સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/બહારવટિયાનાં રહેઠાણ


બહારવટિયાનાં રહેઠાણ

હમણાં હમણાં તો ‘અરેબિયન નાઇટ્સ’વાળા બાલસખા અલીબાબાની મનોદશા હું અનુભવી રહ્યો છું. ‘ખૂલ જા સીસમ’ કહેતાં લોકસાહિત્યની અવનવી ગુફાઓનાં દ્વાર ઊઘડી જાય છે; અને એક ઓરડાની સમૃદ્ધિ જોઈ બીજાની ભૂલી જવા જેવો આનંદ થાય છે. એક બાજુ હું ઓચિંતો આપણાં લગ્નગીતોમાં તલ્લીન થયો છું, બીજી બાજુ ‘સોરઠી બહારવટિયા’નો પહેલો ભાગ પ્રગટ થયા પછી પખવાડિયામાં જ એની બીજી આવૃત્તિ છપાવવી શરૂ કરવી પડી છે, એટલે હજુ બમણા-ત્રમણા ભાગનું જે બહારવટાંના ઇતિહાસનું ઉચ્ચતર અને અનેકરંગી સાહિત્ય બાકી છે તેની ઝડપથી શોધ કરી લેવાનો મને ઉત્સાહ ચડ્યો છે. સાથે સાથે ગીર વગેરે પ્રદેશોના પ્રવાસો કરીને બહારવટિયાઓને છુપાવાની જગ્યાઓ તપાસું છું ને એ વિકટ સ્થળોમાં જઈ બહારવટાંનું વાતાવરણ અનુભવવા યત્ન કરું છું. (અલબત્ત, હું બહારવટે ચડું એવી બીક ન રાખતાં!) એ પ્રવાસમાં ચારણ મિત્રો મારી સાથે દિવસરાત પોતાનાં ઘોડાં, ઊંટ ને હથિયારો લઈને કેવી રીતે ભમવા આવે છે, અમે એવી ભયાનક નદીઓમાં જીવને જોખમે ઊતરીને ભોમિયાની ભૂલથાપને લીધે કેવા એકને બદલે બીજી જગ્યા જોવામાં તન તોડીએ છીએ, ‘વેજલ કોઠા’ને બદલે ‘ડાચાફાડ’ ડુંગર ઉપર દોડાદોડ પગ મરડતા ચડીને જેસાજી-વેજાજી બહારવટિયાનાં પ્રેતોને કસુંબો પાવાના કેવા વ્યર્થ પ્રયત્ન કરી ‘હીરો ઘોઘે જઈ આવ્યો’નું કથન સાર્થક કરીએ છીએ, એ બધી વાતોનું વિવરણ હું અનુક્રમે આપવા માગું છું, તે એવી આશાએ કે સૌરાષ્ટ્રના પ્રવાસોની એક સબળ ઉત્કંઠા વાચકોમાં જાગ્રત થાય.