સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સ્વપ્નમૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્નમૂર્તિ

એણે ગામપાદરે ઊભેલા કુલની સતીઓના પાળિયાને પ્રણામ કર્યા હતા. નારીસન્માનની એ પરંપરાનો પૂજક જોધો માણેક મારી ચોપાસ એક સ્વપ્ન-સૃષ્ટિને સરજે છે. રાષ્ટ્રભાવનાની, અરે આંતરરાષ્ટ્રીય સામ્યવાદની નોબતે ગાજતા આ યુગમાં ય જોધાની સ્વપ્નમૂર્તિ રચવામાં મને લવલેશ શરમ નથી. ને હું તાજેતરમાં જ સૂતેલા એક બીજા શબનું અમર્ત્ય ગાન બોલું છું. એય હતો એક યુગપ્રવર્તક : યુગપરિવર્તનની કાળ-મૂર્તિ : આયર્લૅન્ડનો સ્વપ્નવિહારી કવિ ‘એ. ઈ.’ ‘નૅશનાલિટી’ નામના લેખમાં જ એણે લખ્યું કે — “સત્ય એ આજની કે આવતીકાલની પલટાતી વસ્તુ નથી. સૌંદર્ય, વીરતા અને આત્મધર્મ, એ કંઈ રોજ સવારે પલટાતી ફૅશનો નથી. એમાંથી તો એક અપરિવર્તનશીલ પ્રાણ ઝગારા કરે છે. આ સ્વપ્નો, આ પુરાતનો, આ પરંપરાઓ એકદા વાસ્તવિક હતાં, સજીવન હતાં, ઐતિહાસિક હતાં; આજે એ ઇંદ્રિયગમ્ય જગતમાંથી નીકળી સ્મૃતિ અને મનોભાવની સૃષ્ટિમાં સંઘરાયાં છે. કાળ એમની શક્તિને ખૂંચવી શક્યો નથી. કાળે એમને આપણી મમતાના પ્રદેશમાંથી છેટાં નથી કાઢી મૂક્યાં; પણ એથી ઊલટું તેમને ધરતી પરથી ખેસવી અમરલોકમાં ચડાવીને વધુ વિશુદ્ધ બનાવ્યાં છે. આજે એ ચક્ષુઓને જોવાની અને કાનને સાંભળવાની વસ્તુઓ મટી જઈ હૃદયને ચિંતન કરવાની વસ્તુઓ બનેલ છે. આજે એ તેટલા પ્રમાણમાં આપણી નિકટમાં આવ્યાં છે, આપણાં પરિચિતો બન્યાં છે, ને સાહિત્યપ્રદેશે પણ વધુ ખપજોગાં બન્યાં છે. આજે એ સંકેતો બન્યાં છે. ને સંકેત-ચિહ્નો લેખે એ ઇતિહાસના કરતાં ય વધુ સામર્થ્યવંતાં બન્યાં છે. માનવ-પ્રકૃતિના વિધવિધરંગી અંતરપટોની પાર થઈને આજે એ આપણાં નેત્રો સન્મુખ ઊભાં છે. આજે તો એ પ્રત્યેક સ્વપ્ન, પ્રત્યેક વીરાચરણ, પ્રત્યેક સૌંદર્યતત્ત્વ પોતે જેનું પ્રતિનિધિત્વ કરે છે તે દિવ્ય સત્તાની વધુ નજીક જઈ ઊભેલ છે.”