સાહિત્યચર્યા/સિડ્નીની સહાનુકંપા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સિડ્નીની સહાનુકંપા

રાણી એલિઝાબેથ પ્રથમનો યુગ એ અંગ્રેજી સાહિત્યના ઇતિહાસનો સુવર્ણ યુગ છે. આ યુગનો જો કોઈ બત્રીસલક્ષણો સપૂત હોય તો તે સર ફિલિપ સિડ્ની. એમની બહુમુખી પ્રતિભા હતી. એ ઉમરાવ, મુત્સદ્દી, સૈનિક, વિદ્વાન, વિવેચક અને કવિ હતા. એમનો જન્મ ૧૫૫૪માં કેન્ટમાં પેન્સ- હર્સ્ટમાં થયો હતો. પિતા સર હેન્રી સિડ્ની આયર્લેન્ડમાં લોર્ડ ડેપ્યુટી હતા. આમ, એ ગર્ભશ્રીમંત અમીર કુટુંબના નબીરા હતા. ઉચ્ચ અભ્યાસ માટે ઑક્સફર્ડ ગયા હતા પણ ઉપાધિ પ્રાપ્ત કર્યા વિના જ ૧૫૭૧માં યુનિવર્સિટીમાંથી વિદાય થયા હતા. ૧૫૭૨થી ૧૫૭૫ લગી ત્રણ વર્ષ કાકા અર્લ ઑફ લેસ્ટર સાથે યુરોપના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો. ૧૫૭૬માં આયર્લેન્ડમાં પિતાની સાથે યુદ્ધમાં સક્રિય હતા. પછીના તરતના સમયમાં એ યુરોપના દેશોમાં મુત્સદ્દી તરીકે પણ સક્રિય હતા. ૧૫૮૨માં રાણી એલિઝાબેથે એમને ‘સર’નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો. અને તેઓ રાણીની રાજસભામાં અને ઇંગ્લંડની પાર્લામેન્ટમાં સક્રિય હતા. સમકાલીન કવિ સ્પેન્સરે તથા ગદ્યકાર હેકલ્યુટે પોતાની એક એક કૃતિ એમને અર્પણ કરી હતી. ૧૫૮૦માં અને પછીનાં વર્ષોમાં એમની બહેન કાઉન્ટેસ ઑફ પેમ્બ્રોકના મનોરંજન માટે અંગ્રેજી ભાષાની પ્રથમ રોમેન્ટિક ગોપકથા ‘આર્કેડીઆ’, ૧૫૮૧-૮૨માં પેનેલોપી દેવેરો માટેના પ્રેમની પ્રેરણાથી સૉનેટમાલા ‘એસ્ટ્રોફેલ ઍન્ડ સ્ટેલા’ તથા ૧૫૮૨માં ચોખલિયા પ્યુરીટન વિવેચક સ્ટીફન ગોસોનના કળાઓ વિરુદ્ધના વિવેચનગ્રંથના પ્રતિકારમાં વિવેચનગ્રંથ ‘ડીફેન્સ ઑફ પોએસી’ – આ ત્રયીથી અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એમણે કાયમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ ચુસ્ત પ્રોટેસ્ટંટ હતા એથી ૧૫૮૬માં પ્રોટેસ્ટંટધર્મી હોલેન્ડના પક્ષે રોમન કેથલિકધર્મી સ્પેનની વિરુદ્ધ યુદ્ધ માટે હોલેન્ડમાં ઝુટપેન ગયા હતા. યુદ્ધમાં ઘવાયા હતા. એથી ૨૬ દિવસ પછી ૩૨ વર્ષની અતિકાચી વયે અવસાન પામ્યા હતા. એમને લંડનમાં સેન્ટ પૉલ્સ કેથિડ્રલમાં દફનાવવામાં આવ્યા હતા. આમે ય એ ગર્ભશ્રીમંત અમીર કુટુંબના નબીરા તો હતા જ પણ એમની નૈસર્ગિક બહુમુખી પ્રતિભાને કારણે એ પુનરુત્થાન યુગની અસ્મિતાના અનન્ય પ્રતીકરૂપ હતા, એ એલિઝાબેથના યુગના યૌવનની આદર્શ મૂર્તિરૂપ હતા. એમના જીવનના અંતિમ દિવસોનો યુદ્ધભૂમિ પરનો એક પ્રસંગ અંગ્રેજ પ્રજાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયો છે. એ યુદ્ધભૂમિ પર ઘવાઈને પડ્યા હતા, તરસ લાગી હતી, એમની પાસે એક પાત્રમાં થોડુંક પાણી હતું. એ પાત્રમાંથી પાણી પીવા જતા હતા ત્યાં એમની નજર બાજુમાં જ એક સૈનિક એમની જેમ જ ઘવાઈને પડ્યો હતો એની પર પડી. એને પણ તરસ લાગી હતી, એ તાકી તાકીને પાણીના પાત્રને જોઈ રહ્યો હતો. એમણે પાત્ર એ સૈનિકને આપ્યું અને કહ્યું, ‘Thy necessity is greater than mine.’ એ સૈનિકે પાત્ર લીધું અને એમાંનું પાણી એ પી ગયો. સિડ્ની તરસ્યા જ રહ્યા. આ ઘટનામાં સિડ્નીની માનવતા, ઉદારતા અને અનુકંપા પ્રગટ થાય છે, એમાં પુનરુત્થાન યુગનો આત્મા ચરિતાર્થ થાય છે. અંગ્રેજ પ્રજા આ ઘટનાની સ્મૃતિને એના હૃદયમાં કાયમને માટે સાચવી રહી છે. જાન્યુઆરી ૨૦૦૦