સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘તરિયા રૂઠી!’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘તરિયા રૂઠી!’

ઊતરીને રાવલની વેકુરીમાં આરામ લીધો. આરામ પણ દુહા વિનાનો નહોતો. રાવલના ખોળામાં બેઠેલા ચારણભાઈને પોતાની ભેંસો સાંભરી. જીવનના વિચારો જાગ્યા, કોઈ ભૂતકાળનો દુખિયારો ચારણ સાંભર્યો. અને એ ચારણે પોતાની મરી ખૂટેલી ભેંસોના વિજોગકાળે નદીના નીરને કરેલું ભેદક સંબોધન સાંભર્યું :

મેયું માગ ન દેતીયું, રૂંધતીયું આરા, (હવે) જળ જાંબુર તણાં (તમે) માણો મછિયારા! [ઓ જાંબુર નદીનાં નીર! એક સમયે તો મારી હાથણી જેવી ભેંસો તમારી અંદર બેસીને તમારા કિનારા રૂંધી રાખતી. તમને વહેવા જેટલી પણ જગ્યા નહોતી રહેવા દેતી. આજે એ ચાલી ગઈ છે. હવે સુખેથી તમે ગુલતાન કરો. હવે તમને કોઈ નહીં રોકે!]

સૂરનળા વોંકળામાં પથ્થરના ખડક વચ્ચે થઈને પાણીના પ્રવાહે એક સરખો માર્ગ કાપી લીધો છે. એને ભીમની ચૂલ્ય કહેવામાં આવે છે. કોઈ કારીગરે કંડારી હોય તેવી એ ચીરાડ જોઈને દુહાનું સુભાષિત મિત્રોની સ્મૃતિમાંથી ઊઠ્યું કે

ટાઢી અગનિ વન ડસે, જળ પથરા વેરન્ત; તરિયા રૂઠી જે કરે (તે) દૈવે નહિ કરન્ત! [ટાઢી અગ્નિ — એટલે હિમ — આખા જંગલને ભરખી ખાય. અને પાણી પથ્થરને પણ વેરી નાખે. ઓહો! અબળા લેખાતી ત્રિયા જ્યારે રૂઠે છે, ત્યારે કેવો કોપ બતાવે છે! વિધિ પણ એવું ન કરી શકે!]

કોઈ ઘરસંસારના દાઝેલા દોસ્તોને આ દુહો ખપ લાગશે એમ સમજીને પ્રવાસ-વર્ણનમાં એને દાખલ કરું છું. મને સ્ત્રી-જાતિનો શત્રુ ઠરાવવા જેવો ધ્વનિ તો આમાંથી નથી નીકળતો ને, એટલું તમે વકીલની ઝીણવટથી જોઈ લીધા પછી જ છાપજો, ભાઈ! જમાનો બારીક છે — વકીલની બુદ્ધિ જેવો : રૂઠેલી ત્રિયા જેવો!