સાહિત્યિક સંરસન — ૩/બાબુ સુથાર

From Ekatra Wiki
Revision as of 14:56, 1 November 2023 by Atulraval (talk | contribs) (Created page with "__NOTOC__ {{SetTitle}} {{Heading| ‘સન્ધિ’ સંપાદનની પ્રયોગશાળા | બાબુ સુથાર }} <br> {{Poem2Open}} વરસ યાદ નથી. પણ ત્યારે ઇન્દ્ર શાહે સુમન શાહને ક્લિવલેન્ડ બોલાવેલા. એ વખતે એમણે સુમનભાઈને પૂછ્યું હશે કે બીજા કયા સાહિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘સન્ધિ’ સંપાદનની પ્રયોગશાળા

બાબુ સુથાર


વરસ યાદ નથી. પણ ત્યારે ઇન્દ્ર શાહે સુમન શાહને ક્લિવલેન્ડ બોલાવેલા. એ વખતે એમણે સુમનભાઈને પૂછ્યું હશે કે બીજા કયા સાહિત્યકારને બોલાવવા જોઈએ ત્યારે એના જવાબમાં સુમનભાઈએ મારું નામ આપેલું અને એ આમંત્રણને માન આપીને હું ફિલાડેલ્ફિયાથી બસ લઈને ક્લિવલેન્ડ ગયેલો. એ વખતે વાતમાંથી વાત નીકળતાં મેં ઇન્દ્રભાઈને કહેલું કે અમેરિકામાંથી એક શુદ્ધ અર્થમાં જેને સાહિત્યિક કહી શકાય એવું એક સામયિક કાઢવું જોઈએ. એવું સામયિક જે ચીલે ચીલે ન ચાલે અને ગુજરાતી સાહિત્યને કંઈક નવું આપે. ત્યારે ઇન્દ્રભાઈએ મારી વાત પર ખાસ ધ્યાન ન હતું આપ્યું. પછી તો બેએક વરસ વીતી ગયાં અને એક દિવસે ઇન્દ્રભાઈનો ફોન આવ્યો. કહે: તમે સામયિક કાઢવાની વાત કરતા હતા તો બોલો શું કરવું છે? કાઢવું છે? મારું ફાઉન્ડેશન સામયિકની તમામ આર્થિક જવાબદારી લેશે અને તમને સંપૂર્ણ સ્વતંત્રતા. તમે મારી કૃતિઓને પણ પ્રગટ કરવાની ના પાડી શકશો. મારા તરફથી કોઈ દબાણ નહીં આવે. સાચું કહું તો ત્યારે મને એમની વાત પર શંકા ગયેલી. મને થયેલું: એક ગુજરાતી સાહિત્યકાર, વળી પૈસેટકે સુખી એવો સાહિત્યકાર, મારી પાસે એક સામયિક કઢાવે તો શું પોતાની કૃતિઓને મૂકી રાખવા માટે એ બધું કરતો હશે? એટલે જવાબમાં મેં કહ્યું કે મને વિચારવા દો. ત્યાર બાદ ઇન્દ્રભાઈએ બેત્રણ વાર ફોન કર્યા અને દરેક વખતે એમણે એ જ વાત કરી: તમને પૂરી સ્વતંત્રતા. આખરે હું એમની સાથે સહમત થયો. અમે ચર્ચા કરીને એ સામયિકનું નામ ‘સન્ધિ’ રાખવાનું નક્કી કર્યું. ઇન્દ્રભાઈ પોતે એના સંપાદનમંડળીમાં જોડાવા તૈયાર ન હતા. મેં એમને ખૂબ આગ્રહ કરેલો. તો પણ, એમણે કહેલું કે ના, તમને સ્વતંત્રતા મળવી જોઈએ. આખરે મેં એમને ‘બ્લેક મેઈલ’ કર્યા. મેં કહ્યું કે હું વડોદરાના અને મુંબઈના મોટા ભાગના સાહિત્યકારો અને એમની સાથે સંકળાયેલા બીજા કેટલાક સાહિત્યકારોને સારી રીતે ઓળખું છું અને તમે અમદાવાદના અને બીજા પ્રદેશોના સાહિત્યકારોને સારી રીતે ઓળખો છો. જો તમે સંપાદનમંડળીમાં જોડાઓ તો એ સાહિત્યકારોનો લાભ પણ ‘સન્ધિ’ને મળે. અને ઇન્દ્રભાઈ સહમત થયા. જો કે, સંપાદનમંડળીમાં જોડાયા પછી એમણે કદી પણ સંપાદનમાં દરમિયાનગીરી કરી નથી. હા, મારા વતી એ ચીનુ મોદી સહિત ઘણા સાહિત્યકારોને ફોન કરીને એમની કૃતિઓ મંગાવતા અને ત્યારે કહેતા પણ ખરા કે અંતિમ નિર્ણય બાબુભાઈ જ લેશે. અને એમ જ થતું. આ એ જમાનાની વાત છે જ્યારે WhatsApp જેવી મફત લાગતી પ્રત્યાયન વ્યવસ્થાઓ ન હતી અને ભારત ફોન કરવા પાછળ પ્રમાણમાં સારો એવો ખર્ચ કરવો પડતો હતો. એ બધી જવાબદારી ઇન્દ્રભાઈએ સંભાળી લીધી હતી. કોઈ પણ સામયિકની વાત કરવી હોય તો એના સંપાદનથી લઈને તે એના પ્રકાશન, વિતરણ તથા બીજાં અનેક પાસાંની વાત કરવી પડે. અમે પ્રકાશન યોગ્ય રીતે થાય, સમયસર થાય, અને અમે ઇચ્છીએ છીએ એવું થાય એ માટે ત્રણ ત્રણ વાર પ્રકાશકો બદલેલા. આરંભમાં અમે ‘કુમાર’ અને ‘કવિલોક’નું કામ સંભાળતી સંસ્થાઓને એ કામ સોંપેલું પણ એ પહેલા અંકના પ્રકાશનમાં જ એ નિષ્ફળ ગયેલા. એમણે એટલી બધી ભાષાભૂલો રહેવા દીધેલી કે અમે બીજા અંકથી જ પ્રકાશક બદલી નાખેલો. ઇન્દ્રભાઈએ એ માટે તરત જ સહમતિ આપેલી. હકીકતમાં પહેલા અંકના પ્રકાશનથી હું એટલો બધો હતાશ થઈ ગયેલો કે એક તબક્કે તો મને એમ પણ થયેલું કે આપણે હવે આગળ વધવું નથી અને એક અંકના પ્રકાશન પછી આપણે આ સામયિક બંધ કરી દઈએ. બેત્રણ મિત્રોએ તો મજાકમાં એ અંકના વખાણ પણ કરેલા. જો કે, એક કરમશી પીરે મને જરા જુદી રીતે પાનો ચડાવેલો. એમણે કહેલું કે તમારી વિભાવના પ્રમાણે ‘સન્ધિ’નું પ્રકાશન ન થાય તો એ માટે તમે નહીં, પ્રકાશનસંસ્થા જવાબદાર છે. તમે પ્રકાશનસંસ્થા બદલી નાખો. અને એમ કર્યું. અમે ફોટોકંપોઝ કરવાથી લઈને તે એના બાઈન્ડિંગ સુધીની બધી જ જવાબદારી વડોદરામાં સંવાદ પ્રકાશનને સોંપી. એમણે એ જવાબદારી બરાબર સંભાળેલી. પણ, કામના ભારણને કારણે કે બીજાં કોઈક કારણોસર ‘સન્ધિ’ના પ્રકાશનમાં અનિયમિતતા આવી ગયેલી. સંવાદ પ્રકાશનની ત્યારે એક જ મુશ્કેલી હતી. એ મુશ્કેલી તે ઇલેક્ટ્રોનિક સંવાદની. હું કોઈ સામગ્રી ઇ-મેઈલથી મોકલું તો મારે પાછું ફોન કરીને કહેવું પડતું કે ઇમેઈલ જોજો. ત્યારે કદાચ ઇમેઈલ પણ પ્રમાણમાં નવી પ્રત્યાયન વ્યવસ્થા હતી. જો કે, સાવ જ નવી વ્યવસ્થા તો ન હતી. પણ, સંવાદ પ્રકાશને, કેટલાંક કારણોસર, એ બધી વ્યવસ્થાઓ સ્વીકારવામાં જરાક પરંપરાગત અભિગમ રાખેલો. આ તો આરંભના દિવસોની વાત છે. અત્યારે એવું નથી. સંવાદ પ્રકાશનને પ્રકાશન વગેરેની વ્યવસ્થા સોંપેલી એને કારણે મને ક્યારેક સંપાદનમાં પણ મદદ મળી જતી. એકાદબે પાનાં કોરાં રહેતાં હોય તો યુયુત્સુનો સંદેશો આવતો, “બે પાનાંની સામગ્રી મોકલજો.” આવી પરિસ્થિતિમાં, નવી સામગ્રી શોધવાને બદલે હું કહી દેતો કે શિરીષભાઈને વાત કર. એ જે સામગ્રી આપે તે મૂકી દે. જો કે, ઘણી વાર હું સામગ્રીનું નામ આપતો અથવા તો કેવી સામગ્રી હોવી જોઈએ એનું સૂચન પણ કરતો. અને શિરીષભાઈ એમ કરતા. સંવાદ પ્રકાશનને ‘સન્ધિ’નું કામ સોંપ્યું ત્યારે કેટલાક મિત્રોએ મને કહેલું કે જો તું એમને કામ આપીશ તો શિરીષભાઈ અને એમના મિત્રો પણ તને સંપાદનમાં દરમિયાનગીરી કરશે. પણ, એવું કદી બન્યું ન હતું. એમણે મને એક પણ વાર આ સામગ્રી લેવી જોઈએ કે ન લેવી જોઈએ જેવી સલાહ આપી ન હતી. એ બાબતમાં એમણે સંપૂર્ણપણે વ્યવસાયિક અભિગમ અપનાવેલો એની નોંધ લેવી પડે. ‘સન્ધિ’ની ગુણવત્તાની બાબતમાં હું દરેક વખતે કરમશી પીરને જ પૂછતો. એ મને એમનો સ્પષ્ટ અભિપ્રાય આપતા. બીજા મિત્રોમાં હું ક્યારેક જયેશ ભોગાયતાને કે વીરચંદ ધરમશીને પૂછતો. એ મિત્રો પણ મને સ્પષ્ટ અભિપ્રાય આપતા. બીજા મિત્રો સામેથી અભિપ્રાય આપતા તો હું એમના અભિપ્રાયોને ધ્યાનથી સાંભળતો પણ એ અભિપ્રાયોને કદી પણ ઊંધું ઘાલીને સ્વીકારતો નહીં. વચ્ચે જ્યારે લાગ્યું કે સંવાદ પ્રકાશન પાસે કામનું ભારણ વધારે છે ત્યારે અમે જયેશ ભોગાયતાની સલાહથી એની પ્રકાશન વ્યવસ્થા વિદ્યાનગર ખસેડેલી. વિદ્યાનગરનો એક બીજો લાભ હતો. કનુભાઈ પટેલ પોતે કળાકાર. એટલે એ મારી વાત સરળતાથી સમજી શકતા. તદઉપરાંત, મેં પણ એ દરમિયાન પણા ચિત્રકાર મિત્રો અને વડીલોને હેરાન ન કરવા પડે એટલે મારી જાતે જ મુખપૃષ્ઠ બનાવવાનું નક્કી કરેલું. પણ, હું કાચું મુખપૃષ્ઠ જ બનાવતો. મોટે ભાગે માઈક્રોસોફ્ટના publisher પ્રોગ્રામમાં. એને અંતિમ સ્વરૂપ કનુભાઈની દેખરેખ હેઠળ એમના માણસો આપતા (કનુભાઈ પાસેથી આ ‘માણસો’ શબ્દ સાંભળવા જેવો ખરો). એને કારણે જો મેં ક્યાંક કશુંક કાચું કાપ્યું હોય તો કનુભાઈ મઠારી લેતા. થોડાક વખત પછી ત્યાં પણ થોડીક અનિયમિતતા આવી. એટલે અમે પાછા ‘સંવાદ પ્રકાશન’ પાસે ગયા. આમ વાંરવાર પ્રેસ વગેરે બદલવા પાછળ કોઈ આર્થિક કારણો જવાબદાર ન હતાં. પણ, અમારે મોટા ભાગનું કામ સમયસર થાય એ જોવાનું હતું. અને દરેક વખતે અમે પ્રયોગથી આગળ જઈ શકતા ન હતા. ‘સન્ધિ’નું વિતરણ એક અલગ પ્રકારની જ વ્યવસ્થા માગી લે એવું હતું. અમારે અમેરિકા તથા યુરોપના કેટલાક ગ્રાહકો હતા. બીજા ભારતના હતા. વળી અમને આર્થિક મુશ્કેલીઓ ન હતી એટલે અમે કેટલીક સંસ્થાઓને, મોટા ભાગના ગુજરાતી વિભાગોને અને કેટલાક સાહિત્યકારોને વિનામૂલ્યે એ સામયિક મોકલતા હતા. આરંભમાં એ કામ જે તે પ્રકાશન સંસ્થાઓએ સ્વીકારેલું. પછી, એમાં પણ અનિયમિતતા આવતી ગઈ એટલે ઇન્દ્રભાઈએ અમદાવાદમાં વસતા એમના એક સગા ગૌતમભાઈને એ કામ સોંપ્યું. ગૌતમભાઈનાં પત્ની રન્નાદે. એ પોતે ગુજરાતી સાહિત્યનાં અભ્યાસી. એટલે એ ઘણા ગુજરાતી સાહિત્યકારોને ઓળખતાં. એને કારણે પણ વિતરણ વ્યવસ્થા જરા સરળ બની ગયેલી. પાછળથી અમે વિશ્વની લોકકથાઓના અનુવાદો પણ ‘સન્ધિ’માં પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે એ કામ રન્નાદે શાહે સંભાળી લીધેલું. જો કે, ક્યારેક વિતરણમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો આવતો. ક્યારેક પ્રેસવાળા કામમાં હોય, ક્યારેક અમે. એક વાર ગૌતમભાઈએ અમેરિકાના બધા જ ગ્રાહકોને અંકો મોકલ્યા. એ અંકો અમદાવાદથી નીકળી ગયા. પછી મુંબઈ આવ્યા. મુંબઈમાં ભારતના પોસ્ટ ખાતાએ એ અંકો રોક્યા. કહ્યું કે તમે ઓછી ટિકિટ મારી છે! ગૌતમભાઈએ જો અમદાવાદના પોસ્ટ ખાતાના કર્મચારીએ કહેલી એટલી ટિકિટ મારેલી. મુંબઈના અધિકારીઓએ કહ્યું કે વડોદરાના અધિકારીઓને ખબર નથી કે પરદેશની ટપાલના દરમાં વધારો થયો છે! આખરે મારે અમદાવાદ અને મુંબઈ બન્ને ઠેકાણે અધિકારીઓ સાથે વાત કરીને એ કોયડો ઉકેલવો પડેલો. અમે તફાવતની રકમ ભરી દીધેલી. ત્યાર બાદ એ અંકો મુંબઈની પોસ્ટ ઓફિસે મુક્ત કરેલા! જો હું એમ ન કરી શક્યો હોત તો એ લોકોએ એ અંકો કદાચ કચરાપેટીમાં નાખી દીધા હોત. હવે રહી વાત સંપાદનની. મેં આગળ નોંધ્યું છે એમ સંપાદનની સમગ્ર જવાબદારી મારી હતી. અમે નક્કી કરેલું કે બને ત્યાં સુધી આપણી પોતાની કૃતિઓ પ્રગટ ન કરવી. પણ, જ્યારે જોઈએ એવી સામગ્રી ઉપલબ્ધ ન હોય તો આપણું લખાણ મૂકી દેવું એ ન્યાયે હું મારું લખાણ મૂકતો. ‘ચોતરેથી’ અને વિદેશી કાવ્યોના અનુવાદોને બાદ કરતાં મારી બધી જ સામગ્રી ખાલી જગ્યા પૂરવા માટે જ હતી. મેં સંપાદકિયને બદલે ‘ચોતરેથી’ લખવાનું નક્કી કરેલું. તદ્ઉપરાંત, મેં વિદેશી કાવ્યોના અનુવાદોની જવાબદારી પણ મેં સ્વીકારેલી. અમારા માટે અનુવાદ એ બે સંસ્કૃતિઓને જોડવાની પ્રક્રિયા હતી. મેં નક્કી કરેલું કે ‘ચોતરેથી’માં મારે કોઈની પણ શરમ રાખ્યા વિના જે લખવું હોય તે લખવાનું. મારો આશય polemics ઊભાં કરવાનો હતો. પણ, ગુજરાતી વાચકો અને સાહિત્યકારો પણ polemic લખાણોથી ઝાઝા ટેવાયેલા ન હતા આજે પણ નથી. એટલે ઘણા લોકો એ લખાણોમાં મેં કોને ‘ઝાટક્યા છે’ એ પહેલાં જોતા. મને ખબર હતી કે ‘ચોતરેથી’માં પ્રગટ થતાં મારો લખાણોને લોકો જરા જુદી રીતે જોશે. પણ, મારે લોકોની ચિન્તા ન હતી કરવી. એક વાર મણિલાલ હ. પટેલે કહેલું કે તમે લખો છો અને એ રીતે જ લખવાનું ચાલુ રાખો. લોકો વાંચે છે અને પછી ખાનગીમાં ચર્ચા કરે છે. એમને જાહેરમાં આવવું નથી. વિદેશી કાવ્યોનાં અનુવાદો મારા માટે બહુ અઘરી વાત ન હતી. કેમ કે, મારી પાસે વિદેશી કાવ્યસંગ્રહોની કોઈ ખોટ ન હતી. હું એમાંથી કોઈ એક કવિ પસંદ કરતો અને બને ત્યાં સુધી એક જ કવિનાં સાતથી વધારે કાવ્યો આપતો જેથી વાચકોને જે તે કવિની સર્ગશક્તિનો ખ્યાલ આવે. ક્યારેક હું અનુવાદ કરતી વખતે થોડુંક રાજકારણ પણ રમી લેતો. જ્યારે ભારતમાં ‘ભ્રષ્ટાચાર વિરોધી’ ચળવળ ચાલતી હતી ત્યારે મેં કોરિયન કવિ કિમ ચી હાનાં બે દીર્ઘ કાવ્યોનો અનુવાદ કરેલો. એમાંના એક કાવ્યમાં પાંચ ભ્રષ્ટાચારીઓ સૌથી સારો ભ્રષ્ટાચાર કોણે કર્યો છે એની સ્પર્ધાનું આયોજન કરે છે. આ કાવ્ય લખવા બદલ કીમ ચી હાને ફાંસીની સજા થયેલી. જો કે, પાછળ સાર્ત વગેરે વચ્ચે પડ્યા એટલે એને ફાંસીની સજા ન હતી આપવામાં આવી. મેં આ બધી માહિતી આપેલી પણ ગુજરાતીમાં કોઈએ એની નોંધ સરખી લીધી નથી. એ જ રીતે, મેં એક આફ્રિકન લેખકની એક વાર્તાનો અનુવાદ પણ કરેલો. એ વાર્તામાં દેશના નેતાને વાતવાતમાં ભાષણો આપવાની ટેવ છે. દેખીતી રીતે જ, એ વખતે મારા મનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. પણ, એ વાર્તાની પણ વિદ્વાનોએ નોંધ લીધી નથી. આવી બીજી વાર્તાઓના મેં અનુવાદો કરેલા. એ વાર્તાઓ પ્રગટ કરવા પાછળનો આશય ખૂબ સ્પષ્ટ હતો: political દરમિયાનગીરી કરવાનો. પણ, આ બધું સમજી શકે એવા વિદગ્ધ વાચકો મારી પાસે ન હતા. હા, કરમશી પીર મારો આશય તરત જ સમજી જતા અને કહેતા પણન ખરા કે તમે અનુવાદનો સારો રાજકીય ઉપયોગ કરો છો. હું ઘણી વાર ઇન્દ્રભાઈને તથા કેટલાક મિત્રોને પણ કહેતો કે ગુજરાતીમાં ‘સંપાદક’ શબ્દ ઘણે બધે અંશે ખોટી રીતે વપરાય છે. બહુ ઓછા લોકો સંપાદનનું કામ કરતા હોય છે. મોટા ભાગના લખાણોની ઊઘરાણીનું જ કામ કરતા હોય છે. હું પણ કૃતિઓની ઊઘરાણી જ કરતો. હું મારા મિત્રોને ફોન કરતો, ઇન્દ્રભાઈ એમના મિત્રોને ફોન કરતા અને ‘સન્ધિ’ માટે કૃતિઓ માગતા. પણ, એમ કરતી વખતે અમે એક શરત મૂકતા કે જો અમને પસંદ નહીં પડે તો અમે એ કૃતિઓને ‘સન્ધિ’માં પ્રગટ નહીં કરીએ. અને મોટા ભાગના મિત્રો અમારી વાત સાથે સંમત થતા. બહુ ઓછી વાર અમને કોઈએ સામેથી કૃતિઓ મોકલી છે. અત્યારે મને નામ યાદ નથી આવતું પણ મુંબઈના કોઈક કવિએ અમને થોડાંક કાવ્યો મોકલેલાં. અમે વાંચ્યા. અમને ગમ્યાં. અમે એ કવિને ઓળખતા ન હતા. એટલે અમે એમને ઔપચારિક પત્ર લખીને કહ્યું કે અમને તમારાં કાવ્યો પસંદ પડ્યાં છે અને અમે એ બધ્ધાં જ કાવ્યો ‘સન્ધિ’માં પ્રગટ કરીશું. પછી એ કવિએ એમના એક વડીલ કુટુમ્બીજનનો ઉલ્લેખ કરીને કહ્યું કે મરતાં પહેલાં એમની ખૂબ ઇચ્છા હતી કે એ મારાં કાવ્યો ‘સન્ધિ’માં પ્રગટ થયેલાં જુએ. એ વાંચીને અમને આશ્ચર્ય થયેલું. પણ સાથોસાથ, અમને એમ પણ થયેલું કે ચાલો કોઈક તો છે જે ‘સન્ધિ’ને સમજે છે. ‘સન્ધિ’ ચાલતું હતું ત્યારે ઘણા મિત્રો ‘ચોરેથી’ બંધ કરવાની સલાહ આપતા. હવે ‘સન્ધિ’ બંધ થઈ ગયું છે ત્યારે કેટલાક મિત્રોને ‘ચોતરેથી’નું મૂલ્ય સમજાય છે. એકાદ વરસ પહેલાં જ રમણ સોનીએ એક સંદેશામાં લખેલું કે અત્યારે ખોંખારો ખાઈને બોલે એવા ‘સન્ધિ’ સામયિકની ખૂબ જરૂર છે. સંપાદનમાં મારે બહુ શ્રમ કરવો ન પડે એ માટે અમે અમુક પ્રકારનાં કામોની વહેંચણી કરી દીધેલી. મારે વિદેશી વાર્તાઓના અનુવાદકની ખાસ જરૂર હતી. ઇન્દ્રભાઈએ એમનાં પત્ની મીના શાહનું નામ સૂચવ્યું. કહે: મીના વાંચે છે બહુ. પ્રયાસ કરી જુઓ. મેં એમની સલાહ પ્રમાણે કર્યું અને પહેલો અનુવાદ વાંચીને મેં ઇન્દ્રભાઈને કહ્યું કે હવે આપણે કોઈ અનુવાદકની જરૂર નહીં પડે. ત્યાર બાદ મીનાબેને લગભગ દરેક અંકમાં એક વાર્તાનો અનુવાદ આપ્યો હતો. જો કે, એ વાર્તાઓ હું પસંદ કરતો. પણ, અંતિમ પસંદગી એમની રહેતી. એ ના પાડી શકતાં ને કહેતાં કે આ વાર્તા મને બરાબર નથી લાગતી. પણ, કમાલની વાત એ છે કે આપણા સાહિત્યકારોએ કેટલીક વાર્તાઓની નોંધ લીધી જ નથી. જેમ કે, ચીની લેખક લૂ ખૂનની (Lu Xunની) ‘એક પાગલ ની ડાયરી’ વાર્તા લો. ૧૯૧૮માં પ્રગટ થયેલી આ વાર્તા ચીનની સૌ પ્રથમ આધુનિકતાવાદી વાર્તા ગણાય છે. એના પર ફિલ્મ પણ બની છે. પણ, ગુજરાતીમાં કોઈએ એનો ઉલ્લેખ સરખો નથી કર્યો. એ જ રીતે, ૧૦૯૨માં પ્રગટ થયેલો Hugo von Hofmannsthalનો લોર્ડ છાંદોસનો પત્ર લો. એ વિશ્વવિખ્યાત કૃતિના ગુજરાતી અનુવાદની કોઈએ નોંધ પણ નતી લીધી.હકીકત એ છે કે લોર્ડ છાંદોસનો પત્ર એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ પ્રગટ થયો છે. એ પણ લાંબી પ્રસ્તાવના સાથે. મેં કરમશી પીર પાસે ફ્રેંચ લેખક મોરિસ બ્લાન્શોની એક બેએક પાનાની The Instant of My Death નામની વાર્તાનો અનુવાદ કરાવેલો. એ વાર્તા પર દેરિદાએ એક પુસ્તક જેટલું લાંબું વ્યાખ્યાન આપ્યું છે. એ વ્યાખ્યાન પણ પુસ્તક રૂપે પ્રગટ થયું પણ છે. પણ, ગુજરાતીમાં એ વાર્તાના અનુવાદની નોંધ લેવાઈ નથી. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં સાહિત્ય કરતાં સાહિત્યકારણ વધારે ચાલે છે. પોતાના મિત્રસાહિત્યકારનું પુસ્તક પ્રગટ થાય તો બીજું કંઈ નહીં તો એના પાકા પૂંઠાનાં પણ વખાણ થાય. પણ આવી કૃતિઓ પ્રગટ થાય તો એની નોંધ સરખી પણ ન લેવાય. કદાચ એવું પણ હશે કે આપણી સાહિત્યિક સંવેદના ખૂબ કુણ્ઠિત થઈ ગયેલી છે. આપણને આપણું જ ગમે. જો કે, પોતાના જ મિત્રો કોઈ વિદેશી કૃતિની વાત કરે તો એનો વરઘોડો કાઢે. ક્યારેક હું ઇન્દ્રભાઈને કહેતો કે આપણે ‘સન્ધિ’નાં કેટલાંક પાનાં કોરાં રાખીએ અને નીચે લખી દઈએ કે યોગ્ય કૃતિઓના અભાવે આ પાનાં કોરાં રાખ્યાં છે. પણ, ઇન્દ્રભાઈ સહમત ન હતા થતા. એ જ રીતે, મેં એક તબક્કે એમને એમ પણ કહેલું કે આપણે હવે લખી દઈએ કે અમે ગઝલો નથી છાપતા અને ‘ગુજરાતના એક માત્ર ગઝલ ન પ્રગટ કરતા સામયિક તરીકે’ ગર્વ લઈએ. તો એ તરત જ કહેતા, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, હરીશ મીનાશ્રુને તમે બાજુ પર ન મૂકી શકો. ત્યાર બાદ ૨૦૧૨માં ઇન્દ્રભાઈનું અવસાન થયું. એમણે ઊભા કરેલા ફાઉન્ડેશન પાસે હજી બેએક વરસ ચાલે એટલા પૈસા હતા. મેં ઇન્દ્રભાઈનાં પત્ની મીનાબેનને ‘સન્ધિ’ દસ વરસ પૂરાં કરે ત્યાં સુધી સંપાદક તરીકે જોડાવાનું કહ્યું. એ સહમત થયાં અને ‘સન્ધિ’એ દસ વરસ પૂરાં કર્યાં. કોઈ પણ સામયિક મિત્રોના સહકાર વગર ન ચાલે. મને હરીશ મીનાશ્રુ, ભરત નાયક, કમલ વોરા, રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, વિનોદ ગાંધી સહિત અનેક મિત્રોનો સહકાર મળેલો. હું એમને ગમે ત્યારે ફોન કરીને કહેતો કે કૃતિઓ જોઈએ છે. મોકલો. પણ એક નહીં, ચાર પાંચ. હું એમાંથી પસંદ કરીશ. અને મિત્રો મને એમ કરવા દેતા. ‘સન્ધિ’ એક અર્થમાં એક પ્રકારની પ્રયોગશાળા હતી. એ પણ સંપાદનની. મને લાગે છે કે ગુજરાતમાં અમુક પ્રકારના જ સંપાદનની શક્યતાઓ વધારે રહેલી છે. અમે એમાં થોડુંક, નાનકડું, પરિવર્તન લાવવાનો પ્રયાસ કરેલો.