સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ધર્માલય


ધર્માલય

આજે તો એની આસપાસ સપાટ ખેતરો છે, પણ જ્યારે એ બંધાયો હશે ત્યારે તો ત્યાં ગીરની ઘોર ઝાડી જ હોવી જોઈએ. સોરઠી ઇતિહાસની એ બૌદ્ધ સમયની જાહોજલાલીમાં કષાય વસ્ત્રધારી સાધુઓના કંઠમાંથી ઝરતાં ધર્મસ્તોત્રો વડે રોજ પ્રાતઃકાળે આ પહાડી ગુફાઓ ગાજતી હશે. ગુફાએ ગુફાએ પીતવરણાં વસ્ત્રોની ધર્મપતાકાઓ ફરફરતી હશે. એક સામટા પાંચસો સાધુઓ જ્યારે ધ્યાન ધરીને નિર્વાણની નિગૂઢ સમસ્યાઓ ઉકેલવા બેસી જતા હશે, ત્યારે એ એકત્રિત મૌન જગત પર શાંતિનાં ને સંયમનાં કેવાં બલવાન આંદોલનો વિસ્તારવા લાગતું હશે! દિલમાં થાય છે કે સાણાને ફરીવાર વસાવવો જોઈએ. સાધુઓને માટે ફરીવાર ત્યાં વિદ્યાપીઠ સ્થાપવી જોઈએ. અને આજે ગરીબ જનતાને ભોગે પોતાની ઇંદ્રિયોની લોલુપતા સંતોષતા, શહેર-નગરોની સગવડો છોડવાની ના પાડતા, અને ત્યાગ-સંયમના માર્ગો પરથી ચલાયમાન થઈ રહેલા ભેખધારીઓને ફરજિયાત ચાતુર્માસ રહેવા સાણામાં મોકલવા જોઈએ. સુપાત્ર અને સંસ્કારી મુનિઓએ તો પરમ તત્ત્વની શોધ માટે ત્યાં રાજીખુશીથી એકાંતવાસ કરવો ઘટે છે. ઉપર આકાશ, સન્મુખ રૂપેણનો રૂપેરી જલપ્રવાહ, દૂર ક્ષિતિજ પર અબોલ ડુંગરમાળ, અને ચોપાસ સળગતાં મેદાન : એ બધાં આજે સાચા મુમુક્ષુને કિરતારની શોધના પંથ બતાવવા જાણે આતુર ઊભાં છે. સાણાનો ધીરો ધીરો ધ્વંસ દેખીને પ્રકૃતિ-માતા ત્યાં જાણે રુદન કરે છે.