સાહિત્યિક સંરસન — ૩/પન્ના નાયક


++ પન્ના નાયક ++


૧ : મારી કવિતા — 

એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે

એમાં મારો મેકઅપ વિનાનો ચહેરો છે

એમાં મારાં વિચારોનું સત્ત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે

એમાં કાચની પારદર્શકતા છે

એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે

એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે

એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે

એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઇકાલ નથી, કોઈ આવતીકાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી

એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
એમાં પન્ના છે,
એમાં પન્ના છે.

૨ : રૂપાંતર —  

શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પોચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.
ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ . . .
પણ તું માનીશ

આજે

સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ

લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.

હવે મારે તારું નામ લખવાની શી જરૂર?

૩ : કોઇની બુદ્ધિનાં પાંજરામાં —

કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,

કરવાનું મને મંજૂર નથી;

કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,

અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;

જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,

મને આવું અઢેલવાનું મંજૂર નથી.
 
પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય,

પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય,

મનની માલિક હું મારે તે બીક શી?

હું તો મૌલિક છું.

હામાં હા કહીને ઠીક ઠીક રહીને,

મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું, માપસર ચાલવાનું,

માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,

માપસર હળવાનું, માપસર ભળવાનું,

આવું હળવાનું ભળવાનું, માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.



તન્ત્રીનૉંધ :

૧ : મારી કવિતા —  કોઈપણ કવિના કાવ્યમાં આમાંનું કેટલુંક હોઈ શકે, પણ એક સશક્ત સ્ત્રીકવિના કાવ્ય રૂપે આમાં ઘણું છે. એક અર્થમાં આ એકરારનામું છે -જેમાં શક્તિ અને નબળાઈ છે, સફળતા અને નિષ્ફળતા છે, સત્ય અને અસત્ય વચ્ચેનો, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો, કવિવ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ છે. છતાં કાવ્યકથક પન્ના નાયકની નિરામય ઋજુ વ્યક્તિતાનું એમાં સ્વચ્છ પ્રતિબિમ્બ છે. આપણે આ રચનાને પન્ના નાયકનું કાવ્ય ગણીએ તો ભૂલ કરી નહીં કહેવાય.

૨ : રૂપાન્તર — પ્રેમ-ભાવના સંવેદનની અભિવ્યક્તિરૂપ આ રચના કાવ્ય એટલા માટે છે કે એ સંવેદનને શબ્દશક્તિ વડે કાવ્યકથકે ચાર્જ તો કર્યું જ છે, પણ એનું દૃશ્યાલેખન કરીને એને આકારિત કર્યું છે જેથી એ જીવન્ત અનુભવાય છે. એ પરિણામે કરીને, ભાવક એને માણી શકે છે. રૂપાન્તર એ છે કે ખડબચડી સવાર સુંવાળી વાસંતી સવાર બની ગઈ અને સ્નોયી જગ્યામાં ડૅફોડિલ્સ ઊગી નીકળ્યાં. આવું રૂપાન્તર કલામાં જ શક્ય છે, પછી એ ચિત્રકલા હોય કે કૅમેરાકલા. ફર્ક એ છે કે સાહિત્યકલા પાસે સર્જનાત્મક શબ્દો સિવાય કશું જ નથી, તેમછતાં એ સર્વકલાસર્જક હોવાનો સાર્થક દાવો કરી શકે છે. એ હકીકતનું આ કાવ્ય એક નાનકડું દૃષ્ટાન્ત છે.

૩ : કોઇની બુદ્ધિનાં પાંજરામાં — કાવ્યકથક નારીના સચ્ચાઈભર્યા સૂરે વ્યક્ત થયેલા સંકલ્પ કે નિર્ધારની સાફ નિરૂપણાથી રચનામાં એ સચ્ચાઈનો રણકાર પણ સંભળાશે. દૃષ્ટાન્ત માટે પહેલી બે પંક્તિ જ પર્યાપ્ત છે, ‘કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ, / ટહુક્યા કરવાનું મને મંજૂર નથી… ’ આ ‘કોઈ’ છે કોણ? એ છે પૈતૃક સત્તાએ ઉપજાવેલી સામાજિક પરમ્પરાનો પ્રતિનિધિ. એની પાસે ‘પ્રેમ’-નામી ડંખ છે, ‘બુદ્ધિ’-નામી પાંજરું છે. ડંખ અને પાંજરું નારીશોષણનાં પ્રતીક છે. રચનાની આ પંક્તિઓ ઘણી આસ્વાદ્ય છે : ‘હું તો મૌલિક છું. / હામાં હા કહીને ઠીક ઠીક રહીને, / મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી’. એમાં રચનાની નારીનો આત્મવિશ્વાસભર્યો નિજી અવાજ સવિશેષે અનુભવાશે.