સુરેશ જોષી

સુરેશ જોષી





ઉમાશંકર જેઠાલાલ જોશી
Umashankar-Joshi.jpg
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક.
જન્મતારીખ ૨૧-૭-૧૯૧૧
જન્મસ્થળ ઈડરના બામણા ગામમાં.
અવસાન ૧૯-૧૨-૧૯૮૮

સુરેશ જોષીનું આગમન ગુજરાતી સાહિત્યમાં એક મહત્ત્વની ઘટના પુરવાર થઈ – આ ઘટના માત્ર ઐતિહાસિક પુરવાર થઈ હોત તો તો એ બહુ જલદીથી ભુલાઈ જાત પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યનાં આગામી વર્ષોમાં પણ વિશિષ્ટ લેખાશે. તેમનામાં વિલક્ષણ સંવેદનાશીલતા હતી અને આ સંવેદના દ્વારા માનવીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવા તેઓ મથતા રહ્યા; તેમનો પ્રયત્ન સતત રૂપથી અરૂપ, સાધારણથી અસાધારણ, ક્ષણિકથી શાશ્વત સુધી જવાનો રહ્યો. પોતાની સામે જે અસીમ અને ભયાનક વાસ્તવિકતા હતી તેને પોતાની રચનાઓમાં કંડારવા માટે જેટજેટલી યુક્તિપ્રયુક્તિઓ લેખે લગાડી શકાય તે બધી જ કામે લગાડવા માટે તેઓ આતુર હતા. એટલે જ તેઓ વાસ્તવથી માંડીને અસંગતિ, કપોલકલ્પિતને પોતાની રચનાઓમાં સમાવવા મથ્યા. આ જ રીતે એક બાજુ તેઓ મુગ્ધતાનો અને બીજી બાજુ વિદગ્ધતાનો પુરસ્કાર કરતા રહ્યા. જે કોઈ પોતાની જાતને સર્જક તરીકે ઓળખાવે છે તેને બૃહદ્, અપરિમેય વાસ્તવને પામવા માટે આવું કરવું પડે એ સ્પષ્ટ છે. સુરેશ જોષીએ પોતાના નિબંધોમાં પ્રગટ રીતે અને વાર્તાઓમાં અપ્રગટ રીતે અખંડનો મહિમા કર્યો હતો. આ અખંડને પામવા માટે આપણી સમગ્ર સંવેદનાને કામે લગાડવી પડે. એટલે જ એમની રચનાઓમાં સમગ્ર ઇન્દ્રિયગોચર વિશ્વની સંકુલ છબિ આપણને જોવા મળે છે. કોઈ પણ યુગના સર્જકે સમગ્ર પરિવેશની સાથે પળેપળનો સંબંધ અખંડ રીતે પ્રગટાવવો હોય તો પોતાની સમગ્ર આકલનક્ષમતાને કામે લગાવવી પડે, પરોક્ષને બદલે અપરોક્ષને સ્વીકૃતિ આપવી પડે, પોતાના ઇન્દ્રિયજગતને બધિર બનતાં અટકાવીને જીવંત વ્યક્તિતાની પ્રતીતિ કરાવવી પડે. આમ કરતા જતાં જીવનવિષયક, સાહિત્યવિષયક પરંપરાઓને પડકારવાનું સાહસ પણ સર્જકે કરવું જોઈએ. નહીંતર તો પરંપરાના અનુસરણમાં અને પછી તો પરંપરાના યાંત્રિક અનુકરણમાં સરી જવાનો વારો આવે. ઇતિહાસના જે તબક્કે સ્થગિતતા, બંધિયારપણું જોવા મળે તે વખતે કોઈએ સાહસ કરીને અસ્વીકૃતિનાં જોખમોનો મુકાબલો કરીને પણ આગળ આવવું પડે, અચલાયતનો પર આક્રમણો કરવાં પડે. વિવાદો છેડવા પડે, ઊહાપોહ કરવો પડે. સુરેશ જોષી સ્પષ્ટ રીતે માનતા હતા કે સાહિત્યકાર નબળો હોય તો એક આખી પેઢીને વેઠવાનો વારો આવે, એટલે સંસ્કારિતાના રક્ષણસંવર્ધન માટે કોઈ પણ પ્રકારનાં સમાધાનો કરવાનાં ન હોય, લોકપ્રિયતાની પરવા કરવાની ન હોય. સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી સાહિત્યકારને, ભાવકને – કેટલાક અપવાદોને બાદ કરતાં – વિશ્વસાહિત્યનો પ્રત્યક્ષ પરિચય બહુ ઓછો હતો. સુરેશ જોષીએ સાહિત્યને વિશ્વસાહિત્યના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોતાં-મૂલવતાં શિખવાડ્યું. આનું એક સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે કૃતિને મૂલવવાનાં ધોરણો આકરાં બનવા માંડ્યાં. સાહિત્યકૃતિ અનેક રીતે જો સમૃદ્ધ ન હોય તો કાળના પ્રવાહમાં ખતમ થઈ જાય. આથી સમૃદ્ધિનો આગ્રહ સુરેશ જોષી રાખતા રહ્યા અને પોતાની રચનાઓને એવી સમૃદ્ધિ આપતા રહ્યા. આ પ્રક્રિયાના એક ભાગ રૂપે જ ઘટનાના તિરોધાનની વાત ગુજરાતી સાહિત્ય સમક્ષ ધરી. જ્યાં ઘટના સૂક્ષ્મને બદલે સ્થૂળ ભૂમિકાએ પ્રયોજાય છે ત્યાં એ કાળની સામે કદી ટકી શકતી નથી, માનવસંદર્ભની કશી સંકુલ છબિ ઉપસાવી શકતી નથી; સાહિત્યકૃતિ જે માધ્યમ અને પ્રકારમાં ઢાળવામાં આવી હોય છે તેની શક્યતાઓને તાગી શકતી નથી. આવી ઘણીબધી શક્યતાઓનો અસ્વીકાર કરવો એટલે આપણા જગતને હ્રસ્વ બનાવવું. સાચો સર્જક ક્યારેય પોતાના જગતને હ્રસ્વ બનાવવા તૈયાર ન થાય. સુરેશ જોષીને હંમેશા આવા સર્જકો જ આકર્ષતા હતા; સતત આવા સર્જકો વિશે જ લખતા-વિચારતા હતા. સુરેશ જોષીએ સાહિત્યવિવેચનમાં રૂપરચનાનો મહિમા હંમેશા પુરસ્કાર્યો, રૂપરચનાવાદી અભિગમ દરેક કૃતિને સંપૂર્ણ, સ્વાયત્ત માનીને ચાલે છે. પરંતુ સર્જનક્ષેત્રે સુરેશ જોષીએ આ અભિગમ પુરસ્કાર્યો નથી. આ એક વિરોધાભાસ સતત તેમના સર્જનવિવેચનમાં જોવા મળ્યો છે. આ દૃષ્ટિએ જોઈશું તો એમની કૃતિઓ અરસપરસમાં ગૂંથાઈ ગયેલી છે. વાર્તાઓ જ અરસપરસ ગૂંથાયેલી છે એવું નથી, વાર્તા-નિબન્ધ-કવિતા-નવલકથા : આ બધાં સ્વરૂપો અરસપરસ અપૃથક્‌ભાવે ભળી જાય છે. આને કારણે એમની સમગ્ર સર્જનસૃષ્ટિ અખંડિતતા પ્રગટાવે છે. એક કૃતિને પામવા માટે એમની અન્ય કૃતિઓ પાસે જવું આમ અનિવાર્ય થઈ પડે છે. આવી રીતે જ્યારે આપણે તેમના સમગ્ર જગતમાંથી પસાર થઈએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે સમકાલીન વાસ્તવિકતાનો નવો પરિચય પ્રાપ્ત થાય છે. દરેક સર્જકે પોતાના યુગની વાસ્તવિકતાને આત્મસાત્ કરવી પડે, એટલું જ નહીં, એને નવા રૂપે કંડારવી પડે. જો આ વાસ્તવિકતા ભયાવહ, ભીષણ લાગતી હોય તો એનાથી પરાઙ્‌મુખ થવાને બદલે એનો મુકાબલો કરતાં શીખવું પડે. એ વાસ્તવજગતનાં કદર્ય, છિન્નભિન્નતા, શૂન્ય, હતાશાને સમજવા માટે સર્જનાત્મકતાની બધી જ શક્તિઓને કામે લગાડવી પડે; માધ્યમરૂપે પ્રયોજાતી ભાષાની કાયાપલટ કરવી પડે, એમાં નવો પ્રાણ પૂરવો પડે, જેથી કરીને એ ભાષા પુરોગામીઓએ કદી પ્રયોજી ન હોય એવી અપૂર્વ બની જાય. સુરેશ જોષીના સર્જનનો આ સંદર્ભ છે. તેમણે નિબંધ, ટૂંકી વાર્તાનાં સ્વરૂપો વિલક્ષણ રીતે ખેડીને ગુજરાતી ભાષાને વિસ્તારી છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ સંચયમાંથી પસાર થનારને એની પ્રતીતિ થશે. એમના સર્જનાત્મક વ્યક્તિત્વની આગવી મુદ્રા વાચક ઉપર ઘણા લાંબા સમય સુધી અંકાઈ જશે. અહીં એમના સમગ્ર સર્જનાત્મક વ્યક્તિત્વને પામવામાં સહાયરૂપ થાય એ રીતે કૃતિઓને પસંદ કરવામાં આવી છે. એમાં મતભેદને અવકાશ હોઈ શકે; પૃષ્ઠસંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખવા જતાં આપોઆપ કેટલાંક નિયંત્રણો અમારે પણ અમારી જાત ઉપર લાદવા પડ્યાં હતાં. તેમનાં બધાં જ લખાણો જ્યારે ગ્રંથસ્થ થઈ જશે ત્યારે આ સંચયની નવી આવૃત્તિમાં એનો ઉપયોગ કરવાની તક મળશે. સુરેશ જોષી વિશે અનેક અભ્યાસીઓએ ઘણું ઘણું લખ્યું છે, આ સંપાદકોએ પણ અવારનવાર લખ્યું છે. એટલે આ તબક્કે પુનરાવર્તન કરવાને બદલે સુરેશ જોષીની કૃતિઓમાં જ ભાવકને વિહરવા દઈએ. આ ગ્રંથમાં પ્રગટ કરવા માટે સુરેશ જોષીની કૃતિઓનો ઉપયોગ કરવાની સંમતિ ઉષાબહેન જોષી અને તેમના પરિવારે આપી એ બદલ અમે તેમના આભારી છીએ. આ ગ્રંથ નિર્ધારિત સમયમાં અને સુઘડ રીતે મુદ્રિત કરી આપવા બદલ શારદા મુદ્રણાલયનો અને ખાસ તો આ પ્રકાશનમાં અંગત રસ લેવા બદલ રોહિત કોઠારીનો આભાર માનતાં આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના વિતરણની જવાબદારી સંવાદ પ્રકાશન વતી યુયુત્સુ પંચાલે ઉપાડી લીધી એ બદલ તેમનો તથા ગ્રંથને સાકાર બનાવવામાં પ્રત્યક્ષ રીતે-પરોક્ષ રીતે મદદ કરનાર સૌ મિત્રોનો પણ આભાર માનીએ છીએ. શિરીષ પંચાલ – જયંત પારેખ

જીવનપરિચય

સુરેશ જોષીનો જન્મ વૈશાખ વદ આઠમ, 30-5-1921ને દિવસે બપોરે એક વાગ્યે થયો હતો મોસાળમાં, વાલોડ ગામમાં. બાળપણ એમણે ગાયકવાડ રાજ્યના સોનગઢ ગામમાં, દાદાની છત્રછાયામાં ગાળ્યું ને પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ લીધું. એમણે જ કહ્યું છે કે એમના સંવેદનતંત્રે સોનગઢમાં કેટલીક ગાઢ, ચિરંજીવ ને નિર્ણાયક અસર ઝીલી. માધ્યમિક શિક્ષણ લેવા એ વ્યારા ગયા, પરંતુ ગામડિયા ગણાયા ને પ્રવેશ જ ન મળ્યો. પાછા ફરતાં સોનગઢની શાળાના આચાર્યે આપેલો ભલામણપત્ર નાળામાં ફેંકી દીધો. ગંગાધરાની શાળામાં માધ્યમિક શિક્ષણ પૂરું કરીને એ નવસારી ગયા. ત્યાંથી 1938માં મેટ્રિક પાસ કરીને મુંબઈ માતાપિતાની સાથે માટુંગામાં રહ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ શરૂ કર્યો. 1942માં બી.એ.ની પરીક્ષા વખતે બેભાન થઈ જતાં પરીક્ષા અધૂરી છોડવી પડી. 1943માં નવેસરથી પરીક્ષા આપી. ગુજરાતીમાં પ્રથમ વર્ગ ને પ્રથમ ક્રમ મેળવ્યા. 1945માં એમ.એ.માં બીજો ક્રમ મેળવ્યો. એમ.એ. થઈને થોડો વખત ઑરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કર્યું. મુંબઈમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ રામપ્રસાદ બક્ષીનો પરિચય કેળવાતો જતો હતો. રામપ્રસાદ બક્ષીએ એમનાં નિષ્ઠાસૂઝ ને મેધા પારખ્યાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પણ એમ.એ.ના પરીક્ષક તરીકે એમની તેજસ્વિતા પિછાની હતી. એ બંનેના સૂચનથી કરાચીની ડી.જે. સિંઘ કૉલેજમાં સુરેશ જોષીની અધ્યાપક તરીકે નિમણૂક થઈ. ત્યાં એમને નવેમ્બર 1945થી 1947 સુધી ડોલરરાય માંકડનું સાન્નિધ્ય મળ્યું, કૉલેજના પુસ્તકાલયમાં જગતસાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓનો પ્રત્યક્ષ પરિચય થયો, સર્જક અને વિવેચક તરીકેની પોતાની શક્તિની દૃઢ પ્રતીતિ થઈ. 1947માં દેશના ભાગલા થયા એના થોડાક મહિના પહેલાં જ સુરેશ જોષીની વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે નિમણૂક થઈ. એમના જ આગ્રહથી સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે ડોલરરાય માંકડને પણ પોતાને ત્યાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે બોલાવી લીધા. 2-3-49ના દિવસે (ફાગણ સુદ ત્રીજ) સુરેશ જોષીનું લગ્ન ઉષા દરુ સાથે થયું. 1951માં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી સુરેશ જોષીને છૂટા કરવામાં આવ્યા કારણ કે ગુજરાતી વિભાગમાં અધ્યાપકોની સંખ્યા જરૂર કરતાં વધારે હતી. એટલે સુરેશ જોષી વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના ટ્યૂટર તરીકે જોડાઈ ગયા. 1953માં એમની લેક્ચરર તરીકે નિમણૂક થઈ. રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ એમની રીડર તરીકે નિમણૂક કરી; 1978માં પ્રોફેસર ને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ. 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી સુરેશ જોષીએ આ બંને પદ સંભાળ્યાં. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ સુરેશ જોષીએ સામયિકનાં સંપાદન ને પ્રકાશન શરૂ કર્યાં હતાં. એમણે કહ્યું જ છે કે “ઇન્ટરમાં હતા ને કૉલેજમાં, ત્યારે ‘ફાલ્ગુની’ શરૂ કરેલું, ત્યારથી જ, એ રીતે પેલો હડકવા જેવો રોગ લાગુ પડ્યો છે તે છૂટતો નથી.” ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’, ‘સાયુજ્ય’ ને ‘સેતુ’ એમ એક પછી એક અનેક સામયિકોની આખી એક માળા સુરેશ જોષીએ રચી. આઠ વર્ષની ઉંમરે ‘બાલજીવન’માં કવિતા છપાવી. એમણે કહ્યું છે કે મેં ચોરીછૂપીથી કવિતા છપાવી હતી. મારા દાદા જેઓ શિક્ષક હતા તેમણે આ જાણ્યું ત્યારે મને થપ્પડ મારીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. તેમના મતે એ પ્રવૃત્તિ સલામતી વિરુદ્ધની હતી. પરંતુ પાછળથી તેઓ તેમણે લખેલી રચનાઓ મને સુધારવા આપતા. એ રીતે મને સુસજ્જ કર્યો. ત્યારથી સુરેશ જોષીએ પોતે જીવ્યા ત્યાં સુધી સતત રચના કરી ને કાવ્ય, નવલિકા, નિબંધ, નવલકથા, વિવેચન દ્વારા બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો. 1961માં ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો ત્યારે એમાં એમણે એક વિલક્ષણ ને મહત્ત્વનું વિધાન કર્યું : “આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.” ‘જનાન્તિકે’ નિબંધસંગ્રહ માટે એમને નર્મદચંદ્રક એનાયત થયો. સમગ્ર સાહિત્યસર્જન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. 1984માં ‘ચિન્તયામિ મનસા’ વિવેચનસંગ્રહ માટે નવી દિલ્હીની સાહિત્ય અકાદમીએ સુરેશ જોષીને એવૉર્ડ આપવાનું જાહેર કર્યું ત્યારે એમણે એ સ્વીકારવાની ના પાડી. એમ કહીને કે “પ્રામાણિકપણે કહું તો એને એવૉર્ડને લાયક હું તો ગણું નહીં.” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એમની નેશનલ લેક્ચરર તરીકે નિમણૂક કરી, પરંતુ તેની જાહેરાત થાય એ પહેલાં જ 6-9-1986ના શનિવારે, રાતે 9-40 વાગ્યે કિડનીની બીમારીથી નડિયાદમાં તેમનું અવસાન થયું.

સુરેશભાઈનો શૈશવકાળ

સુરેશભાઈને એમના બાળપણમાં સૌ બાબુ કહેતા, નાનેરાઓ મોટાભાઈ કહેતા. એમનો જન્મ મોસાળ સુરત જિલ્લાના વાલોડમાં થયો. પિતા મુંબઈમાં રેલવેની નોકરીમાં હતા. પિતામહ ગાયકવાડી રાજ્યના કિલ્લે સોનગઢની બહુલક્ષી શાળામાં ‘હેડમાસ્તર’ હતા. સુરેશભાઈનું પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં તથા કૉલેજ શિક્ષણ મુંબઈમાં થયું. એમ.એ. થયા પછી થોડા મહિના મુંબઈમાં સરકારી નોકરી કર્યા બાદ કરાચી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. દેશના ભાગલા પડતાં આણંદ પાસે, તેવામાં શરૂ થયેલી વલ્લભ વિદ્યાનગરની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે થોડાંક વર્ષો કાર્ય કરી વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. વડોદરા નિવાસ ચાલુ રહ્યો. સુરેશભાઈના પિતા મુંબઈ હોવાથી એમનું શિક્ષણ પ્રગતિશીલ મહાનગર, મુંબઈમાં થાય એ સ્વાભાવિક હતું પરંતુ એમનું પ્રાથમિક શિક્ષણ પછાત ગણાતા નાનકડા ગામ સોનગઢમાં દાદાની છત્રછાયામાં થયું. આ માટે બે-ત્રણ કારણો હતાં. એક તો મુંબઈ જેવા શહેરમાં શાળાએ જવા-આવવાનું જોખમ. મુંબઈના વાતાવરણ અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ વિશે આશંકા. સોનગઢમાં દાદાજી શિક્ષક હોવાથી ભણતર ઉપર પૂરું ધ્યાન આપી શકે એ લાભ પણ ખરો. આ ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. સુરેશભાઈનાં એક ફોઈ બે વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યાં હતાં. એ બાળકનો ઉછેર સોનગઢમાં થતો હતો. સુરેશભાઈ કરતાં એ એકાદ મહિના નાનો હતો. એને સોબત મળી રહે અને બંને ભાઈઓ સાથે રહીને ભણે એ દૃષ્ટિએ સુરેશભાઈ પિતામહને ત્યાં સોનગઢ આવ્યા. બંને ભાઈઓ સાથે રમતા, ફરતા ને ગામ-પરગામ જવાનું થાય ત્યારે સાથે જ જતા. ‘બાબુ-ભાણા’ના સંયુક્ત નામે તેમનો ઉલ્લેખ થતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં બંને ગંગાધરા અને નવસારીની શાળામાં ભણ્યા. મેટ્રિક થયા પછી સુરેશભાઈ મુંબઈ પિતાને ત્યાં ગયા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ પહેલા વર્ગમાં બી.એ. અને એ જ વિષયમાં બીજા વર્ગમાં એમ.એ. થયા. બીજા ભાઈ સુરતની કૉલેજમાં એ જ વિષયો સાથે બી.એ.ના પહેલા વર્ગમાં અને એમ.એ.ના બીજા વર્ગમાં પાસ થયા. મુંબઈમાં ભણનાર સુરેશભાઈએ મુંબઈ બહાર ગુજરાતીના અધ્યાપક તરીકે આજીવન કાર્ય કર્યું તો સુરતમાં ભણેલા ભાઈએ મુંબઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કૉલેજશિક્ષણ દરમિયાન જુદા પડ્યા પછી બંનેને હળવા-મળવાનું ઓછું થતું. છતાં સ્નેહસંબંધ જળવાઈ રહેતો. સોનગઢનું બાળપણ માતાપિતા સાથે ન હોવા છતાં સુખ, સુવિધા, શાંતિ અને આનંદમય હતું. બસો છાત્રોની બોર્ડિંગના વિશાળ પરિસરમાં મધ્યભાગે હેડમાસ્ટરનું મોકળાશવાળું નિવાસસ્થાન હતું. સાથે મનોહર ઉદ્યાન હતું. ગુલાબ, મોગરો, ચમેલી, બોગનવેલ ને રાતરાણીનાં પુષ્પછોડો અને લતાઓ હતાં. ત્યાં લીમડા અને ચંદનવૃક્ષોની ઘટાઓ ફેલાયેલી રહેતી. કિલ્લાની નજીક આવેલા આ પરિસર ઉપર સંધ્યાકાળે કિલ્લાનો બહોળો પડછાયો પડતો. ઘર મોકળાશવાળું હતું પરંતુ રહેનારાની સંખ્યા ઓછી હતી. દાદાજીનાં મૂંગાં-બહેરાં બહેન અને આ બે બાળકો. કદી કદી ફોઈઓ ને માતાપિતા આવી રહી જતાં. માતામહી ફોઈના મૃત્યુ પછી બે મહિનામાં મૃત્યુ પામ્યાં હતાં. વળી દાદાજીના નાના પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પત્ની, પુત્રી, જમાઈ, વગેરે સ્વજનોનાં થોડે થોડે ગાળે અવસાન થતાં ગમગીની વ્યાપેલી રહેતી. દાદાજી મોટી સંસ્થાના સંચાલનમાં વ્યસ્ત રહેતા છતાં આખું ગૃહતંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હતું ને તેમની સતત નજર રહેતી. બહેરાં-મૂંગાં ફોઈ કાબેલ હતાં ને ઘરનું તંત્ર ચલાવતાં. બંને ભાઈઓના કાર્યક્રમ સરળતાથી ચાલ્યા કરતા. લડવા-ઝગડવાનું ન હતું. ઉપદેશ, ધમકી, ઠપકાનો અભાવ હતો. કોઈનો ઊંચો સાદ સાંભળવાનો ન હતો. બધી જરૂરિયાત પૂરી પડતી. માંગવાની જરૂર પડતી નહીં. નોકર-ચાકરો પૂરતા હતા ને ઘરના માણસની જેમ વર્તતા. આ આનંદમય વાતાવરણમાં રાત પડતી. રાત્રે બંને ભાઈઓ એક ઓરડામાં સૂઈ જતા ને પાસેના વનમાં રહેતા વાઘ, કિલ્લાના બૂરજ ઉપરથી ત્રાડ નાંખતા સાંભળતા. કદીક ભય પામતા, પરંતુ અહીં સયાજીરાવ મહારાજાની આણ પ્રવર્તે છે; વાઘ અંદર આવી શકે જ નહીં એવી ધરપત રાખી નિરાંતે વાતો કરતા નિદ્રાધીન થતા. શાળામાં સુરેશભાઈ હોશિયાર ગણાતા, મોટે ભાગે પહેલો નંબર રાખતા. ‘હેડમાસ્ટર’ને ત્યાંના હોવાથી ગામના મોટેરાઓમાં અને વિદ્યાર્થીઓમાં બંને આદરપાત્ર ગણાતા. સુરેશભાઈ શાળાના મેળાવડામાં ગીત ગાતા, ‘સંવાદ’માં અભિનય કરતા, તે વખણાતા. દાદા સોનગઢના પુસ્તકાલયના મુખ્ય સંચાલક હોવાથી પત્રો, પત્રિકાઓ, પુસ્તકોની ખૂબ સગવડ હતી. સુરેશભાઈ ખૂબ વાંચતા. તેમની તેજસ્વિતાથી બધા અંજાતા ને દાદાના પરિચિતો કહેતા કે ‘સુરેશને તમે આઇ.સી.એસ. થવા લંડન મોકલજો.’. સુરેશભાઈ પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં તથા ફરતા પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ભાગ લેતા. આવી જાહેર પ્રવૃત્તિ સોનગઢ છોડ્યા પછી અટકી ગઈ ને પાછળથી સુરેશભાઈએ રસ લીધો હોવાનું જણાતું નથી. શાળાની સાથે સુથારી, વણાટ, ખેતીકામ શીખવાના વિભાગો હતા. એ વિભાગો વિદ્યાર્થીને તાલીમ આપવા માટે હતા છતાં બંને ભાઈઓ એનો લાભ લેતા. દાદા સાથે સરકારી ફાર્મ પર જતા. સોનગઢ છોડ્યા પછી એ તાલીમ છૂટી ગઈ ને તેમાં રસ લેવાનું પણ બન્યું નહીં. દાદાજી છંદમાં કાવ્યો રચતા. વિષય મોટે ભાગે રામાયણ-મહાભારતના પ્રસંગોનો રહેતો. દાદાજી એક કડી રચતા ને સુરેશભાઈને આગળ કડી રચવાનું પ્રોત્સાહન આપતા. પછી તો નવસારીમાં સુરેશભાઈ, કાવ્યો, નિબંધો લખતા. દાદા બધું વાંચતા અને રાજી થતા. પરંતુ એક વાર દાદા ગુસ્સે થયા હોય એમ લાગ્યું. એમણે તમાચો મારવા હાથ ઉગામ્યો. આની પાછળ શું કારણ હોઈ શકે? એક તો આનંદ પ્રગટ કરવાનો એ એક પ્રકાર હતો. બીજું કારણ એ હતું કે સુરેશભાઈના નાનાકાકા બી.એ. થયેલા હતા, ને કેળવણી ખાતામાં નાની વયે અધિકારી બન્યા હતા. તેમણે એક નવલકથા ઉપરાંત ઘણું લખ્યું હતું. તેમનું નાની વયે, 28મે વર્ષે અવસાન થયું. સુરેશભાઈ પણ એવા તેજસ્વી હતા. તેમને આવું કોઈ દુર્ભાગ્ય નડે નહીં એવી ચિંતા દાદાને હતી. સુરેશભાઈએ ત્યાર પછી સાહિત્યક્ષેત્રે જે અર્પણ કર્યું તે જોવા દાદાજી રહ્યા ન હતા. સોનગઢમાં પારિવારિક જીવન મર્યાદિત હતું. માતાપિતાની અનુપસ્થિતિમાં એકાકીપણું લાગતું ને એકબીજાના સાથમાં અને બહોળા મિત્રમંડળને કારણ સહ્ય બનતું. તદ્દન નજીકની અનેક ઓરડીઓમાં તેમાંના કેટલાક સમવયસ્ક અને સહપાઠી હતા. તેમની સાથે ફરવાનું કે રમવાનું થતું. તેઓ તેમના તળપ્રદેશની કથાઓ કહેતા ને લોકગીતો સંભળાવતા. તેમની સાથે ભળવામાં બાધ ન હતો. તેમનું જીવન શિસ્તવાળું હોવાને કારણે હંમેશ તેમનો સાથ મળે એમ બનતું નહીં. ગામના સજ્જનો દાદાને કહેતા કે ‘બાબુ-ભાણા’ને રાનીપરજ વચ્ચે નહીં પરંતુ ગામના ઊંચા વર્ણના છોકરાઓ સાથે દોસ્તી બાંધવા દો. દાદા એને બહુ મહત્વ આપતા નહીં ને કહેતા કે આ રાનીપરજ છાત્રો શિસ્તમાં હોવાથી બીડી પીતા નથી ને કહેતા કે ગાળો બોલતા નથી. આ બંને ગામના ઉચ્ચ વર્ણના છોકરાઓ પાસે આ બધું નહીં જ શીખે એની ખાતરી છે? ને એમ કશી રોકટોક વગર મિત્રોની સોબત મળતી રહી. સોનગઢ ગામના બે મુખ્ય વિભાગ હતા. જૂનું ગામ ને નવું ગામ. બંનેની વચ્ચે ‘બોર્ડિંગ’ હતી. પાસે સૈયદમિયાંનું ઘર હતું. તે સમવયસ્ક અને સહપાઠી હતો. તે સોનગઢના વનપ્રદેશો અને ખંડેરોનો ભોમિયો હતો. ખંડેરો અને કિલ્લા સાથે સંકળાયેલી વાતોનો એની પાસે ભંડાર હતો. સુરેશભાઈનો એ ગાઢ મિત્ર બની રહ્યો. સુરેશભાઈને સોનગઢનાં વનોમાં ને ખંડેરોમાં એણે ફેરવ્યા ને જાતજાતની અદ્‌ભુત કથાઓ સંભળાવી. મિત્રો સાથે તે તેમને જંગલોમાં લઈ જતો ને જાતજાતનાં વૃક્ષો અને તેની ખાસિયતોનો પરિચય કરાવતો. આ ખરીખોટી વાતોનો સુરેશભાઈ પર સારો પ્રભાવ પડ્યો. સોનગઢ, વનરાજિ અને પ્રકૃતિના જે ઉલ્લેખો સુરેશભાઈના વર્ષો પછી લખાયેલા નિબંધોમાં મળે છે તેમાં સૈયદમિયાંનો ફાળો મહત્ત્વનો ગણાય. સોનગઢ છોડ્યા પછી તેમના રાહ જુદા પડી ગયા. પછી ભાગ્યે જ મળવાનું થતું. સુરેશભાઈ ઉચ્ચ શિક્ષણ લઈ સાહિત્યકાર પ્રોફેસર બન્યા. ને સૈયદમિયાં છ ચોપડાં ભણી નાની એવી સરકારી નોકરીમાં જોડાઈ ગયા. આ કારણે અંતર પડી ગયું ને સંપર્ક નહીંવત્ થઈ ગયો. સોનગઢની બોર્ડિંગના મેદાનની સામે સરકારી ઇમારત હતી. તેમાં સરકારી કચેરીઓ બેસતી. પરંતુ ગાયકવાડ મહારાજા કે યુવરાજ પ્રતાપસિંહ સોનગઢના જંગલમાં શિકારે આવતા ત્યારે તે ઇમારત રાજમહેલ બની રહેતી. યુવરાજ સાથે હાથી, ઘોડાનો રસાલો આવતો. એ દરબારી ઠઠેરો જોવા સુરેશભાઈ અને મિત્રો મેદાનમાં બેસી રહેતા. યુવરાજ શિકાર કરી આવે ત્યારે મૃત વાઘ કે મગર જોવા બધા ભેગા થતા. તેમના રસાલામાં એક હાથી હતો જેના પર બેસી યુવરાજની મંડળી શિકારે જતી. હાથીને જોઈ સુરેશભાઈએ કહ્યું કે ‘આપણને હાથી ઉપર બેસાડી સહેલ કરવા લઈ જાય તો કેવી મઝા આવે?’ યુવરાજના કર્મચારીએ આ સાંભળ્યું ને યુવરાજને વાત કહી. યુવરાજે ત્યાં ઉપસ્થિત બાળકોને હાથી ઉપર ફેરવવાનું કહ્યું. બધાને વારાફરતી હાથી ઉપર બેસાડી અર્ધો માઈલ જેટલું ફેરવ્યા. યુવરાજ કે હાથી કરતાં સુરેશભાઈને વધારે શાબાશી મળી! એક ધોરણ પૂરું થતાં નવા ધોરણનાં પુસ્તકો આવતાં – દાદાજી તેના ઉપર ‘બ્રાઉન પેપર’નાં પૂઠાં ચઢાવી આપતા. કોરા કાગળની નોટ બનાવતા તેના ઉપર પણ બ્રાઉન કલરનું પૂંઠું લગાવતા. સુરેશભાઈને આ ‘બ્રાઉન કલર’ વિશે મમતા બંધાઈ. તેમનાં એકબે પુસ્તકો અને ‘એતદ્’નાં આવરણો ‘બ્રાઉન પેપર’નાં રાખ્યાં હતાં. દાદાજી આસ્તિક હતા પરંતુ જડ વિધિનિયમો કે કર્મકાંડને સ્થાન ન હતું. સુરેશભાઈ ગીતા કે વિષ્ણુસહસ્રનો પાઠ કરતા પરંતુ સોનગઢ પછી તે ક્રમ જળવાઈ રહ્યો નહીં. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં આગળના શિક્ષણ માટે મુંબઈ જઈ શકાય એમ હતું. મુંબઈમાં જગા નાની. ત્રણ બહેનો અને બે ભાઈઓનો સમાવેશ થાય એમ ન હતું. વળી ત્યાં અંગ્રેજી ચોપડીથી શરૂ કરવું પડે એમ હતું. એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ચોપડી કરી અંગ્રેજી ચોથામાં દાખલ થવાની સગવડ વડોદરા રાજ્યમાં હતી. બંને ભાઈઓએ એક વર્ષમાં એ અભ્યાસ પૂરો કર્યો. ચોથા ધોરણમાં દાખલ થવા પાસેના વ્યારાની શાળામાં જવાનું હતું. ત્યાં ચોથા ધોરણને યોગ્ય છે કે કેમ તેની પરીક્ષા લેવામાં આવી પરંતુ બંનેને એ પ્રવેશ માટે અયોગ્ય ઠરાવી દાદા ઉપર એ પ્રકારનો પત્ર હાથોહાથ આપવા માટે આપ્યો. સોનગઢ જતાં રસ્તામાં એ પત્ર વાંચતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા. સુરેશભાઈએ કહ્યું : ‘આ તદ્દન ખોટું છે, આપણને બધું આવડ્યું હતું.’ સુરેશભાઈએ પત્ર તરત જ ફાડી નાંખ્યો. સુરેશભાઈ સ્વમાની હતા. ખોટું ચલાવી લેતા ન હતા. એ જ જુસ્સામાં દાદાજીને વાત કરી ને તેમણે એ વાત સ્વીકારી. પછી થોડેક દૂરની ગંગાધરા હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં દાખલ કરવા મોકલ્યા. યોગ્ય જણાતાં બંનેને ચોથા ધોરણમાં દાખલ કર્યા. પાસેના બારડોલીમાં બીજાં ફોઈને ત્યાં રહીને બંને રેલવે ટ્રેનમાં ગંગાધરા આવ-જા કરતા. ત્યાં સુરેશભાઈની ગણના હોશિયાર વિદ્યાર્થીમાં થઈ. વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મેળવ્યો. આ વાત વ્યારાના હેડમાસ્તરને જણાવવા માટે દાદાજીએ પ્રોત્સાહન આપ્યું નહીં. ગંગાધરામાં એક વર્ષ અભ્યાસ કર્યો પરંતુ તે દરમિયાન ‘રસકુંજ’ નામનું હસ્તલિખિત પત્ર શરૂ કરાવ્યું ને તેની બધી જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ પછીના વર્ષમાં ‘ફાલ્ગુની’, ‘સુધાસંઘપત્રિકા’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ જેવા શિષ્ટમાન્ય પત્રોનાં પ્રકાશનો દ્વારા વિકાસ પામી. ગંગાધરામાં ચોથું ધોરણ પૂરું થયું એટલામાં દાદાની બદલી નવસારી થઈ, એથી શિક્ષણનો પ્રશ્ન ઊકલી ગયો. મુંબઈ જવાનું રહ્યું નહીં. બંને ભાઈઓ નવસારી મેટ્રિક સુધી ભણ્યા. નવસારીમાં મદ્રેસા હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ થયા. બેત્રણ મહિના પછી માસિક ફી ભરવામાં થોડુંક મોડું થવાથી વર્ગશિક્ષકે – જે કવિ કાંતના ભત્રીજા હોવાનું વારંવાર કહેતા – ફી ન ભરવા વિશે અઘટિત શબ્દો કહ્યા. દાદાની સંમતિથી આ વિશે હેડમાસ્તરને ફરિયાદ કરી ત્યાંથી દાખલો કઢાવી લીધો ને ગાંધીવાદી શિક્ષકોએ તે સમયે શરૂ કરેલી ‘નવસારી હાઈસ્કૂલ’માં દાખલ થયા. ને ત્યાંથી ‘મેટ્રિક’ થયા. નવસારી હાઈસ્કૂલમાં ‘વક્તૃત્વ સ્પર્ધા’માં તથા શાળાના સામયિક ‘અંકુર’માં એમણે અગ્રગણ્ય ભાગ લીધો. નવસારીમાં સુરેશભાઈને બંગાળી ભાષા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પરિચયમાં આવવાનું થયું. નવસારીના સાર્વજનિક પુસ્તકાલયમાં એ જતા ને પુસ્તકો વાંચતા. સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો એમના ઉપર ત્યારે પ્રભાવ પડ્યો. પુસ્તકાલયમાં એમણે ટાગોરનાં ‘Gardner’ અને ‘Fruit gathering’ નામના કાવ્ય અનુવાદોને ‘Agriculture’ - ‘ખેતીવાડી’ વિષયમાં મૂકેલાં જોઈ એ વિષે ગ્રંથપાલને કહ્યું. ગ્રંથપાલમાં ખેલદિલી ઓછી એટલે એમણે કહ્યું, ‘કાલથી આવો ને બધાં પુસ્તકોનું વર્ગીકરણ તમારી અક્કલ પ્રમાણે કરી આપો ને પછી આ મારી ખુરશી ઉપર બેસી જાવ.’ આ એમનાથી સહન થયું નહીં. ગ્રંથપાલ તરફ આદરથી જોવાનું તેમને માટે પછી બન્યું નહીં. નવસારીમાં ખરીદી કરવાનું રહેતું પરંતુ સુરેશભાઈને એમાં રુચિ ન હતી. જીવનભર એ વૃત્તિ જળવાઈ રહી. સુરેશભાઈ ઉપર એમના પિતાનો પ્રભાવ જણાતો નથી, પિતા સાથે રહેતા થયા ત્યારે તેઓ કૉલેજમાં હતા, હોશિયાર ગણાઈ ચૂક્યા હતા એટલે પિતા-પુત્ર વચ્ચેના પ્રેમસંબંધમાં આદરનો ભાવ ભળ્યો હતો. પિતા જ્ઞાતિપ્રવૃત્તિમાં ભાગ લેતા પરંતુ સુરેશભાઈએ રસ લીધો નહીં. નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી સુરેશભાઈ માતાપિતાને ત્યાં મુંબઈ પહોંચ્યા ને એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. થયા. ગુજરાતીના અધ્યાપક થયા તેમજ ગુજરાતી સાહિત્યક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કર્યું. સોનગઢ જેવા પછાત વિસ્તારમાં, મુખ્યત્વે રાનીપરજ છાત્રોની વચ્ચે રહેનાર આ ભાઈઓનો ‘બોર્ડિંગિયા’ ‘રાનીપરજ’ જેવો ઉલ્લેખ થતો આ કારણે જ્ઞાતિનાં ગામો કે સ્વજનો એમની બાલ્યાવસ્થામાં ઉપહાસ કરી લેતાં. પરંતુ એમણે જે સિદ્ધિ અને વિદ્વત્તા પ્રાપ્ત કર્યાં તેથી પછીથી આદરપાત્ર બન્યા. વડોદરાનિવાસ પછી જૂના સંબંધો તથા કૌટુંબિક સંબંધો ઓછા થયા ને એ રમ્ય ભૂતકાળ સ્મૃતિની વસ્તુ બની રહી. ભૂપેન્દ્ર ઉપાધ્યાય

સુરેશ જોષીની કૃતિઓ

ક. મૌલિક

કવિતા

  1. ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.)
  2. પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961
  3. ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  4. તથાપિ : સાહિત્યસંગમ, સુરત, 1980

ટૂંકી વાર્તા

  1. ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958
  3. અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964
  4. ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967
  5. એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981

નવલકથા

  1. છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973
  2. મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973
  3. કથાચતુષ્ટ્ય : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983

નિબંધ

  1. જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979
  2. ઇદમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971
  3. અહો બત કિં આશ્ચર્યમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  4. રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987
  5. પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979
  6. ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987

વિવેચન

  1. મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951
  2. કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976
  3. ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981
  4. કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969
  5. કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971
  6. શ્રુણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  7. અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972
  8. ચિન્તયામિ મનસા : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982
  9. અષ્ટમોડધ્યાય : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983

સંશોધન

  1. જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987

ખ. અનુવાદ

કવિતા

  1. પરકીયા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975

નવલકથા

  1. અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  2. વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા
  3. ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961
  4. ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી, રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967
  5. શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ, બુટાલા પ્રકાશન, વડોદરા, 1975

નિબંધ

  1. ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ, ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948
  2. પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949
  3. સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963

વિવેચન

  1. સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય, ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970
  2. અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965
  3. અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર, રવાણી પ્રકાશન, મુંબઈ, 1967

ચરિત્ર

  1. દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971

ગ. સહઅનુવાદ

કવિતા

  1. એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963
  2. ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978

નિબંધ

  1. રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976

ટૂંકી વાર્તા

  1. નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961
  2. વિદેશિની 1, 2, 3, : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985

ઘ. સંપાદન

કવિતા

  1. નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990
  2. નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983
  3. વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, 1983

ગદ્ય

  1. ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981

વિવેચન

  1. આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  2. વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975
  3. જાનન્તિ યે કિમપિ : સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984

સામયિક

  1. સુધાસંઘ પત્રિકા
  2. ફાલ્ગુની
  3. વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે)
  4. મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે)
  5. ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે)
  6. વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961;
  7. નવભારત (દિવાળી અંક), 1966
  8. સંપુટ : 1969, અંક 1-2
  9. ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  10. એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે)
  11. સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક)
  12. સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2
  13. સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે)

ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન

  1. માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985
  2. ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984
  3. આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987
  4. સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992

છ. સુરેશ જોષી ઉપર સંશોધન ગ્રંથ

  1. સુરેશ જોષીથી સુરેશ જોષી: ડૉ. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 2000
  2. સુરેશ જોષીની સર્જનયાત્રા (કવિતા અને નિબન્ધના સંદર્ભે): ડૉ. માલા કાપડિયા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, 2019