સોરઠી બહારવટિયા ભાગ-2/જાલમસંગનો જમૈયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જાલમસંગનો જમૈયો

સૂઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરું હતું. આજે ઝડી થવાથી પીપળો પડી ગયો છે, દેરું હજુ ઊભું છે. માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખોબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઊભેલાં નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે. મૂળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બોલે છે કે “ભાઈ સીદી! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરિયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.” બચ્ચાનાં આવાં ગેલ જોઈ જોઈને બહારવટિયા મોજ કરે છે ત્યાં વાવડ આવ્યા કે સડોદડવાળા રાજાબહાદુર જાલમસિંહજી[1] નગરથી જામ વિભાની મોટી ફોજ લઈ આજ મરણિયા બનીને આવે છે ને લગોલગ આવી પહોંચ્યા છે. ‘ફોજ આવી! વાર આવી!’ એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટિયા રણ ભણી ભાગી છૂટ્યા. બહારવટિયા પગપાળા ને વાર ઘોડાંવાળી : રાજાબહાદુર લગોલગ આવી જાય છે. વાઘેરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મૂળુ માણેકની આજ્ઞા છે કે “વારને બિવરાવજો, ભડાકો ન કરશો. ચાહે તેમ તોય રાજાનું કુળ છે. હજારુંનો પાળનાર વદે.” થતાં થતાં તો વાર આંબી ગઈ. અને બહારવટિયા આકળા થયા. ત્યારે મૂળુએ કહ્યું. “મિયા માણેક! રાજાબહાદુરને રોકી દે. પણ જોજે હો, જખમ કરતો નહિ.” પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તે જ મિયો માણેક આખી ફોજની સામે એકલો ઊભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધો કે “રાજાબહાદુર! તુંને અબ ઘડી મારી પાડું પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.” એટલું બોલીને મિયેં બંદૂક ફટકારી. ગોળી શત્રુની કમર પર અટકીને ગઈ. શરીરને ચરકો પણ કર્યા વગર રાજાબહાદુરનો જમૈયો ઉડાવી દીધો. મિયો મોં મલકાવીને બોલ્યો : “આટલી વાર લાગે, રાજાબહાદુર! પણ તુંને ન મરાય, તું તો લાખુનો પાળનાર!”

[દુહો]

જમૈયો જાલમસંગરો, ભાંજો તેં ભોપાળ,
દેવે જંજાળું છોડિયું, ગો ઊડે એંધાણ.
રાજાબહાદુર પાછા ફરી ગયા. એની કાફીઓ જોડાઈ :
જાલમસંગ રાજા વાઘેરસેં કજિયો કિયો
વાઘેરસેં કજિયો કિયો રે… — જાલમ.
પેલો ધીંગાણો પીપરડીજો કિયો,
ઉતે[2] રાણોજી સૂરોપૂરો થિયો[3]. — જાલમ.
બીજો ધીંગાણો રણમેં કિયો,
ઉતે જમેયૌ[4] પિયો રિયો. — જાલમ.
ત્રીજો રે ધીંગાણો ખડેમેં કિયો,
ઉતે આલો જમાદાર તર રિયો.[5] — જાલમ.
ચોથો ધીંગાણો માછરડે કિયો,
ઉતે હેબત લટૂર સાયબ રિયો. — જાલમ.
હેડાજી ધારણે બોલ્યો રે નથુનાથ
તોજો નામ બેલી મડદેમેં[6] રિયો. — જાલમ.

બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટિયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એ જ મિયા માણેકે ઊભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી! આટલી વાર લાગશે. સંભાળ તારી આ કમરમાંની દોત.” કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડિયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી. મિયાની બંદૂકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી અને શત્રુના અંગને ઈજા થવા નહોતી દીધી. આવો જ બંદૂક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબિયો ઠાકોર બહારવટિયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઊભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું, “ગોલી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.” પુરબિયો ઠાકોર તો મોતીમાર હતો એણે બેધડક બંદૂક ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શકર જમાદાર તમે બીના નહિ? મારી ગોળી આડી જાત તો?” શકરે જવાબ દીધો, “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી જામેલ છાતી હોય નહિ, ઠાકોર!”



  1. મરહૂમ જામ રણજિતના દાદા
  2. ત્યાં
  3. સ્વર્ગે ગયો
  4. પડ્યો
  5. તળ રહ્યો = મરાયો
  6. મરદોમાં