સિગ્નેચર પોયમ્સ/વીજળીના ચમકારે – ગંગાસતી

From Ekatra Wiki
Revision as of 16:46, 17 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વીજળીના ચમકારે

ગંગાસતી


મેરુ તો ડગે જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં, સોઈ હરિજનનાં પ્રમાણજી.
ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાચી
રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ
હરખ ને શોકની આવે નહિ હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી – મેરુ
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી – મેરુ
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલપ વિકલપ એકે નહિ ઉ૨માં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગાસતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ
ભગતિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ!
રાખજો વચનુંમાં વિશ્વાસ રે,
ગંગાસતી એમ બોલિયાં
તમે થાજો સતગુરુજીના દાસ રે – મેરુ