સોરઠી બહારવટિયા ભાગ-2/માધવપુર ભાંગ્યું

માધવપુર ભાંગ્યું

એ રીતે ઈ. સ. 1865, સપ્ટેમ્બર, તારીખ 26ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટિયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠિયાવાડમાં ઊતર્યો. ઓખામાં વાત ફૂટી કે મૂળુભા પાછો આવ્યો છે. “આવીને પહેલા સમાચાર ઓખાના પૂછ્યા : “પાંજો ઓખો કીં આય?” સંબંધીઓએ જાણ કરી : “મૂળુભા, ઓખાને માથે તો રેસિડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.” “શું કરે છે બલોચો?” “જેટલો બની શકે એટલો જુલમ; જાહેર રસ્તે રૈયતની વહુ-દીકરીઓને ઝાલી લાજ લૂંટી રિયા છે અને વસ્તી પોકાર કરવા આવે છે તો સાહેબ ઊલટો ધમકાવે છે.” “કેટલુંક થયાં આમ ચાલે છે?” “ત્રણ વરસ થયાં.” સાંભળીને મૂળુનો કોઠો ખદખદી ઊઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો, હવે મારાથી નથી રહેવાતું.” જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદિયાઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં. કેસરિયા વાઘા મૂળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાના માણસોને કહ્યું કે “ભાઈ, બા’રવટાનાં શુકન કરવાં છે માધવપુર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પે’લું માધવપુર.’ “મૂળુભા! માધવપર પોરબંદરનો મહાલ છે હો! અને જેઠવા રાજાએ ચોકીપહેરા કડક રાખ્યા હશે.” “આપણે પણ ચોકીપહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ! નધણિયાતાને માથે નથી જાવું.” કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો. એની બરકતમાં વેપારી વાણિયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપુરની ચોકી કરતું. બહારવટિયા ઓચિંતા ક્યારે પડશે એ બીકથી આખી રાત ‘જાગતા સૂજો! ખબરદાર!’ એવા પડકારા થતા હતા. એક દિવસ ઊડતા ખબર આવ્યા કે આજે રાતે બહારવટિયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા, પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટિયા પાછા વળી ગયા. માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટિયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપુરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી અને રાતે કેશવા કામરિયાનું ફુલેકું ચડનારું હતું. એવે મહા વદ બીજ ને બુધવારે રાતે મૂળુ અને દેવાની ટોળી માધવપુરને ટીંબે માધવરાયને દર્શને ઊતરી. હથિયારબંધ નવતર જુવાનોએ તો પ્રથમ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધૂમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે અને જાનવાળા માને છે કે એ તો ફુલેકાવાળા ભેળા હશે. ફુલેકાનાં ઢોલ-શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. એ વખતે બહારવટિયા પોલીસના થાણા ઉપર પડ્યા. બંદૂકો નોંધીને ઊભા રહ્યા. મૂળુ બોલ્યો, “અટાણે હથિયાર છોડી દિયો, નીકર અમારે તો માડુ મારવો ને કુત્તો મારવો બરાબર છે.” હથિયાર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારેય દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરોએ કડકડતી ટાઢમાં માઢની બારીઓ સળગાવી તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા. માણસોએ કહ્યું કે “મૂળુભા! મંદિરને મોટાં તાળાં દીધાં છે.” “અરે ક્યાં મરી ગિયો પૂજારી?” “ભોનો માર્યો સંતાઈ રિયો છે. કૂંચિયું એની કેડ્યે લટકે છે.” “પકડી લાવો ઈ ભામટાને.” પૂજારી સંતાઈ ગયો હતો. એને ખોળીને હાજર કર્યો. “એ બાપુ! માધવરાયના અંગ માથેથી દાગીના ન લેવાય હો!” “હવે મૂંગો મર, મોટા ભગતડા! તારે એકને જ માધવરાય વા’લો હશે, ખરું ને? મૂંગો મૂંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે, દાગીના નથી જોતા.” મૂળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી. મંદિરનાં તોતિંગ કમાડ ઊઘડ્યાં. માધવરાય! માધવરાય! ખમ્મા મારા ડાડા! એમ જાપ જપતો મૂળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાને બથ ભરી લીધી. ડાડા! ખમ્મા ડાડા! એમ પોકાર કરતાં કરતાં મૂળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે આ શું કરે છે? આની ડાગળી ખસી ગઈ કે શું થયું? સારી પેઠે કોઠો ખાલી કરીને મૂળુ ઊઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો. દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી મંદિર ઉપર નવી ધજા ચડાવી પછી મૂળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંજાડ્યા વિના ફક્ત લુહાણા અને ખોજા વેપારીઓને આંહીં શાંતિથી બોલાવી લાવો.” મંદિરને ઓટલે બૂંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધું કે “બ્રાહ્મણોની ચોરાસી જમાડવી છે, માટે બ્રાહ્મણો માગે તેટલાં સીધાં સામાન કાઢી આપો.” શેરાની ચોરાસી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં. હિન્દુ-મુસલમાન તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં. લોકો ભેળા બહારવટિયા દાંડિયા-રાસ રમ્યા, કોળી પટેલિયાઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા. ત્રાસ વર્તાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લૂંટફાટ કરી દરદાગીના કઢાવ્યા; દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસિયા વગેરેના ઢગલા કર્યા, અને ગામલોકોને હાકલ દીધી કે “ખાવું હોય એટલું ખાઓ ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ!” વેપારીઓના ચોપડા લાવી સળગાવી મૂક્યા. “ગલાલચંદ શેઠ,” બહારવટિયાએ હુકમ કર્યો, “તું અમારો મે’તો. બધા વેપારીઓ પાસેથી એની મતાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવ-ઉઘરાવી દે, ભા! અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિંમતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે, ભા! નીકર તુંને માધવરાયજી પૂછશે!” ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો. ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટિયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. આ શેઠને લોહી નીકળવાથી મારું દિલ દુખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો!” ખોજા કોમના કોઈ વેપારીની રતન નામની એક ડોશી પોતાના દરદાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ. એનો પીછો લઈને બહારવટિયા આવી ચડ્યા. ખૂબ ધમકી આપી પૂછપરછ કરી. પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોશી તો અમારા ઘરનાં છે.” “તો ખાવ એની સાથે એક થાળીમાં.” બ્રાહ્મણોએ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઇતબાર રાખીને બહારવટિયા ચાલ્યા ગયા. એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળે. ‘એલા ભાઈ, ભારી લાગ!’ કહેતા બહારવટિયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડની પથારીમાં પડેલી દીઠી. ચૂપચાપ બહારવટિયા બહાર નીકળી ગયા. સાંજે ઢોલ-શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળા ઉપર મૂઠીએ મૂઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદરે એક લાખ કોરીનું નુકસાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ માધવપુરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બોલે છે. તેની એક લીટી આ છે : દેવા! તારી જૂની જામશાઈ કાઢી. બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બીકથી આપઘાત કર્યો હશે. એનો પત્તો લાગ્યો જ નથી. બીજે દિવસે દરબારી ગિસ્ત આવી. ગામ ઉપર જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.