સરોવરના સગડ/રાજેન્દ્ર શાહ: કુસુમ કેરી ગંધ…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,  
<poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,  
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem>{{Poem2Open}}
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે!  
એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે!  

Latest revision as of 02:34, 6 May 2024


Center

‘રાજેન્દ્ર શાહ: કુસુમ કેરી ગંધ…

(જ.તા. ૨૮-૧-૧૯૧૩, અવસાન તા. ૨-૧-૨૦૧૦)

મધુબહેન અમારે ત્યાં કામ કરવા આવતાં. છ બાળકો અને બે માણસ એ. એમ આઠ જણનું ઘર ચલાવવું એમને માટે અઘરું હતું. કેમ કે એમના પતિદેવનો પગાર બહુ ટૂંકો. પહેલેથી જ આર્થિક રીતે ઘસાયેલાં ને પાછા વ્યાવહારિક પ્રસંગો પણ બહુ. પહોંચી ન વળાય એટલાં ઘરનું કામ બાંધે. બંને દીકરીઓ લતા અને હીરલ પણ ભણતાં ભણતાં પારકાં કામ કરે. મોટી દીકરી લતાનાં લગ્ન થઈ ગયાં પછી, નાની હીરલ અમારે ઘેર કામ કરવા આવે. એની ટ્યુશન ફી, પુસ્તકો વગેરેનો ખર્ચ બિન્દુ આપે. એ છોકરી આવે ત્યારે અમારે ત્યાં - રેડિયો કે, કેસેટ, કોઈને કોઈ રૂપે સંગીત વાગતું હોય. અજિત શેઠના નિર્દેશનવાળી કેસેટ્સ તો વારંવાર વાગતી હોય. હીરલનાં લગ્ન લેવાયાં ત્યારે બિન્દુએ પૂછ્યું ‘હીરલ! તને હું શું લઈ આપું?’ ‘મારે તો કંઈ નથી જોઈતું. બસ આશીર્વાદ આપો....’ બિન્દુએ બહુ આગ્રહ કર્યો ત્યારે કહે કે, ‘તમારે આપવું જ હોય તો મને રાજેન્દ્ર શાહનાં ગીતોની કેસેટ ‘નિરુદ્દેશે’ લઈ આપજો! એ હું આણાંમાં લઈ જઈશ...નવી લેજો હોં! આ ઘસાયેલી નહીં લઈ જઉં...’ આપણે જેમને પ્રશિષ્ટ અને બહુ અઘરા કવિ તરીકે અથવા કવિઓના કવિ તરીકે જ ઓળખીએ છીએ એ કવિવર રાજેન્દ્ર શાહનો આ લોકમહિમા હતો. મેં મારા જીવનમાં સહુથી પહેલો કોઈ કાવ્યસંગ્રહ વાંચ્યો હોય તો તે છે-રાજેન્દ્ર શાહનો પણ પ્રથમ એવો સંગ્રહ ‘ધ્વનિ’. એનું મુખપૃષ્ઠ આસમાની રંગના ક્રોમો પેપરમાં હતું. ડાર્ક મરૂન ઇન્કમાં લાઈનડ્રોઈંગ હતું. ચિત્રમાં રુદ્રવીણા અને એને બજવતી લાંબા નખવાળી સુંદર લાંબીપાતળી આંગળીઓ. ગોળાકારે ઊઠતા ધ્વનિતરંગો! કદાચ એ ચિત્ર કનુ દેસાઈનું હતું. દસબાર વર્ષની ઉંમરે કેટલું સમજાયું હશે તે તો પ્રભુ જાણે પણ આજે ય એમ લાગે છે કે મારો કાન પાકો કરનારાં અનેક પરિબળોમાંનું એક મહત્ત્વનું પરિબળ તે આ ‘ધ્વનિ’. પછીનાં વર્ષોમાં પણ 'કુમાર' અને 'કવિલોક'ના માધ્યમે એમને સતત વાંચતો રહેલો. મેટ્રિકમાં હતો ત્યારે, ઘરમાં કોઈને ખબર ન પડે એમ છાનુંમાનું એક કાવ્ય રાજેન્દ્રભાઈને ‘કવિલોક’ માટે મોકલેલું. 'ખૂબ કવિતાઓ વાંચો’ એવી સૂચના અને શુભેચ્છાઓ સાથે રાજેન્દ્રભાઈના હસ્તાક્ષરમાં પોસ્ટકાર્ડ આવ્યું ત્યારે, ‘હું કવિ થવાનો જ!' એની ખાતરી થઈ ગયેલી! મને યાદ છે ત્યાં સુધી તે વખતે રાજેન્દ્રભાઈ મુંબઈ રહેતા હતા. બુધસભામાં છૂટક છૂટક ત્રણેક વાર, ને એ પછી તો એમને વારંવાર મળવાનું થયું તે તો બહુ પછીની ઘટના ગણાય. કેમકે એમનું પ્રથમ દર્શન તો મને સુરેન્દ્રનગરમાં જ (મોટે ભાગે, વિકાસ વિદ્યાલયના હોલમાં) થયેલું. ન્યાયાધીશ અને કવિશ્રી મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ'ના પ્રયત્નોથી વિજયશંકર કામદારની વિશેષ ઉપસ્થિતિમાં કવિસંમેલન યોજાયું હતું. એમાં મકરંદ દવે, મીનપિયાસી, પ્રજારામ રાવળ, પાજોદદરબાર 'રુસ્વા' મઝલૂમી, અમૃત ઘાયલ, લાભશંકર રાવળ ‘શાયર', કિરીટ ગઢવી વગેરે કવિઓની વચ્ચે સાચે જ અતિથિ તરીકે આવી ગયેલા રાજેન્દ્ર શાહને જોયેલા. મીનપિયાસી અને પ્રજારામભાઈ ઘણા નાજુક. પણ બાકીના બધા કવિઓની શારીરિક ઊંચાઈ અને સ્વાસ્થ્ય દેખાઈ આવે. કવિ હોવાની છાપ બદલી નાંખે! એમાં રાજેન્દ્રભાઈ એમના નાકના વળાંક અને તેજસ્વી-કસરતી શરીરને કારણે જુદા પડી આવે. મારા પિતાજી અમૃત ત્રિવેદી ‘રફિક’થી જ કાર્યક્રમની શરૂઆત થઈ. પરિચયમાં શાયરકાકાએ કહ્યું કે આ કવિ બાજુના ગામ ખેરાળીથી આવે છે. ‘ઓહોહો! ખેરાળીમાં ય કવિ?' પ્રજારામ રાવળ કંઈક દાઢમાંથી બોલ્યા. એમની આ અણચીને પામી ગયેલા શાયરકાકાએ તરત પરખાવ્યું : ‘તો શું કવિઓ પેદા કરવાનો ઈજારો એકલા વઢવાણે જ રાખ્યો છે?’ હું એ કવિસંમેલનમાં બાપુજીની આંગળિયે ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી, શાંતિલાલ ફૂલચંદ શાહના, જવાહર રોડ પરના ‘ફૂલદીવા’ નિવાસે, બધા મોડે સુધી બેઠેલા. જો કે મને, મોડું થશે એ બીકે વહેલો ઘેર મોકલી દેવામાં આવેલો. મેં ‘રાજેન્દ્ર શાહ: સમગ્રદર્શી અભ્યાસ' એ નામે પીએચ.ડી.નું રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે બાપુજી બહુ રાજી થયેલા. દુર્ભાગ્યે એ કાર્ય હું પૂર્ણ કરી શક્યો નહીં, પણ લાંબા સમયના અભ્યાસ અને સાતત્યને કારણે કવિને અને એમની કવિતાને કંઈક અંશે પામી શક્યો. એ મારું અહોભાગ્ય! મારા મનમાં કવિ એટલે રાજેન્દ્રભાઈ અને રાજેન્દ્રભાઈ એટલે કવિતા. હું એ બંનેને પૃથક રીતે જોઈ શકતો નથી. રઘુવીરભાઈ કહે છે- ‘હર્ષદે રાજેન્દ્ર શાહનો અભ્યાસ પૂરો કર્યો નથી. પણ એની અવેજીમાં નવતર કવિઓનાં સર્જનમાં ઊંડો રસ લીધો છે અને કવિસંમેલનોનું સંચાલન કરવાની કુનેહ પણ કેળવી છે. આ બધી સજ્જતા એના પોતાના લેખન માટે પણ ફળદાયી નીવડી છે.' ગુરુઆજ્ઞાએ વિનમ્રતાથી એટલું ઉમેરું કે, અઢારવીસ વર્ષ સુધી 'શબ્દસૃષ્ટિ'નું અને ‘અસ્મિતાપર્વ-વાગ્ધારા' તથા બીજાં અનેક પુસ્તકોનું સંપાદનકાર્ય પણ મારા સદ્ભાગ્યનું શિખર છે. વાંચન સતત ચાલતું રહ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, કવિ મનોજ ખંડેરિયાના યજમાનપદે, જૂનાગઢની લોઢિયાવાડીમાં, રાજેન્દ્ર શાહ વિશે, કવિની ઉપસ્થિતિમાં કાવ્યસત્ર યોજાયેલું. એમાં મારે એમનાં સોનેટ વિશે બોલવાનું હતું. સોનેટની વાત કરતાં કરતાં મેં કહ્યું કે ‘એવું કહેવાય છે કે મોટો કવિ એ છે કે જે કોઈના જેવું લખે નહીં, અને એના જેવું કોઈ લખી શકે નહીં!' એ વખતે મંચ ઉપર ગુજરાતી કવિતાનો એક આખો યુગ, એટલે કે રાજેન્દ્રભાઈ અને નિરંજન ભગત સાથે બેઠા હતા. ‘પંથ નહીં કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી'ના આ કવિ એમનાં સોનેટ વિશે મને નિસ્પૃહભાવે સાંભળી રહ્યા હતા. સમારંભ પૂરો થયા પછી મેં વંદન કર્યા. એમની પ્રસન્નતા છાની ન રહી. એ સભામાં એમના ગીતોની આકરી ટીકા થયેલી, એ પણ એમણે વખાણની સ્વાભાવિકતાથી સાંભળેલી. એક વખત એમણે મને કોઈ અખબારનું કટિંગ આપ્યું. કહે કે – ‘નિરાંતે વાંચી જજે.’ એમાં ધ્વનિ એટલે કે અવાજનો સિદ્ધાંત હતો. સાર એવો હતો કે આ જગતમાં ઉચ્ચારાયેલો એક પણ શબ્દ ક્યારેય નાશ નથી પામતો. લાખ્ખોકરોડો વર્ષથી આવા અસંખ્ય ધ્વનિઓ આખા બ્રહ્માંડમાં ઘૂમ્યા કરે છે. પ્રત્યેક ધ્વનિ એની ઉત્પત્તિ સાથે ચોક્કસ અર્થ અને લય લઈને આવે છે. આપણું ચેતાતંત્ર જો જાગ્રત અને એકાગ્રતાની સ્થિતિમાં હોય તો સાંભળી પણ શકીએ. શરત એ કે આપણું અનુસંધાન એના અણુપરમાણુ સાથે થવું જોઈએ. અને જો એવો સંયોગ થાય તો ઘણાં બધાં રહસ્યો પામી શકાય. પછી તો જેવી જેની રુચિ અને ક્ષમતા. હું વાંચી ગયો. મને સિદ્ધાંત સમજાયો હતો પણ મારી ગતિ એ દિશામાં, એ વખતે નહિવત્. પછી કવિને મળવાનું થયું ત્યારે એમણે વિગતે સમજાવ્યું અને કહ્યું ય ખરું કે એમની કવિતા આવા જ કોઈ પ્રદેશમાંથી આવે છે! મને સમજાવવા ખાતર અમુક શબ્દના વર્ણો છૂટા પાડીને એનો અર્થ પણ કરી બતાવ્યો. એક સરખા અર્થને ચીંધતા શબ્દોની અર્થચ્છાયાઓ કઈ રીતે જુદી પડે એ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. મારા અભ્યાસ દરમિયાન એક વખત ધીરુભાઈ પરીખે મને 'ક્ષણ જે ચિરંતન’ સંગ્રહ વાંચવા આપ્યો. એ કવિની અંગત નકલ હતી. એમાંથી એક ખાલી કવર નીકળ્યું. જેના ઉપર સરનામું રાજેન્દ્રભાઈનું હતું. કવરની પાછળ, કોરા ભાગમાં રાજેન્દ્રભાઈના હસ્તાક્ષરમાં તારીખ અને સમય સાથે એમને આવેલા એક સ્વપ્નની નોંધ હતી. કવિ તો કપડવણજમાં હતા. એ રાત્રે એમણે સ્વપ્નમાં જોયું કે મુંબઈમાં આવેલા (ભાલ મલજી સાથેની ભાગીદારીવાળા) એમના પ્રિન્ટિંગ પ્રેસ, લિપિની પ્રિન્ટરીમાં આગ લાગી છે ને બધું ખાખ થઈ ગયું છે! સ્વપ્ન જોયા પછી જાગીને એમણે ‘ચોળી રહું ભભૂતિ’ એ કાવ્ય લખ્યું. એ કાવ્ય વિશે અત્યારે, લખવામાં લંબાણ થઈ જાય. વળી એ અહીં પ્રસ્તુત પણ નથી. પરંતુ એ કાવ્યની આરંભ અને અંતની પંક્તિઓ જોઈએ:

આરંભ:મૌન રાત્રિના
નીંદરજંપ્યા ઘરને
આગ્યું લાગી,
હવા થીજેલી હિમકણસૂની
હૂંફ પામતી
ચોગમથી વણમાગી.
અંત :એનો રંગ લઈને ઊગ્યો સૂર્ય
તરલ તણખાની
અવ નહીં દ્યુતિ,
ઠરી મારી આ ચેહ તણી
હું અંગ અંગ પર
ચોળી રહું ભભૂતિ.

કવિ તો કાવ્ય લખીને સૂઈ ગયા. સવારે અરજન્ટ તાર આવ્યો કે લિપિની સળગી ગયું છે! તરત, વહેલી તકે મુંબઈ ગયા. ત્યાં જઈને જુએ છે તો સ્વપ્નમાં જોયેલું એ જ આખું દૃશ્ય! એમની સંવેદનશીલતા કેવી? તો કહે કે પોતાના ઘરમાં આગ લાગે ત્યારે પણ ઠંડી હવાને ચોગમથી (આગ ચોગમથી લાગેલી ને? એટલે.) મળતી હૂંફ અનુભવી શકે એવી! આ કવિને ઉમાશંકરે સૌન્દર્યલુબ્ધ કહેલા. આપણે પણ જાણીએ છીએ કે રાજેન્દ્ર શાહ એટલે પ્રસન્નતા અને જીવનઉલ્લાસના કવિ. વિધિની વક્રતા એ કે આરંભનાં વર્ષોમાં આ કવિએ નાનીમોટી નોકરીઓ કરવા ઉપરાંત વ્યાપારનું ક્ષેત્ર પણ અજમાવેલું. જેમાં, લાકડાંનો વ્યાપાર કરતી પેઢીથી માંડીને 'ઈંધન' નામે કોલસાનો સ્ટોર પણ આવી જાય! રઘુવીરભાઈએ કહ્યું છે કે – 'રાજેન્દ્રભાઈને જ્યારે પણ જોયા છે ત્યારે એમની આંખમાં આનંદદેશના કોઈ નવા વિસ્તારને સર કર્યાની ચમક વર્તાઈ છે. વિરલ છે આ વ્યક્તિત્વ. મેં એમને ઉદ્વેગ ને ગમગીનીની મનોદશામાં કદી જોયા નથી. મિત્રોએ પણ જોયા નથી.. (સહરાની ભવ્યતા, પૃ.૧૫૬) હું ઉમેરું કે વર્ષો વીત્યાં પછી મેં પણ એમને વિચલિત થતા નથી જોયા. એમનાં પત્ની મંજુબહેનની માંદગી કે અવસાન વખતે પણ નહીં! મને એકદમ જ ઈચ્છા થઈ ગઈ રાજુભાઈને મળવાની. પવનપાવડી તો હતી નહીં, નહીંતર તો વાયુવેગે જ ધસી ગયો હોત! એ સમયે તેઓ રેવાતીરે, યોગસાધનાશ્રમમાં મકતુપુર હતા. આપણે તો એમને પત્ર લખી દીધો ‘તમે મંજૂરી આપો તો આવી જાઉં.' વળતી ટપાલે પધારો! એવો પત્ર મળ્યો. એમાં ઝીણી ઝીણી વિગતો લખી હતી. બસમાંથી ક્યા સ્ટેન્ડે ઊતરવું. પછી કેટલું ચાલવું. કયા કિનારેથી આ કન્હાઈને પનાઈ મળશે. કેવટ કેટલા પૈસા લેશે વગેરે કાળજીપૂર્વક લખ્યું હતું. આપણે તો ભાઈ ધન્ય થઈ ગયા! હજી જવાને ત્રણ-ચાર દિવસની વાર હતી, ત્યાં ભીંજાયેલા અક્ષરોવાળું પત્તું આવ્યું. ‘ન આવશો! અહીં અતિ ભારે વરસાદ છે. નર્મદા પણ હમણાં તને અહીં આવવાની રજા નહીં આપે!' અને એમ, એ વાત અટકી પડી તે પછી ક્યારેય જોગ થયો જ નહીં! એક વખત હું ને બિન્દુ જઈ ચડ્યાં એમના સૌજન્ય રો હાઉસવાળા ઘેર. ત્યારે તો મંજુબહેન ઘણાં સ્વસ્થ, એટલે કે અમને ચા બનાવીને પીવડાવી શકે એવાં. ઘરમાં એ બે જ હતાં. કવિવર સફેદ ઝભ્ભા-લેંઘા સાથે, પારસીઓ પહેરે છે એવી મખમલની ગોળ મરુન ટોપી પહેરીને, રસોડાની બાજુમાં આવેલા નાનકડા રૂમમાં બેઠેલા. ધીમેધીમે કરતાં ખૂલ્યા. ઝડપથી બોલવા જાય ત્યારે કોઈ શબ્દની આગળ ‘એમનેમ નેમનેમ…' એવા ઉચ્ચારોમાં ચામડાની જીભ અટવાઈ જાય એટલું જ. બાકી એમની વાણી તો પરા, પશ્યંતિ અને વૈખરી એમ ત્રણેય સ્તરે પંખીના ઊડવા જેટલી સ્વાભાવિકતાથી વિહાર કરે. કવિ તરીકે રાજેન્દ્રભાઈ અર્થ અને સ્ફોટના માણસ હતા. એમને ભાષાભેદ નડતો નહોતો. કોઈ પણ ક્ષણે, કોઈ પણ ભાષાનો લયાત્મક શબ્દ, વિના વિરોધે એમની લેખિની પર આવીને બેસી જતો. લખવામાં અને બોલવામાં અનુનાસિકોનો પ્રભાવ વરતાય. પછી તો કવિ ખૂલ્યા. ખૂલ્યા તો એવા ખૂલ્યા કે સામાન્ય રીતે કોઈને ય કહેવાનું પોતે પસંદ ન કરે એવી અંગત અને ખાનગી વાતો અમને કહી. મેં એમની આધ્યાત્મિક સાધના વિશે, ખાસ તો સાક્ષાત્કાર અને દેવી તમારા હાથે નૈવેદ્ય સ્વીકારે છે એવું મેં સાંભળ્યું છે એ વિશે જિજ્ઞાસાથી પૂછ્યું તો કહે - 'એ બાબત પતિપત્નીના ઉત્કૃષ્ટ મિલન જેવી ગોપનીય હોય છે એ જાહેર ન થઈ શકે! પણ તમને કેટલાંક ઈંગિતો આપી શકું.' એમ કહીને શરૂઆત કરી. પણ પછી પડદો રાખ્યા વિના નિરાંતે વાતો કરી. એ બધી વાતો મને યાદ છે પણ અહીં લખવાનું ઉચિત ન ગણાય. રાજેન્દ્રભાઈ જાતિસ્મર હતા. કહે કે - 'આ મંજુ! પૂર્વભવમાં, હું યોગી હતો ત્યારે મારા આશ્રમે નાનકડી કન્યા રૂપે આવતી. ભક્તિભાવે સેવા કરતી. ફૂલો વગેરે લાવીને એની માળા ગૂંથતી. એ વખતે જે લેણદેણ બાકી રહી ગઈ તે આ ભવે પૂર્ણ કરવાની છે. તમે નહીં માનો! પણ, આ ભવે એ જ્યારે ઘોડિયામાં સૂતી હતી ત્યારે મેં એને હીંચકા નાંખ્યા છે. મને નાની ઉંમરથી જ ખબર હતી કે આ તો મારી પૂર્વભવની સખી છે અને આ ભવે મારી પત્ની બનવાની છે! એ વખતનું નામ પણ બોલેલા. પછી જાણે પુરાવો આપતા હોય એમ મંજુબહેનને પૂછ્યું : ‘બોલ સાચું છે કે નહીં?' મંજુબહેને હસીને કહ્યું કે-'મને તો રજેરજ યાદ છે!’ કવિની આવી વાતોમાં આપણને શ્રદ્ધા બેસે કે નહીં એ જુદો અને વૈયક્તિક પ્રશ્ન છે. પણ, એમને આવું કહેવા માટે કોઈ દુન્યવી કારણ નહોતું. વધારામાં એમની પ્રકૃતિ કોઈ પણ પ્રકારની વંચનામાં રાચે એવી પણ નહોતી. એ કંઈ મઠ બાંધીને બેઠેલા સાધુ નહોતા. કે નહોતું કશું એમને મેળવવું. કેટલીક એમની દૃઢ પ્રતીતિઓ હતી. નીરક્ષીરનો વિવેક એમને સહજપ્રાપ્ય અને સહજસાધ્ય હતો. એ કહેતા કે - ‘બધાંને બધો વખત, બધું જ સમજાય એવું તો ક્યાંથી બને? આ જગતમાં ક્ષણે ક્ષણે એવાં એવાં આશ્ચર્યો સર્જાય છે કે બધું બુદ્ધિની ઊંડળમાં ન પણ આવે. હું સમજ્યો છું ત્યાં સુધી તેઓ સતત અને સતત શાશ્વતીમાં જીવતા.

‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'

એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે! એમણે મને તરત જ રોક્યો : 'ભાઈ! દુઃખ કરવાનું કોઈ જ કારણ નથી. એ આનંદથી, શાંત ચિત્તે અને સ્વેચ્છાએ ગઈ છે. એનો હાથ મારા હાથમાં હતો. આપણે કહીને જેમ બહારગામ જઈએ છીએ એમ જ - રજા લઈને ગઈ છે! અમે ક્યારે ય જુદાં છીએ જ નહીં, અહીંનો એનો સમય પૂરો થયો છે એની અમને બંનેને જાણ હતી. એટલે શોક કરવાનું કોઈ જ કારણ નથી. અને સાચું તો એ છે કે એ ગઈ છે જ ક્યાં? એ તો મારી અંદર અને આસપાસ બધે જ છે ! એ એકથી વધુ વાર કહી ચૂક્યા છે- ‘કવિતા હું નથી લખતો. કોઈ અગોચર શક્તિ મારી પાસે લખાવે છે! ઘણી વાર તો આખેઆખી કવિતા મેં સાભળી કે જોઈ હોય છે! પછી મારું કામ તો કાગળ ઉપર ઉતારી લેવા પૂરતું જ રહે! ક્યારેક તો કોઈ અદૃશ્ય અવાજ મને ઊંઘમાંથી ઊઠાડે અને કહે કે લખ!! એમની કવિતાઓ ગુજરાતી ભાષામાં લખાઈ એટલું જ, પણ એમાં વૈશ્વિક કવિતાનો સર્વકાલીન અવાજ છે એ નક્કી. કોઈ માની શકે? કે આ કવિ એ જ છે જે સ્વાતંત્ર્યસંગ્રામના દિવસોમાં કપડવણજના ટાવર ઉપર ફરકતા રાષ્ટ્રધ્વજને - પોલીસ ઉતારી લે એ પહેલાં છાતીએ ચાંપીને ભૂસકો મારી શકે? કોઈ માની શકે? કે આ કવિ પોતે બે વર્ષના હતા ત્યારે વિધવા થયેલી માને, યુવાન વયે અભ્યાસ છોડીને, એકલી મૂકીને મા ભારતીના સ્વતંત્રતા આંદોલનમાં જોડાય? કેટલાક વિવેચકો કહે છે કે, રાજેન્દ્રભાઈની કવિતામાં સાંપ્રતનો પડઘો સંભળાતો નથી. છેક એવું પણ નથી. ‘હા, હું સાક્ષી. છું'નાં કાવ્યોમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે. બીજું, કોઈ કવિ આપણે ધારીએ કે માનીએ એવા સમયમાં ન પણ જીવતો હોય! એવું પણ બની શકે ને કે આ કવિની અગ્રિમતા જુદી હોય? સમુદ્રમાં સેલ્લારા મારનારો કદાચ, બંનેમાં તત્ત્વ એક જ છે એવી પ્રતીતિને કારણે નાનાં ઝરણોને વર્ણવવાનું વલણ ન પણ સ્વીકારે. 'કવયાઃ ક્રાંતદૃષ્ટા' ની સાથોસાથ ‘કવયાઃ નિરંકુશાઃ’ પણ સ્વીકારવું રહ્યું! કંઈ અમસ્થા તો દુરારાધ્ય વિવેચક અને સફળ સોનેટકાર બળવંતરાય ઠાકોર 'આયુષ્યના અવશેષ' વિશે ન કહે – 'રેશમના પટ ઉપર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે.' એ જ રીતે કવિ ઉમાશંકર પણ 'ધ્વનિ' વિશે- આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!' એવું શા માટે કહે? રાજેન્દ્ર શાહની કવિતાએ સિદ્ધ કરી આપ્યું છે કે એ અખંડિત કાલપ્રવાહની ઋતકવિતા છે. જો કે બ.ક.ઠા. અને નિરંજન ભગત જેના પર વારી વારી ગયેલા તે 'આયુષ્યના અવશેષે' એ પાંચ સોનેટ અને ઉપર્યુક્ત છેલ્લી બે પંક્તિઓ વિશે, પછીથી ઉમાશંકરનો અભિપ્રાય જરા બદલાયેલો! એમણે ભોળાભાઈ સાથેની અંગત વાતચીતમાં કહેલું તે આશ્ચર્યકારક છે : 'એ છેલ્લી લીટીઓમાં છે શું? એની વાત તો આપણો હિન્દુસ્તાનનો ખેડૂત પણ કરે. પણ તે સિવાય - વહુવારુઓનું ચિત્ર, હવાનું મોચન વગેરે ઘણા ઈમેજ અને શબ્દચિત્રો રમણીય છે પણ આ સાથે 'જૂનું પિયરઘર' પણ યાદ રાખવું ઘટે.' (અક્ષરશઃ ઉમાશંકર, પૃ. ૧૬૪.) ગુજરાતી સાહિત્ય પરિષદના કોલકાતા અધિવેશનમાં રાજેન્દ્રભાઈ પ્રમુખ હતા. બધાના આગ્રહને માન આપીને બગીમાં પણ બેઠેલા. સાહિત્યના અનેક દિગ્ગજો હયાત હતા એ વખતે. આખું દૃશ્ય મનોરમ હતું. રાત્રે ભૂપેન હજારિકાનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલો. ભૂપેનદાએ પોતાનાં અને અસમિયા તથા બંગલા ભાષાનાં ઉત્તમ ગીતો શાસ્ત્રીય અને લોકલયના સમન્વયમાં પૂરી તાકાતથી ગાયાં. છેલ્લે તો એમણે રાજેન્દ્રભાઈનાં બહુ જાણીતાં ગીતો ‘ઇંધણાં વીણવા ગઈ'તી મોરી સૈયર' અને 'લાગી રે લગન!'ની સાથેસાથે આપણું લોકગીત ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર !' પણ એમના કરકરા ખરજમાં વહેતું મૂકેલું! રાજેન્દ્રભાઈ રોમેરોમેથી પ્રસન્ન હતા! મોરારિબાપુપ્રેરિત નરસિંહ મહેતા સ્વાધ્યાયનિધિના ઉપક્રમે પ્રતિ વર્ષ એક કવિને ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’ અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે કેટલાક લોકોનો એવો આગ્રહ હતો કે આ એવોર્ડનો પ્રારંભ કવિ રમેશ પારેખથી જ થાય! હું જાણું છું ત્યાં સુધી, રઘુવીરભાઈએ કહેલું કે રમેશ આપણો અત્યંત મહત્ત્વનો કવિ છે. એનું સન્માન થવું જ જોઈએ. પણ, એને પોંખ્યા પછી આપણે સમયના સંદર્ભે આગળ જવા માગીએ છીએ કે પાછળ? એ પણ વિચારી લેવું જોઈએ. અને પછી એમણે જ આ એવોર્ડ માટે રાજેન્દ્ર શાહ શા કારણથી નામવર અને કવિવર છે તે સમજાવેલું. જો એમ ન થયું હોત તો આપણે રાજેન્દ્ર શાહ સમેત મકરંદ દવે, નિરંજન ભગત, ઉશનસ્ જેવા કવિઓનો ઋણસ્વીકાર કે મહિમા કરવાનું કદાચ ચૂકી ગયા હોત. હવે સમયની બલિહારી અને સંજોગો જુદા છે. ‘હું જ રહું વિલસી સહુ સંગ’ એ કહેવા પૂરતું નહોતું. રાજેન્દ્રભાઈ ચરિતાર્થ પણ કરી ગયા. એમનાં ઉત્તમ સોનેટનું મારે સંપાદન કરવું હતું. મંજુરી લેવા ગયો તો કહ્યું કે મારા શબ્દ પર સહુનો સરખો હક્ક છે. હું તો લખ્યું કે તરત જ મમત્વમાંથી મુક્ત થઈ જાઉં છું. કોઈએ પણ મંજુરી લેવાની જરૂર નથી. પરંતુ વૈધાનિક રીતે જરૂરી હતું એટલે એમણે બે અક્ષર પાડી આપેલા! એમને જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર થયો ત્યારે અમે પુષ્પગુચ્છ લઈને બોપલવાળા ઘરે દોડી ગયેલાં. ટી.વી. ચેનલ્સને ઇન્ટરવ્યૂ આપવામાં કવિ વ્યસ્ત હતા છતાં અમારા માટે સમય કાઢેલો. ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું : 'આપની કવિતાની વિશેષતા શું છે?' રાજુભાઈએ એક શબ્દમાં જવાબ આપ્યો હતો: 'સાહજિકતા!' આ 'રાજેન્દ્રબાપા'ની સાથે નિકટથી રહેવાનું ને એમને પ્રહરે પ્રહરે નિહાળવાનું બન્યું તે તો કેન્યાની રામકથા દરમિયાન. એમનાં દીકરી વિભૂતિબહેન પણ સાથે આવેલાં કવિની કોઈ ડિમાન્ડ નહીં, એટલું જ નહીં એ પોતાની હાજરી પણ ક્યાંય વરતાવા ન દે! એમ લાગે કે આઠે પ્રહર આ કવિ આનંદમાં જ રહે છે! એમનો હાથ પકડીને ચાલતી વખતે મેં અનુભવ્યું કે એમના શરીરમાંથી કોઈ ખાસ પ્રકારની પીમળ આવી રહી છે. પ્રસાધનોનો ઉપયોગ કરનારા તો એ હતા નહીં. એટલે મેં સહજભાવે જ વ્યક્તિત્વની સુગંધ વિશે પૂછ્યું. એમની આંખો ચમકી. મોતિયાવાળા ચશ્માંમાં એમની આંખો વધારે વિસ્ફારિત લાગતી હતી. મારો હાથ દબાવીને કહે : ‘કેમ એમ પૂછ્યું?' ‘મને તમારી સુગંધ આવી!’ ‘સાચે જ?' ‘મારી બાના શરીરમાંથી પણ, સહજ આવી સુગંધ આવતી હતી.' ઝાઝું ન બોલ્યા. પણ એટલું કહ્યું કે - ‘ક્યારેક ક્યારેક આવું થાય ને ક્યારેક ક્યારેક કોઈને એનો અનુભવ પણ થાય!’ હવે રાજુભાઈ નથી. પણ એમની કવિતામાં રહેલું ઋત અને ઋતમાં રહેલી કવિતા ઉપરાંત ક્યારેક મને આલિંગે છે ક્સુમ કેરી ગંધ (પેલી પીમળ?).....