સોરઠી બહારવટિયા ભાગ-1/5. વાલો નામોરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 133: Line 133:
“એ ભાઈસા’બ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે શિરસ્તેદાર ખોટોખોટો બ્રાહ્મણ બની ગયો.
“એ ભાઈસા’બ! હું બ્રાહ્મણ છું. તમારી ગૌ છું. મારો જન્મારો બગાડશો મા.” બચવા માટે શિરસ્તેદાર ખોટોખોટો બ્રાહ્મણ બની ગયો.
“ઠીક બેલી, છોડી મેલો એને.”
“ઠીક બેલી, છોડી મેલો એને.”
{{Poem2Close}}
<center>'''<big>મામદ જામ</big>'''</center>
{{Poem2Open}}
મચ્છુ નદી ખળખળ ચાલી જાય છે. એને કાંઠે બે પડછંદ જુવાનો બેઠા છે. બંનેની આંખમાં ખુન્નસ, શરમ અને નિરાશા તરવરે છે.
“સાચેસાચ શું ફીટ્ઝરાલ્ડ સાહેબ, અલાણા?” એક જણાએ અંતરની વેદના સાથે પૂછ્યું.
“’હા, ભાઈ મામદ જામ. ફીટ્ઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મહોબ્બત છે.”
“ગોરો ઊઠીને, કાઠિયાવાડનો પોલિટિકલ ઊઠીને, મિયાણાની ઓરત માથે નજર કરે! ભોરિંગને માથેથી પારસમણિ ઉપાડે?”
“તું નામર્દ છો. તારાથી શું થવાનું હતું?”
“અલાણા, કલેજું ઊકળે છે — તેલની કડાઈ જેવું. અરર! ઓરત બદલી પછી ક્યાં જઈ માથું નાખવું?”
“અને બીજી કોરથી આ નવી મા સોઢી : આપણને જિવાઈ ન દિયે, ને આપણે ભૂખે મરવું!”
કાળભર્યો મામદ જામ પોતાને ઘેર ગયો. પા શેર અફીણ ઘૂંટ્યું. તાંસળી ભરીને પોતાની ઓરત સામે ધરી દીધું.
“અરે મિયાણા!” બાઈ મોં મલકાવતી બોલી : “ઠેકડી કાં કર?”
“ઓરત! આ જનમે તો હવે તું સાહેબની મહોબ્બતનું સુખ ભોગવી રહી. ખુદા પાસે જઈને મડમનો અવતાર માગજે. લે, ઝટ કર.”
“અરે ખાવંદ! તું આ શું બોલે છે? ચંદણને માથે કુવાડો ન હોય,” એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ.
“લે, વગદ્યાં મ કર. પી જા.”
“ઠીક ત્યારે, અલ્લાબેલી!”
એટલું બોલીને જુવાન બાઈ અફીણની તાંસળી ગટગટાવી ગઈ. ઉપર એક શેર મીઠું તેલ પીધું. સોડ્ય તાણીને સૂઈ ગઈ.
મામદ જામ ઊઠીને બહાર ગયો. અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો.
“શું કરવું, અલાણા? બેય કાળી નાગણિયું, પણ બેય ઓરતો, એને માથે ઘા હોય?”
“મામદ જામ! હણનારને તો હણીએ જ. આ નીકળી સોઢી મા. દેને એના ડેબામાં.”
મામદ જામે નવી મા સોઢીને નીકળતી ભાળી. પણ એનો હાથ થથર્યો, એટલે તરત જ મામદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ જામગરી દાબી. ગોળી છૂટી, સોઢી મિયાણી ચાલી જતી હતી તેની છાતીની આરપાર નીકળી ગઈ.
મરતાં મરતાં સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે. બંદૂક પણ મામદ જામની ઠરી. બંનેને કેદ પકડ્યા.
અલાણો સાક્ષી આપે છે : “સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે.”
મામદ જામ તકરાર કરે છે : “ના મહેરબાન, મેં મારી છે. જુઓને, આ બંદૂક પણ મારી છે. અલાણો ખોટો છે.”
કચેરીમાં મુન્સફને તાજ્જુબી થઈ ગઈ કે આ બેય જુવાનો એકબીજાનાં ખૂન પોતાને માથે ઓઢી લેવાની કેવી છાતી બતાવે છે!
મામદ જામ ઉપર બીજું તહોમત ઓરતના ખૂનનું મુકાયું.
અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળાપાણીનો ફેંસલો મળ્યો.
અધરાત ગળતી હતી તે વખતે, અમદાવાદથી ઊપડેલી રાતની ગાડી સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથિયારધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે કાળા પાણીની સજાવાળા સાત બહારવટિયાઓ એકબીજાનાં મોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મિયાણા છે.
મહીસાગરના પુલ માથે આવીને ગાડી ધીરી પડી, ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણા જરા ઝોલે ગયા. બહારવટિયાએ એકબીજા સામે આંખોની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચલવું સહેલું નથી, છતાં સહુ એકસામટા કૂદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખોપરીમાં ઝીંકી, હથિયાર ઝૂંટવી બે-ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલીસો હાંફળાંફાંફળા બની કાંઈ જોઈ શક્યા નહિ કે આ શું થયું. રીડિયા પાડવાની પણ હામ ન રહી. ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો.
હાથમાં પોલીસનાં હથિયાર સોતા અને પગમાં બેડીઓ છે છતાં, બહારવટિયા મહીસાગરનાં વાંસજાળ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા. ચૂપચાપ માછલાંની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા. છ જણાએ પોતાના પગ પથ્થર પર રાખી, હાથ વડે પથ્થર મારીને પોતાની બેડીઓ તોડી નાખી; પણ મામદ જામનો પગ સૂજી ગયો હતો. એની બેડીઓ ચપોચપ થઈ જવાથી ન તૂટી તેમજ બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું. એણે છયે સાથીઓને કહ્યું : “તમે ભાગવા માંડો. હમણાં વારું છૂટી જાણજો.”
“તમને છોડીને તો અમો નહિ જાયીં, મામદ જામ.”
“તમે હુજ્જત કરો મા, ભાઈ! હું જીવીશ તો નક્કી આવીશ. પણ તમે બધા નાહકના શીદ ભીંત નીચે કચરાઈ મરો છો?”
છયે જણા રોઈ પડ્યા. નહોતા જતા. મામદ જામે આકરા કસમ આપી રવાના કર્યા અને પોતે પાછો મહીસાગરમાં પડ્યો.
ઊભે કાંઠે તરતો, કાંઠાને ઝાલીઝાલી ત્રણ-ચાર ગાઉ આઘે નીકળી ગયો.
બહાર આવીને એક પથ્થર લીધો. પોતાની પાસે પોલીસ જમાદારની ઝૂંટાવેલી કિરીચ હતી તેના બે કટકા કર્યા. એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા આંકા કર્યા.
એવી રીતની કરવત વતી પોતાની બેડી ઘસીઘસીને કાપી. હવે એના પગ મોકળા થયા.
ભાગ્યો. એક જ દિવસમાં સાઠ ગાઉની મજલ કરી! મારવાડની સીમમાં ભાગ્યો જાય છે. વેશ તો કેદીનો જ છે.
મારવાડના જાટ લોકો ઢોર ચારે છે. એણે આ ભાગતા જુવાનને ભાળ્યો. “એલા, કોક કેદી ભાગે!”
મામદ જામને પકડી લઈ મુખીને સોંપ્યો. મુખીએ દયા બતાવી ખરચી માટે રૂપિયા દીધા. કહ્યું કે “માંડ ભાગવા.”
વડોદરાના થડમાં નવું પરું ગામ છે. ત્યાં મામદ જામ આવ્યો. અમદાવાદની જેલમાં ઉમરખાં નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો, એની બેનને ઘેર ગયો.
રોટલો ખાય છે. ત્યાં ઉમરખાંનો બનેવી આવી પહોંચ્યો. ઓળખ્યો. ઘોડાની સરકથી મામદ જામને જકડ્યો, લઈને હાલ્યો, વડોદરે સોંપવા.
માર્ગે ઉમરખાં મળ્યો. સાળો-બનેવી લડ્યા. ઉમરખાંએ બનેવીને ઠાર માર્યો. “મામદ જામ! આ લે, આ તમંચો, આ ઘોડો ને આ રૂપિયા પાંચ. ભાગી છૂટ, તારા તકદીરમાં હોય તે ખરું. અટાણે તો તને અલ્લાએ ઉગાર્યો છે.”
“ઉમરખાં! થોડીક ભાઈબંધી સાટુ થઈને સગી બહેનનો ચૂડો ભાંગ્યો! ધન્ય છે તને, ભાઈ!” આટલું કહીને મામદ ચાલ્યો. ઘોડો વડોદરાની ગુજરીમાં વેચ્યો, ગાડીમાં બેસીને વઢવાણ ઊતર્યો. અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો. ને હવે તો પોતે સાંઈને વેશે છે.
દરબાર ઘેર નહિ. ડેલીએ સિપાહી બેસે એણે ઓળખ્યો. સિપાહીએ ગઢની ગોલીને રાખેલી. તેના કાનમાં જઈને કહ્યું : “ઊના રોટલા અને શાક કર, પણ ધીરેધીરે હો. ઉતાવળ કરીશ મા.”
“કાં?”
“કાં શું? જેના માથા સાટે રૂપિયા ત્રણ હજારનું ઇનામ નીકળ્યું છે, એ હાથમાં આવ્યો છે. આજ આપણ બેયનું દાળદર ભુક્કા!”
“ઠીક, ફિકર નહિ.”
“સાંઇ મૌલા, બેસજો હો, રોટલા થાય છે.”
એટલું કહીને સિપાહી થાણામાં ગયો. અને પાછળથી એની રખાત ગોલી ડેલીએ આવી હોઠ ફફડાવી બોલી : “સાંઈ મૌલા! ભાગવા માંડજો હો! તમે ઓળખાઈ ગયા છો. અને પીટ્યો મારો યાર, ફોજદાર પાસે પહોંચી પણ ગયો છે. તમારા માથાનું મૂલ શું છે, જાણો છો?”
“ના.”
“રૂપિયા ત્રણ હજાર.”
“છતાં તું મને ભગાડછ? તું કેવી છો?”
“હું ગોલી છું.”
“ગોલી!”
“હા, ગોલી! પણ હવે વધુ બોલવાની વેળા નથી હો!”
બહારવટિયો ભાગ્યો, વાધરવા ગામે આવ્યો. વાલા નામોરીના વાવડ મેળવ્યા. એનું ઠામઠેકાણું જાણી લીધું.
“લાવો મારાં હથિયાર.”
બહારવટિયાને આશરો આપનાર પેથા પગીએ એને હથિયાર દીધાં. નીકળી પડ્યો. નગર ગયો. વાલો નામોરી અને પોતે, બંને જણા, મોવર સંધવાણી  જમાદારને ઘેર ચાર મહિના મેડા ઉપર રહ્યા. અંતે પછી થાકીને પૂછ્યું : “મોવર સંધવાણી! કંઈ થઈ શકશે અમને માફી અપાવવાનું?”
“ભાઈ, અટાણે મોકો નથી.”
“ઠીક ત્યારે, અલ્લાબેલી.”
નીકળ્યા. રાજકોટની સડકે સીધેસીધા વહેતા થયા. ત્યાંથી જૂનાગઢની સડકે.
પીઠડિયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખભે નાખીને ફરે છે. મામદ જામે ઝબ દઈને પોતાની બંદૂકની નાળ્ય લાંબી કરી : “મેલી દે જોટાળી, નીકર હમણાં ફૂંકી દઉં છું.”
“હાં! હાં! હાં! મામદ જામ. બિચારાની નોકરી તૂટશે.” એ રીતે વાલાએ બહુ વાર્યો. પણ ફાટેલ મિયાણો મામદ જામ ન માન્યો. ભાવરનો જોટો ઝૂંટવી લઈને ઊપડ્યો.
ત્યાંથી વડાળ થઈને ગિરનારના ડુંગરમાં; ત્યાંથી આખી ગીર પગ નીચે કાઢી.
ચરખાની સીમમાં પડ્યા; ફકીરોનાં ઘોડાં આંચકી લીધાં.
ટોડા દૂધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા. બીડનો પસાયતો ગાળો દેતો આવે છે. વાલાએ બંદૂક લાંબી કરીને કહ્યું કે “આ તારી માની તો અદબ રાખ.”
પસાયતે ભાગીને પટેલને જાણ કરી.
પીપળિયા ને બાબરા વચાળે ટોડાળી વાવ છે; ત્યાં બહારવટિયાનો પડાવ છે. લાઠીની ગિસ્તે ત્યાં આવી, આડાં રૂનાં ધોકડાં મેલી ધીંગાણું આદર્યું. બહારવટિયાઓએ વાવની ચોપાસ સાંઢિયાનો ગઢ કર્યો. ફોજવાળા ધોકડાં રેડવતા જાય, સામેથી બહારવટિયાની ગોળી ચોંટતી જાય, રૂમાં આગ લાગતી જાય અને ગિસ્તના માણસો પાણી નાખી આગ ઠારતા જાય. પણ ધોકડાંની ઓથ બહાર ડોકું કાઢ્યા ભેળું તો ડોકું ઊડી જ પડવાનું છે એ વાત ગિસ્તના માણસો જાણતા હતા. ઠૂંઠા હાથવાળા વાલિયાની બંદૂક ખાલી તો કદી જતી નહોતી.
બહારવટિયાને ભાગી નીકળવું હતું. વડલાની ડાળે એક બંદૂક ટાંગીને વાંસેથી છાનામાના સરકી ગયા.
ગિસ્ત સમજે છે કે બંદૂક પડી છે, એટલે બહારવટિયા ગયા નથી, એવી ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી. સાંજે બહારવટિયાની મશ્કરી સમજાઈ. બેવકૂફ બનીને ગિસ્ત પાછી વળી.
મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું. બંદૂકો ઉઠાવી વઢવાણ કાંપમાં ફીટ્ઝરાલ્ડ સાહેબને મકલા કોળીની સાથે કહેવરાવ્યું કે “અમે — વાલે મોવરે અને મામદ જામે — જ ગામ ભાંગ્યું છે અને અમારી બીજે ક્યાંય ગોત કરશો મા. અમે અનલગઢમાં બેઠા છીએ.”
ફીટ્ઝરાલ્ડે તાર છોડ્યા. રાણી સરકારની ભાલાવાળી લાન્સર ટુકડી મંગાવી. વાંકાનેર, રાજકોટ વગેરે રજવાડાંની ફોજ પણ ઝગારા મારતી આવી. બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું. મોખરે ગોરો પોલીસ-ઉપરી મકાઈ (મેકે) સાહેબ સેનાપતિ બની ચાલ્યો. આસમાન ધૂંધળો બનવા લાગ્યો અને ઘોડાંના ડાબાને દિશાઓ પડઘા દેવા માંડી.
અનલગઢ ભાંગીને માંડવના ડુંગર ઉપર બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો સાચા લીલા કિનખાબનો વાવટો ચડાવી દીધો છે. શત્રુઓને લડાઈનાં નોતરાં દેતો વાવટો ગગનમાં ફડાકા મારી રહ્યો છે, અને બીજા બહારવટિયા મોટા પીરને લોબાનનો ધૂપ કરે છે. ડુંગરમાં સુગંધી ધુમાડાનો પવિત્ર મઘમઘાટ પથરાઈ ગયો છે. આઠ જણની એક નાનકડી ફોજને પીરના ધૂપની સુવાસ આવતાં તો રૂંવાડે-રૂંવાડે મરવા-મારવાની ધણેણાટી વછૂટવા લાગી છે.
આ બાજુથી બહારવટિયાનો નેજો ભાળતાં જ સેનાપતિએ પરબારો ‘ચાંચ!’  નો હુકમ પોકાર્યો. ‘ચાંચ!’ થાતાંની વાર જ ભાલાં ને કિરીચો ઉગામી અસવારોએ ઘોડાંને વહેતાં મેલી દીધાં. બે હજાર માણસોનો હલ્લો થતાં તો એવું દેખાયું કે જાણે હમણાં ડુંગરો ખળભળી હાલશે.
ત્યાં તો સામેથી ધડ ધડ ધડ બંદૂકોની ધાણી ફૂટી.
સાઠ બંદૂકો ભરીને બહારવટિયાએ તૈયાર રાખેલી છે.
છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે, બાકીના છ જણા ખાલી પડેલી બંદૂકોને નવેસર ભરતા જાય છે. દારૂગોળાની ઠારમઠોર લાગી પડી છે. સીસાની ગલોલીઓનો સાચૂકલો મે’ વરસવા માંડ્યો છે.
એક, બે, ત્રણ, ચાર એમ દસ ભાલાવાળા ટપોટપ ગોળી ખાઈને જખમી થયા એટલે ભાલાવાળાઓના ગોરા સેનાપતિએ ‘રિટાયર’નું બિંગલ બજાવ્યું. એ સાંભળતાં તો મકાઈસાહેબ લાલચોળ થઈ ગયો. ઘોડા માથે ટોપી પછાડવા માંડ્યો. ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના ગોરા સરદારને ધમકી દેવા લાગ્યો : “ડેમ! ફૂલ!”
“બસ કરો! અમારું કામ બહારવટિયા પકડવાનું નથી, મુલક જીતવાનું છે,” એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને અલાયદી તારવી લીધી.
ત્યાં તો વાલા મોવરે ઝીંકિયાળામાંથી જે નવ વેંતની લાંબી જંજાળ હાથ કરી હતી તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પથ્થર સાથે બાંધીને જામગરી ચાંપી. દાગતાં તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી. સામી ફોજ પડી હતી ત્યાંથી અરધો માઈલ આગળ જઈને ગલોલીએ ગાડું એક ધૂળ ઉડાડી. ફોજ સમજી કે ડુંગરમાં દારૂગોળો મોટા જથ્થામાં છે, ને જણ પણ ઝાઝા લાગે છે.
સાંજ સુધી ધીંગાણું ચાલ્યું. સાંજે સૂરજ આથમવા ટાણે ફોજ પાછી વળી. ડુંગરમાંથી અવાજ ગાજ્યો કે “વાલિયા ઠૂંઠાની જે!”
“અને સરકારની…” એમ કહી એક બહારવટિયો સરકાર સામે ગાળ બોલવા ગયો.
“ખબરદાર! નકર જબાન કાપી નાખીશ,” વાલાએ સાવજના જેવી ડણક દીધી.
“જુવાનો! નાડી અને જબાન, બે ચીજો સંભાળજો, હો! નીકર વાવટો ખાક થઈ ગયો જાણજો. ખુદાએ નાપાકનાં બા’રવટાં કદી નભાવ્યાં નથી.”
એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી. વારેવારે વાલો એવાં વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો. બહુ ઝાઝું બોલતો પણ નહિ, ભેરુઓનાં ગાનગુલતાનમાં કદી ભળતો નહિ.
કાંતરોડીનો એક કોળી હતો. એનું નામ મકો. એક દિવસે મકો વાલિયાના પગમાં પડીને પોતાનું દુઃખ રોવા માંડ્યો.
“શું છે, ભાઈ?”
“મને મકાઈસાહેબ મારી નાખે છે!”
“શા સારુ?”
“તારી બાતમી લઈ આવવા સારુ.”
“તે એમાં મુંજાછ શીદને, ભાઈ?” જા, બેધડક કહેજે કે વાલિયો અનલગઢમાં બેઠો છે. સાહેબની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો આવે મળવા.”
“પણ વાલા, તને આંગળી ચીંધાડીને હું મરાવું તો તો કયે ભવ છૂટું?”
“ભાઈ, મરવા-મારવાની તો આ રમત જ છે ને! અને વાલો તો સંધાય વેરીઓને સામેથી જ વાવડ દઈ મોકલે છે. વાલાની તે કાંઈ ગોત્યું હોય? જા તું તારે, લઈ આવ સાહેબને.”
અનલગઢની ધાર ઉપર વાલો બેઠો છે. મકાઈસાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે. મોખરે મકો કોળી દોડ્યો આવે છે. સાહેબને દેખીને વાલે ઠૂંઠા હાથ ઉપર બંદૂક ટેકવી. બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો. પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જઈ પડ્યો. ચમકીને મકાઈસાહેબે ઊંચે જોયું. બંદૂકની નાળ્ય તાકીને કાળને ઊભેલો ભાળ્યો. ધાર માથેથી વાલિયે અવાજ દીધો કે “એય ઉલ્લુ સાહેબ, આજ મારતો નથી. ફક્ત ચેતવું છું. હવેથી મકાને કનડીશ મા. નીકર ઘોડાનો ડાબો ઉપાડ્યો છે, એમ તરબૂચ જેવું માથું ઉપાડી લઈશ.”
વાલાની ઓરત મરી ગઈ છે, પોતાને જુવાનીનાં પૂર ચાલ્યાં જાય છે. બીજા સહુ સાથીઓ પોતપોતાની પરણેતરોને મળવા વારેવારે જાય-આવે છે. પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું નથી. છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊંચી થાતી નથી. જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો. એમાં એક દિવસ સાથીઓએ વાત છેડી. માયા મોવરે શરૂ કર્યું : “વાલા, હવે તો તારા નિકા કરીએ.”
“કોની સંગાથે, બેલી?” વાલાએ પૂછ્યું.
“કાજરડાના વીરમ મિયાણાની દીકરી વાછઈ સંગાથે. એ પણ ઘરભંગ થઈ છે.”
“તમે ઈ બાઈની સાથે વાત કરી છે?”
“ના.”
“મ બોલો! તો પછી મ બોલો.” કહીને વાલે જીભ કચડી.
“કાં?”
“તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને મનેય પાપમાં પાડો છો?”
“પણ એમાં પાપ તે વળી શેનું?”
“અરે ભા, ઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય, તો? તો હું ખુદાનો ગુનેગાર થાઉં કે નહિ? હવે પછી આવી નાપાક વાત કરશો મા,
ભાઈ!”
સોરઠમાં બળધોઈ નામે ગામ છે. બળધોઈ ગામ હાથિયા વાળા નામે કાઠી તાલુકદારનું છે. આ ગામમાં રામબાઈ નાનામની રજપૂતાણી અને એ રજપૂતાણી સાથે મામદ જામનો આડો વહેવાર બંધાયો છે.  અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેરાવ્યું કે “મામદ જામ! અલ્લા નહિ સાંખે, હો! રહેવા દે. બહારવટિયો નાપાક ન હોય.”
“વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં ક્યાંય ગેરવાજબી વર્તતો હોઉં તો ભલે મને બંધૂકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરું!” મામદ જામે એવો જવાબ દીધો.
વાલાનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરદાર સાથીને જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહિ.
એમ થાતાં થાતાં એક દિવસ દડવા ગામના કુવાડિયા આયરની સાથે રામબાઈ રજપૂતાણીના ધણીનો સંદેશો મામદ જામ ઉપર આવ્યો કે “પરમ દિવસ આવજે. હાથિયા વાળાના ગઢમાં રૂપિયા ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે.”
સંદેશો સાંભળીને મામદ જામ વરલાડડા જેવા પોશાકમાં સાબદો થયો, અને કહ્યું : “હાલ, વાલા, આકડે મધનું પોડું ટીંગાય છે.”
“મામદ જામ! જાવા જેવું નથી, હોં! અને તારાં પાપ ત્યાં આપણી પહેલાં પહોંચીને બેસી ગયાં હશે, હો! ત્યાંની જમીનને તેં નાપાક બનાવી છે, ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહિ.”
પણ મામદ જામ ન માન્યો. વાલાને સાથે લઈ સાંજટાણે બળધોઈને માથે વાર વહેતી કરી.
ખળાવાડમાં અનાજના ગંજ ઊભા છે. ખેડૂતો રાત પડ્યે ચાંદરડાંને અજવાળે પાવા વગાડે છે. હવાલદાર અને પગીપસાયતા તાપણું કરીને બેઠા છે. બહારવટિયાઓ પ્રથમ ત્યાં જઈને ત્રાટક્યા. માણસોને બાંધીને કેદ કરી લીધા, અને ગામને ઝાંપે જઈ ફક્ત બે જ ભડાકા કર્યા. ત્યાં તો દરબારગઢમાં હાથિયો વાળો કંપવા લાગ્યો. બેબાકળા બનીને દરબાર પોતાનાં ઘરવાળાંને પૂછવા મંડ્યા કે “હવે શું કરું?”
સામે કાઠિયાણી ઊભાં હતાં તેણે કહ્યું : “શું કરું, કેમ? આ મારાં એક જોડ્ય લૂગડાં પહેરીને બેસી જાવ. બહારવટિયાને કહેશું કે દરબારને બે ઘર છે!”
“અરરર!” બોલીને દરબાર ઝાંખા પડી ગયા.
“ત્યારે પૂછતાં શરમાતા નથી, દરબાર? અટાણે પૂછવાનો સમો છે કે લેખે ચડી જવાનો?”
દોડીને પોતાના ત્રીસ બંદૂકદારો સાથે હાથિયા વાળો મેડીએ ચડ્યા. બહારવટિયાએ બજાર કબજે કરી લીધી. ગઢની મેડીએથી દરબારી માણસોએ ભડાકા કર્યા. ગામ ધુમાડે ઢંકાઈ ગયું અને બહારવટિયા દરબાર ગઢની દીવાલો ઠેકીને અંદર ઊતર્યા. જુએ તો ઓરડે ઓરડે તાળાં.
મેડીએ ચડીને બહારવટિયાએ હાથિયા વાળાને હાકલ દીધી કે “એય કાઠીડા, લાવ ચાવિયું, નીકર હમણાં તારો જાન કાઢી નાખશું.”
નામર્દ હાથિયા વાળાના હાંજા ગગડી ગયા, એણે ચાવી ફગાવી દીધી. વાલો તો બજાર સાચવીને ઊભો છે એટલે મામદ જામે ઓરડા ઉઘાડવા માંડ્યા.
પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબારગઢની ને ગામની બાઈઓને લપાયેલી દીઠી. તરત પાછું ઓરડે તાળું લગાવી મામદ જામ પાછો ફર્યો.
બીજો ઓરડો ઉઘાડ્યો. અંદર પટારા દીઠા. ઘંટીનાં પડ મારીમારીને બહારવટિયા પટારા તોડવા લાગ્યા.
પડકારા કરતો કરતો મામદ જામ ફળીમાં ઘૂમી રહ્યો છે. ત્યાં તો સાંઢિયાના કાઠાની ઓથે કરણપરી નામનો એક બાવો છુપાઈ બેઠેલો, તેને રૂંવાડેરૂંવાડે શૂરાતન વ્યાપી ગયું. પોતાની પાસે જ કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે ‘પડઘી’ નામની પિત્તળની નાની બેઠક પડેલી, તે કરણપરીએ ઉપાડી.
“જે ગરનારી!” કહીને બાવાએ પિત્તળની પડઘીનો કારમો ઘા કર્યો. એ ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો.
ફડાક દેતો અવાજ થયો. મામદ જામના માથાની ખોપરી ફાટી ગઈ. જમણી આંખનું રતન પણ પડઘીએ ફોડી નાખ્યું.
“અરે તારી જાતનો —,” કહી મામદ જામ પાછો ફર્યો. બાવાના શરીર ઉપર બંદૂક ચલાવી. ઓગણીસ-ઓગણીસ છરા બાવાના શરીરને વીંધી, નહાઈધોઈ, ધ્રોપટ નીકળી ગયા, તોય બાવાએ દોડી, મામદ જામની જ તરવાર ખેંચી લઈ, મામદ જામના જમણા ખભા ઉપર ‘જે ગરનારી!’ કહીને ઝીંકી. ઝીંકતાં તો તરવાર ઠેઠ સાજ સુધી ઊતરી ગઈ. શત્રુને મારીને પછી બાવો પડ્યો. મરતી વેળા માગણ ભારી રૂડો લાગ્યો.
લોટની ત્રાંબડી ફેરવનાર આ માગણ જાતના માનવીને એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિંમત આપ્યાં! આગળ કદી એણે તરવાર બાંધી નહોતી,
ધીંગાણું તો કદી દીઠું નહોતું. નક્કી શૂરવીરને છાબડે હરિ આવે છે!
મામદ જામના પડખામાંથી આંતરડાનો ઢગલો બહાર નીકળી પડ્યો. પાછાં આંતરડાં પેટમાં ઘાલીને મામદ જામે જખમ ઉપર પોતાના ફેંટાની કસકસતી ભેટ બાંધી લીધી, અને દોડીને મરણના દમ ખેંચનાર બાવાની પીઠ થાબડી કહ્યું : “શાબાશ જવાન! તારા જેવા શૂરવીરને હાથે મારું મૉત સુધરી ગયું. રંગ છે તને, ભાઈ!”
એટલું વચન સાંભળીને બાવાએ છેલ્લી આંખ મીંચી. મામદ જામે પાછા ફરીને પોતાના સાથીઓને હાકલ કરી : “પાછા વળો. હાલો ઝટ. લૂંટનો માલ મેલીને હાલી નીકળો.”
પોતે આગળ, ને દસ જણા પાછળ : બધા બહારવટિયા ગઢમાંથી બહાર નીકળી ગયા. બજારે વાલો ટહેલે છે. તેણે પૂછ્યું : “કેમ ખાલી હાથે?”
“વાલા! મારાં પાપ આંબી ગયાં. હવે હું ઘડી-બે ઘડીનો મે’માન છું. મને ઝટ કબર ભેળો કર.”
મામદ જામને ઘોડે બેસાડી બહારવટિયા ચાલી નીકળ્યા.
બળધોઈથી અરધા ગાઉ ઉપર, વીંછિયાના વોંકળામાં અધરાતે ગળતે પહોરે બહારવટિયા પહોંચ્યા. એટલે મામદ જામે કહ્યું : “બસ, આંહીં રોકાઓ. મારું દિલ ઠરે છે. આ વેળુમાં મારી કબર ખોદો.”
કબર ખોદાઈ.
“હવે, બેલી, ખાડાની ઊંડાઈ માપી જુઓ.”
કબરને માપી. મામદ જામની કાનની બૂટ સુધી ઊંડો ખાડો થઈ ગયો હતો.
“હવે એને વાળીને સાફ કરી નાખો.”
કબર સાફ થઈ ગઈ. પોતે પોતાની મેળે અંદર ઊતરી ગયો. ઊભા રહીને, કબરને કાંઠે ઊભેલા પોતાના ભેરુઓને કહ્યું : “બેલીઓ, મારાં કાળાં કામાં મને આંબી ગયાં. સારું થાય છે કે હું તમારામાંથી બાદ થઈ જાઉં છું. અને હવે તમે વાલાની આમન્યામાં વર્તજો. વાલો નીતિવાન છે. લો, ભાઈ, હવે અલ્લાબેલી છે. સહુ સજણોને સો સો સલામું છે.”
એમ બોલીને પોતે બે હાથ માથે અડાડી, દસેય દિશામાં ફર્યો. અને પછી “યા અલ્લા!” કહીને પેટ પરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલો થઈ ગયો.
એને દફન કરીને બહારવટિયા ચાલ્યા ગયા.
“કકલ બોદલા! કમબખ્ત! અબળાને જીવતે મૂએલી કરી? આ લે, ઇનામ!”
એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ હાથ ઊંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સણેણાટી બોલાવતી ગોળી ચાલી ગઈ.
“ખેર!” કહી વાલાએ બંદૂક નીચે નાખી દીધી. “તારીયે બાજરી હજી બાકી હશે. ખુદા તારાં લેખાં લેશે!”
પોતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યો : “આપણું બા’રવટું થઈ રહ્યું. ભાઈઓ, આજથી બરોબર અઢી દિવસે આપણને હડકવા હાલશે.”
ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં. અને લમણે હાથ દઈને સહુ સાથીઓ એ આગમવાણી સાંભળી રહ્યા. કોઈના મોમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તોયે થરથર ઊઠીને સાથીઓ બોલ્યા : “હાં! હાં! વાલા! એવડું બધું વેણ —”
“બેલીઓ! એ વેણ વિધાતાનું સમજજો. આપણે ખાટસવાદિયાઓને ભેળા કર્યા. એણે તો આપણને ખોટ ન ખવરાવી, પણ આ કકલ બોદલે ખોટ ખાધી. અરેરે! ઓરતની આબરૂ લૂંટી! કુંજડીની જેમ ઓરત કળેળતી હતી, એની કાયા ચૂંથી! એના નિસાપા આપણી મોર્ય થઈ મૉતની સજાયું પાથરી રહ્યા હશે એ નક્કી જાણજો, ભાઈ!”
મોરબીના ગામ ઝીકિયાળીની સીમમાં કકલ બોદલે  પટેલની દીકરીની આબરૂ લીધી, તે વાત પરથી વાલાએ પોતાનું ભવિષ્ય ભાખી લીધું.
વાધરાની સીમમાં માથોડું માથોડું તલ ઊભા છે. એમાં લપાઈને બપોરને ટાણે બહારવટિયા બેઠા છે. અને પેથો નામનો પગી એ બધાને લાડવા જમાડે છે. વાલે પૂછ્યું : “પેથા, આજ તો બહુ દાખડો કર્યો!”
“બાપુ! તમે મારાં ઘર ભરો છો ને હું કોક કોક વાર તમને ગળી દાઢ પણ ન કરાવું?”
“ભારી મીઠા લાડવા, હો!”
“પેથો તો આપણો બાપ છે, ભા! ન કેમ ખવરાવે?”
એમ વખાણ થતાં જાય છે, ને લાડવા પેટમાં પડતા જાય છે. એવે ટાણે કોળી પેથાએ પોતાના છોકરાને ઝાડવા માથે ચાડિકા તરીકે બેસારી બહારવટિયાનું ધ્યાન ચુકાવી ચૂપચાપ રસ્તો લીધો. બહારવટિયાએ સગા બાપની માફક જે પેથાને રાખ્યો હતો ને લૂંટના માલથી ખૂબ ધરવ્યો હતો, તે જ પેથાએ એજન્સીના પોલીસ ગોરા ઉપરી ગૉર્ડનસાહેબની સાથે મળી જઈ બહારવટિયાને ઝેર દેવાનો મનસૂબો કર્યો, ખાખરેચી ગામથી સાહેબે ઝેરવાળા લાડવા વળાવીને પેથાને મોકલ્યા અને એ લાડવા આજ મિયાણાઓને પીરસી દીધા. ઝેર ખવરાવીને પોતે ગૉર્ડનને ખબર દેવા પહોંચ્યો.
વાલાને તો ખભામાં જખમ હતો, એટલે એ કરી પાળતો. એણે આ મીઠા ભોજનમાં ભાગ લીધો નથી. બીજા તમામ સંગાથીઓએ પેટ ભરીને લાડવા ખાઈ, ખૂબાખૂબ કુંપળાસર તળાવનું પાણી પીધું. થોડી વાર વિસામો લેવા બેઠા. પા-અરધો કલાક થયો, ત્યાં એક પછી એક સહુની જીભો ઝલાવા લાગી. તરત વાલાનો ભાઈ પરબત ઊભો થઈને બોલ્યો : “વાલા! આપણને નક્કી ઝેર ખવરાવ્યું! અને આપણે ભીંત હેઠળ ભીંસાઈ મૂઆ.”
“ઝેર! નક્કી ઝેર છે. કમજાત પેથો!” બીજો બોલ્યો.
“બસ, બેલી! હવે મૉતની સજાઈ વખતે બૂરું વેણ ન હોય. હવે માંડો ભાગવા. અને બોદલા! તારાં કાળાં કામોનો ખુદાઈ હિસાબ ચૂકવાય છે!”
એમ બોલીને વાલો આગળ થયો. બધા ભાગવા લાગ્યા.
“યા અલ્લા!” કરીને કચ્છવાળો દાદલો ડાભી જમીન પર પટકાઈ ગયો. વાલાએ કહ્યું : “બેલી, આંહીં આની લાશને કૂતરાં ચૂંથશે. એને પડતો મેલીને ચાલ્યા જાશું તો દુનિયા આપણી દોસ્તીને ફિટકાર દેશે. માટે એને તો ઉપાડી લેવા સિવાય આંહીંથી ખસવાનું જ નથી.”
દાદલાની લોથને ઉપાડીને બહારવટિયા લથડતે પગે ચાલતા થયા. પહોંચ્યા કારડિયાની પાણાખાણમાં. ફરી વાર વાલાએ હુકમ કર્યો : “હવે આપણો નેજો અહીં મેલી દ્યો.”
ત્યાં જ વાવટો મેલીને ઉગમણે પડખે રણમાં મોરચો કરી લડવા બેઠા.
બળતે બપોરે એજન્સીની ટુકડી લઈ ગૉર્ડન ગોરો આવી પહોંચ્યો. અને સામેથી વાલાએ હાક દીધી : “હે દગલબાજો! ઝેર ખવરાવીને માટી થવા આવ્યા! પણ હવે તો ચૂડિયું પહેરી હોય તો જ આઘા ઊભા રે’જો ને જો દાઢીમૂછના ધણી હો તો સામે પગલે હાલ્યા આવજો!”
ઘોડા ઉપર ધોમઝાળ થઈ રહેલા ગૉર્ડને ટુકડીના માણસોને કહ્યું : “જેને પોતાનાં બાયડી છોકરાં વહાલાં હોય એ ઘર તરફ વળી જાજો. જેને જાન દેવો હોય એ જ ઊભા રહેજો!”
સાહેબનું વચન સાંભળતાં સાંભળતાં તમામ સિપાહીઓ છાતી કાઢીને ચૂપચાપ ઊભા રહ્યા, નિમકહલાલી અને નેકીની સાંકળો સહુના પગમાં પડી ગઈ. સરકાર પાળે યા ન પાળે, આપણાં બાળબચ્ચાંને પાળનારો પરવરદિગાર તો બેઠો જ છે ને! એવું વિચારીને સિપાહીઓ નિમકના ખેલ ખેલવા ઊભા રહ્યા. એક પણ માણસ ન તર્યો.
તરત સામેથી તાશેરો થયો. “ઓ વાલા! હમકુ મારો! હમકુ ગોલી મારો,” એવી હાકલ કરતાં કરતાં ગૉર્ડનસાહેબે પોતાના ઘોડાને બહારવટિયા સામે દોડાવી મૂક્યો, પોતે ઘોડાની પીઠ પર લાંબા થઈને સૂઈ ગયા, પણ એટલામાં તો ઘોડો ચમકીને જરીક આડો થઈ ગયો અને સામેથી વાલાના ઠૂંઠા હાથ પરની બંદૂક વછૂટી. નાળ્યમાં સુસવાટા કરતી ગોળી ઘોડાની કેશવાળીમાં થઈને બરાબર સાહેબના કાંધમાં ચોંટી અને સાહેબ પટકાયો. જખમી થયેલો બહાદુર અને ટેકીલો સાહેબ પાછો ઊભો થઈને કિરીચ ખેંચી પગપાળો સામો દોડ્યો. પણ છેક પાણાખાણ સુધી પહોંચે તે પહેલાં તો ધડ ધડ બીજી બે ગોળી ચોંટી ને સાહેબ પડ્યો.
તેટલામાં તો બહારવટિયાઓને હાડોહાડ ઝેર પ્રસરી ગયું હતું, અને વગર માર્યા જ તે બધાના પ્રાણ છૂટી ગયા હતા.
એજન્સી તરફથી ગૉર્ડનસાહેબ, હાજી સાજણ અને મામદ ઇસાક, એ ત્રણ જણા ધીંગાણામાં વાલાની ગોળી વાગતાં કામ આવ્યા.
વાલો પણ ગોળીએ વીંધાઈ ગયો છે, છતાં પડ્યો નથી. હાથમાં બંદૂક હતી, તેનો કંદો છાતીએ દઈ રહ્યો છે. અને નાળ્ય નીચે ધરતી સાથે ટેકો લઈ ગઈ છે. એ રીતે વાલાનું નિષ્પ્રાણ શરીર બંદૂકનો આધાર મળવાથી જાણે જીવતું જાગતું હોય એવું દેખાય છે. એ વખતના એના મ્હોરાની તારીફ કરતેકરતે, ત્રણેય રાજ્યોની ફોજોએ આવીને એને ઘેરી લીધો. મોવર સંધવાણી પણ જામનગરની ગિસ્ત સાથે આવેલો; પોતાના જૂના અને પાક ભેરુનું આવું ઊજળું મૉત દેખીને એની આંખમાં હેતનાં આંસુ આવી ગયાં.
“સા…લા કમબખ્ત! લેતો જા!” કહીને એક પોલીસે વાલાની છાતીમાં બંદૂકનો કંદો માર્યો.
મોવરની આંખ એ મિત્રના મૉતનું અપમાન દેખીને ફાટી ગઈ. એણે કૂંદો મારનાર પોલીસની સામે ડોળા કાઢીને કહ્યું : “હવે મરી ગયા પછી તારા બાપને શું મોં લઈને મારી રહ્યો છે? જીવતાં ભેટો કરવો’તો ને?”
પોલીસે પોતાની ભરેલી બંદૂક મોવર સામે તાકી. પલકમાં જ ઘોડો ચંપાતાં મોવર વીંધાઈ જાત. પણ મોવરે અરધી પલમાં તો એ ઉગામેલી બંદૂકની નાળને હાથનો ઝાટકો મારી જરાક ઊંચી કરી દીધી, અને વછૂટતી ગોળી, મોવરના માથા ઉપર થઈને ગાજતી ગાજતી ચાલી ગઈ.
“કોઈ મિયાણાના પેટનો આંહીં હાજર છે કે નહિ? જોઈ શું રહ્યા છો હજુ?”
એટલી હાકલ મોવરના મોંમાંથી પડતાં તો પહાડ જેવા મિયાણા ધસી આવ્યા. ધીંગાણું જામી પડ્યાું હોત, પણ બીજા શાણા માણસોએ મોવરને ફોસલાવી પંપાળી ટાઢો પાડ્યો.
વાલાના ડચકાં ખાતા મોમાં પાણી મેલીને મોવરે કહ્યું : “વાલા, તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છો.”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits