સાહિત્યિક સંરસન — ૩/ભરત સોલંકી

From Ekatra Wiki
Revision as of 19:26, 31 October 2023 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


++ ડૉ. ભરત સોલંકી ++


અડધી શાલ —



‘સાંભળો છો કે?’ ‘શું?’ ‘જરા મશીનમાંથી ઊંચું જુઓ તો કહું ને!’ ‘હાં . . . કો. . . ’ ‘લો આ જીગ્લાએ અડધી શાલ પાછી આપી ને પકલાને આપવાની હા પણ પાડી એટલે વચ્ચે સિલાઈ મારી સાંધી આપો એટલે કંકાસનો અંત આવે.’ દાદા મશીનમાંથી કોઇકનો શર્ટ બહાર કાઢી શાલને સાંધવા લાગ્યા. હું તો ત્યાં જ ઊભો હતો. મશીનનાં ખટ્ ખટ્ અવાજે ને બખિયે બખિયે શાલ સંધાતી હતી, પણ મારું મન જે સમયે શાલ વચ્ચેથી ચરર...ચરરર કપાણી તે સમયમાં તલ્લીન અને તેથી વ્યથિત હતું. વાત તો મૂળમાં શિયાળો બેસતાં શરૂ થયેલી. આઠ-દસ હજારની વસ્તી ધરાવતું ગામ. પચરંગી વસ્તી ને તેમાં એકમાત્ર સમ ખાવા અમારું દરજીનું ઘર. અરે! આસપાસના પાંચ-દસ ગામમાંથી કોઈ દરજી ગોત્યા ન જડે, અમારે ઘરમાં જ દુકાન. બાપુજીને એ ચાર ભાઈ. ગામ-પરગામ બધું સંભાળી લે. બાપુજી અને મોટાકાકા આસપાસના ગામમાં કપડાં સિવવા આઠ-દસ દિવસ માટે જતા રહે તો બંને કાકા ને દાદા ગામ સંભાળી લેતા. ગામમાં ક્યારેક વરસાદે દુકાળ આવતો, પણ અમારાં સિલાઈ મશીને સિલાઈ કામમાં ક્યારેય દુકાળ દેખાતો નહોતો. અમારી શેરી પણ પચરંગી. કોળી, કણબી, વાણિયા, રાજપૂત અને દરજી સહુ સંપથી રહે. આખી શેરીમાં વચ્ચે મોટો ચૉક પડે. બધાનાં મોટાં ને ખુલ્લાં ઘર, સંકળાશનું નામ નહિ! બધાંને સંતાનસુખ પણ સારું. એક-એક ઘરમાંથી ચાર-પાંચ સંતાનો મળી આવે. અમે જ પાંચ-પાંચ ભાઇઓ. બાજુમાં રમણકાકાને ત્રણ દીકરી ને એક દીકરો, રામચંદ વાણિયાને પાંચ-પાંચ દીકરીઓ ને એમ જાણે મેળો જ જોઈ લ્યો. આઠ-દસ સુધીની શાળામાં નર્યો કલબલ કલબલ. માસ્તર પણ થાકે; ચૂપ કરાવતાં ને બધાંને સીધા રાખવા થોકબંધ લેસન આપી દેતા. રવિવાર એટલે શેરીના ચૉકની રોનક. એમાંય શિયાળો એટલે બધાં લેસન કરવા નોટ-ચોપડી, પૂઠાં-પાટિયા ને પાથરણાં લઈ લેસન કરવા લાગી જતાં. રેશમા, પૂનમ, રાજુ, રીટા, મંજુ ને અમે સૌ, સૂરજનો તડકો અમારાં શરીર પર પડે એમ બેસી લેસન કરવા ગોઠવાઈ જતાં. હું આઠમા ધોરણમાં એટલે બધાથી ઉંમરમાં ને અભ્યાસમાં મોટો પછી તો પૂનમ ને રાજુ ને એમ નોખાં નોખાં ધોરણ અને લેસન પણ નોખાં. લેસન કરતાં-કરતાં બધાનાં પાથરણાં એક, કંપાસ એક, પાટી-પેન-બૉલપેન જેની જેને લેવી હોય તે લઈ લેસન કરતાં. વચ્ચે વચ્ચે શાળાનાં બીજાં તોફાની છોકરા-છોકરીની વાતો, શિક્ષકે મારેલા મારની વાતો, ઊઠકબેઠકની વાતો પણ થયા કરતી ને બરાબર તડકો માથે આવતાં ટાઢ ઊડતાં લેસન પણ પૂરું થતું, ત્યાં સૌ પોતપોતાનાં ઘરમાં ભરાઈ જતાં. વળી સાંજે સંતાકૂકડી રમવા ભેગા થતાં ને રાતનું અંધારું ઊતરી આવતાં રવિવારની રાહ જોતાં ઊંઘી જતાં. શાળામાં નવો-નવો ગણવેશ આવેલો. ખાખી ચડ્ડી ને સફેદ શર્ટ. છોકરીઓને સફેદ ફ્રોક ને માથામાં લાલ રિબન. મને પેન્ટનો શોખ પણ ચડ્ડી ફરજિયાત થતા અડધા પગ ઉઘાડા રહેતા. બેસવા પાટલીઓ તો હતી જ નહીં. પલાંઠી વાળી બેસી જવાનું. ઘરે તો ઠીક પણ શાળામાં છોકરીઓની સામે હરતાં-ફરતાં પગે ઊગેલી નવી નવી ભૂરી-કાળી રુવાટીથી શરમ લાગતી. ક્યારેક તો વર્ગની શ્યામલી તો એકીટશે એ રુવાટી જોઈ રહેતી ને મારી નજર પડતાં તે પકડાઈ જતી ને શરમાઇને નજર ફેરવી પણ લેતી. ક્યારેક હું ને ચંપક પણ એને ધારી-ધારીને જોતાં ને પકડાઈ જતાં, તે ગુસ્સો ચહેરા પર લાવીને પાછી સ્મિત આપી ગુસ્સાને વાળી દેતી. ગામની ચારેબાજુ ખેતરો ને વાડીયું, ધૂળિયા રસ્તા, વૃક્ષોની હારમાળા, ઘરની ભીંતો માટીની ને નીચે લીંપણ એટલે શિયાળાની સવાર ધ્રૂજાવી દે ને રાત તો ઠીંગરાવી દે. શિયાળો બેસતાં ઘરે-ઘરે ગરમ ધાબળા કે ગોદડાંની શોધ શરૂ થાય. ડામચિયાને માળિયામાં ખાંખાખોળા થાય ને ધાબળા, કામળી, શાલ મોંઘેરાં બની જાય. આવો જ શિયાળો બેસતાં કાકાને ગામના શંકરભાઈ સાથે શહેરમાં કપડાંની ખરીદી કરવા જવાનું થયું ને પરત આવતાં તેમના દીકરા જીગલા માટે લાલ રંગનું સ્વેટર લેતા આવ્યા. જીગલો તો પહેલેથી જ ફુલણજી કાગડાભાઈ! સ્વેટર પહેરી ભરબપોરે વટ પાડવા બજારમાં નીકળી પડ્યો. મને પહેરવા તો શું સ્પર્શ કરવા કે જોવા પણ ન મળ્યું. બાપુજી તો બાજુના ગામમાં ગયેલા, ન કોઈ કાગળ કે પત્ર, ફોન તો માત્ર કલ્પના હતી. શહેરોમાં ક્યાંક ક્યાંક ફોન આવેલા. હું હઠ કરું તો કોની પાસે કરું? બા તો ઘરકામમાં જ રચ્યાંપચ્યાં રહે. છેવટે દાદીમા પાસે ટાઢની ફરિયાદ કરી તો તેમણે માળિયા પરથી લોખંડનો ટ્રંક ખોલી તેમાંથી છીંકણી રંગની પાતળી પણ ગરમ શાલ કાઢી આપી. મેં મન મનાવ્યું ને ઓઢી લીધી. પછી તો શાલ જ મારું સ્વેટર બની. સૂતાં-જાગતાં, ખાતાં-પીતાં શાળાએ પણ શાલ મારા અંગને ઢાંકીને ટાઢ સામે રક્ષણ આપતી. શિયાળો એટલે શરીરે મેલ જામે ને પોપડા બાજે ને પોપડા ઉખડે, દર રવિવારે શેરીમાં શાલ ઓઢી લેસન કરવા મંડી પડવાનું. કોઈ સ્વેટર, કોઈ ધાબળો, તો કોઈ ન્હાવાના શરીર લૂછવાના ટુવાલ ઓઢી લાવતાં. એકવાર પૂનમ કંઈ ઓઢવાનું ન લાવી. મારી પાસે લેસન કરતાં કરતાં મારી અડધી શાલમાં લપાઈ ગયેલી. શાલનો એક છેડો મારા ખભે ને બીજો છેડો એના ખભે. સવાર સવારની ટાઢ અમારી સાથે યુદ્ધે ચડતી. પૂનમ દાંત કચકચ કરતી વધુ ને વધુ મારી પાસે આવતી લપાતી ને ટાઢ ઉડાડવા પ્રયત્ન કરતી. ક્યારેક મારા પગની કાળી-કાળી રુવાટીને એકીટશે જોયા કરતી, ક્યારેક તેનો ઢીંચણ મારા ઢીંચણ નીચે દબાવી દેતી, પલાંઠી નાની-મોટી કરતી. જાણે મને કશું સાનમાં સમજાવતી ન હોય! હું લેસનમાં હંમેશાં પાક્કો ને આગળ, પણ જીવતરના પાઠમાં પાછળ. મને મારી સરખામણીમાં પૂનમ વધુ હોંશિયાર લાગતી. એકવાર બે-ત્રણ કલાક લેસન કરતા હું થાક્યો ને પગ શાલની બહાર કાઢી લાંબા કર્યા ને પૂનમ જોઈ ગઈ ને મારા પગ પર જામેલા મેલથી તાડૂકી ઊઠી – ‘પકલા આ શું છે?’ ‘શું?’ ‘તારા પગે મેલ તો જો!’ ‘તે હોય હમણાંથી નાહ્યો નથી એટલે...’ ‘પણ મન નો ગમ, હા’લ માર વાડામાં તન મેલ કાઢી આપું...’ મને પરાણે હાથ પકડી લેસન પડતું મૂકી તેનાં ઘરના પછવાડે વાડામાં લઈ ગઈ. એક પથ્થર પર બેસાડ્યો, પાણીની ડોલ ભરી લાવીને નળિયાની ગોળગોળ ઠીકરી કરી મારો પગ એના ખોળામાં લઈ મેલ કાઢવા લાગી. એના હાથનો સ્પર્શ એક તરફ મને ગમવા લાગ્યો તો બીજી તરફ પગ પર ઘસાતી ઠીકરી મને વાગતી હતી. હું સિસકારા બોલાવતો ને તે ખિલખિલાટ હસતી જતી હતી. થોડી જ વારમાં તેણે મારા બંને પગ ઘસી-ઘસીને લાલચોળ કર્યા ને ચોખ્ખાચણક પણ. હમણાં-હમણાં શિયાળો ને પાછી શાલ ને શેરી મને વધુ ગમવા લાગ્યા. પૂનમ પણ મારી સામે જ મોટી થઈ હતી પણ હમણાં મને કંઇક નોખી ને જુદી જ લાગતી હતી. સફેદ અને ફિટિંગવાળા ફ્રોકમાં કંઇક વધુ આકર્ષક લાગતી હતી. બધાંયના ગણવેશ બે-બે જોડી સીવડાવેલા તે રવિવાર સુધી એક પહેરવાનો ને સોમવારથી બદલાય. શિયાળાના આરંભે રવિવારે અમારું લેસન એકાદ-બે કલાકમાં પૂરું થઈ જતું પણ હમણાં-હમણાં હાથે કરીને લંબાતું જતું હતું. નાના ધોરણમાં ભણતી કીકલી જતી ને સાથે બધાં જતાં રહે તોય અમે લખ્યાં કરતાં. સૉનેરી તડકો અમને વધુ રૂપાળાં બનાવતો. પૂનમ લેસન કરવાની ચોપડીઓ સાથે શેરડી, ક્યારેક બોર લેતી આવે. હું લેસનમાં તલ્લીન હોઉં ને તે બોર મારાં મોમાં મૂકી દે. હું બોર ચગળું ને તે ધારીને જોતી રહે. તો તે કોઈ વાત માંડે ને તેની સફેદ દાંતની પંક્તિઓ, પવનમાં ઉડતી સૉનેરી વાળની લટ, તેના લાલ લાલ હોઠ ઉપર તો ક્યારેક કાળી ભમ્મર ભ્રમરો ઉપર ફરક્યા કરે ને હું એ અબુધ ભાવે જોયા કરું. તેના અવાજની મીઠાશ પણ શેરડીના ગળ્યા રસ જેવી મીઠી ધમરાક. એનો અંગ-મરોડ પણ આગવો જ. એ આવે, જાય, બેસે કે બોલે તેના શરીરનાં જાણે બધાં જ અંગો એકસામટા ન બોલતાં હોય! કાકા એકવાર સાંજે પરત ફરતા ત્યાં કોઇએ શેરડીના સાંઠા પકડાવેલા. અમે રાજીના રેડ. આમ તો સોમથી શનિ ક્યાં જતો રહે ખબર જ ન પડે. થોડુંઘણું લેસન, બીજા ઘરકામમાં આખો દિવસ નીકળી જતો. નિશાળ ભરચક અને શેરી સૂમસામ પણ રવિવાર એટલે નિશાળ સૂમસામ અને શેરી ભરચક. રવિવારે હું શેરડીના બે-ત્રણ સાંઠા સાથે લઈ ગયો. હું પથારો પાથરું ને પછી એક પછી એક જાણે લેસનની પંગતો પડે. પૂનમ તો હક્કપૂર્વક મારી પાસે જ બેસે ને મારી શાલમાં હક્ક કરી ગોઠવાઈ જાય. શેરીનાં નાનાં-મોટાં આદમી-બાઈઓ કામે નીકળતાં જાય ને અમને ‘ભણો ભણો’ કહેતાં જાય. અમારી સૌની ભણવાની લગન જોઈ તેઓ હરખાતાં હતાં, પણ હમણાં મારી અને પૂનમની લગન કંઇક જુદા જ રસ્તે ચાલતી, મારી પાસે શેરડીના સાંઠા જોતાં જ બોલી – ‘જો પકલા હું તને શેરડી કાપવા નહીં દઉં.’ ‘કેમ... મને ફાવે છે ને.’ ‘ના પણ ક્યાંક તને એની ચીર આંગળીએ વાગી જાય તો તારે લેસનમાં તકલીફ પડે...’ અમે કહેતાં જ મારી પાસેથી બધાં જ સાંઠા ઝૂંટવી લઈ પોતે એક એક કાતળી કરી ચીર ઉતારી મારા મોમાં મૂકે. એ કાતળી મૂકતાં મૂકતાં તેનાં હાથની આંગળીઓ મારા હોઠ સાથે રમત પણ કરી લે. શેરડી હું લાવ્યો એટલે એણે એકવાર પણ એનાં મોમાં ન મૂકી. એટલે મને થયું ‘હવે મારો વારો’ ને મેં તેના હાથમાંથી શેરડીનો સાંઠો ઝૂંટવી લીધો ને બે દાંત વચ્ચે ભરાવી છોલવા ગયો ત્યાં જ ચીરે માંરી આંગળીને વેતરી નાંખી. લોહી દડ્ દડ્ દડ્ વહેવા લાગ્યું ને હું તો ગભરાઈ જ ગયો. હું લોહી બંધ કરવા ચાદરનો છેડો ગોતું ત્યાં તો તેણે એકદમ મારી આંગળી ખેંચી તેનાં મોમાં મૂકી દીધી. તેની જીભ વાગેલા ઘા પર ફરતી હતી. આંગળીને તેના મોઢાનો હૂંફાળો સ્પર્શ ગમવા લાગ્યો. ક્યાંય સુધી અમે એકબીજા સામે ટગર ટગર ને જ્યારે આંગળી બહાર કાઢી ત્યારે લગભગ લોહી બંધ થઈ ગયું હતું. આ ઘટના પછી અમારાં મન કરતા શરીર એકબીજાને વધુ સમજતાં થયાં હોય તેવું લાગતુ હતું. કોઇને કોઈ બહાને શરીરનાં અંગો એકબીજાંને અડવા આતુર બનવા લાગ્યાં. એકબીજાની આંગળીઓના ટેરવાં એકબીજાને મળવા લાગ્યાં ને જાણે કોઈ સાંકેતિક ભાષામાં કંઇક સમજાવવા લાગ્યા. ક્યારેક શાલ જ અમારું ઓઠું બની જતી ને આંગળીએ આંખો ફૂટતી ને એકબીજાનાં આખેઆખાં શરીર જોઈ લેતી. સંગતની રંગત હવે જ બરાબર જામી ત્યાં તો જીગલા એ તોફાન આદર્યું : ‘મારે પકલાની શાલ જોઇએ એટલે જોઇએ જ’ ‘પણ તારે તો સ્વેટર છે ને’ - દાદી બોલ્યા, ‘ના, હવ માર સ્વેટર નથ જો’તુ.’ ‘કેમ?’ ‘કેમ એટલે એમ.’ ને એની જિદ આગળ સહુને ઝૂકવું જ પડે. દાદા-દાદી, કાકા-કાકી, બધાંએ સમજાવ્યો પણ છેવટે માથા પછાડવા લાગ્યો એટલે દાદીએ બૂમ પાડી – ‘પકલા શાલ લાવ તો...’ ‘ના, હું શું કરવા આપું?’ ‘જીગલા ને જોય છે એટલે...’ ‘જીગલા ને જોય એટલે આપી દેવાની?’ ‘હા’ ‘એ માથા ફોડે છે, હમણાં કંઇક ન કરવાનું કરશે તો...’ હજી હું હાથથી શાલ કાઢી આપું તે પહેલાં જ દાદીએ ખેંચી લીધી ને કાતર લાવી બરાબર વચ્ચેથી ચરરર ચરરર કાપી બે ભાગ કરી નાંખ્યા. અડધી મારી બાજુ ને અડધી જીગલા બાજુ ફેંકી. બંને અડધી અડધી શાલ ઓઢી ફરવા લાગ્યા. પછીના રવિવારે હું અડધી શાલ ઓઢી લેસન લઇને બેઠો ને નિત્યક્રમ મુજબ પૂનમ લેસન કરવા આવી. મારી પાસે બેઠી ને જેવી શાલનો છેડો ગોતી ઓઢવા જાય ત્યાં તેણે ચીસ પાડી... ‘પકલા... આ શું?’ ‘શું આ શું?’ ‘તારી શાલ અડધી કેમ? અડધી ક્યાં ગઈ?’ ‘અડધી દાદીએ જીગલા ને આપી.’ ‘તો ઓઢ તું એકલો...ને બેસ એકલો…આપડે હવે કિટ્ટા...’ ઘડીકમાં લાલચોળ આંખો કરતી રડતી રડતી પૂનમ એના ઘરના વળાંકે વળી ને પછી હું ય રડી પડ્યો. લેસન પડતું મૂક્યું ને ગુસ્સામાં શાલનો ઘા કર્યો, જીગલાએ અડધી શાલનો ઘા મારી તરફ કર્યો પણ તે વચ્ચે બા અને દાદીમા, બા અને કાકી ને બાપુજી આવતાં ઘરમાં કાળો કેર વર્તાયો. શાલની બાબતે મોટું મહાભારત રચાયું. કંકાસ વધવા લાગ્યો. મને પસ્તાવો થવા લાગ્યો પણ જીગલાને મન તો પોતે ધાર્યું કર્યું તેનો આનંદ હતો. જીગલો તો ઘડીક ધાર્યું કર્યું એમ માની સંતોષ લેતો પણ ઘરમાં બધાં વચ્ચે કડવાશ વધવા લાગેલી ને શિયાળો ય હવે ઊતરવા લાગ્યો હતો. જીગલાએ પાછી આપેલી અડધી શાલ ને મારી અડધી શાલ, દાદીએ દાદા પાસે સંધાવી, એક કરી જાણે વિખેરાયેલા ઘરને એક કરવા મથવા લાગ્યા! જીગલાને વઢીને મને પ્રેમથી હાથ પકડી દાદા પાસે લઈ ગયા ને બોલ્યા – ‘જો પકલા હમણાં આ શાલ સંધાય એટલે એવી ને એવી, હવે આખી તારી.’ દાદા ઝડપથી બંને ભાગને એકબીજા સાથે રાખી મશીન મારવા લાગ્યા. મારી સામે આખો શિયાળો બેઠો થયો. ટ્રંકમાંથી શાલ કાઢી ત્યારે વચ્ચે સાંધો નહોતો. શિયાળો બેસતાં પૂનમ પૂનમ હતી પણ હવે પૂનમ... કેટકેટલાં જાણ્યાં-અજાણ્યાં સુખનું કારણ હતી શાલ? દાદીએ ઘરને એક રાખવા સંપ રાખવા કાપીને પાછી દાદાને કહી સાંધી આપી પણ એ બેની વચ્ચે શું શું બન્યું તે રામકહાણીનું શું? શાલની બરાબર વચ્ચે સફેદ દોરાના ટાંકા મને કણાની જેમ ખૂંચવા લાગ્યા. જે શાલનો સ્પર્શ મને સતત ગમતો તે હવે ખૂંચવા લાગ્યો, ને શાલ હાથમાં લીધી ન લીધી ને દાદીમા તરફ ફેંકતા બોલી જવાયું ‘શાલ તો સાંધી આપી પણ પણ વચ્ચે વચ્ચે...!’



તન્ત્રીનૉંધ :

‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’થી રજૂ થતી વાર્તાઓમાં કથક પોતાની કથની કરતો હોય છે, તેથી વાચકોનું ધ્યાન પોતા પ્રત્યે ખૅંચી રાખવામાં ઠીકઠીક સફળ થતો હોય છે. એ કથની ગમે એટલી લાંબી હોય તો પણ વાચકો સહી લેતા હોય છે, કેમકે એમની જિજ્ઞાસા જાગી ગઈ હોય છે, રાહ જોતા હોય છે કે આગળ શું થશે, આગળ શું થશે. કથક પકલાએ અડધી શાલને બીજી અડધી સાથે જોડવાની વાતથી પ્રારમ્ભ કર્યો છે પણ એ વાતને થમ્ભાવીને શાલ સંધાઈને એક થઈ એમ વાતને પૂરી કરી છે. એ પ્રારમ્ભ અને એ અન્ત વચ્ચે પકલો પોતાની કથની માંડીને કરે છે, એટલે સુધી કે એને પૂનમ જોડે અને પૂનમને એની જોડે એ વયે અંકુરિત થઈ વિકસે એવો પ્રેમ થયો, બલકે પૂનમ રીસાઈને પકલાને છોડી ગઈ, ત્યાંસુધી. એ બનાવની પૂર્વભૂમિકામાં, પરિવાર, દરજીનો વ્યવસાય, શાળા, શેરી, દોસ્તારો; મધ્ય ભાગમાં, નાના નાના પ્રસંગો, અને પૂનમ ગુમાવ્યાનો દુ:ખદ ઉપસંહાર, એમ એણે પોતાની વીગતસભર દાસ્તાં આખે આખી કહી બતાવી છે. એ કથની પછી જેને વાર્તામાં ઘટેલી ક્રિયા કે ઍક્શન કહી શકીએ તે આ છે : શાલની બરાબર વચ્ચે સફેદ દોરાના ટાંકા મને કણાની જેમ ખૂંચવા લાગ્યા. જે શાલનો સ્પર્શ મને સતત ગમતો તે હવે ખૂંચવા લાગ્યો, ને શાલ હાથમાં લીધી ન લીધી ને દાદીમા તરફ ફેંકતા બોલી જવાયું ‘શાલ તો સાંધી આપી પણ પણ વચ્ચે વચ્ચે…! વાચકને કથકની એ ક્રિયા આવકાર્ય લાગે એવી એ સહજ છે.