સાહિત્યિક સંરસન — ૩/વિજય સોની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
()
 
Line 99: Line 99:
એ ચમત્કારનું આલેખન કથકે પોતે કર્યું છે, અને એટલે, વાચક કશો પ્રશ્ન કર્યા વગર એ અદ્ભુત રસિક ચમત્કારને માણી શકે છે, કેમકે એવા કશા માટે એ તૈયાર હતો, એ રીતે કે કથકની સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાને માણી ચૂકેલો.  
એ ચમત્કારનું આલેખન કથકે પોતે કર્યું છે, અને એટલે, વાચક કશો પ્રશ્ન કર્યા વગર એ અદ્ભુત રસિક ચમત્કારને માણી શકે છે, કેમકે એવા કશા માટે એ તૈયાર હતો, એ રીતે કે કથકની સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાને માણી ચૂકેલો.  
‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-ની રચનાઓ વાચકને જરા આઘાત તો આપે પણ એનાં રસરુચિને સજ્જ કરે, એમાં એવું બનતું હોય છે. આ વાર્તા તેનું એક આગવું દૃષ્ટાન્ત છે.  
‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-ની રચનાઓ વાચકને જરા આઘાત તો આપે પણ એનાં રસરુચિને સજ્જ કરે, એમાં એવું બનતું હોય છે. આ વાર્તા તેનું એક આગવું દૃષ્ટાન્ત છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 19:10, 31 October 2023


++ વિજય સોની ++


માણેકચોકની ચકલી —



મોટો ચાર દિવસ માટે બહારગામ ગયો હતો. હું દુકાનમાં એકલો હતો. હું ખુરશીમાં બેઠો બેઠો નીચે પડેલી એરણ પર ઝૂક્યો. એરણની બરાબર વચ્ચે રહેલા લાલચોળ સોનાના રવાને હું એકીટશે તાકી રહ્યો. એરણ ઉજાળેલી ન હતી. ઠેર ઠેર કાટના ડાઘ દેખાતા હતા. મને થયું કે જીવનને જ કાટ ચડી ગયો હોય ત્યાં એરણનું શું? મને આવી રીતે ઘણીવાર રોજિંદા જીવનમાંથી ફિલૉસૉફી તારવી લેવાના હુમલા આવતા. હુર-અહુર કોઈ ઝપટે ચડી જાય તો હું જીવનના ગંભીર પ્રશ્નો હળવેથી પૂછી લેતો, કોઈ જવાબ આપી શકતું તો કોઈ વળી અણધાર્યા હુમલાથી ડઘાઈ જતું. મારો મોબાઇલ ટેબલ પર પડ્યો હતો. હું એરણ પર ઝૂકેલો હતો. હું સોનાના ગરમ રવા પર જોરથી હથોડો મારીને એને આકાર આપવા મથતો હતો ત્યાં મોબાઇલ વાઇબ્રેટ થયો. લાકડાનું ટેબલ હળવા ભૂકંપ જેવી ધ્રુજારી અનુભવવા લાગ્યું. મારું ધ્યાન ભંગાયું. કાટ ચડેલી એરણ પર હથોડાનો ઘા પડતાં જ સોનાનો રવો રિવોલ્વરની બુલેટની જેમ ઊડ્યો અને ખબર નહીં દુકાનના કયા ખૂણામાં જઇને ભરાઈ બેઠો? હવે હું એને કયાં શોધીશ એ વાતે મારી ફાટી રહી હતી. ફોન હજી ધ્રૂજતો હતો. મેં જોયું, ઠાકુરનો ફોન હતો. મારી નજર સામે ઠાકુરનો ચહેરો આવી ગયો. મને ફોન ઉપાડવાનું મન ન થયું. મને ફોન ઊંધો મૂકી દેવાનું મન થયું પણ મોબાઇલ ટેબલ પર સાપની જેમ અમળાતો હતો. મને એની દયા આવી. હું થોડીવાર ફોન હાથમાં ઝાલીને બેસી રહ્યો. મને સોનાનો રવો કેવી રીતે શોધીશ એની અકળામણ સતાવતી હતી. મેં કંટાળા ભરેલા અવાજે કહ્યું, "બોલ." -"કનુ પેસે દે ગયા?" હું બહેરો હોઉં એમ ઠાકુર જોરથી બોલી રહ્યો હતો. -"ના…" મારે એટલું જ બોલવું હતું પણ, "દે ગયા હોતા તો મેં તુજે ફોન ન કરતા?" મેં સામું લવ્વું ભર્યું. -"સાલા ચુતિયા" ઠાકુર થાકેલા અવાજે ગુસ્સામાં બોલ્યો. એણે ફોન મૂકી દીધો. મને એના ગુસ્સાવાળા ચહેરાની કલ્પના આવી. મને લાગ્યું કે જાણે કોઇએ મને ગાળ દીધી છે. જો એણે આગળ બીજી કોઇક વાત કરી હોત તો કદાચ મને એવું ન લાગત. કોઈ એકલી ગાળ દે છે તો વધારે ખરાબ લાગે છે. મેં પણ ચુતિયો કહીને ફોન પછાડ્યો. મને ફરી ખોવાઈ ગયેલો સોનાનો રવો યાદ આવ્યો. ટેબલ પર મોબાઇલ મૃતદેહની જેમ પડ્યો હતો. ઠાકુરની ગાળ અને સોનાનો રવો મારા ચિત્તમાં ભમરડાંની જેમ ઘૂમરાતાં હતાં. મને થયું કે, પારકો ઉબેટ લઇને મારે શું કામ વધારે દુઃખી થવું જોઈએ? હું નીચો નમીને રવો શોધવા માટે બધું આઘુંપાછું કરવા લાગ્યો ત્યાં ફરી ફોન વાઇબ્રેટ થયો. -"બીજોય, ઉસકો બોલ ને મેરા પેસા દે દે. મેં બહુત....! વો મકાનમાલિક કો આજ મેને પૈસે નહીં દીયે તો વો મુજે આજ ઘર સે બહાર ફેંક દેગા. કહા જાઉંગા મૈં?" ઠાકુરનો અવાજ ધ્રૂજતો હતો. પળવાર પહેલા ફોનમાં ગાળ દેનારો ઠાકુર જાણે બદલાઈ ગયો હતો. મને થયું કે, પહેલીવાર ફોન કર્યો ત્યારે જ આ કહી દીધું હોત તો? ફરી ફોન કરવાની જરૂર ન રહેત ને! મને ફોનમાં ફરી એ જ ગાળ બોલવાનું મન થયું પણ ઠાકુરનો તૂટેલો અવાજ સાંભળીને હું ચૂપ રહ્યો. એના અવાજમાં કાકલૂદી ભળી જવાથી એ કઇક જુદો જ લાગી રહ્યો હતો. -"ઠાકુર મેને ભી ઉસકો કિતની બાર બોલા! સાલા માદરબખ્ત નહીં દેતા તો મેં કયા કરું?" મારા અવાજમાં ભારોભાર ગુસ્સો અને કંટાળો ભરેલા હતા. મને થાક લાગતો હતો -"કિતના ટાઇમ હો ગયા સાલા?" ઠાકુર ફોનમાં બબડ્યો. એ ધીરેથી બોલ્યો તોપણ મને સંભળાઈ ગયું. -"અને સાંભળ, મને નહીં કહેવાનું તારે. પૈસા આપ્યા'તા ત્યારે મને પૂછ્યું'તું?" મારે નહોતું કહેવું તોપણ જાણે એ કહેવાઈ ગયું. એ ફોનમાં ઊંડા શ્વાસ લેતો હોય એમ ઘડીભર શાંત થઈ ગયો. મને લાગ્યું કે મારે આવું નહોતું કહેવા જેવું. -"તારો ભાઈ છે ને એ, એટલે કહું છું." ઠાકુર બોલ્યો. -‘'એ મારો સગો ભાઈ નથી અને હું મારા ભાઇમાં પેહી નીકળ્યો છું? કોનું ભવન કયારે ફરી જાય, એ કોને ખબર પડે? અને બીજું, મેં બીજાના પૈસા લાવી આપવાની ગધેડી પકડી છે?" મેં અકળાઇને કીધું. -"તેરા ભાઈ તો નહીં મિટ જાયેગા ને વો?" ઠાકુર હજુ ભાઇને પકડીને બેઠો હતો. -"અરછા મૈં ઉસકો ફોન કરતા હું.'" મેં વાતનો છેડો લાવતા ફોન મૂકી દીધો. મને ખબર હતી કે કનુએ પૈસા આપવા માટે ઠાકુરને એટલો ટટળાવ્યો હતો કે ઠાકુરને ખુદને હું ફોન કરીશ તોપણ કનુ પૈસા આપી દેશે એવી આશા નહીં હોય. ઠાકુર હિન્દી ગુજરાતી અને બંગાળીનું એવુ મિશ્રણ બોલતો કે મને એ દર વખતે કેળાં દહીંમાં બોળીને ખાતાં હોઇએ એવું અજુગતું લાગતું. મને, સોનાનો રવો નહીં મળે તો ઓછામાં ઓછી આઠ હજારની ચાકી આવશે અને મોટો આવીને મારી બજાવશે એ નફામાં - એ વિચારે પરસેવો થઈ રહ્યો હતો એમાં વળી આ ઠાકુર મગજની મા પૈણતો હતો. મેં હથોડો ખાલી એરણ પર પછાડ્યો. કાટવાળી એરણ પર હથોડો પછડાઇને પાછો પડ્યો ત્યારે લાકડાનો બોલ બખ્તર સાથે અથડાય એવો અવાજ આવ્યો. હું દુકાનમાં ચારે તરફ નજર ફેરવવા લાગ્યો જાણે કે રવો સૂંઘતો હોઉં. હું નીચો વળીને બધું ફેંદવા લાગ્યો. મને વળતી પળે વિચાર આવ્યો કે જીવન એક સંગ્રામ છે. એ જફા છે. પછી થયું કે આ ફિલૉસૉફીનો હુમલો છે એટલે વિચાર ઝાટકી નાખ્યો, પણ ઠાકુરની ગાળ કેડો મૂકતી ન હતી. કનુ પૈસા નહીં આપે તો ઠાકુર એનું શું ઉખાડી લેશે? એ વિચાર આવતો હતો. શું શું બની શકે એની સંભાવના હું મનોમન વિચાર્યા કરતો હતો. સામેની ચેમ્બરનાં ધાબે મૂકેલી ડિશ પર પછડાઇને સૂરજનો શેરડો મારી આંખમાં કણાંની જેમ વાગતો હતો. મેં આંખ ફેરવી લીધી. બારી બહાર અચાનક ઍમ્બ્યુલન્સના અવાજથી બજાર, માંદગીના ભયથી સંકોચાઈ ગયું હતું. રસ્તાની બંને બાજુએ પાર્ક કરેલાં વાહનોને કારણે ઍમ્બ્યુલન્સ ચીસો પાડતી ખોડંગાતી ચાલતી હતી. મેં બારીમાંથી નીચે જોયું. એની ચીસોથી મને કાન ભીડી દેવાનું મન થયું. પછી થયુ કે ઍમ્બ્યુલન્સમાં કોઇક હશે. એને ઇમરજન્સી હશે. એ કદાચ થોડા સમય માટે જ હોય. એ કદાચ છેલ્લીવાર જ આ ગલીમાંથી નીકળતો હોય. એની આંખો ખુલ્લી હશે. એ મારી દુકાનની બારીમાં જોતો હોય. હવે કદાચ એ મારી બારીને કયારેય નહીં જોઈ શકે. બજાર જાણે ઍમ્બ્યુલન્સને વળગીને પેલાને જતો રોકી રહ્યુ હતું. મને પછી તરત ખોવાઈ ગયેલો રવો સાંભર્યો. ઍમ્બ્યુલન્સમાં સૂતેલો જણ સાંભર્યો. જીવનમાં કશું સાથે નહીં આવે. આમ જ બજારમાંથી પસાર થઇને એક દિવસ રસ્તા વચ્ચે પડેલાં વાહનો ચીરતાં જતું રહેવાનું હોય છે. હું લમણે હાથ દઇને બેસી ગયો. આ ક્ષણે વરસાદ આવે અને મારાં શરીરમાં ઠંડક ફરી વળે, એવી મને સાવ ઠાલી ઇચ્છા થઈ આવી. સીડીને બે હૂક મારીને લટકાવેલું દોરડું કેટલાયના હાથોનો મેલ ખાઈ ખાઈને કાળુંમેશ થઈ ગયું હતું. એ દોરડાને પકડીને પછી હાથ સૂંઘો તો ભેજથી કહોવાઈ ગયેલાં જૂનાં છાપાં જેવી વાસ આવતી. એ દોરડું બ્લેક મામ્બાની જેમ અમળાયું. એક આકાર ધીરે ધીરે ઉપર આવતો હતો. એ એવી રીતે ઉપર ચડતો હતો જાણે જિસસ વધસ્તંભ પર ચડતા હોય. વિખરાયેલા કાબરચીતરા વાળ અને હાથમાં પ્લાસ્ટિકની થેલી. એ મારી સાથે ફોનમાં વાત કરીને સીધો અહીં જ આવ્યો હોય, એવું લાગતું હતું. -"ઠાકુર" મારાથી એટલું જ બોલાયું. -"રાધે કૃષ્ણ" એ સામે બોલ્યો ઠાકુરનો ચહેરો દુકાળીયાં જમીનની જેમ ઠેર ઠેર ફાટી ગયો હતો અને વીતેલો સમય એમાંથી ડોકિયા કરતો હતો. એની આંખોમાં મને હંમેશાં એના ગામમાં થઇને વહેતી નદીનો એક લીરો વહેતો દેખાતો. એ દુકાનમાં આવતાવેંત મને કહે, "ચા મંગાવ." મને થયું કે, "આજે કેમ એકદમ આમ? મેં કહ્યું "બહુ ચા પીવાની ચળ હોય તો ચા લઇને જ અવાય ને? તારા બાપા અહીં કંઈ મૂકી ગયા છે?" એનું મોઢું ઉંબરા પરથી પડી ગયેલાં અશક્ત બાળક જેવું થઈ ગયું. મને થયું કે એને ખોટું લાગ્યું છે. પણ મારો રવો ન મળે ત્યાં સુધી મારો જીવ ઠેકાણે નહીં આવે, એ પણ મને ખબર હતી. એ ઊભો થવા જતો હતો. એની વધી ગયેલી દાઢીના વાળ વચ્ચે જગ્યા થઈ ગઈ હતી. -"બેસ હવે. હું મંગાવું છું." મેં કહ્યું. -"હું ક્યાં ક્યાંય જાઉં છું?" એમ કહી એને પ્લાસ્ટિકની થેલીમાંથી જૂની પીળાં પડી ગયેલાં પાનાંવાળી ચોપડી કાઢી. બંગાળી ભાષામાં કીડીના ટાંગા જેવા અક્ષરોમાં બધું એકબીજામાં ભળી જાય એવી રીતે લખ્યું હતું. એણે એમાંથી કંઇક વાંચવા માંડ્યું. પછી મોટે મોટેથી ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યો. મને દર વખતે એવું લાગતું હતું કે ઠાકુર આ ચોપડી તો સાવ ખોટી જ ખુલ્લી રાખે છે. એ જે બોલે છે, એ તો જાણે ચોપડીમાં હતું જ નહીં. એ ગાતો ત્યારે એનું રૂપ ફરી જતું. આંખોમાં ચમક આવી જતી. એ આસપાસનું ભાન ભૂલી જતો. મને વિચાર આવ્યો કે આ ગાતી વખતે ઠાકુરને કનુના પૈસાની યાદ આવતી હશે? એણે સ્તુતિ પૂર્ણ કરી. બીજે ક્યાંકથી બળ કરીને અહીં પાછો આવ્યો હોય એમ, એણે આંખો ખોલી. ચાની પ્યાલી સામે જોયું. પછી મારી સામે જોયું. એક જ ઘૂંટડે આખી પ્યાલી ચા પી ગયો. -"શું કરે છે તારા ભગવાન આજકાલ?'" મેં એમ જ હળવાશ લાવવા અને મારા ખોવાઈ ગયેલા રવાને ભૂલવા માટે પૂછ્યું. એ થોડીવાર મૌન રહ્યો, જાણે ભગવાનને પૂછીને કહેવાનું હોય! પછી પણ કંઈ બોલ્યો નહીં. એ ક્યાંય સુધી કંઈ બોલ્યો નહીં. મને થયુ કે એને કનુના પૈસાની વાત શરૂ કરવી હશે પણ મેં એને ગાળ દીધી હતી એટલે એ કરી શકતો નથી. હું પણ અકોણો થઇને મૂંગો રહ્યો. ચાનો મીઠો સ્વાદ જીભ પર ઘોળાઇને કડવો લાગવા લાગ્યો. મેં ઠાકુરને કીધું, "ખેનીની ડબ્બી પડી છે?" એણે પણ જાણે કશાકમાંથી છૂટ્યો હોય એમ ઝડપથી ડબ્બી કાઢી. પ્લાસ્ટિકની ડબ્બીની એક બાજુએ તમાકુ હતી અને બીજી બાજુએ ભીનો ચુનો ભર્યો હતો. એણે તમાકુ હથળીમાં લઇને નખ વડે ચુનો ઉમેર્યો. ઠાકુર મારા માટે હથેળીમાં તમાકુને અંગૂઠા વડે જોર જોરથી મસળતો હતો. એણે તમાકુ મારી સામે ધરી. મેં એક ચપટી ભરીને હોઠ નીચે દબાવી દીધી. તમાકુનો રસ ચાના સ્વાદ પર હાવી થઇને મોઢામાં ફેલાવા લાગ્યો. -"કંઈ કહેતો હતો એ?" એણે પૂછ્યું. -"કોણ?" મેં જાણી જોઇને પૂછ્યું. એ વખતે એનું મોઢું એવું થઈ ગયું જાણે હું માખી થઇને એના મોઢા પર બણબણતો હોઉં! -"વો માદરબખ્ત!" પછીનું એ ગળી ગયો. -"કનુ કહેતો હતો કે એની પાસે આવશે એટલે આપી દેશે" મેં એમ જ વાતને ટાળવા માટે કહ્યું. -"બહુ ધવરાવ્યો એણે તો. હવે તો ગોળીઓ ઢીંચણ સુધી આવી ગઈ છે." એ ભગવાનની ચોપડી હાથમાં રાખીને બોલ્યો. - "ઠાકુર, તારા ભગવાન પર તને ભરોસો હોય તો તારે બધું એની પર છોડી દેવું જોઇએ. આટલું જોરજોરથી રોજ ભગવાનને બોલાવે છે તો એને કહે ને, કનુ પાસેથી તારા પૈસા કઢાવી દે." મેં ફિલૉસૉફરના અંદાજમાં કહ્યું. -"સાંભળ, એ કઈ મારા પૈસા આપવા કે અપાવવા નવરો નથી. એ માટે એ નહીં આવે. એ ખાલી આ બધું જોઈ શકે છે. એ ક્યાંય પણ ઘૂસ્યા વગર બધું નિરાંતે જોઈ શકે છે એટલું જ." મને બહુ સમજાયું નહીં પણ ઠાકુરને કશુંક વધારે સમજાય છે એવું લાગ્યું. -"આજ સુબહ મેં મકાનમાલિક આયા થા, બીજોય. વો સાલા માદરબખ્ત મેરા સામાન બહાર ફેંક દેગા." -"વો સમાન તો સલામત રહેગા ન?" મેં આંખ મારીને પૂછ્યું . "ઠાકુર, માની લે કે કનુ પૈસા આપવાની સાવ ના પાડે, તો તું એનું શું ઉખાડી લઇશ?" મેં ઠાકુરને વાસ્તવ સામે ઊભા રહેવા આહ્વાન કર્યું જાણે. એ થોડીવાર કશું બોલ્યો નહીં. ભગવાનની ચોપડીમાંથી હજી ય ધ્વનિ વહેતો વહેતો થેલીમાંથી બહાર આવી રહ્યો હતો. એણે આંખો બંધ કરી. આંખો ખોલી અને પછી મને કહે, "હું કનુને ચકલી બનાવી દઇશ." મને વર્ષો પહેલાં કાંકરિયામાં જોયેલો એક જાદુગર યાદ આવી ગયો. મને આશ્ચર્ય પણ ન થયું અને આઘાત પણ ન લાગ્યો. રસ્તા પર બેઠેલા અશક્ત ભિખારીને રોજ જોઇને આગળ વધી જઇએ, એમ હું મારા ખોવાઈ ગયેલા રવા વિશે વિચારવા લાગ્યો. -"કેટલા મહિનાનું ભાડું ચડી ગયું છે?" મેં પૂછ્યું. -"ચાર." એણે આંગળી વડે ચાર બતાવ્યા. એ વખતે મને એના નીચલા હોઠ પર તાલફડીનું ફોતરું ચોટ્યું હોય એવો ડાઘ દેખાયો . એ ડાઘ કોઢનો હશે તો ઠાકુર પછી કેવો લાગશે એવો મને વિચાર આવ્યો. અમે બંને થોડીવાર મૂંગા બેસી રહ્યા. -"હું ફોન કરું કનુને? એ આવતો હોય તો અહીં બોલાવી લઉં? વાત ઊંચી મૂકાઈ જાય." હું પણ તંગ આવી ગયો હતો. દર બીજે દિવસે ઠાકુર મને ફોન કરે, હું કનુને કહું ને એ મને ટીંગાડી રાખે. ઠાકુર મારા ભરોસે ટીંગાઈ રહે ઠાકુર કશું બોલ્યો નહીં. જાણે કનુ અહીં આવી જાય પછી જે કંઈ બને એ માટે એ તૈયાર નહોતો જાણે. કનુ આવ્યો. બહાર સ્ટૂલ પર બેઠો. -"બોલ ને શું હતું?" એ થોડીવાર રહીને બોલ્યો. મેં ઠાકુરની સામે જોયું. ઠાકુર એની થેલીમાં ભગવાનને પંપાળી રહ્યો હતો. મેં એને ઇશારો કર્યો કે આ આવ્યો છે તો વાત તો શરૂ કર. એ ક્યાંય સુધી કંઈ બોલ્યો નહિ. મને એની પર ગુસ્સો આવતો હતો. એના પૈસા હતા તો ય એ માંગતા એની ફાટતી હતી. -"કનુ શું કરવાનું છે હવે?"મેં શાંતિને ઊભી ચીરતો હોઉં એમ કહ્યું. -"શેનું?"એ બોલ્યો. એની આંખમાં રમત ડોકાતી હતી. -"આ બિચારો ઠાકુર ધાવી ધાવીને થાકી ગયો હવે તો." મેં કહ્યું. -"તો ધાવણ છોડાવી દઉં?" કનુ વાંકો હોઠ રાખીને હસ્યો. -"એમ નહીં, ટોપા. એને ચાર મહિનાનું ભાડું ચડી ગયું છે. મકાનમાલિક એનો સામાન બહાર ફેંકી દેવાનું કહે છે. એ બિચારો જશે ક્યાં?" હું એકીશ્વાસે બોલી ગયો. -"માની લે કે તારું મકાન કોઇએ રાખી લીધું હોય. એનું બાનાખત થઈ ગયું હોય. એના પેટે તને પૈસા ચૂકવી દીધા હોય પછી એ ફરી જાય તો એનું બાનુ જાય કે નહીં? તને એટલી તો ખબર જ છે ને, ડોફા! એ તો મને કે તને નહીં આખા ગામને ખબર છે. મેં કંઈ એના રૂપિયા દબાવ્યા નથી. એ રૂપિયા મારા જ છે. હું કંઈ કરોડપતિની ઓલાદ નથી. મારે એ પૈસાની જરૂર છે એટલે મેં એ રાખી લીધા છે. અને બાનાખતનો નિયમ કંઈ મેં નથી બનાવ્યો, કોર્ટે બનાવ્યો છે અને બધાં એને માને છે". -“નિયમની માનો ટાંગો. તું ગરીબ બ્રાહ્મણના પૈસા લઇને શું કરીશ?" મેં અકળાઇને કહ્યું. -"પૈસા પર લખ્યું હોય છે કે આ બ્રાહ્મણના, આ વેપારીના?" એણે બેફિકરાઇથી જવાબ આપ્યો. હું ઠાકુર સામે જોઈ રહ્યો હતો. એનો એક હાથ થેલીમાં હતો જાણે ભગવાનને મસળતો હોય. -"તો તું ઠાકુરને એના રૂપિયા નહીં આપે?" હું જાણે છેલ્લીવાર પૂછી રહ્યો હતો. -"મારે આપવાના છે જ નહીં, પણ તું બહુ ચોંટ્યો છે એટલે કહું કે, મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે એના રૂપિયા દૂધે ધોઇને આપી દઇશ. અત્યારે મારી પાસે ઠાકુરને આપવાના પૈસા નથી." એ જાણે નાગો થઇને ઊભો રહી ગયો હતો. સવારે કરેલી અગરબત્તીના શ્વાસ ધીરે ધીરે છૂટી રહ્યા હતા. ઠાકુર સૂકી આંખે અમને બંનેને સાંભળી રહ્યો હતો. કનુને ઠાકુરના રૂપિયા ઓળવી જ જવા હતા તો ઠાકુર એનું શું ઉખાડી લેશે? મને ફરી એવો વિચાર આવ્યો. પછી તરત જ મને મારો સોનાનો રવો નહીં મળે તો મોટો આવીને મારું શું ઉખાડી લેશે એવો વિચાર આવ્યો. પછી મને મારું અને ઠાકુરનું ઉખડી ગયેલું અસ્તિત્વ નજરે ચડ્યું. પછી પેલો ઍમ્બ્યુલન્સમાં જતો માણસ અને વાહનોથી ખીચોખીચ ભરેલો રસ્તો, બધું એકબીજામાં ભળી જઇને સડક પર ઢોળાયેલાં ઓઇલ જેવું વિચિત્ર ભાસ્યું. મને મારી જ દુકાનમાં ગૂંગળામણ થવા લાગી. હું કનુની સામે જોઈ રહ્યો. ઠાકુર એક હાથ થેલીમાંથી કાઢતો જ ન હતો. એણે ભગવાનને કે ભગવાને એને પકડી રાખ્યો હતો એ ખબર ન પડી. -"ઠાકુર, તું બોલ ને કંઇક ડોફા. ક્યારનો આમ મૂંગો બેસી રહ્યો છું તે! અબ ક્યા કરેગા, બોલ! યે તો નંગા હો ગયા. સુન લે, ઠાકુર, તારો ભગવાન પણ નાગાંઓની જ ભેરે છે. તારી-મારી જેવાને તો એ પગ નીચે જ દબાવી રાખે છે. સમજ્યો?" મેં જાણીજોઇને કનુ સામે જોઇને કહ્યું. હું તિલમિલાઈ ઊઠ્યો હતો. ઠાકુરનું મોઢું તરડાયું. એણે પ્લાસ્ટિકની થેલીમાંથી ભગવાન કાઢ્યા. તાંબાની લોટી કાઢી. મારી કૂપીમાંથી જળ લઇને લોટીમાં ભર્યું. આંખો બંધ કરી. -“ઇન્દ્રોહી...સીન્દ્રોહી...કાલ ક્રિષ્ન ભૈરવ.." એવું કંઇક લાંબા રાગે ગાવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આ કનુને કંઈ કહેવાને બદલે સ્તુતિ કેમ કરવા માંડ્યો? ઠાકુરની આંખોમાં વીજળી જેવી ચમક પ્રસરી ગઈ. મારી દુકાનના કેલેન્ડરના ભગવાનનો આત્મા ફરકવા લાગ્યો. થોડીવાર પહેલાં બુઝાઈ ગયેલી અગરબત્તીનો શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યો. ઠાકુરે લોટીમાંથી જળ હથેળીમાં ભર્યું. એની આંખોમાં તાંડવ ઉતરી આવ્યું હતું. એનું કપાળ સંકોચાયું. સ્નાયુઓ તંગ થઈ ગયા. શરીર અક્કડ થઇને લાકડાં જેવું થઈ ગયું. હાથની રુંવાટી પર પસીનાનાં બુંદ, પાંદડાની ટોચે ઝૂલી રહેલાં ઝાકળની જેમ ઝૂલી રહ્યાં. મને લાગ્યું જાણે મારી દુકાન (ઠાકુરની સ્તુતિ) માં રાસ લે છે. ઠાકુરે હથેળીનું જળ આંખ પાસે લઈ જઇને એની અંદર જાણે કશુંક ઉમેર્યું. હથેળીનું જળ દરિયાની જેમ ઉછાળા મારવા લાગ્યું. ઠાકુરે જોરથી એક મંત્ર બોલીને કનુ પર છંટકાવ કર્યો. કનુએ ઠાકુર સામે જોયું. ઠાકુરની આંખો હજુ પણ તાંડવ કરતી હતી. કનુના શરીરમાં ધ્રુજારી શરૂ થઈ. આખો આર્કટિક એની પર ઉલેચી દીધો હોય એમ કનુ ધ્રૂજતો હતો. એના હાથ-પગ સંકોચાવા લાગ્યા. મોઢું વિલાઇને નાનું થઈ ગયું. સૌથી પહેલાં હોઠ સ્હેજ લંબાઇને એમાંથી ચાંચ ધીરે ધીરે અણીદાર થવા લાગી. એના પગ દોરડી જેવા પાતળા થતાં થતાં ગુલાબી રંગના થઈ ગયા. ગુલાબી પગને નાની નાની ફોતરી ઉખડી ગયેલી હતી. એની રુંવાટી રુંવાટીએ પીંછા બહાર નીકળી આવ્યાં. એની ગોળ આંખો દુકાનમાં ચકળવકળ ફરવા લાગી. ધીરે ધીરે પાંખ ઊગી નીકળી. એની પાંખ ફફડવા લાગી. ઠાકુર બંધ આંખોએ ઝડપથી શ્વાસ લઈ રહ્યો હતો. કનુ બારી બહાર ટેલિફોનના વાયર પર ઝૂલતી તોફાની ચકલીનો પડછાયો હોય એમ ચીં ચીં કરવા લાગ્યો. કનુની અંદર જાણે ચકલી હતી જ. ઠાકુરે એને બહાર ખેંચી આણી હતી. હું મારા થડામાંથી બહાર નાના સ્ટૂલ પર બેઠેલા કનુની જગ્યાએ એક ચંચળ ચકલીને પાંખો ફફડાવતા જોઇને હેબતાઈ ગયો હતો. ઠાકુરે આંખો ખોલી. થેલીમાંના ભગવાનને હાથ પસવાર્યો. એણે મારી સામે જોઇને વિજયી સ્મિત કર્યું. હું કશું બોલવાના હોશમાં ન હતો. ચકલીએ સ્ટૂલ પરથી સ્હેજ ઊડવાનો પ્રયત્ન કર્યો. અટકી. બળ કર્યું. સ્હેજ ઊંચી થઈ. સ્થિર થઈ. ફરી આક્રમક થઇને ઊંચા થવાનો મરણિયો પ્રયાસ કર્યો. આખરે વિમાન ટેક ઑફ કરે એમ ઊડી અને દુકાનમાં ચક્કર લગાવ્યું. એ પંખા સાથે અથડાતાં બચી ગઈ. મારાથી હળવી ચીસ પડાઈ ગઈ. એ ફરી પાછી સ્ટૂલ પર આવીને બેસી ગઈ. ઠાકુરના શરીરમાંથી તમામ શક્તિ હણાઈ ગઈ હોય એમ, એ નિચોવાઇને બેસી ગયો. કનુ બારી બહાર ટેલિફોનના વાયર પર ઝૂલતી તોફાની ચકલીનો પડછાયો હોય એમ ચીં ચીં કરવા લાગ્યો. કનુની અંદર જાણે ચકલી હતી જ કનુ ચકલી ફરી ઊડી. એ ઊડતી ઊડતી રસ્તા પર ટેલિફોનના વાયર પર જઇને બેઠી તો બીજી અનેક ચકલીઓ એની પાસે આવીને ટોળે વળવા લાગી. આ વખતે એણે પંખાનું બરાબર ધ્યાન રાખ્યું. દુકાનનાં માળિયામાંથી એણે એક તણખલું ઉપાડ્યું અને ચાંચમાં ભરાવીને ઊડવા લાગી. એનાં ફફડાટથી દુકાન ગુંજતી હતી. કાચની બારી અને સ્લાઇડિંગ ડોર વચ્ચે એનું, "ચીં ચીં."કાનમાં વાગવા લાગ્યું. એ જોરજોરથી "ચીં…ચીં…" કરવા લાગી. હું જાણે એની સાથે ચકરાવે ચડ્યો હતો. ઠાકુર ઢીલો ઘેંશ થઇને બેસી રહ્યો હતો. મેં થડામાંથી ઊભા થઇને સ્લાઇડિંગ ડોર ખસેડી નાંખ્યું. ચકલી જાણે આખું આકાશ બાથમાં ભરતી હોય એમ બહાર નીકળી ગઈ. તડકો ખીલી ઊઠ્યો હતો. બધી ચકલીઓ એક ઝુંડ બનાવીને ઊડી. થોડે દૂર જઇને ગોળ ચક્કર લગાવીને બધી હસતી હસતી પાછી આવીને વાયર પર ઝૂલવા લાગી. હું એ ચકલીઓમાં કનુનો ચહેરો શોધવા મથ્યો, પણ મને બધી એક જેવી જ લાગી. ઠાકુર એની જગ્યાએ ઊભો થયો. બારી બહાર જઇને આકાશ જોવા લાગ્યો. ચકલીઓ કલશોર મચાવતી હતી. ઠાકુર અધીરિયો થઇને કનુ ચકલીને શોધવા લાગ્યો. હું દુકાનમાં રવો શોધવા માટે નીચો નમ્યો. સાંકડી શેરીનાં આકાશનો લીરો ચકલીઓ વડે રંગાઈ ગયો હતો. કનુ ચકલી એની મોજમાં ઓગળી ગઈ હતી. -"મારો રવો મળી જાય એવો મંત્ર છે, ઠાકુર?" મેં પૂછ્યું. ઠાકુરે થેલીમાંના ભગવાનને ફંફોળ્યા પછી લાચાર નજરે મને અને વાયર પર ચકલીઓનાં ઝુંડને તાકી રહ્યો.



તન્ત્રીનૉંધ :

ઉજાળેલી ન્હૉતી એવી ઍરણ પર કાટના ડાઘ જોઈને કથકને થાય છે : જીવનને જ કાટ ચડી ગયો હોય ત્યાં એરણનું શું? મને આવી રીતે ઘણીવાર રોજિંદા જીવનમાંથી ફિલૉસૉફી તારવી લેવાના હુમલા આવતા : હળવા ચિન્તક જેવી કથકની આ વ્યક્તિતા, ‘જીવનના ગંભીર પ્રશ્નો’-ના ‘હુમલા’ બીજાઓ પર કરીને તેમને ડઘાવી દેનારી વ્યક્તિતા, વાચકના મનમાં વસી જાય છે, બલકે વાચકને થાય છે, એથી હવે થશે શું. બને છે એવું કે સોનાનો રવો ઊડીને દુકાનના કો’ક ભાગમાં ચાલ્યો જાય છે, એ કથકના એ દિવસનો નકરો વાસ્તવિક બનાવ હતો. નકરો એટલા માટે કે એમાંથી એ કશી ફિલોસોફી ન તારવી શકે. આમ, એના એ દિવસે, ફિલસૂફી અને વાસ્તવિકતાની આંટી પડી ગઈ. પોતાની આગળની કથની માટે એ બનાવને એણે સતત યાદ કર્યા કર્યો પણ અન્તે રવો ન મળ્યો, અને આંટી આંટી જ રહી. વાચક જુએ છે કે કથકની એ વ્યક્તિતા બીજા બે છેડે પણ વિકસેલી છે : એક છેડો આ : રવો કયાં શોધીશ એ વાતે ‘મારી ફાટી રહી હતી’ -મોટો આવીને ‘મારી બજાવશે’ -હું મારા ભાઇમાં ‘પેહી નીકળ્યો’ છું -આ ઠાકુર ‘મગજની મા પૈણતો’ હતો -નિયમની ‘માનો ટાંગો’. વગેરે. બીજો છેડો આ : તમાકુનો રસ ચાના સ્વાદ પર ‘હાવી થઇને’ મોઢામાં ફેલાવા લાગ્યો -મોબાઇલ ટેબલ પર ‘સાપની જેમ અમળાતો હતો’ -સવારે કરેલી ‘અગરબત્તીના શ્વાસ’ ધીરે ધીરે છૂટી રહ્યા હતા -ઠાકુરની ગાળ અને સોનાનો રવો મારા ચિત્તમાં ‘ભમરડાંની જેમ ઘૂમરાતાં હતાં’ -સાંકડી શેરીનાં ‘આકાશનો લીરો ચકલીઓ વડે’ રંગાઈ ગયો હતો. કથકને બ્લેક મામ્બાની જેમ અમળાયેલા દોરડામાં ‘જિસસ’ વધસ્તંભ પર ચડતા હોય એવો આકાર પણ દેખાય છે. વગેરે. ટૂંકમાં, કથકની વ્યક્તિતામાં ફિલસૂફી, કાવ્યાત્મક વાણી અને નરી વાસ્તવ દુનિયાના રંગે રંગાયેલી અભદ્ર લેખાતી વાણી પણ છે. કથક આ રચનાનું મુખ્ય પાત્ર છે, રચના એના મુખે કહેવાઇ છે, પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્રથી, તેથી એની આ સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાનો વાચક વાર્તારસ માણે છે, વાચકનું કુતૂહલ પણ ખીલે છે. ઠાકુર અને કથકના મોટા ભાઈ કનુ વચ્ચે પૈસા બાબતે રકઝક હતી એમાં કથકને અનિચ્છાએ બળાત્ દરમ્યાનગીરી કરવી પડી. એમાં કથકના એ દિવસનો ઘણો ખર્ચ થયો છે. પરન્તુ, ગાળો આરામથી બોલતો ઠાકુર, પોતા વિશે કહે છે એમ ‘ફિલોસોફરના અંદાજમાં’ બોલતો કથક, એ બન્ને વચ્ચેના સંવાદ, અને એમાં વ્યવહારની દુનિયાનો કનુ ઉમેરાતાં સંભવેલા એ ત્રણ વચ્ચેના સંવાદ, રચનામાં એક સ્વાયત્ત લીલા જેમ વિકસ્યા છે, એને વાચક માણતો રહે છે, અને કથની વિસ્તરતી રહે છે. એ પછી, દહેશત અને ડર જગવતી ઍમ્બ્યુલન્સના પ્રવેશ પછી, ઠાકુરની ઈશ્વર-સ્તુતિના પ્રતાપે કનુને ચાંચ ઊગે, એ બારી બહાર ટેલિફોનના વાયર પર ઝૂલતી તોફાની ચકલીનો પડછાયો હોય એમ ચીં ચીં કરવા લાગે, કનુની અંદર જાણે ચકલી જ હોય એમ, એ ફરી ઊડે, વગેરે વગેરે સ્વરૂપનો કથક સામે અદ્ભુત રસિક ચમત્કાર સરજાય છે. એ ચમત્કારનું આલેખન કથકે પોતે કર્યું છે, અને એટલે, વાચક કશો પ્રશ્ન કર્યા વગર એ અદ્ભુત રસિક ચમત્કારને માણી શકે છે, કેમકે એવા કશા માટે એ તૈયાર હતો, એ રીતે કે કથકની સંમિશ્ર વ્યક્તિતાની અપરિચિતતાને માણી ચૂકેલો. ‘પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર’-ની રચનાઓ વાચકને જરા આઘાત તો આપે પણ એનાં રસરુચિને સજ્જ કરે, એમાં એવું બનતું હોય છે. આ વાર્તા તેનું એક આગવું દૃષ્ટાન્ત છે.