સાહિત્યચર્યા/વ્યવહારપુરુષો અને સાહિત્ય


વ્યવહારપુરુષો અને સાહિત્ય

કહે છે કે કવિતાને પ્રેમથી પોલિટિક્સ લગી કશું પારકું નથી, ત્યાજ્ય નથી, અસ્વીકાર્ય નથી. (Nothing is alien to poetry) કારણ કે કવિતા, કહો કે સમગ્ર સાહિત્ય, એટલે સંવાદિતા. સાહિત્યમાં મારું, તારું, પોતાનું, પારકું એવા એવા ભેદભાવ નથી. પણ ક્યારેક ખુદ સાહિત્યકારો જ આ વાત વીસરી જાય છે અને ત્યારે સાહિત્ય આને માટે હોવું જોઈએ અને તેને માટે હોવું જોઈએ, ફલાણાને માટે હોવું જોઈએ અને ઢીંકણાને માટે હોવું જોઈએ એવું જોસ્સાથી જાહેર કરી નાંખે છે. પછી પોતે સાહિત્યકાર છે એ વાત પણ વીસરી જાય એમાં નવાઈ શી? પછી ‘જનતા કેરી જબાન’ થવાનાં જ સોણલાં જાગે ને? સાહિત્ય ‘જનતા’ માટે હોવું જોઈએ (બિચારી જનતા! આખું જગત ‘જનતા’ માટે શું શું હોવું જોઈએ અને શું શું ન હોવું જોઈએ એ કહી શકે એક માત્ર ‘જનતા’ જ પોતાને માટે શું હોવું જોઈએ અને શું નહિ એ કદી ન કહી શકે!), ‘લોકો’ માટે હોવું જોઈએ, ‘સામાન્ય માણસ’ માટે હોવું જોઈએ. કબૂલ. પણ આ સિવાયના માટે ન હોવું જોઈએ એવો એનો અર્થ તો નથી ને? અને એવો અર્થ હોય તો એનું કંઈ કારણ? સાહિત્યકારે એવા અલ્પસંતોષી થવાનું કંઈ કારણ? એની મહેચ્છા આવી મર્યાદિત હોવાનું કંઈ કારણ? સાહિત્ય મનુષ્ય માત્રને માટે છે. રાહદારીથી માંડીને રાજપુરુષો લગીના સર્વ મનુષ્યો માટે છે. ઇતિહાસમાં કેટલાક રાજપુરુષો એવા છે કે જેમને માટે સાહિત્ય વિના જીવવું અશક્ય હતું (નહેરુને પૂછો તો કે તેઓ સાહિત્ય વિના જીવી શકે?) તો સાહિત્યકારોએ આવા વાચકોની ઉપેક્ષા કરવાનું કંઈ કારણ? સાહિત્યના માણસોને રાજકારણના માણસો માટે સૂગ ન હોય, કારણ કે જો રાજકારણના માણસો સાહિત્ય નહિ વાંચે તો માનવજાતનું સત્યાનાશ થશે. તો બીજી બાજુ રાજકારણના માણસોને સાહિત્યના માણસો માટે તુચ્છભાવ ન હોય. વેપાર, ઉદ્યોગ, ધન અને સત્તાના માણસો જ્યારે સાહિત્યની સંસ્થાઓ અને સમારંભોમાં ઉપસ્થિત થાય ત્યારે પોતાનું યોગ્ય સ્થાન (અને માન પણ) સંભાળે, પોતાનો વિવેક ન ચૂકે અને તત્કાલ માટે પોતે સત્તાધારી વ્યવહારપુરુષો છે, ‘મેન ઓફ પાવર’ છે એ વાત વીસરી જાય, એનો માથે ભાર ન રાખે અને પોતે સાહિત્યના ચાહકભાવક છે એનું સતત ભાન રાખે તો જ પોતે, પોતાની સત્તા, પોતાનો સમાજ અને સારોયે પ્રસંગ શોભી ઊઠે. એનું એક જ્વલંત દૃષ્ટાંત લંડનમાં ૧૯૫૬ના જુલાઈની ૮મીથી ૧૩મીમાં મળેલી આંતરરાષ્ટ્રીય પી.ઈ.એન.ની ૨૮મી કોંગ્રેસના ભાષણોના અહેવાલમાંથી સાંપડી રહે છે. કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય પ્રમુખ હતા પ્રસિદ્ધ અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ મોર્ગન. પણ એમણે અત્યારના ઇંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સના નેતા અને રોયલ સોસાયટી ઓફ લીટરેચરના પ્રમુખ તથા એક વખતના ચાન્સેલર ઓફ ધ એક્સચેકર અને કેળવણીપ્રધાન આર. એ. બટલરને કોંગ્રેસનું મંગલપ્રવચન કરવા આમંત્રણ આપ્યું હતું. એક વ્યવહારપુરુષ સાહિત્યકારોની, જગતના સર્જકોની સૃષ્ટિમાં ઉપસ્થિત થાય ત્યારે એનામાં પોતે સત્તાનો માણસ છે એનું પૂરેપૂરું જવાબદારીપૂર્વકનું એવું ભાન હોય કે જેથી સાહિત્યકારોને એનો જરીયે ભાર ન લાગે અને પોતે સર્જકોની સૃષ્ટિમાં અત્યારે ઉપસ્થિત થયો છે એનું પણ પૂરેપૂરું જવાબદારીપૂર્વકનું એવું ભાન હોય કે જેથી પોતાને માથે પણ સત્તાનો ભાર ન લાગે એવું બટલરનું આદર્શ વલણ અને વર્તન હતું. સત્તાના સ્થાનેથી સાહિત્ય પર કૃપા કરવા કોઈ વ્યવહારપુરુષ નહિ પણ સાહિત્યના જેવી જ જાહેર અને લોકસંપર્કની પ્રવૃત્તિ રાજકારણના એક સહકાર્યકર, ઇંગ્લેન્ડની પરંપરા, પ્રજા, પ્રતિષ્ઠા, સ્વાતંત્ર્યપ્રિયતા અને સાહિત્યપ્રેમના પ્રતિનિધિ સમાન પ્રશ્નોને સમજવા સૌની સાથે મળી રહ્યા છે એમ એ મંગલપ્રવચન વાંચતા વેંત વરતાય છે. ૧૨ જાન્યુઆરી ૧૯૫૭