘આધુનિકતા એ વિવેચનની પરિભાષા છે ને એને નગરજીવન સાથે અને નગરચેતના સાથે સંબંધ છે. મધ્યકાળને અને આધુનિકતાને શી લેવાદેવા? ચંદ્રકાન્ત! એવા ન બનીએ બાઘા કે આપણને કોઈ પહેરાવી જાય વાઘા!’ અને પછી તો સાંજ સુધીમાં પરંપરાના પૂમડાના તારેતારમાં ભગતસાહેબે આધુનિકતાનું અત્તર ઢોળી ઢોળીને બધું તરબોળી દીધેલું! રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત બંને આત્મીય મિત્રો. એક મણિભવનના અને બીજા ચંદનભવનના વાસી. એક જ સમયમાં કવિતા કરે. પણ, બંનેની તાસીર અને કવિતસવીર જુદી. રાજેન્દ્રભાઈએ લયસંદર્ભે ન્હાનાલાલનો અને નિરંજનભાઈએ છંદના બરછટપણાસંદર્ભે બળવંતરાયનો, એમ વારસા વહેંચી લીધેલા! પણ, બંનેની આત્મીયતા જુઓ! 'ધ્વનિ' સંગ્રહના પ્રાગટ્યટાણે છપ્પનમાં, નિરંજન ભગતે રાજુભાઈની એકેએક કવિતા વિશે પરિશિષ્ટમાં સમજૂતી આપેલી! આજે આવું સજ્જતાપૂર્ણ આત્મીય સખ્ય તો દુર્લભ જ! રાજેન્દ્રભાઈની કેટલીક આધિભૌતિક અને ચમત્કારિક વાતો વિશે ભગતસાહેબને પૂછીએ તો મર્માળુ હસે અને કહે કે - એમની એ પ્રતીતિ હોઈ પણ શકે! આપણે ઘણું બધું નથી જાણતા હોતા!’ એક કવિસંમેલનમાં કોઈ કવિએ એકની એક પંક્તિ બે-ત્રણ વાર વાંચી. ભગતસાહેબ તાડુક્યા. ‘મૂળ પાઠમાં તમે એ પંક્તિ બે વાર લખી છે? ત્રણ વાર લખી છે?’ આખી ધરણી ધ્રુજાવતા હોય એમ તર્જની ધ્રુજાવીને પૂછેલું, 'બોલો! બે વાર લખી છે?’ બિચારા કવિ તો હરહરી ગયા. ભગતસાહેબ કહે કે- 'તો, એક જ વાર વાંચો !!’ કવિસંમેલનમાં કે મુશાયરામાં કવિઓ પોતાની રચના ગાય એની સામે પણ એમની સખત નારાજગી. ‘રાગડા તાણવાનું બંધ કરો!' એવું કહેતાં જરાય અચકાય નહીં. એમણે ચીંધેલી આ આચારસંહિતા આદિલ મન્સૂરીએ બરાબર જાળવેલી. આદિલસાહેબ કદીયે એક પંક્તિ બીજી વાર ન બોલે તે છતાં એમનો શબ્દ છેલ્લામાં છેલ્લા શ્રોતા સુધી પહોંચતો હતો. ગીતરચનાના ગાયન અંગેનો એમનો અણગમો જગજાહેર હતો. એમની ધાક એવી કે કોઈ કાચાપોચા સ્વરકાર તો એમની રચનાને અડકતાં પણ બે વાર વિચાર કરે! તેમ છતાં કેટલાક સાહસિક ગાયકસંગીતકારોએ એમની રચનાઓ પ્રેમપૂર્વક ગાયેલી અમર ભટ્ટે તો ભગતસાહેબની માત્ર ઉપસ્થિતિજ નહીં, સહભાગીદારીમાં નિરંજનાષ્ટક કરેલું. ભગતસાહેબ પઠન કરે અને એ જ રચનાનું અમરભાઈ ગાન કરે! અમર એક એવો વિરલો છે કે જેણે કદી કવિના શબ્દને દબાવા દીધો નથી, બલકે કવિના શબ્દને વધારે દેદિપ્યમાન અને લવચીક કર્યો છે. વિશ્વકોશમાં એ અદ્ભુત કાર્યક્રમ માણવાનો મોકો મળેલો. એમ તો સુપ્રસિદ્ધ નૃત્યાંગના સોનલ માનસિંહે 'હરિવર મુજને હરી ગયો’ પર પાટણમાં સુંદર ભરતનાટયમ્ પણ કર્યું હતું. કવિ હરિકૃષ્ણ પાઠક બધી રીતે પ્રશ્નોરા. એમને પણ રામનારાયણ પાઠકની જેમ પ્રશ્નો બહુ થાય. એક વાર એમણે ભગતસાહેબને પૂછ્યું કે - ‘બળવંતરાયે હરિ ઝીણાનાં કાવ્યોમાંથી અમુક ભાવ-ભાષા તો શું? આખેઆખી પંક્તિઓની ઉઠાંતરી કરી છે એ સાચી વાત?' અને, ભગતસાહેબ છંછેડાયા. કહો કે મૂળ મિજાજમાં આવી ગયા. બ.ક.ઠા. કઈ રીતે મોટા કવિ છે એ બધું ખૂણેખાંચરે જઈને અડવાકવિને ભણાવી દીધું! અને છેલ્લે ટબો લખવાની રીતે પૂછયું: 'આવું તમે શેના આધારે કહી શકો?’ પાઠકે મોઢા પર ભોળાદી મરકલું લાવીને સત્ય જાહેર કર્યું : 'આ હું નથી કહેતો. બીજા એક પ્રશ્નોરા, એટલે કે મુકુન્દરાય પારાશર્ય કહે છે અને એમની પાસે પૂરતા પુરાવા છે!’ ‘તો તમારા પારાશર્યને કહો કે જાહેરમાં લખે!’ પારાશર્ય પણ કાચી માટીના નહીં. એમણે યશવંત દોશીના ‘ગ્રંથ’‘માં બધું ફોડ પાડીને લખ્યું. પછી એમના વિવેચનગ્રંથમાં પણ આવ્યું. એકાએક ગુજરાતી સાહિત્ય-જગતનું ઉષ્ણતામાન વધી ગયું. ભગતસાહેબ ઉદ્રેકના માણસ ખરા, પ્રાસાનુપ્રાસના અને વાગ્મિતાના માણસ ખરા. પણ નીરક્ષીરનો વિવેક જાણે. એટલું જ નહીં, એમનો તર્ક પણ પાકો. થોડામાં ઘણું સમજી જાય એવી વિરલ પ્રતિભા પછીથી હરિકૃષ્ણને મળવાનું થયું ત્યારે માર્મિક રીતે હસતાં હસતાં કહે કે – ‘બલ્લુકાકા પણ માનવીય મર્યાદાઓથી મુક્ત તો નહીં જ. માણસ હતા ને? એટલે એમનું પણ થોડું એવું ખરું! માનસન્માનો પણ બહુ ગમતાં. એ માટે જરૂરી જણાય તો તજવીજ પણ કરતા. રાવ બહાદુર ને એવા બધા ઈલકાબો એમને બહુ ગમતા!’ આ પણ ભગતસાહેબ હતા! પોતાને ય સુધારવાની એક પણ તક જતી ન કરે! ભગતસાહેબના પાંચ મુરબ્બી મિત્રો. એમાં સ્વભાવે બલવન્તરાય એટલે ગ્રીક, હરિશ્ચંદ્ર ભટ્ટ એટલે ફ્રેન્ચ, ચુનીલાલ મડિયા એટલે અમેરિકન, ઉમાશંકર એટલે વૈશ્વિક અને બચુભાઈ રાવત એટલે અંગ્રેજ. પોતાનું મૂળ સત્ત્વ તો ખરું જ, પણ આ પાંચે ય મિત્રોએ જાણ્યેઅજાણ્યે નિરંજનને વિશ્વનાગરિકનું આભિજાત્ય આપેલું. સહુ જાણીએ છીએ કે ભગતસાહેબ બોલ્યા એટલું લખ્યું હોત તો ય એમનાં પુસ્તકોની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ હોત. એમને અદ્દલોદ્દલ લાગુ પડતો કોઈ શબ્દ હોય તો તે હતો વિવેક. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠને સાથે રાખીને એમણે દસ્તાવેજીકરણનું મોટું કાર્ય કરાવ્યું. શરૂઆતમાં પોતે દિશાદોર આપતા, પણ પછી શેઠસાહેબની સજ્જતા જોઈને છુટ્ટો દોર આપી દીધેલો. પરિણામે, આપણા પચાસેક જેટલા કવિઓના અવાજમાં આજે પણ વિશ્વકવિતાકેન્દ્રમાં કવિતાઓ સચવાઈ છે તે ભગતસાહેબ અને શેઠસાહેબને આભારી છે. ભગતસાહેબ સંસ્થાકારણ, ટોળાઅવાજ કે આંદોલનના માણસ નહોતા, પણ એમની પ્રતિબદ્ધતા સાચી હતી. એક વાર એમણે તમને વચન આપ્યું તો આપ્યું. પ્રાણાર્પણેય વળગી રહે તે ભગતસાહેબ! મોરારિબાપુ ઇચ્છતા હતા કે ‘અસ્મિતાપર્વ'માં ભગતસાહેબ આવે. રઘુવીરભાઈએ કહ્યું કે- 'એમને ચિત્રાંગદા' વિશે બોલવાનું કહો તો તરત આવશે!’ રઘુવીરભાઈનાં સાહિત્યિક તારણો સાચાં હોય છે. ભગતસાહેબ આવ્યા અને ‘ચિત્રાંગદા' વિશે વિસ્તારથી બોલ્યા. પછી, એ બધાં વક્તવ્યોનું અસ્મિતાપર્વ-વાક્ધારારૂપે સંપાદન-પ્રકાશન કરવાનું થયું ત્યારે એમણે મને વચન આપેલું કે, ‘હું લખી આપીશ.' પણ, એમની પાસે સમય નહોતો. મેં કહ્યું કે -'આપ બોલ્યા છો એના પરથી અમે ઉતારી લઈએ તો? એમણે ચોખ્ખી ના ભણી અને ઉમેર્યું : 'ભાઈ હર્ષદ! બોલી લીધા પછી પણ મારે કશુંક ઉમેરવાનું હોય એવું ન બને? તમે નહીં માનો, પણ ભગતસાહેબ અમારો, એટલે કે ‘અસ્મિતાપર્વ'ના પ્રકાશનનો સમય સાચવવા શારદા મુદ્રણાલયમાં આવીને બેસી જાય. એક બાજુ એ લખતા જાય, બીજી બાજુ એ લખાણ કમ્પોઝ થતું આવે અને ત્રીજી બાજુ પ્રૂફ્સ વંચાતાં હોય! વચ્ચે વચ્ચે આશ્વાસન આપતા જાયઃ 'હર્ષદ! ચિંતા ન કરશો. આજે પૂરું કર્યા વિના ઊઠવાનો નથી!’ આનાથી વધારે તમે કઈ વિદ્યાપ્રીતિની અપેક્ષા રાખી શકો? અમે બૃહસ્પતિમિત્રોએ એક વાર એવું નક્કી કર્યું કે કોઈ એક સર્જક સાથે આખો દિવસ પ્રાકૃતિક વાતાવરણમાં ગાળવો. ભગતસાહેબને વિનવણી કરી તો તરત જ સંમત થઈ ગયા. બસમાં બેસીને પણ આવ્યા! રાજભવન પાસેની ગલીમાં અંદર ઊંડે આયુર્વેદઉદ્યાનમાં અમે વીસેક મિત્રો સાંજ સુધી એમની સાથે રહેલાં. એ દિવસે એમણે રવીન્દ્રનાથ વિશે અને મુખ્યત્વે તો ‘ગોરા” વિશે જ વાત કરી હતી. રવીન્દ્રનાથના રાષ્ટ્રવાદ વિશે અને સમાજરચના અંગે, હિંદુ સંસ્કૃતિ તથા ગોરાના લોહીના સંસ્કાર અંગે વિગતે બોલ્યા હતા. એમના અંગત જીવન વિશેના અમારા પ્રશ્નોના પણ બહુ જ નિખાલસ બનીને સહૃદયતાથી ઉત્તરો આપ્યા હતા. આજે વિચારતાં એમ લાગે છે કે ભગતસાહેબનું એ રૂપ અલગ હતું. જાણે કે કુટુંબમેળામાં વડીલ ન આવ્યા હોય! એવું એકદમ આત્મીય અને હુંફાળું! એ દિવસે એ એક પણ વખત ગુસ્સે થયા નહોતા એ બૃહસ્પતિમિત્રો માટેનું પણ સુખદ સંભારણું.... મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે એમનું સન્માન થયું ત્યારે પ્રતિભાવરૂપે ભગતસાહેબ જે બોલ્યા હતા એ સ્મૃતિને આધારે ન લખી શકાય. કેમકે એમણે એકેએક શબ્દ જોખીજોખીને લખ્યો હતો. પરિષદની છેલ્લી બેઠકમાં ચર્ચા જ્યારે ટોચ પર ગઈ. તેઓ સ્વાર્થપરક દંભને જીરવી ન શક્યા અને એમને સ્ટ્રોક આવ્યો તે ક્ષણ સુધીની એમની માન્યતા અને પ્રતિબદ્ધતા એમાં પડ્યાં છે એટલે અક્ષરશઃ જ ઉતારવું ઠીક રહેશે. તો એમણે શું કહ્યું હતું પ્રતિભાવમાં? ‘જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનો આ સન્માન અર્પણ કરવાના એમના નિર્ણય અંગેનો પત્ર મળ્યો ત્યારે અન્ય સંદર્ભમાં આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ? એવો પ્રશ્ન થયો હતો. સૌ સાચા લોકશાહી સમાજમાં હોય છે તેમ સાહિત્ય અકાદમી જેવી સંસ્થા રાજ્યના માહિતીખાતાનો એક વિભાગ હોય એવી પરાધીન નહિ પણ સ્વાધીન, સ્વાયત્ત હોવી જોઈએ એવો આ અકાદમીના આરંભથી જ આ બોલનારનો આગ્રહ હતો. અકાદમીના સભ્યો એનાથી અજાણ નહીં હોય એથી પૂર્વોક્ત પત્રમાં આ અકાદમી હવે સ્વાયત્ત છે એવો અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હતો. એમાં પ્રમુખશ્રીએ લખ્યું હતું. 'ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત થયા પછી આ પહેલું સન્માન છે તે તમે સ્વીકારશો એવી અંગત વિનંતી.’ એટલે સંપૂર્ણ વિગતો માટે અકાદમીનું બંધારણ વાંચ્યું અને અકાદમીની સ્વાયત્તતાની પ્રતીતિ થયા પછી આ સન્માનનો સ્વીકાર કરવો જોઈએ એવો નિર્ણય કર્યો. અને અકાદમીને સ્વીકારપત્રમાં જાણે કે વાક્યોની નીચે લાલ લીટી સાથે લખ્યું. ‘ગુજરાત સાહિત્ય અકાદમી જેવી એક સ્વાયત્ત સંસ્થાએ આ નિર્ણય કર્યો છે એનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું છું. આ સંસ્થાના પ્રમુખ -ગુજરાતના એક મોટા ગજાના સર્જક – ને વરદ્ હસ્તે આ સન્માન અર્પણ થશે એનું નમ્રતાપૂર્વક ગૌરવ કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સધ્ધર થાય અને એના સદ્દવિચાર અને આચાર દ્વારા ગુજરાતની સાહિત્ય પ્રત્યેની સંવેદના સમૃદ્ધ થાય અને અંતે આ સન્માન સાર્થક થાય એવી આ સ્વીકારની ક્ષણે હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.’ આજે અહીં આ ઔપચારિક વિધિની ક્ષણે એ પ્રાર્થનાનું પુનરુચ્ચારણ કરું છું.' ('સ્વાધ્યાયલોક', ગ્રંથ : ૮, પૃ. ૧૨૮-૨૯.) આ હતા નિરંજન ભગત, જેમણે ઇન્દિરા ગાંધી સાથે વાત કરતા ઉમાશંકરનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો એ નિરંજન ભગત!’ હમણાં થોડા સમય પહેલાં, એટલે કે એ હૉસ્પિટલમાં ગયા એ પૂર્વે મેં એમને ફોન કરીને પૂછ્યું : ‘ભગતસાહેબ! તમને નિરાંતે મળવા આવવું છે. હું અને કિરીટ આવીએ? કામ કશું જ નથી. માત્ર ને માત્ર તમારી સાથે વાતો કરવી છે. જો તમને સમય હોય તો અને ત્યારે…’ 'હર્ષદ! ગમે ત્યારે આવો! અગાઉથી જણાવજો. હવેનો બધો સમય તમારા જેવા મિત્રો માટે જ છે! હું ફ્રી જ છું! આવો, જરૂર આવો! એમને ત્યાં મળવા જવાનું તો ન થઈ શક્યું. પણ, બેઠેલા ભગતસાહેબ, ચર્ચા કરતા ભગતસાહેબને બદલે, પરિષદભવનમાં ગોવર્ધનરામની સાક્ષીએ ચત્તાપાટ સૂતેલા ભગતસાહેબનાં અંતિમદર્શને જવાનું થયું એ અમારા જેવાઓને માટે દુર્ભાગ્ય! ભલું થજો એ સાપ્તાહિક યજમાનશ્રેષ્ઠિઓનું કે જેમણે પોતાની બબ્બે પેઢીઓનું સમર્પણ કરીને ભગતસાહેબને એમના અખંડ વ્યક્તિત્વ સાથે ગૌરવભેર જાળવી લીધા. કદાચ સાહિત્યકારોના નસીબમાં એ પુણ્ય નહોતું! અન્યથા, પોતાને મત આપીને ચૂંટનારા ગુજરાતી સાહિત્ય પરિષદના મતદારોને છેહ દઈને, ફક્ત અને ફક્ત નિજીસ્વાર્થ માટે મધ્યસ્થ સમિતિમાંથી રાજીનામું આપવાનું કોઈ વિચારી શકે ખરું? હમણાં જ જાણ્યું કે શૈલેશ પારેખાદિ મિત્રોએ બાણું વર્ષે ગયેલા ભગતસાહેબની સ્મૃતિ કાયમ રહે એ માટે પ્રવૃત્તિઓ કરવા અંકે રૂપિયા બાણું લાખ એકઠા કર્યાં છે. (સાંભળો છો વિનોદભાઈ?) સાથે જ ભગતસાહેબ સારસ્વતક્ષેત્રે બાણું લાખ માળવાના ધણી હતા! એમણે પ્રારંભે તો અંગ્રેજીમાં અને પછીથી બંગાળીમાં કવિતા લખેલી. પણ, પછી ‘ક્યાંક વાંચ્યું કે પરભાષામાં કવિતા ન કરવી, અશક્યવત્ છે.’ એ પછી ‘૧૯૪૩માં એક દિવસ વર્ગમાં સહાધ્યાયિની સુધા લાખિયાએ એના સુમધુર કંઠે કેશવનું ‘મારી નાડ તમારે હાથ’ ગાયું એની અદ્ભુત અસરનો અનુભવ થયો પછી ગુજરાતીમાં કવિતા રચવાનું સૂઝ્યું હતું.' કહેવાની જરૂર નથી કે એ ચાર શબ્દો અને એ સ્વર ભગતસાહેબ જીવનપર્યંત ભૂલ્યા નહોતા! નિરંજન ભગત પરણ્યા નહોતા પણ ઘણાની જાનમાં ગયા હતા અને એમને પ્રેમનો - ઉત્તમ અને ઉમદા એવા સઘન પ્રેમનો અનુભવ સદૈવ હતો. આગ અને રાગ બંનેને એ જાણતા હતા. ધીરે ધીરે કરતાં એમનો પ્રેમ વ્યક્તિથી સમષ્ટિ સુધી વિસ્તર્યો હતો. આગ તો છેવટ સુધી બુઝાઈ નહોતી. રાગ પણ ઓછો થયો નહોતો, પરંતુ એનું સ્વરૂપ બદલાયું હતું. દ્વેષ તો એમનાથી જોજનો દૂર ચાલ્યો ગયો હતો. ફરી વાર એના એ શબ્દો વાપરીને કહું તો ધીરે ધીરે કરતાં એ ઋષિતુલ્ય થઈ ગયા હતા. આખું જીવન જેણે સૂક્ષ્મતર અર્થમાં પિતાની શોધ કરી હતી. એમ કરતાં કરતાં એ માણસનું સમગ્ર અસ્તિત્વ જ પિતાતુલ્ય થઈ ગયું હતું! જતાં જતાં પણ, સ્વાતંત્ર્યનો, મુક્તિનો, સ્વાયત્તતાનો બીજમંત્ર આપીને ગયા!