સોરઠી બહારવટિયા ભાગ-2/મા’જન મળ્યુ

મા’જન મળ્યુ

“શેઠિયાવ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાહને જઈને કે’જો કે મા’જનના હામીપણા માથે અમે નહિ આવીએ.” “કાં, બાપુ!” ભાતભાતની પાઘડીઓવાળા શેઠિયાઓ હાથ જોડીને પૂછવા લાગ્યા. “પાદશાહ દગો કરે તો તમે શું કરો?” “અમે શું ન કરીએ? અમે હડતાળું પાડીએ : હાટડે ખંભાતી તાળાં દેવરાવીએ : ઘાંચીની ઘાણી ને કુંભારના ચાકડા બંધ કરાવીએ. અમે મા’જન શું ન કરી શકીએ? શાકપીઠમાં બકાલાં સડી સડીને ગામને ગંધાવી નાખે : જાણો છો, ઠાકોર? ભલેને અમને વેપારમાં હજારુંની ખોટ જાય, તોય શું, તમારા માથા પર ઓળઘોળ કરી નાખીએ, દરબાર!” “હા શેઠિયાવ, તમે તો સમરથ છો, પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકામાંથી નવા કોંટા થોડા ફૂટે છે! લીલાં માથાં ફરી વાર નથી ઊગતાં, ભાઈ!” “ઈ તો સાચું, બાપા! અમે તો બીજું શું કરીએ? અમારી પાસે કાંઈ લાવલશ્કર થોડું છે?” “શેઠ! મારી ન શકો, પણ મરી તો જાણો ને?” “ત્રાગાં કરવાનું કો’ છો? અરરર! અમે ત્રાગાળુ વરણ નહિ. ઈ તો ભાટચારણનું કામ!” “સારું શેઠ! જાવ! પાદશાહને કે’જો કે અમારા હામી મા’જન નહિ.” “ત્યારે?” “કાં રાણીજાયા, ને કાં બીબીજાયા!” “બીબીજાયા! મલેછ તમારા હામી? મા’જન નહિ, ને મલેછ? જેને મોવાળે મોવાળે હિંસા! અરરર!” કલબલાટ મચી ગયો. મહાજનના શેઠિયા સામસામા લાંબા હાથ કરી જાણે પરસ્પર વઢી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. ‘અરરર! અરરર!’ એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો. મહાજન વીંખાયું. માર્ગે મિચકારા મારીને વાતો કરતા ગયા : “હંબ! થાવા દ્યો, પઠાણને હામી બનાવીએ. સામસામા મર કપાઈ મરે. કાં એનું બા’રવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છે. બેય રીતે કાસળ જાશે.” “હંબ! ઠીક થયું. નીકર, ભાઈ, આ તો પાદશાહના મામલા! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘડાવે. અને આપણે સુંવાળું વરણ. ધોકા ખાય ઈ બીજા! આપણે કાંઈ કાંટિયા વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય?” “હંબ! બલા ટળી!” “હંબ! બળતું ઘર કરો કૃષ્ણાર્પણ!”