સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/મહિયાઓનો સત્યાગ્રહ


મહિયાઓનો સત્યાગ્રહ

ને કનડો ડુંગર આવાં વીર-વીરાંગનાના પ્રેમનું, ચિર-વિજોગનું, હોથલના વાસના-દેહના ચિર-ભણકારનું જ ધામ નથી, કનડાના ખોળામાં સિંદૂરવરણી ચોરાસી ખાંભીઓ ચાર પંક્તિઓ રચીને ઊભી છે. એ ચોરાસી મહિયાઓની ખાંભીઓ છે. સંવત્સર 1939ના પોષ મહિનાની અજવાળી પાંચમને કાળે પરોઢિયે એ ચોરાસી જણાને હારબંધ બેસારી જૂનાગઢ રાજની ફોજે તેઓનાં માથાં વાઢ્યાં હતાં — તલવારથી નહીં, કુહાડા વતી. ધીંગાણું નહોતું થયું. વિશ્વાસઘાત અને દગલબાજી રમાયાં હતાં. જૂનાગઢ રાજની રક્ષા તેમજ વિસ્તારને માટે પેઢાનપેઢીથી જાન કાઢી આપનારી મહિયા કોમ ઉપર રાજ્યે જતે દહાડે નવા લાગા નાખ્યા. જૂના કોલકરારો ઉથાપ્યા. ત્યારે મહિયા કોમના ઘરેઘરથી નીકળેલા નવસો પ્રતિનિધિ મર્દો આ ડુંગર પર રિસામણે ચડેલા.