સરોવરના સગડ/યશવંત શુક્લ: આચાર્યકુળનું ઉન્નતશૃંગ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 01:31, 7 May 2024


Center

‘યશવંત શુક્લ : આચાર્યકુળનું ઉન્નતશૃંગ!

(જ. તા ૮-૪-૧૯૧૫, અવસાન તા. ૨૩-૧૦-૧૯૯૯)

સામાન્ય રીતે આર-ઈસ્ત્રીવાળું ખાદીનું સફેદ પેન્ટ અને શર્ટ. શિયાળામાં બંધ ગળાનો કોટ, ઘરમાં ખાદીનો ઝભ્ભો લેંઘો. લેંઘો પણ નીચેથી એકદમ પહોળો. ક્યાંક વ્યાખ્યાન આપવા જવાનું હોય ત્યારે બાફટા સિલ્કનું ક્રિમ કલરનું શર્ટ પહેરે. દોરીની કડાકૂટ વિનાના, પગ નાંખીને તરત ચાલી શકાય એવા બાટાના કાળા બૂટ. પેન્ટમાં ભળી જાય એવાં આછા રંગનાં મોજાં. ખિસ્સામાં શેફર પેન અને ઘડી વાળેલો એકાદ કોરો કાગળ. ખાદી ભંડારમાં મોટામાં મોટી સાઈઝનો જે મળતો હોય એવો હાથરૂમાલ. બેઠી દડી અને ભારે દેહ. વચ્ચે સેંથાવાળું પાટી ઢાળીને ઓળેલું માથું, આંખો ઉપર, દસ-બાર નંબરના જાડા કાચનું વજન ઊંચકી શકે એવી જાડી કાળી ફ્રેમનાં ચશ્માં. એમને દૂબળું કશું જ ન ચાલે. ગુજરાતના આ વિદ્યાપુરુષને ક્યારેય કોઈની નજર ન લાગે એટલા માટે કુદરતે ડાબા ગાલે કાળા મસનું કાયમી નજરિયું આંકેલું. વાંચવાનાં ચશ્માંનું ઘરું તો હાથમાં હોય જ. ઊભા ઊભા ચર્ચા કરતા હોય ત્યારે, વાતનો નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી; બંને હાથમાં ઘરું આમથી તેમ ફેરવ્યા કરે. ચાલે ત્યારે, સ્વયં શાસન ચાલતું હોય એમ મક્કમ ડગલાં ભરે. બોલે ત્યારે સર્વને સમાન રીતે શબ્દેશબ્દ બરાબર સંભળાય એવા શુદ્ધ ઉચ્ચાર સાથેની રણકતી વાણી પ્રસરે. પ્રત્યેક વાક્યનાં તર્કબદ્ધ ચોસલાં. એમ લાગે કે છપાયેલું જ બોલે છે. જાહેરમાં ક્યારેય એકલા ન હોય. કોઈ ને કોઈ નાનીમોટી હસ્તી એમની આજુબાજુ હોય જ. બનતાં સુધી તો ચિનુભાઈ નાયક જ હોય. કોઈ નહીં તો છેવટે એચ.કે. કોલેજના મુખ્યસેવક મનસુખભાઈ તો હોય હોય ને હોય જ. હા, હું આચાર્ય શ્રી યશવંત શુક્લની વાત કરું છું. એક દિવસ સવારે સાત વાગ્યે એમનો ફોન આવ્યો : ‘હર્ષદભાઈ! તમારી યોગ્યતા પુરવાર કરવાનો વખત આવ્યો છે!’ ‘બોલો સાહેબ! શી સેવા કરવાની છે?’ ‘મારી ડાયરીમાં આજની તારીખના ખાનામાં ગાંધીનગર એટલું લખ્યું છે. તમે એ શોધી કાઢો કે મારે દસ વાગ્યે કઈ જગ્યાએ બોલવા જવાનું છે?’ ‘તપાસ કરીને કહું….તમને આમંત્રણ આપનાર વ્યક્તિનું નામ યાદ છે?’ ‘હર્ષદભાઈ! જો એમ જ હોય, તો તમારી શી જરૂર?’ ‘કહું! થોડી વાર રાહ જુઓ....' હું ગાંધીનગરની જેટલી સંસ્થાઓને અને જેટલા અગ્રણીઓને જાણતો હતો એ બધાના ઓટલા, ફોનપગે ઘૂમી વળ્યો. ક્યાંયથી ભાળ ન મળે ને ઘડિયાળ તો ચાલ્યા જ કરે! સંપર્કમાં હોય તે સહુ મિત્રોને ય પૂછી લીધું પણ મારે લમણે નરી નિષ્ફળતા જ લખાઈ હશે તે ઠેકાણું ક્યાંથી જડે? કંટાળીને ફોન મૂક્યો કે તરત જ રીંગ વાગી. ‘હર્ષદભાઈ! હવે ન શોધશો! સદ્ભાગ્યે આમંત્રણ આપનારા ભૂલી ગયા નહોતા. મને લેવા માટે એક ભાઈ આવી ગયા છે!’ એમ કહીને એ ભાઈનું નામ આપ્યું. મને આશ્ચર્ય થયું. આઠ-દસ જણના સાવ સામાન્ય અને નાના એવા વર્તુળમાં બોલવાની યશવંતભાઈ હા પાડી બેઠા હતા! યશવંત શુક્લ આવું પણ કરે! થોડીક અતિશયોક્તિ કરીને કહેવું હોય તો સુખેથી એમ કહી શકાય કે - યશવંતભાઈ જિંદગીમાં જેટલું બોલ્યા તે બધું જ ગ્રંથસ્થ થયું હોત તો ગ્રંથાલયમાં એમના નામનું અલગ ખાનું થઈ શકે એટલાં પુસ્તકો એમના નામે બોલતાં હોત! એમના વક્તવ્યમાં એટલા બધા સંદર્ભો આવે કે આપણને પ્રશ્ન થાય કે આ બધું એ ક્યારે વાંચી વળતા હશે? અમુક સ્થળનામ સાથે વ્યક્તિનામ આપોઆપ જોડાઈ જતાં હોય છે. જેમકે વિદ્યાપીઠ અને ગાંધીજી, શાંતિનિકેતન અને રવીન્દ્રનાથ, ‘સંસ્કૃતિ' અને ઉમાશંકર, બચુભાઈ અને 'કુમાર', ધીરુભાઈ ઠાકર અને વિશ્વકોશ વગેરે. એ જ રીતે યશવંતભાઈ અને એચ.કે.! પહેલાં આ કોલેજનું નામ રામાનંદ કોલેજ હતું અને યશવંતભાઈ પછી પણ ઘણા આચાર્યો આવ્યા ને ગયા. પણ એચ.કે. અને યશવંતભાઈને તમે અલગ પાડીને ન જોઈ શકો. આજે જે બંગલામાં કુણાલ રેસ્ટોરન્ટ છે એ ખરેખર તો આચાર્યનિવાસ હતો ને યશવંતભાઈ એમાં રહેતા હતા. એક સમયે આશ્રમ રોડ પર ઘોડાગાડીઓ પણ ફરતી. એ પછીના સમયમાં આશ્રમ રોડ એચ.કે. ઉપરાંત થિયેટરોથી ઓળખાતો. લિબર્ટીના ખાંચામાં, સદ્મ સોસાયટીવાળા નિવાસે તો એ પછીથી રહેવા ગયેલા. યશવંતભાઈ પહેલેથી જ પ્રગલ્ભપુરુષ ખાનગીમાં જયન્ત પંડ્યા અને જાહેરમાં રઘુવીરભાઈ સિવાય કોઈ એમની સાથે છૂટછાટ ન લઈ શકે. કોઈની પણ પ્રતિભાનો મહિમા કરવાનું તેઓ સુપેરે જાણતા હતા. દૂઝણાંની પાટુ ખાઈનેય હસતાં રહેવાનાં ધૈર્ય અને સમજ એમનામાં હતાં. સાહિત્ય, શિક્ષણ અને સમાજની કોઈક જ એવી સંસ્થા હશે કે જેની સાથે યશવંતભાઈ કોઈ ને કોઈ રીતે જોડાયેલા ન હોય! મને તો એમની કોલેજમાં ભણવાનો અવસર નહોતો મળ્યો, પણ એ આચાર્ય હતા; ત્યારની એચ.કે. વિશે અનેક રસપ્રદ વાતો સાંભળી છે. યશવંતભાઈ જેટલા શિસ્તના આગ્રહી એટલા જ સંવેદનશીલ. તેજસ્વી અધ્યાપક કે વિદ્યાર્થીને ઓળખવામાં મોડા ન પડે. ગ્રંથાલયને સમૃદ્ધ કરવાની એક પણ તક ન છોડે. એમની કોલેજ એટલે આધુનિક તપોવન. ગુજરાતી સાહિત્ય પરિષદનું સ્વતંત્ર ભવન તો પછી થયું, પણ વર્ષો સુધી એચ.કે.ના ખૂણાના એક મોટા રૂમમાં પરિષદનું કાર્યાલય ચાલતું. રતિલાલ બોરીસાગરને પોતાના પુસ્તક ‘મરક મરક’નું મથાળું જેમનો ચહેરો જોઈને મળ્યું હોવાનું માનવાનું મન થાય એવા જિતેન્દ્ર દવે, ફી ભરો તો પરિષદના સભ્યપદની પહોંચ આપે ને પટાવાળાથી માંડીને કાર્યાલયમંત્રી સુધીનું કામ કરે. એ પછી, એ જ રૂમમાં ગુજરાતી સાહિત્યકોશ કાર્યાલયમાં મારે પણ બેસવાનું થયું. એમ લાગે છે કે એ ઉત્તમ સમય હતો. બાજુમાં જ યશવંતભાઈનો રૂમ, તે જતા-આવતા મહાનુભાવોને નિરખવાની પણ તક મળે. લાભશંકર ઠાકર પાસેથી મને અને કૌશિક બ્રહ્મભટ્ટને જાણવા મળ્યું કે એચ.કે.ના હેડપ્યૂન મનસુખભાઈ, યશવંતભાઈની આબાદ મિમિક્રી કરે છે. અમે ચા-પાણીથી શરૂ કરીને એમની સાથે મિત્રતા બાંધી. યશવંતભાઈ વિશે આમતેમ પૃચ્છા કરી તો કહે કે - ‘મારા સાહેબ કદી ખોટું ન ચલાવે અને ચલાવવા જેવું હોય તો પોતાની જાણ બહાર ન હોવું જોઈએ એવો આગ્રહ સેવે!’ પછી તો મનસુખભાઈ અમારી આગળ મુક્તમને એમની મિમિક્રી કરતા. એ માણસ ચોવીસે કલાક યશવંતભાઈના ઓતારમાં જીવતો. કયા સંજોગમાં યશવંતભાઈ શું બોલે એની એને બરાબર ખબર. અંદર જનાર વિદ્યાર્થી કે અધ્યાપકના પ્રશ્નનો યોગ્ય ઉત્તર બહારથી જ મનસુખભાઈ આપી દે. પછી ઉમેરે કે ‘સાહેબને આનાથી જુદું કહેવાનું લગભગ પ્રાપ્ત નહીં થાય! અમે મજાકમાં કહેતા કે મનસુખભાઈ તમે તો, કોઈ વાર સાહેબને સમય ન હોય તો, એમને બદલે ભાષણ પણ કરી આવો એટલા તૈયાર થઈ ગયા છો! એમણે યશવંતીય અંદાજમાં તરત જ સુધાર્યું : 'તૈયાર થઈ ગયા છો એમ ન કહેવાય. તમે સજ્જતા કેળવી લીધી છે એમ કહેવાય ! વધારે ચોકસાઈથી કહેવું હોય તો સજ્જતા કેળવવા તરફની તમારી પ્રામાણિક ગતિ છે એમ કહેવામાં કોઈ હરકત જણાતી નથી. બલકે એ જ ઉચિત ગણાય!!!’ એક વખત જયંતભાઈ કોઠારીએ, કોશકાર્ય માટે એચ.કે.ના ગ્રંથાલયના ઉપયોગ કરવા બાબતે એક કાગળ આપવા મને મોકલ્યો. યશવંતભાઈએ વાંચવાનાં ચશ્માં ચડાવ્યાં. વાંચીને મને કહે કે – ‘જયંતભાઈને કહેજો કે આ ગ્રંથાલય તમારું જ છે. ખુશીથી વાપરી શકશો.' પછી ઉમેર્યું : 'એમને પાછો સત્તાવાર પત્ર જોઈશે. ખરુંને? કહેજો કે એ પણ મોકલાવું છું!' બહાર નીકળતી વખતે સામેના કબાટોમાં પડેલાં પુસ્તકો જોવા હું ઘડીભર રોકાઈ ગયો. એમણે મને ઊભેલો જોયો ને એ ચુપચાપ મારી પાછળ આવી ઊભા! મને પીઠ દ્વારા એમના હોવાનો અહેસાસ થયો તો શરીરમાં લોહી એકદમ દોડવા લાગ્યું. હું જાણે ખુલાસો આપતો હોઉં એમ બોલ્યો: ‘અમસ્થો જ જરા નજર કરું છું!' એમણે જોયું કે હું 'કાલેલકર ગ્રંથાવલિ' જોઈ રહ્યો છું. બાજુમાં એના ઘણા બધા સેટ્સ બાંધેલા પડ્યા હતા. યશવંતભાઈએ બહુ જ આત્મીયતાથી પૂછ્યું: 'તમારે જોઈતો હોય તો લઈ શકો છો...ખપ લાગશે!’ કોઈને કશુંક આપતી વખતે શીલવંત સાધુનો ચહેરો કેવો હોય એ મેં પહેલી વાર અનુભવ્યું! એક સમયે સભાઓ અને સરઘસોનું ચલણ અને મૂલ્ય હતું. યશવંતભાઈ વિનાની સભાને પણ જ્ઞાનીપુરુષો સભા નહોતા કહેતા! તમામ હકારાત્મક અર્થમાં યશવંતભાઈ સભાની શોભા અને પ્રૌઢિ હતા ને સરઘસના મોવડી પણ. યશવંતભાઈ અંતિમવાદી ન હોવાને કારણે, સામસામે આવી ગયેલા બંને પક્ષને એમ લાગે કે અમારું સમાધાન એમની પાસે છે. છેલ્લે મીઠાખળીની મ્યૂનિસિપલશાળાને બચાવવા તેઓ મેદાને પડેલા. વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો સિવાય, રૂપિયાપૈસા જેવી અંગત મૂડી તો ખાસ એમની પાસે હતી નહીં. પણ, જાહેરજીવનમાં કશું પણ બચાવવાનું હોય તો એમની અગ્રેસરતા કારગત નીવડતી. પહેલેથી જ એમના મોવડીપણા સામે કોઈ પડકાર હતો નહીં. ગુજરાતના ખૂણે ખૂણે, નાનાપ્રકારની અગવડો સ્વીકારીને ય નાની નાની કોલેજો અને સંસ્થાઓમાં તેઓ ભાષણ કરવા જતા. વિચાર અને વાણી, બધું જ જાણે કે પૂર્વજન્મના પુણ્યની કમાઈ રૂપે લઈને આવેલા. તમે સંમત થાવ ન થાવ એ જુદી વાત, પણ એમના વિચારમાં કોઈ અસ્પષ્ટતા જોવા ન મળે. અમુક વાતની એમને ખબર નથી એવી એમને ખબર રહેતી, તો અમુક કિસ્સાઓની એમને ખબર છે એવું પોતાને પણ જણાવા ન દેતા! જાગ્રતિ તો એમની જ. અડધી રાતે ઊંઘમાંથી જગાડીને એમને કોઈ પ્રશ્ન પૂછો તો પણ સમ્યક્ ઉત્તર મળી રહે. રેમઠની જુવાનીમાં આદિલસાહેબ વગેરે મિત્રો દેશની ટેલિફોનિકસેવાઓની ક્ષમતા ચકાસવા, રાત્રે અઢી- ત્રણ વાગ્યે, ખરેખર એમને ઊંઘમાંથી જગાડતા અને - અમુક ગામ જવાની બસ કેટલા વાગ્યે મળશે? જેવા અટપટા પ્રશ્નો પૂછતા ત્યારે પણ તેમણે આચાર્યપદને લાંછન ન લાગે એવી સતર્કતા દાખવી હતી. ગમે તેવા ટોળાની સામે પણ જઈને ઊભાં રહેવાની એમની ત્રેવડ જાણીતી છે. એમ લાગે કે કોઈ પણ વાતનો એમને ભય નહોતો અથવા, એક વાર એમણે મંચ ઉપર બળવંતરાય ઠાકોરનો પાઠ ભજવેલો એ ન્યાયે હમેશાં અભય બની રહેવાની કોશિશ કરતા. એમનું બાહ્યવ્યક્તિત્વ પણ એવું કે કોઈ એમની નોંધ લીધા વિના આગળ ન જઈ શકે. જોયું નથી પણ સાંભળ્યું છે, કે યશવંતભાઈ એકાંતમાં સિગારેટ પીતા હતા. વારુ! કેવી હશે એમની અદા? જો કે જયન્ત પંડ્યાને મેં સિગારેટ પીતા જોયા છે એને આધારે કલ્પના કરું છું કે એ અદાની પ્રથમ આવૃત્તિ યશવંતભાઈએ જ બહાર પાડી હોવી જોઈએ! સિગારેટ તો ચિમનભાઈ પણ પીતા, પરંતુ એમની પાસે મોહક અદા નહોતી. આંગળી દાઝવા સુધીની રાડ પાડે ત્યારે ચિમનભાઈ સિગારેટને ઠૂંઠું બનવાની મોકળાશ આપે! સાહિત્ય, ઇતિહાસ, પત્રકારત્વ, રાજકારણ, અર્થકારણ અને સામાજિક વલણો મુજબ 'સમયનાં વહેણ'ને યશવંતભાઈ સમજતા અને સમજાવતા રહેતા. ‘સહરાની ભવ્યતા'માં પૃ. ૧૩૪-૩૫ ઉપર રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે - ‘યશવંતભાઈ કહે છે : 'હાર્યા વિના સત્ય અને સ્વાતંત્ર્યનાં મૂલ્યો માટે મથી રહેવું, છિન્નતાની વચ્ચે પણ જીવનનો જયધ્વજ રોપવો એ કવિકર્મ વિશેની મારી અપેક્ષા છે.' દૃષ્ટાંતો જૂનાં પડે એની બીક રાખ્યા વિના એ ગોવર્ધનરામ અને રવીન્દ્રનાથને યાદ કરીને કહે છે કે છિન્ન અને હતાશ થવાય એવી પરિસ્થિતિમાં એમણે કવિધર્મ ચરિતાર્થ કર્યો હતો.' યશવંતભાઈનો વિશેષ એ કે રસિકલાલ પરીખ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી, એસ.આર.ભટ્ટ, ઇન્દુલાલ યાશિક, જયંતિ દલાલ, પુરુષોત્તમ માવળંકર અને નગીનદાસ પારેખ જેવા દિગ્ગજોની સાથે શ્વસવા છતાં એમણે ક્યારેય પોતાપણું છોડ્યું નહોતું. બલકે મોટા માણસોની વચ્ચે રહીને પણ મોટા થવાનું એમને આવડતું હતું. માઉન્ટ આબુ ખાતેની શરૂઆતની વાચનશિબિરોમાં, એ રઘુવીરભાઈના આગ્રહને કારણે આવતા અને સાધનાભવનના છેક ઉપરના માળે ગેસ્ટહાઉસમાં રહેતા. બધા દિવસ, બધી બેઠકોમાં, બધી રીતે હાજર રહેતા. એમના વક્તવ્યનો અને એમની સાથે સીધા સંવાદનો અમને વિદ્યાર્થીઓને લાભ મળતો. બપોરની સભામાં કિશોર જાદવની કૃતિ 'રિક્તરાગ' વિશે વાત કર્યા પછી પણ, સાંજની સભામાં એમણે, અંતરની આરતસમું ઉમાશંકરનું ગીત 'સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી’ ગાયેલું. પછી તો અમે એમને છોડીએ જ નહીં. સહેજ માથું ડોલાવતાં ડોલાવતાં કરકરા છતાં આર્દ્ર અવાજે ને એવા જ ભાવે એ આ ગીત ગાતા. પરિષદના અધિવેશન કે જ્ઞાનસત્રમાં જવા માટેની બસમાં અનેકવાર હીરાબહેન પાઠકની સાક્ષીએ આ ગીત સાંભળ્યું છે, હજીયે એનો રણકો કાનમાં ગૂંજે છે. યશવંતભાઈને કોઈ તુંકારે બોલાવે એવી વાત માન્યામાં ન આવે. હીરાબહેન પાઠક ઉષ્માપૂર્ણ રીતે તુંકાર કરતાં. હીરાબહેન એમને ભાઈ યશવંત! જયંત કોઠારીને ભાઈ જયંત! અને ચિમનલાલ ત્રિવેદીને ભાઈ ચિમન! કહીને બોલાવતાં. રા.વિ.પાઠક બૃહદ્ અર્થમાં પણ વિદ્વાનોના ગુરુ હતા. તેથી, ગુરુપત્ની તરીકે એમનો એ વિશેષાધિકાર હતો ને હીરાબહેન સહજભાવે, ઉમળકાથી એ અધિકાર ભોગવતાં! રામનારાયણ પાઠકનાં સમગ્ર સાહિત્યના પ્રકાશનવેળાએ આ ચારેય વચ્ચેની આત્મીયમૈત્રી જોવા-અનુભવવાનો લહાવો મળ્યો છે. હીરાબહેનના અમુક આગ્રહો એવા કે વાત કરતી વખતે કપાળના ચાંદલાની રતૂમડી ઝાંય આખા ચહેરા પર છવાઈ જાય. ચિમનભાઈ અને જયંતભાઈ શાસ્ત્રીય શિસ્તના માણસ અને હીરાબહેન ભાવનાને વધુ મહત્ત્વ આપે. યશવંતભાઈ એવો ઉકેલ કાઢે કે શિસ્તને આંચ ન આવે અને ભાવનાનું નવું શાસ્ત્ર રચાય. એક દાખલો છે એમની નિર્ભીકતા અને તિર્યક્તાનો. ખુદ યશવંતભાઈએ જ આબુમાં કહેલો. કિરીટ દુધાત પણ એની સાક્ષી પૂરશે. ઉમાશંકર જોશીની નવલકથા ‘પારકાં જણ્યાં'નું અવલોકન કરતાં યશવંતભાઈએ કોથળા જેવી કહેવાને બદલે, એમ કહેલું કે આ એક શ્લથ નવલકથા છે. ઉમાશંકરની સ્મૃતિ ઘણી સારી. અમુક વખત પછી યશવંતભાઈ એમને ઘેર ગયા તો આપણા સંસ્કૃતિપુરુષે એ નવલકથાની નવી આવૃત્તિની નકલ આપતાં કહ્યું કે - ‘લો! આ ‘શ્લથ' નવલકથાની ત્રીજી આવૃત્તિ!’ ઉમાશંકર સાંભળતા જ રહી ગયા ને યશવંતભાઈ ઉવાચઃ 'એ કર્તવ્ય માટે આપણે વિવિધ અભ્યાસક્રમસમિતિઓના ઋણી રહીશું!’ એક સમય હતો : 'નિરીક્ષક'ના તંત્રીમંડળમાં ઉમાશંકર જોશી, પુરુષોનમ માવળંકર અને ઈશ્વર પેટલીકર સાથે યશવંત શુક્લ પણ હતા. પ્ર.ન.શા. બધું સંભાળતા. જો કે ત્યારના ‘નિરીક્ષક'માં અત્યારને મુકાબલે. પ્રાવીણ્ય ઓછું અને પ્રામાણ્ય વધુ વળી, નિરીક્ષાનો પ્રકાર પણ જુદો. ચારેય તંત્રીઓ અનુકૂળતા મુજબ, પ્રકાશ પાથરતા અગ્રલેખો લખતા. દરેકની જોવાની રીત અને શૈલી અલગ છતાં 'નિરીક્ષક'ના ધ્યેયમાં ફરક ન પડતો. અમાં વ્યક્ત થયેલા વિચારોના પડઘાનો વ્યાપ, નવરંગપુરા પોસ્ટ ઑફિસથી આગળ વધીને; રાજ્યની અને દેશની રાજધાની સુધીનો હતો. ‘કટોકટી’ના સમયે, આમાંની કોઈ વ્યક્તિએ – બારેય રાશિ કા ભલા ભાંખવાની ભૂલ નહોતી કરી કે નહોતા રાખ્યા કોઈ સોફ્ટ કોર્નર! ઇન્દિરા ગાંધીની સંસદમાંની બહુમતીનો લોકશાહીઢબે મહિમા કરવાને બદલે, યુગકર્તવ્ય જાણીને સ્વાતંત્ર્યને, માનવમૂલ્યોને અને લોકશાહીના મૂળ સિદ્ધાંતોને જ મહત્ત્વ આપવાની, ઘણું જોખમ ખેડીને હિંમત બતાવી હતી. યશવંતભાઈ એ નિરીક્ષકમાળનો મોટ્ટો અને મહત્ત્વનો મણકો હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ સદ્ભાગ્ય ગણાય કે, યશવંત શુક્લ જેવા કેળવણીકાર-સાહિત્યકાર એના કુલપતિ હોય! યશવંતભાઈ અમદાવાદનું સામ્રાજ્ય મૂકીને રાજકોટ ગયા હતા. પણ, સ્થાનિક આરણકારણને લીધે એ ત્યાં ન ગોઠવાઈ શક્યા અને સૌરાષ્ટ્ર એમને સાચવીયે ન શકયું. એક જ વર્ષના ટૂંકા ગાળામાં યશવંતભાઈ રાજીનામું મૂકીને અમદાવાદ પરત થયા. ‘કાઠિયાવાડમાં કો'ક દિ' ભૂલો પડ્ય ભગવાન, તારાં એવાં કરું સન્માન કે તને સ્વર્ગેય ભુલાવું શામળા!'વાળો દોહો યશવંતભાઈના કિસ્સામાં રાજકોટે ધરાર ખોટો પાડી બતાવ્યો! સદૈવ સ્વસ્થતા એ યશવંતભાઈનો ગુણ. એક વાર એ અને ચિનુભાઈ નાયક કોઈ કામે જઈ રહ્યા હતા. યશવંતભાઈએ લિફટનો દરવાજો ખોલ્યો તો અંદર લિા ન્હોતી છતાં, યશવંતભાઈના પ્રભાવે કરીને નહીં; પણ યાંત્રિક ખામીને કારણે ખૂલી ગયો! યશવંતભાઈને ખ્યાલ ન રહ્યો ને એ અંદર જઈ પડ્યા! પડતાં પડતાં જ બોલ્યા : ‘ચિનુભાઈ! તમે ન આવશો!' આ એમની પ્રત્યુત્પન્નમતિ! પોતે સાવ નીચે પડે એ પહેલાં એમના હાથમાં એક ઓઈલથી ખરડાયેલું ચીકણું દોરડું આવી ગયું. એને પકડીને પોતે લટકી રહ્યા. જો ઉપરથી લિફ્ટ આવે તો એમનું શું થાય? પણ નાયકસાહેબે સમયસૂચકતા વાપરીને લિફ્ટ બંધ કરાવી દીધી. અંદર ટેબલ ઉતારીને એમને લિફટના અંધારિયા કૂવામાંથી બહાર લાવવામાં આવ્યા. પણ, એમનું ભારે શરીર અને દોરડું છોડ્યું નહીં એટલે ત્રણેક પાંસળીઓ તૂટી ગઈ. ઘણી સારવાર લેવી પડી. પણ નસીબ સારાં તે એ વખતે, ગુજરાતનું વિદ્યાધન બચી ગયું! ગુજરાત સાહિત્ય અકાદમીમાં ‘દર્શક' પ્રમુખ અને યશવંત શુક્લ ઉપપ્રમુખ. મોટાભાગની મિટિંગો એચ.કે.માં એમના રૂમમાં થાય. મનુદાદા સણોસરા હોય એટલે દરેક વાર હાજર રહે એવું ન પણ બને. ફોનથી કે પત્રથી બધી વાત થઈ ગઈ. હોય અને યશવંતભાઈની અધ્યક્ષતામાં કામકાજ થાય. એક વાર એવું થયું કે મિટિંગ તો અગાઉથી નક્કી જ હતી. પણ, હસુભાઈ યાજ્ઞિકસાહેબની આગેવાનીમાં અમે બધાં પહોંચ્યાં ત્યારે એમના રૂમમાં યશવંતભાઈ સિવાયનો બધો અસબાબ જેમનો તેમ! મનસુખભાઈને પૂછ્યું તો કહે કે - 'સાહેબ તો વલ્લભવિદ્યાનગર ગયા છે?’ ભોળાભાઈ વગેરેને આશ્ચર્ય થયું. આવું કેમ બન્યું હશે? દિલાવરસિંહ જાડેજા સાથે ફોનથી વાત થઈ તો ખબર પડી કે સાહેબને ડાયરીમાં કંઈક જોવાફેર થયેલો તે ડ્રાઈવરને લઈને સીધા જ ભાઈકાકાના આંગણે પહોંચી ગયા! પછી તો યશવંતભાઈ સાથે પણ વાત થઈ ને ભોળાભાઈની અધ્યક્ષતામાં બેઠક થઈ! પેલી મેર, જાડેજાસાહેબ જેનું નામ! 'રીડ્ય પડ્યે રજપૂત છૂપે નહીં!', એમણે નલિની અરવિંદમાં તાબડતોબ યશવંતભાઈનું વ્યાખ્યાન ગોઠવી કાઢ્યું! કહેવાય છે કે યશવંતભાઈએ ત્યાં લોકશાહીમાં ‘વ્યવસ્થા' વિશે ભાષણ કર્યું હતું!! સુરતની એમ.ટી.બી. કોલેજમાં યશવંતભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના વિદ્યાર્થી. વિષ્ણુભાઈનો ભરપૂર પ્રેમ પામ્યા હતા. વિષ્ણુભાઈની જન્મશતાબ્દી નિમિત્તે યશવંતભાઈની અધ્યક્ષતામાં અકાદમીએ ઉપર્યુક્ત સંસ્થામાં કાર્યક્રમ રાખેલો. પરિસંવાદ અને ‘વિદ્યાપ્રસાદ' પુસ્તકનું વિમોચન. કવિ ઉશનસ્ અને જયન્ત પાઠક પણ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં જતાં પૂર્વે જ યશવંતભાઈની સ્મૃતિમાં ભયંકર ઉથલપાથલ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. પણ, એમની તબિયત વિશે હજી એમને પોતાને કે અન્ય કોઈને અંદેશો આવ્યો નહોતો. મને અને અશોક પટેલને જવાબદારી સોંપાઈ હતી કે મોટર લઈને યશવંતભાઈને ઘેર જવું અને એમને લઈને કાળુપુર સ્ટેશને પહોંચવું. ત્યાંથી ટ્રેઈનમાં સુરત જવાનું હતું. અમે એમના ઘેર પહોંચ્યા ત્યારે સાહેબ તૈયાર હતા. પછીથી શરૂ કરીને અમદાવાદ પાછા આવવા સુધીની વાત ઘણી લાંબી અને આજે પણ પીડાકારક છે. દુઃખ થાય કે આટલા મોટા પ્રાજ્ઞપુરુષ, પણ સ્મૃતિ ચાલી જતાં કેવા લાચાર! બધું અગાઉથી નક્કી હતું છતાં, અમે ગયા એટલે એમણે અમને આઘાત લાગે એવું, સીધું જ પૂછ્યું : 'કેમ આવવું થયું?’ ‘સાહેબ આપણે સુરત જવાનું છે તે અમે આપને લેવા આવ્યા છીએ. આપ તૈયાર જ છો ને?' ‘તૈયાર તો છું જ! પણ સુરત જવા માટે તૈયાર છું એમ ચોક્કસપણે ન કહી શકું! કેમ જવાનું છે એનો મને ખ્યાલ નથી. વારુ! આપણે શા માટે જવાનું છે?’ ‘વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જન્મશતાબ્દીનો કાર્યક્રમ આપના અધ્યક્ષપદે છે. તો ત્યાં...’ ‘વારુ! આપણે પાછા ક્યારે ફરવાના ?' ‘અત્યારે જઈશું ને પરમદહાડે રાતે પાછા !’ ‘કેવી રીતે જઈશું?' 'ટ્રેઈનમાં... ‘તો પછી આ મોટર અને ડ્રાઈવર?' ‘એ આપણને સ્ટેશને મૂકીને પાછાં ગાંધીનગર જશે.....’ ‘પણ, આપણે સ્ટેશને કેમ જવાનું?’ ‘સુરત જવાનું છે ને? એટલે.... ‘સુરત કેમ?' ‘વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જન્મશતાબ્દીનો કાર્યક્રમ આપના અધ્યક્ષપદે છે. તો..’ ‘વારુ! તો ક્યારે નીકળવાનું છે? ‘આપ કહો ત્યારે… અમે તો તૈયાર જ છીએ.’ ‘હું તૈયાર થયો હોઉં એવું નથી લાગતું?’ એમણે બે હાથ પહોળા કરીને પૂછ્યું. ‘બીજું કોણ કોણ આવવાનું છે?' મારા મનમાં ફડક પેસી ગઈ હતી. હસવું કે રડવું એની ખબર પડતી નહોતી. સ્ટેશન સુધીમાં આ બધા જ પ્રશ્નો વારંવાર એક પણ શબ્દના ફેરફાર વિના ઉચ્ચારાતા રહ્યા. ટ્રેઈનમાં બેસતી વખતે પણ પૂછે : 'હર્ષદભાઈ! આપણે શા માટે જઈએ છીએ?’ માંડ માંડ અમે સુરત પહોંચ્યા. આખે રસ્તે યશવંતભાઈ મારો હાથ છોડતા નહોતા. નાના સરખા કાચબા જેવડી મોટી અને એકદમ પોચી એમની હથેળી જાણે કે સાવ નાના બાળક, શિશુની હથેળી હોય એવી રીતે વર્તતી હતી. જાણે એ ઐશ્વર્યવાન યશવંતભાઈ જ નહીં! કાર્યક્રમમાં મંચ ઉપર બેઠા પછી ય પૂછ્યું કે - ‘મારે શું બોલવાનું છે?’ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જન્મશતાબ્દીનો આ કાર્યક્રમ છે અને આપ એના અધ્યક્ષપદે છો. ‘વિદ્યાપ્રસાદ' પુસ્તકનું આપે વિમોચન કરવાનું છે, એમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના લેખો છે. જયન્ત પાઠકનું સંપાદન છે. તો થોડું વિષ્ણુભાઈ વિશે અને થોડું આ પુસ્તક વિશે બાકીનું જયન્તભાઈ વિશે... જે ઈચ્છો તે આપ બોલી શકો.....’ ‘વારુ...’ બધાં વિધિવિધાનો પૂર્ણ થયા પછી એમને બોલવાનો વારો આવ્યો. એમના મગજમાં બધું ઉપરતળે થઈ ગયેલું છતાં વર્ષોથી બોલવાની ટેવને કારણે સંઘેડા ઉતાર બોલ્યે જતા હતા. એક પણ શબ્દ આઘોપાછો નહીં. ‘વિષ્ણુભાઈ વિદ્યાર્થીઓની બાબતે સદ્દનસીબ હતા.!’ એમ કહ્યું ને પછી અગાઉ જેટલું બોલેલા તે બધું જ રેકોર્ડેડ હોય એમ ફરી વાર બોલ્યા. વળી પાછા... ‘વિષ્ણુભાઈ વિદ્યાર્થીઓની બાબતે સદ્દનસીબ હતા.' ફરી આખું વક્તવ્ય.... આવું ત્રણેક વાર બન્યું. ઓડિયન્સને પણ ખ્યાલ આવવા લાગ્યો એટલે મેં હળવે રહીને એમને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચીને કહે કે ‘હજી તો મેં પ્રારંભ જ કર્યો છે!’ છોકરાંઓ હસે તે પહેલાં મેં વિનંતી કરી કે - 'સાહેબ! સમયની તંગી છે. આપ હવે પૂરું કરો...’ વળતી ક્ષણે જ, ‘હર્ષદભાઈ કહે છે તો હું હવે પૂર્ણ કરું! એ યોગ્ય જ કહેતા હશે એમ ધારું છું!’ એમ કહીને માઈક છોડી દીધું. મેં એમને હાથ પકડીને એમની ખુરશીમાં બેસાડ્યા. એ વખતે મારી આંખમાં આંસુ હતાં. યશવંતભાઈ જેવા મહારથીની આ દશા? છેલ્લે તેઓ ખૂબ બીમાર હતા. ભોળાભાઈ એમની ખબર પૂછવા જવા નીકળતા હતા ને હું જઈ ચડ્યો. મને કહે, ‘તમેય ચાલો મારી સાથે.’ અમે જઈને જોયું તો – અનિવાર્ય ન હોય તો આરામ પણ ન કરે એ યશવંતભાઈ, પથારીમાં પડ્યા હતા. બાજુની ટિપોઈ પર અનેક પ્રકારની દવાઓ અને પાણીનો જગ પડ્યો હતો. જેમની જીભ ઉપર સાક્ષાત્ સરસ્વતી નર્તન કરતી રહેતી એ યશવંતભાઈને એકાદબે શબ્દ બોલવાનાં ય ફાંફાં હતાં. એમ કહો કે એ બોલતા નહોતા, આરડતા હતા. એમના ગળામાંથી વિચિત્ર અવાજો નીકળતા હતા. જાણે કે સમૂળી ભાષા એમના ચિત્તમાં ભરડાઈ ચૂકી હતી. એમને કશાનીય સ્મૃતિ નહોતી. પણ અમને એમ લાગ્યું કે આચાર્યકુળનું ઉન્નતશૃંગ ઢળી રહ્યું છે. એમના પ્રેમીજન તરીકે આપણે આંસુના અભિષેક સિવાય શું કરી શકીએ? અમે એમના બંગલેથી, વંદન કરીને બહાર નીકળ્યા. ભોળાભાઈનું મોઢું લેવાઈ ગયું હતું. એમણે મારી સામે જોયું. આંખો પહોળી કરી ને ખિન્ન હૃદયે બોલ્યા: 'આ યશવંતભાઈ!!!’ એ આગળ ન બોલી શક્યા. હોઠ ભીડી દીધા. મોટર ચાલુ કરી ને મારા મોંમાંથી, યશવંતભાઈને પણ પ્રિય એવું નરસિંહરાવનું ગીત સરી પડ્યું - ‘મંગલ મંદિર ખોલો દયામય...'