સહરાની ભવ્યતા/રસિકલાલ છો. પરીખ

રસિકલાલ છો. પરીખ


રસિકભાઈના પૌત્ર શર્વિલે એક દિવસ દાદા પાસેથી ભેટ મળેલો એક શ્લોક કહેલો: ‘મૂર્ખાય તસ્મૈ નમ:’ સંસ્કૃતના વિદ્યાર્થીઓ ‘રામોરાજમણિ સદા વિજયતે’ એ શ્લોકથી પરિચિત હશે, શર્વિલ હતો. એ કંઈક હેરાન કરતો હશે, તેથી દાદાએ પ્રસન્ન થઈને ‘રામ’ની જગાએ‘મૂર્ખ’ મૂકીને પરસ્પર સ્પર્ધા કરતા ‘શબ્દ’ અને ‘અર્થ’નું સંયોજન કરી આપેલું. ‘શર્વિલ’ શબ્દ ત્રણ અક્ષરનો હોવાથી ‘રામ’ની જગાએગોઠવી ન શકાયો હોય એ શક્ય છે. ઉપરાંત આ શ્લોક અનેક દાદાઓ પોતાના પૌત્રોને કહી શકે એવો કરવા ધાર્યો હશે. શક્ય છેભવિષ્યમાં કોઈ સંશોધક આ શ્લોકને સંસ્કૃતના કોઈક અજ્ઞાત કવિની નોંધપાત્ર કૃતિ ઠરાવે. રવીન્દ્રનાથે ‘ભાનુસિંહેર પદાવલી’ લખેલી. એવિશે સંશોધન કરવા જર્મની જેવા જર્મનીનોય એક ઉત્સાહી અભ્યાસી પ્રેરાયેલો. રસિકભાઈએ આ માટે પણ થોડુંક સંસ્કૃતમાં લખવું જોઈતુંહતું.

રસિકભાઈનો સંસ્કૃત સાથેનો સંબંધ એવો ઉષ્માભર્યો કે એમની કારકિર્દીના આરંભે એમને વિશે લખવાનું પણ સંસ્કૃતમાં શરૂ થયેલું. કરસનદાસ માણેકે એક શ્લોક રચેલો. મેં આજથી પચીસ વર્ષ પહેલાં ભોળાભાઈના મુખે સાંભળેલો:

‘રસિકાનામ્ રિસર્ચેષુ પાઠકા: સ્તુતિપાઠક:’

શ્લોકનું બીજું ચરણ અધ્યાહાર રાખવામાં આવેલું છે. એનો પૂર્વાપર સંદર્ભ આ મુજબ છે: ત્રીજા–ચોથા દાયકામાં ગાંધીજીની ગૂજરાતવિદ્યાપીઠમાં રામનારાયણ પાઠક અને રસિકલાલ પરીખ સાથે અધ્યાપન કરે. પાઠકસાહેબ ઉંમરમાં રસિકભાઈથી દસેક વર્ષ મોટા પણકાવ્યશાસ્ત્ર વિશે કંઈ કરતા હોય તો રસિકભાઈને પૂછે. વળી, ઇતિહાસ અને પુરાતત્ત્વ એ તો રસિકભાઈના જ વિષયો. ત્યારે એ વિશેએમના સંશોધન લેખો છપાયા હોય એ તરફ પાઠકસાહેબ વર્ગમાં કે જાહેરમાં ધ્યાન ખેંચે. બીજી બાજુ પાઠકસાહેબની શક્તિઓનારસિકભાઈ એવા જ મોટા પ્રશંસક. શ્રી પ્રફુલ્લ ભારતીયે મૈત્રીવિવેચન વિશે અંક બહાર પાડવો જ હતો તો પાંચેક દાયકા પૂર્વે બનેલી આઘટના વિશે કોઈ અધિકારી વિદ્વાન પાસે લખાવવું જોઈતું હતું.

થોડાં વરસ પહેલાંની ઘટના છે. ઉમાશંકર ઍરપોર્ટથી સીધા ઘેર આવવાને બદલે નૂતન વર્ષાભિનંદન કરવા સૌથી પહેલાં રસિકભાઈને ત્યાંભારતી સોસાયટીમાં ગયા હતા. અમારે ત્યાં એવો રિવાજ કે વરઘોડિયાં પહેલાં ભાગોળના બધા દેવને પગે લાગી આવે. ઉમાશંકર કોઈનવી જવાબદારી શરૂ કરતાં પહેલાં રસિકભાઈને પગે લાગવા ગયા હશે એમ ધારેલું, પછી ખબર પડી કે આ તો જૂનું વ્યસન છે. એ આમુરબ્બીને માને છે, માન આપવા યોગ્ય જ નહિ, ચર્ચા કરવા યોગ્ય પણ. એકવાર મેં અને ભોળાભાઈએ એમની વચ્ચે સંસ્કૃત અને પશ્ચાત્યકાવ્યશાસ્ત્રના એક મુદ્દાની બહુ ઝીણી ચર્ચા સાંભળી. હિંદીમાં કહેવત છે: ‘બાલ કી ખાલ નિકાલના.’ એ બેની વચ્ચે થયેલી ચર્ચા સાંભળતાંગુજરાતીમાં એવી કહેવતની ખોટ સાલેલી.

ઉંમર વધતાં સ્મૃતિ ઘટે છે એ નિયમ રસિકભાઈએ તોડી નાખ્યો છે. એમની જન્મતારીખ છે 20-8-1897. 1982 સુધી એમને મળવાનું થતું. એમને વર્ષો પહેલાં વાંચેલું બધું યાદ આવે. કોઈ એક ભાષામાં નહિ, સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી ત્રણેયમાં. એમનું પુસ્તક ‘આનંદ–મીમાંસા’ યશવંતભાઈની દૃષ્ટિએ ગુજરાતીમાં તુલનાત્મક સૌંદર્ય–મીમાંસાનો પ્રથમ ગ્રંથ છે. 1965-66માં હું વિદ્યાપીઠ છોડી વિદ્યાસભાના‘પારિભાષિક કોશ’ના કામમાં જોડાયો ને ‘આનંદ–મીમાંસા’ વાંચીને એમને મળવા પ્રેરાયો. હું તો ત્યારે શરૂઆત કરનાર હતો. એવું તો શુંલખ્યું હતું? પણ જે કંઈ જોયું હશે એથી મુજ જુવાન પર રાજી હતા. પછી તો એમને મળાયું નથી કે કશુંક નવું પમાયું નથી!

હા, જિજ્ઞાસુએ એમને મળવું પડે. સભામાં સાંભળવાથી ન ચાલે. એ સારા વક્તા નહોતા. એમ તો બોલે મુદ્દાસર અને લંબાવતા નહોતા પણમાઈક સામે મુકાતાં જ એમનું સ્વગત શરૂ થાય. આચાર્ય રજનીશની સભાઓમાં એમના વક્તવ્યની ભાષા ન જાણતા હજારો શ્રોતાઓ હોયછે. સમાધિની મદદથી એમને સાંભળતા હશે. રસિકભાઈને સભા–સમારંભોમાં સાંભળવામાં મને આવી કોઈક ઇન્દ્રિયાતીત મદદ મળતીરહ્યાનો વહેમ છે.

છેલ્લાં બેપાંચ વરસમાં એ બનતાં સુધી ભાષણ કરવા જતા નહીં પણ વાંચવા–લખવાનું ચાલું હતું. એક વાર પહેલાં એ બીમાર હતા ને હુંખબર કાઢવા ગયેલો. ‘રુદ્રમહાલય’ લખું છું એ જાણીને મને ખપ લાગે એવું બોલેલા. જેમાંનું કેટલુંક મેં પછી વાંચેલું. જે પૂર્વે વાંચેલું તેએમને વધુ સારી રીતે યાદ હતું. વાતચીતમાં એ વિરલ વિદ્વાન લાગે. યશવંતભાઈ કહેતા કે આટલા બધા વિષયોની સજ્જતા ધરાવતાએમની કક્ષાના બીજા વિદ્વાનો આઠમા–નવમા દાયકાના ગુજરાતમાં નહોતા. પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી હતા ત્યારે એમની સાથેપણ રસિકભાઈની વિદ્વત્તાને યાદ કરી શકાતી. વૈદિક પાઠાવલી, કાવ્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્ર વિશેના ગ્રંથોનું સંપાદન, ‘ગુજરાતનીરાજધાનીઓ’, ‘ઇતિહાસ: પદ્ધતિ અને સ્વરૂપ’ આદિ ગ્રંથો, ત્રૈમાસિક ‘પુરાતત્ત્વ’માં આ સદીના ત્રીજા દાયકામાં લખેલા લેખો, અંગ્રેજીપુસ્તકો અને પ્રવચનો પ્રાચ્યવિદ્યા પરિષદના સંસ્કૃત વિભાગના અને ગુજરાતી સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેનાંવ્યાખ્યાનો, સર્જનાત્મક કૃતિઓના સંસ્કૃત અને અંગ્રેજીમાંથી અનુવાદો; કવિતા (‘સ્મૃતિ’), વાર્તા (‘જીવનનાં વહેણો’), નાટક (‘મેનાં ગુજરી’ અને ‘શર્વિલક’) વિવેચનનાં પુસ્તકો (‘પુરોવચન અને વિવચન’ ‘કાવ્યનુશાસન’નું સંપાદન) — એ બધાની સૂચિ તરફ નજર કરતાં જભુલભુલામણી જેવું લાગે છે. એક માણસ આટલા બધા વિષયોમાં, આટલા જથ્થામાં અને તેય ઝીણવટપૂર્વક આમ કામ કરી શકે? ગુજરાતીસાહિત્ય પરિષદના મુંબઈ અધિવેશનના એ પ્રમુખ હતા. આજ સુધીના પ્રમુખોનાં વાખ્યાનોમાં સહુથી લાંબું એમનું વ્યાખ્યાન રહ્યું છે. એટલુંજ નહીં, એમણે એ આખું વાંચવાનો આગ્રહ પણ રાખેલો. મૂળ ગાંધીજીના સંસ્કાર. વિદ્યાર્થીઓ નહીં હોય તો વાંદરાંનાં બચ્ચાં માટે પણવિદ્યાપીઠ ચલાવીશ! જોકે રસિકભાઈને શ્રોતાઓની ખેંચ ન પડત. સહુને માટેના વક્તા એવા શ્રી યશવંતભાઈ રસિકભાઈ સમક્ષ એકઅદના શ્રોતા બની બેઠા હોય. એ માને છે કે જ્ઞાનની સકળ શાખાઓ પ્રત્યે રસિકભાઈને તીવ્ર જિજ્ઞાસા હતી. જ્ઞાન પૂરા આધ્યાત્મિક અર્થમાંએમની ઉપાસનાનો વિષય હતો. સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, પેરા–સાયકોલોજી, બાયોલોજી અને અન્ય ભૌતિક વિજ્ઞાનો, બધાં વિજ્ઞાનોનુંતત્ત્વજ્ઞાન એમને આકર્ષે. એંશીની ઉંમરે જ્યારે એ ઝડપથી ચાલી શકતા નહોતા, બી. કે. મજૂમદારે આપેલી એ સુંદર રૂપેરી લાકડી હાથમાંરાખીને પણ સાધનાબહેન, ઇશિરા કે સુબંધુભાઈની સાથે ચાલવાનું પસંદ કરતા. છતાં ખુલ્લા માથે એકલા બેઠા હોય ત્યારે ચિત્તતંત્ર પૂર્વવત્સ્ફૂર્તિથી ચાલતું. શરીરનાં બીજાં અંગોનું વજન ઘટ્યું હતું, પણ મસ્તકને આંચ આવી નહોતી. હવે કોઈક સાંજે આછા અંધારામાં ફૂલઝાડપાસે પાટ પર બેઠેલા એમને જોવા નજર કરીએ ત્યારેય સહુથી પહેલાં એમનું મસ્તક દેખાય છે.

1979માં નાટ્યાચાર્ય જસવંત ઠાકરે તૈયાર કરેલા મારા નાટક ‘સિકંદર સાની’ના પ્રથમ પ્રયોગમાં રસિકભાઈ પધારેલા. રીહર્સલ જેવો જ શોહતો પણ એ છેવટ સુધી બેઠા. મેં એમને પૂછેલું: ‘કેવી રીતે ટકી શકેલા?’

ભજવણી દરમિયાન કૃતિને પોતાની રીતે પામી લેવાની એમણે એક આવડત કેળવેલી. ઉપરાંત સંકલ્પ કરેલો: નાટક જોવા ગયા હોઈએ તોછેવટ સુધી બેસવું. નહીંતર મુદ્દલ ન જવું. આ રીતે કલા અને કલાકારોની અદબ જાળવનાર ખુદ કલાકારો પણ કેટલા?

રસિકભાઈ સંગીત જાણે. જૂની રંગભૂમિના એક વિખ્યાત સંગીતકાર વાડીભાઈ સાથે એમને ઘરોબો હતો. થોડોક વખત ગીતો લખવાનીવ્યાવસાયિક કામગીરી પણ બજાવેલી. એમ જ કહો ને કે જૂની રંગભૂમિનું બધું જ જાણે. એ સિવાય એ ‘મેનાં ગુજરી’ રચી શક્યા હોતખરા?

કિશોરાવસ્થામાં હું ગામથી કોઈ કોઈ વાર અમદાવાદ આવેલો છું પણ જે વખત ‘મેનાં ગુજરી’ જોવા મળેલું એ મુલાકાતનું અમદાવાદઆજેય સ્મરણમાં શોભે છે. કાંકરિયાના ઓપન એર થિયેટરના એ પ્રયોગમાં ખુદ જયશંકર સુંદરીએ મેનાંના પિતાની ભૂમિકા કરેલી. દીનાબહેન, પ્રાણસુખભાઈ — બધાં યાદ છે. આખું નાટક એક ચિત્રકલ્પ રચના રૂપે તે દિવસ ચિત્તમાં જડાઈ ગયું તે જડાઈ ગયું. એ નાટકદિગ્દર્શક અને નટ–નટીની સાક્ષીએ જ સર્જાતું ગયું છે. એનું મૂળ લેખિત રૂપ તો એકાંકી સમું હતું. ‘શર્વિલક’ વાંચવા માટેનું નાટક રહીનેપણ આપણા નાટ્યસાહિત્યની એક વિશિષ્ટ કૃતિ ઠરે છે. જશવંત ઠાકરે એને પાંચ કલાકમાં ભજવી બતાવેલું. ‘નટમંડળ’ તો મૂળરસિકભાઈનું જ સ્વપ્ન.

ગુજરાતીમાં ઇબ્સનના અનેક અનુવાદો ભજવાયા એના મૂળમાં પણ રસિકભાઈ. ઍબ્સર્ડ સુધીનું બધું જાણે. પરિષદના પેલા દીર્ઘતમવ્યાખ્યાનમાં એમણે પાશ્ચાત્ય સાહિત્ય–મીમાંસકોને પણ નાણી જોયા છે.

રસિકભાઈએ સંસ્કૃત અને અંગ્રેજી સાથે એમ. એ.ની તૈયારી ભરપૂર કરેલી પણ અસહકારની લડત શરૂ થઈ અને એમણે કોઈ સરકારીપરીક્ષા ન આપવાનો નિર્ણય કર્યો. એમના પિતાશ્રી છોટાલાલ પરીખ અમારી બાજુ સાદરામાં વકીલાત કરતા હતા. પિતાશ્રીની ઇચ્છાથીરસિકભાઈ પૂનામાં ચાર વર્ષ બી. એ. થયેલા. એ ઉંમરે એમણે ‘ભારતીય તત્ત્વજ્ઞાનમાં પરિવર્તન અને નિત્યતાનો સિદ્ધાંત’ તથા‘અનેકાન્તનો જૈન ન્યાય’ નામે બે નિબંધો અંગ્રેજીમાં લખેલા, જે ખ્યાતિ પામેલા. હેમચંદ્રાચાર્યના અભ્યાસી તરીકે પણ એમની નામના હતી. ત્યાં પૂનામાં ગુણે, રાનડે, પટવર્ધન, અભ્યંકર શાસ્ત્રી આદિ વિદ્વાન અધ્યાપકોનો એવો તો લાભ મળેલો કે પછી એમણે પીએચ. ડી.નામાર્ગદર્શક તરીકે કોઈ ગુજરાતીને ન છાજે એવી શિસ્તથી પોતાના વિદ્યાર્થીઓ પાસેથી કામ લીધેલું. આચાર્યશ્રી ચીનુભાઈ નાયક કહે છે કેરસિકભાઈના હાથ નીચે પીએચ. ડી. થનારાઓમાં કદાચ એકબે જણ રડ્યા વિના પાસ થયા હશે. પ્રો. નાન્દી જેવા પણ કપાળ કૂટતા અનેચીનુભાઈ સ્વયં રડવાની અણીએ આવીને અટકી જતા. કારણમાં બીજું કશું નહીં. કષ્ટપ્રદ વિલંબ, કામ કરાવ્યે જ જાય. વરસોનાં વરસલાગે કેમ કે નાનામાં નાની વિગતની ચકાસણી કરવા માટે પણ વિદ્યાર્થીને મૂળ સંદર્ભ જોવાની ફરજ પાડે. વિદ્યાર્થીને ન આવડતી ભાષામાંલખાયેલી સામગ્રી સમજવા ભાષાવિદ શોધવાની ફરજ પાડે, ચીનુભાઈ નાયક ભરતના નાટ્યશાસ્ત્ર પર પીએચ.ડી. કરતા હતા. ‘નાસાપુટ’ શબ્દ આવ્યો. ચીનુભાઈએ એનું અંગ્રેજી શોધ્યું. ‘નોસ્ટ્રિલ’. એ ન ચાલે. અહીં તો ત્રિવિધ અભિનયની વાત આવતી હતી. મેડિકલડિક્શનરી જોવડાવી. પછી તો વિદ્યાર્થીએ પણ ચેલેન્જ ઉપાડી લીધી ને ત્રણેક ડૉક્ટરોના જ્ઞાનની કસોટી કરી નાખી. છેવટે ‘એલી’ શબ્દમળ્યો. ‘ટુ એક્સપ્રેસ ગુડ ઓર બૅડ સ્મેલ!’ ઉપરાંત ડૂસકાં લેતી વખતે વચ્ચે પણ આ ‘એલી’ ઉર્ફે નાસાપુટથી અભિનય કરી લેવાનો.

આ એક શબ્દ માટે થઈને ચીનુભાઈનું અઠવાડિયું ગયું. મારાથી પુછાઈ ગયું: ‘તમને ડાયાબિટિસ પીએચ.ડી. કરતાં કરતાં થયો?’ ‘ના. પહેલાંથી હતો પણ રસિકભાઈએ ડૉક્ટર પાસે ચેકિંગ કરાવીને હું “ફીટ” છું કે નહીં એની ખાતરી કરાવી લીધી હતી.’ શક્ય છે રસિકભાઈડાયાબિટિસ વિશે પણ ચીનુભાઈ કરતાં થોડુંક વધુ જાણતા હોય.

યશવંતભાઈ દ્વારા એક પ્રસંગ જાણવા મળેલો. જૂનો છે. એમના ભો. જે. વિદ્યાભવનના હિસાબનીશે કંઈક ભૂલ કરી હશે ઘણું કરીનેવાઉચર આડે હાથ મુકાયો હશે. ઓડિટરે નોંધ કરી અને રસિકભાઈએ આદેશ આપ્યો. ખૂટતા પૈસા મૂકી દો. દરમિયાન પોતે વિચારીરાખ્યું કે હિસાબનીશ પૈસા ન મૂકે તો શું કરવું? માણેકબાનાં ઘરેણાં ગિરવે મૂકીને પૈસા ભરી દેવા! એમ કરવાની નોબત ન આવી પણનિર્ણય તો કરી જ લીધો હતો, સંસ્થાના વડા તરીકે એ જવાબદારી પોતાની પણ ગણાય એવા ભાવથી.

એમને 82 વર્ષ થયાં ત્યારે વર્ષાબહેન નામે એક અંગ્રેજીનાં યુવાન અધ્યાપિકાએ રસિકભાઈના હાથ નીચે પીએચ. ડી. શરૂ કર્યું: ‘ભરત અનેએરિસ્ટોટલ’ વિશે. એમણે સમયસર કામ પૂરું પણ કર્યું. સાઈઠ વર્ષે નિવૃત્ત કરવા યોગ્ય અધ્યાપકો સાથે રસિકભાઈને સરખાવી જુઓ! જેપાસે જાય એને પ્રકાશ મળે. પણ દૂર કે નજીકના કોઈને એમનો ભાર નહીં. પરિભાષાની ચોકસાઈથી વાત કરીએ તો રસિકભાઈ સંત નહીં, મનીષી કહેવાય. છતાં મકરંદભાઈની પંક્તિઓ અહીં યાદ આવી જાય છે:

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી,
કોઈનું નહીં અપરાધી ને કોઈનું નહીં કાજી.

પહેલી નવેમ્બર 1982ની સવારે એમણે વિદાય લીધી. જ્યોતિષની દૃષ્ટિએ દિવસ ચોખ્ખો હતો. શરદપૂનમ હતી. એમની પૌત્રી ઈશિરાગરબો કરવાની હતી. ચંદ્ર સોળે કળાએ ખીલવાનો હતો. આટલો ભાગ જરા બાકી રહી ગયો. એમની રસિકતા એવી હતી કે એ માટે પણએમણે ફરી અવતરવું જોઈએ, મુક્તિનો હક જતો કરીને પણ.