સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સાચો વેજલકોઠો


સાચો વેજલકોઠો

ગીરકાંઠાની એવી એવી પ્રેમકથાઓના મર્મો હવે જ કંઈક કંઈક સમજી શકાય છે. નિર્જન અરણ્યોમાં એકવાર અંતરે અંતર મળ્યા પછી જુદાઈ કેવી અસહ્ય બની જતી હશે, તે સમજાયા પછી, પુંડરિકની હાલત પર હસતા અટકવું પડે છે. આ નેસવાસીઓ પરોણાની વિદાયને સમયે રડે છે, તેવું સાથીઓનું કથન પણ હવે તો અત્યુક્તિ વિનાનું લાગે છે. અને એવા ઘેલા સ્નેહનો પરિચય ભાઈ સુલેમાને કરાવ્યો. જાતે મુસલમાન, પણ સવણ કવરણ ન્હોય, (મર) કવરણ ઘર ઉઝર્યો કરણ; કોયલ કસદ ન હોય, (મર) દસદે પાળી દાદવા. — એ ન્યાયે, આત્માનો સુવર્ણ ચાહે ત્યાં જન્મતાં કે ઉઝરતાં નથી પલટાતો — કર્ણ સારથીને ઘેર પણ સાચો રજપૂત જ રહ્યો ને કોયલ કુસાદવાળા કાગડાના માળામાં પોષાયા છતાં મંજુકંઠી જ રહી — એ ન્યાયે આ ભાઈ પણ નેસવાસીઓની સંગાથે પોતાના મુસ્લિમ કલેવરની અંદર છુપાયેલા બિનકોમી આત્માની ફોરમે ફોરતો હતો. એના મોંમાં બસ એક જ વેણ હતું : અરે વાત છે કાંઈ! સાચો વેજલકોઠો જોયા વગર તે જવાય! આજ મારા મહેમાન : હું ભેળો આવીને બતાવું : મરી જાઉં તો ય ચાલ્યા જવા ન દઉં! એના પ્રેમના કેદી બનીને અમે સાચો વેજલકોઠો જોવા ચાલ્યા. અનેક ડુંગરા, ધારો ને નદીઓ ઓળંગાવતો એ પ્રીતિઘેલો મુસલમાન માલધારી, પોતાની સુરમેભરી આંખો ચમકાવતો, નિરંતર મોં મલકાવતો, માર્ગે ‘તાલ જોવો છે?’ એમ કહી પોતાની ભેંસોને કેવળ શાન્ત સમસ્યાયુક્ત અવાજ વડે અમારા ઉપર આક્રમણ કરાવવાની રહસ્યભરી વ્યૂહરચના દેખાડતો, ઝાડવે ઝાડવું, સ્થળે સ્થળ, નહેરે નહેરું નામ લઈ ઓળખાવતો, અમને જેસા-વેજા બહારવટિયાના સાચા નિવાસ પર લઈ ગયો. એક બાજુ રાવલ નદી : બીજી બાજુ પોતાની પ્રિયા સૂરનળીની સહાય લઈને પડેલ સૂરનળો વોંકળો : બંનેએ જાણે પોતાના આંકડા ભીડીને ચોપાસ એક ભયાનક ખાઈ કરી લીધી છે. ત્રીજી બાજુ ઝેરકોશલી નદી પણ અશોકવનમાં જાનકીજીની ચોકી કરતાં રાક્ષસીઓ માંહેલી એક હોય તેવી પડેલી છે. ને વચ્ચે આવેલ છે વેજલકોઠો. ત્યાં કોઠો નથી, ગઢ પણ નથી, કશું નથી. પણ એક જબરદસ્ત કિલ્લાના દટાયેલા પાયા દેખાય છે. માત્ર પાયા : અહીંતહીં શિલાઓ પડી છે. નાનું ગામડું વસે તેટલી વંકી જગ્યા પડી છે. છેક સુધી ઊંટ ને ઘોડાં ઉપર ચડ્યાં ચડ્યાં જઈ શકાય તેવો એક જ ગુપ્ત રસ્તો છે. અને એ નદીકાંઠાના પથ્થરમય ઊંચા કિલ્લાની ટોચેથી બહારવટિયાઓ પોતાના ઘોડાના પાવરા વડે જે પાટમાંથી પાણી ખેંચી પીતા તેનું નામ ‘પાવરા પાટ’ : ભેખડની ટોચે શિલાજિત જામે છે. (શિલાજિત એટલે પથ્થરનો ગુંદર.) માનવી ત્યાં પહોંચી શકતું નથી. વાંદરા જ એ શિલાજિત ખાઈ જાય છે. કોઈ ગોરા સાહેબે બંદૂક મારીને શિલાજિત પાડવા મહેનત કરેલી એમ સાંભળ્યું. અને એ પાડે તેમાં નવાઈ પણ શી! વાંદરા અને ગોરા બંનેની ચાલાકી તો ન્યારી જ છે!