સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નાંદીવેલાના શિખર પર


નાંદીવેલાના શિખર પર

રબારી નેસવાસીઓને રામરામ કરી, માંગડા ડુંગર તરફ વળતાં રસ્તામાં ડાબા હાથ પર ડુંગરા-ડુંગરીઓની કોઈ વિકરાળ પલટન લઈને મૂંગી વ્યૂહરચના કરતો ઊભેલો સહુથી ઊંચો સેનાપતિ પહાડ નાંદીવેલો દીઠો. સાચેસાચ કોઈ સેનાધ્યક્ષના નિગૂઢ ઊંડા અંતઃકરણ સરખી જ જટિલ અટવી નાંદીવેલાના કલેવરમાં પથરાઈ રહી છે. અને એની પાસે ઊભી છે નાંદીવેલી ડુંગરી, એ ડુંગરી નથી, વિષમ ડુંગર જ છે; પણ નાંદીવેલાથી નીચેરી : બાજુમાં જ જાણે યજ્ઞ-વેદી સન્મુખ પતિ સાથે બેઠેલી : અને વળી સ્તન સરીખા લાગતા બે પ્રચંડ પાષાણો બરાબર વક્ષમાં જ ગોઠવાયેલા : એ પરથી લોકોએ એને નાંદીવેલા પર્વતની અર્ધાંગનાનું પદ આપેલું છે. કોઈ કૂડાઈથી ભરેલા માનવીની માફક નાંદીવેલો પણ નિર્જન જ પડ્યો છે. એનો વિશ્વાસ કરીને કોઈ માણસો ત્યાં રહી શકતાં નથી. કેમકે એના અંતરમાં સ્નેહનાં જળઝરણાં નથી. લોકો ધીરે સ્વરે બોલે છે કે એ અટવીમાં એક નાંદીગરજી નામના અવધૂત વસે છે, ને રસ્તો ભૂલેલા તૃષાતુર પ્રવાસીને હોઠે પાણી સીંચી માર્ગ બતાવે છે. પાપીના હૃદયમાં પણ કોઈ કોઈ વાર ઝબૂકી જતાં પુણ્ય-પરમાણુ જેવો એકાદ તપસ્વી એ પહાડમાં પડ્યો હોય તો નવાઈ નથી. પણ આવા વિષમ ડુંગરમાં એક સો વર્ષ પૂર્વે જોગી બહારવટિયા જોગીદાસને આશરો મળેલો હતો. આજે પણ જોગીદાસના નાના ભાઈ ભાણના નામથી ઓળખાતો ભાણગાળો ત્યાં બતાવાય છે. એ ભાણગાળામાં, ભાવનગરના સરપાવની લાલચે જોગીદાસને જેર કરવા માટે એકસો વીસ ઘોડે ચડી આવેલા બહાદુર જસદણ-નરેશ શેલા ખાચરને ભાણ-જોગીદાસે કેવળ દસ જ ઘોડે તગડી મૂક્યા હતા. અને એવું વીરત્વ નજરોનજર જોનાર ગાંગા નામના બારોટે, પોતે જસદણનો જ વહીવંચો હોવા છતાં, જસદણની જ દરબાર કચેરીમાં, જેવું દીઠેલું તેવું વર્ણન કરીને એક ગીત સંભળાવેલું. તેની છેલ્લી કડીમાં કહ્યું છે કે

આલણહારો કહું અલબેલો
ખેલ જઈને બીજે ખેલો
ઝાટકિયો દસ ઘોડે ઝીલો
છો વીસુંથી ભાગિયો શેલો!

આ સત્યવક્તૃત્વ બદલ ગાંગાને કહેવામાં આવ્યું કે “ચાલ્યો જા! જસદણમાં રહે તો તું ગા’ ખા!” ‘થૂ તારા જસદણમાં!’ એવો ઉત્તર આપીને ગાંગો બારોટ ભીમોરાની ડેલીએ ચાલ્યો ગયેલો, અને ત્યાં શેલા ખાચરની પેશ્વાઈ ફોજ સાથેની ચડાઈ વખતે ભીમોરાના ધણી નાજા ખાચરની સંગાથે એ ગાંગાનો દીકરો દેસો રાવળ પહેલવહેલો કૂદી પડીને દરબારની આગળ ચાલી મર્યો હતો. તેનો દુહો છે :

ભીમોરો ને દખણી ભડે, થાનક સિંધુ ઠોર, (તેદિ) માથું ના જાણી મોર્ય, (તેં) દીધું રાવળ દેસળા!

અને નાંદીવેલો બીજું પણ એક સ્મરણ કરાવે છે. એ સ્મરણ યુદ્ધનું નથી, પ્રેમનું છે. એની ટોચ પર ખરે મધ્યાહ્ને દૃષ્ટિ સ્થિર થાય છે, ને ત્યાં એક આકૃતિ રચાતી દેખાય છે. આઘે આઘે નજર કરીને એ આકૃતિ સાત ગાઉ દૂર આવેલા સાણાના શિખર પર જાણે કોઈ બીજી આકૃતિને શોધે છે, કલ્પે છે, નીરખે છે. ધીરે ધીરે સંધ્યા નમે છે. અને

આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, રૂદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ.

એવી એ આષાઢની મેઘલી સંધ્યાએ, વીજળીના ચમકારા થતાંની વાર, નાંદીવેલા પર ઊભેલી એ આકૃતિને રુદે જાણે પોતાનો સાણાનિવાસી પ્રીતમ સાંભરે છે. બીજના ચંદ્ર સામે ટાંપી રહેલી એ પ્રેત-આકૃતિ જાણે સાંત્વન ધરે છે કે આજ બીજી કોઈ રીતે તો મળાય તેવું નથી, ચાર નજરો પણ એક થાય તેમ નથી, પણ આજે તો મારા પ્રીતમની આંખો પણ બીજનાં દર્શન કરતી હશે, હું પણ દર્શન કરું છું, એ રીતે અમારી ચારેય આંખોના પૃથ્વી પરના વિચ્છેદ આજે આકાશની અનંત ટોચે નાની-શી બીજ ઉપર અન્યોન્ય આલિંગન લઈને શમી જતા હશે. ત્યાં એને કોઈ સંસાર-વ્યવહાર અટકાવી શકશે નહીં! નાંદીવેલો પાછળ રહી જાય છે, એ શિખર પરની આકૃતિ ‘દેહના ચૂરા’ની કથા માંહેલી પ્રેમિકા ‘કુંવર્ય’ની એ વાસનાપૂતળી પણ વાતાવરણમાં વિલીન થઈ જાય છે, અને કાનમાં જાણે કોઈ સંસારી ડહાપણનો શિક્ષા-સ્વર ગુંજે છે કે ‘ઓ નાદાન! ગરનું પાણી લાગ્યું કે શું?’