સાહિત્યચર્યા/ઇંગ્લંડ અને ભારત


ઇંગ્લંડ અને ભારત

૧૯૭૭ના જાન્યુઆરીની ૮મીથી ૧૬મી લગી નવેક દિવસ માટે સુપ્રસિદ્ધ અંગ્રેજ ચિન્તક અને નવલકથાકાર સી. પી. સ્નો ડૉ. વિક્રમ સારાભાઈ સ્મારક વ્યાખ્યાન માટે ઇંગ્લંડથી ખાસ અમદાવાદ આવ્યા હતા. ૯મીએ રાતે સાબરમતી આશ્રમમાં એ અંગ્રેજીમાં ‘Sound and Light’નો કાર્યક્રમ જોવા ગયા હતા. કાર્યક્રમને અંતે મારે એમને ટ્રસ્ટીમંડળના સભ્યો સાથેના રાતના ભોજન માટે સાબરમતી આશ્રમથી શાહીબાગ જીમખાના પર લઈ જવાના હતા. રાતે નવ વાગ્યે એ કાર્યક્રમમાંથી બહાર આવ્યા. મેં રસ્તામાં ગાડીમાં એમને પૂછ્યું ‘How did you find the programme?’ એમણે આર્દ્ર અવાજમાં કહ્યું, ‘It was very moving. Wherever I go I come across the sins my people have committed against the peoples of Asia and Africa.’ પછી એના અનુસંધાનમાં અમારો વધુ સંવાદ થયો ત્યારે એમણે ઉમેર્યું. ‘Your tragedy is that the Industrial Revolution came too late to you. Our tragedy is that it came too early to us.’ પછી રાતના નવથી અગિયાર વાગ્યા લગી શાહીબાગ જીમખાનામાં ટ્રસ્ટીમંડળના સભ્યો સાથેની વાતો દરમ્યાન જાણે કે એના જ અનુસંધાનમાં એમણે કહ્યું, ‘The British should have focussed their attention not on India but on the consequences of the Industrial Revolution for themselves.’ ભારત વિશે અને ઇંગ્લંડ વિશે કેટકેટલી સૂઝસમજ હતી એમના આ સંવાદોમાં! ૨૦૦૦