સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/વાંસાઢોળના ખોળામાં


વાંસાઢોળના ખોળામાં

સાસણના પાદરમાં પડેલી ઊંડી હીરણ નદી, હીરણને સામે પાર બે-ત્રણ ગાઉ પર ઊભેલો વાંસાઢોળ ડુંગર, ને તેની યે પછવાડે ઊભેલી અજાણી ગીર-ભોમ, એ બધાં મારી કલ્પનામાં સજીવન હતાં. વાંસાઢોળ ડુંગર ઉપર મારી કલ્પના એક શબને નિહાળી રહી હતી. એ શબને મેં પિછાની લીધું. એ હતું વાઘેર બહારવટિયા જોધા માણેકનું શબ. જોધાર જોધાની કાયા વાંસાઢોળ પર પડી હતી. એવા શબને છેલ્લું શયન કરવાને માટે વાંસાઢોળનું પહાડી સ્થાન જ ઉચિત હતું. વાઘેર કુળમાં સહુથી શાણો, સહુથી ગંભીર, ને નિર્ભયતાની મૂર્તિ જોધો જીવનમાં જીવતો પહાડ હતો. મૃત્યુએ પહાડને પહાડના ખોળામાં પોઢાડ્યો. શ્રી આનંદશંકરભાઈ ધ્રુવ કહેતા હતા કે એમના પિતાએ જોધાને જોયેલો. પિતાજી કાઠિયાવાડમાં કોઈક સાહેબના મંત્રી (શિરેસ્તદાર) હતા, ને હું માનું છું કે કદાચ એ બાર્ટન સાહેબ જ હોવા જોઈએ, જેમણે પોતાની મડમના આગ્રહથી બહારવટિયા જોધાને દ્વારિકાની સીમમાં મુલાકાતે તેડાવેલો. પિતાને ખોળે બેસીને બાલ આનંદશંકરે જોધાનાં બંકડા રૂપ જાણ્યાં-સાંભળ્યાં હશે. કેવાં એ રૂપ! એ રૂપ તો જોધો જ્યારે બહારવટે નીકળ્યો ત્યારે જ ખરેખરાં પ્રકાશ્યાં. એ રૂપ તો કોઈ ગાયકના રાવણહથ્થાની કામઠી પર રચાયું :

મન મૌલાસેં મિલાયો જોધો રે માણેક રૂપ મેં આયો.