સિગ્નેચર પોયમ્સ/તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ

તારો મેવાડ મીરાં છોડશે

રમેશ પારેખ


ગઢને હોંકારો તો કાંગરા ય દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે?
રાણાજી, તને ઊંબરે હોંકારો કોણ દેશે?
આઘે આઘેથી એને આવ્યાં છે, કહેણ,
જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે...

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
કિનખાબી પ્હેરવેશ કોરે મૂકી ને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે...

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ,
રૂંવેરૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે...