સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/નેસડામાં ચા-પ્રકોપ
ભાઈ સુલેમાને જમાડેલી બ્રાહ્મણિયા મીઠી રસોઈ અને ગીર પ્રવાસની બધી યે લજ્જત બળીને ભસ્મ થઈ જાય તેવો ચા-દેવીનો પ્રકોપ ત્યાં નજરોનજર દીઠો. અફીણ અને કસુંબાને વિસરાવી દે તેવું સામ્રાજ્ય તો ગીરમાં ચાનું ચાલી રહ્યું છે એ વાત જાણી નહોતી. ગામડામાં તો હૉટલો પેઠી છે, ને હૉટલોને બંધ દ્વારે પરોઢિયે ઢેઢ-ભંગીઓ વાસણ ધરી બેઠા હોય છે, તે ખબર હતી. નેસડામાં એ દાવાનળ લાગેલ પહેલવહેલો દીઠો. ને એ ચા પણ કેવી? પશ્ચિમની આદતોને જો આપણે પશ્ચિમવાસીઓની સંયમી રીતે પળી શક્યા હોત તો તો કંઈક ઠીક હતું. પરંતુ આ ચા તો સારી એવી રસોઈ તૈયાર થઈ જાય એટલો સમય સુધી ચૂલા પર પાકી પાકીને રાતીચોળ થાય છે, બબ્બે ત્રણ-ત્રણ પ્યાલા પીવાય છે. (પ્યાલા-રકાબીઓ નેસડામાં વસી ચૂક્યા છે.) જેટલા પરોણા નેસડે થઈને નીકળે તેટલી વાર ચા કઢાય છે, પરોણો રોકાય તો મધરાતે પણ પિરસાય છે. છોકરાં, યુવાનો ને બુઢ્ઢાઓ, સહુ તેટલી વાર ઢીંચ્યે જાય છે. અને એ ચાનો સરંજામ આવે છે ક્યાંથી? પાંચ-સાત ગાઉ પરના મોટા ગામડામાંથી ખોજા કે લોહાણા વેપારીઓ આવીને ભેંસોના ઘીના ડબેડબા મનમાન્યે ભાવે લઈ જઈને તેના દામના બદલામાં સાકર, ચા વગેરે ચીજો મનફાવતે મૂલે હિસાબ કરીને મોકલી આપે છે. મેં બરાબર વિશ્વાસપૂર્વકની વાત સાંભળી કે વરસોવરસ અક્કેક ઘર ઉપર આજ એ નેસવાસીઓને ચા-સાકરનાં 250થી 300 રૂ.નું ખર્ચ ચડે છે! વિષના પ્યાલા આટલે મોંઘે મૂલે વેચાતા લઈને હોંશે હોંશે પીવાય છે. હું નથી કહેતો, દાક્તરો કહે છે કે ચૂલે એક પળ ઘડી રહેતી ચા પણ ઝેર જન્માવે છે. આંહીં તો કલાક સુધી ખદખદાવી ચાને ‘પાકી’ કરાય છે, આ વિષપ્રચાર અટકાવવાની કોઈની તાકાત નથી. આખા કાઠિયાવાડમાં કોઈ અંધારો ખૂણો પણ એમાંથી બચ્યો નથી. નેસવાસી પુરુષોની પડછંદ કાયાઓ ઉપર એ વિષપાનની અસર જોતાં શ્વાસ ઊંચા ચડે છે. વીસમી સદીના કાળની અદાલતમાં આખા કાઠિયાવાડને જાણે કે જૂની કોઈ ન્યાયપદ્ધતિ અનુસાર રિબાવી રિબાવીને ઠાર મારવાની સજા મળી છે. આપણે દોષ કાઢીએ છીએ પશ્ચિમની વસ્તુનો અથવા પ્રથાનો. વિવેકભ્રષ્ટ ને અવળચંડો ઉપયોગ કરનારા તો આપણે પોતે જ છીએ. સોરઠના કોઈ પ્રેમીને આ વિચાર શું વલોવી નાખતો નથી?