સ્ટેચ્યૂ/મારા લોહીની નદીને ગોકુળનું પાદર મળ્યું નથી

Revision as of 01:08, 2 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




મારા લોહીની નદીને ગોકુળનું પાદર મળ્યું નથી



કોઈ સુંવાળું મોરપીંછ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર પડ્યું હોય તો કોઈની નજરે ચઢતું નથી. આપણે શાળામાં ભણતાં હતા એ દિવસોમાં મોરપીંછ હાથમાં આવી જાય તો પગ થનગન થનગન નાચવા લાગતા. એ મોરપીંછને ચોપડામાં દબાવીને પાછું ખેંચી કાઢીએ તો મોરપીંછ ચુંબક બની જતું. કાગળના નાના ટુકડાઓને ઝડપથી ખેંચી લેતું. મોરપીંછની ચુંબકીય અસર એટલી પ્રબળ હતી કે કોઈવાર ખુલ્લા મેદાનમાં મોર કળા કરીને નાચતો હોય ત્યારે એમ લાગતું કે જાણે હમણાં જ આકાશ ખેંચાઈ આવીને નીચે પડી જશે. કળાયેલ મોર પોતાની કળા સંકેલીને ઊડી જતો ત્યારે આકાશને બદલે અમે ત્યાં ખેંચાઈને દોડી જતા. મોર પોતાનું એકાદ પીંછું ખેરવીને ઊડી ગયો હોય તો એ પીંછામાં અમને વૈકુંઠ ભાળ્યાનો આનંદ થતો. અમે રસ્તા ઉપર ચાલતા હોઈએ ત્યારે સિગારેટનું ખોખું હાથ ચડી જાય ને એમાંથી સોનેરી વરખ મળી આવે તો પણ કોલંબસને હિંદુસ્તાન મળ્યા જેટલો આનંદ થતો. મોટી વિસ્મયકારક વસ્તુઓમાંથી આનંદ મળે એ તો સમજી શકાય પણ નાની નાની વસ્તુઓમાંથી આનંદ લૂંટી લેવાની આપણી હવે વૃત્તિ રહી નથી. આપણે મોટેપનો એટલો બધો મહિમા કર્યો છે કે નાનપનો આનંદ આપણે વીસરી ગયા છીએ. આજે સુપરમૅન અને સુપર કૉમ્પ્યૂટર આપણા દિલોદિમાગમાં છવાયેલાં છે. ‘સુપર' શબ્દ એ આ યુગની નીપજ છે. કોઈ કીડી પોતાને ભાગે આવેલા કણને ખેંચીને પોતાના દર ભણી જતી હોય અને એનો બે વેંતનો રસ્તો જે મથામણ કરીને ખુટાડતી હોય એ મથામણ જોઈને એમ કહેવાનું મન થાય કે પૂર્ણવિરામથીય નાનકડી કીડી અલ્પવિરામ ખાતી ખાતી પોતાના દર પાસે પહોંચે છે ત્યારે એને મહાયાત્રાનો અનુભવ થાય છે. આપણી આંખ ઝીણું પકડવાનું સાવ ભૂલી ગઈ છે. કોઈવાર અમે ચોપડીઓમાં દબાવેલા મોરપીંછનું ચુંબક બનાવતા અને કીડીઓ ઉભરાતી હોય ત્યાં જઈ મોરપીંચ ધરતા, કીડીઓ ખેંચાઈ જતી, જીવતી કીડીઓ પોતાનો માર્ગ ભૂલી જતી અને મરેલી કીડીઓ ખેંચાઈને મોરપીંછમાં ચોંટી જતી. આજે એ શૈશવની ટીખળ યાદ કરતા મને સમજાય છે કે જે હલકું-ફુલ છે તે તરત ખેંચાઈ જાય છે અને ભારેખમ છે તે એમ ને એમ ઊભું રહે છે. આપણે કૃષ્ણના માથા પર મોરપીંછનો મુગટ જોઈએ છીએ. ત્યારે એ મુગટમાં આકર્ષણની આંખ દેખાય છે. કદાચ ગોપીઓ ને ગોવાળિયાઓ મોરપીંછના ખેંચાણથી કનૈયા પાસે ખેંચાઈ આવતા હશે એમ કહીએ તો કંઈ ખોટું નથી. પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે ગોપીને ગોવાળિયાઓ કીડી જેટલાં હળવાં થતાં હશે તો જ કૃષ્ણની ભ્રમણકક્ષામાં ખેંચાઈ આવ્યાં હશે. મને કૃષ્ણનો શૈશવકાળ ખૂબ આકર્ષે છે, ખરું પૂછો તો દરેક માણસના કોઈક ખૂણે શૈશવનું મોરપીંછ પડ્યું હોય છે. એ સતત ખેંચ્યા કરતું હોય છે. કૃષ્ણના શૈશવમાં બાળસહજ તોફાનો છે. રમતિયાળપણું છે અને ધિંગામસ્તી છે. નંદના આ દુલારાએ આખું ગોકુળ માથે લીધું હોય અને યશોદા ગળા સુધી આવીને બાળકૃષ્ણને દોરડે બાંધવા જાય. દોરડું ટૂંકું પડે એમ કૃષ્ણની બાળલીલાને શબ્દમાં બાંધતાં ભાષા ટૂંકી પડે. ભાષાના બાળોતિયામાં કૃષ્ણ ક્યારેય બંધાતા નથી. કૃષ્ણના શૈશવમાં અઘરી સરળતા છે. એ યમુનાકાંઠે ગોવાળો સાથે ગેડી-દડે રમતાં હોય અને દડો એક ફટકાથી યમુનામાં જઈ પડે, કૃષ્ણ કાલિયમર્દન કરીને દડો લઈ આવે એ પ્રસંગ ખૂબ જાણીતો છે. મને આ પ્રસંગમાં કૃષ્ણે કાલીનાગને પરાસ્ત કર્યાનો આનંદ નથી પણ દડો પાછો મળ્યાનો આનંદ છે. આ પ્રસંગના હાર્દમાં રમત ચાલુ રહેવી જોઈએ એ સત્ય સમાયેલું છે. કૃષ્ણ બરાબર સમજતા હતા કે દડો પાછો નહીં આવે તો રમત અટકી પડશે. નવો દડો લાવશું તો નવી ગિલ્લી નવો દાવ જેવું થશે. એટલે કૃષ્ણએ જોયું કે જૂના દડાથી જ દાવ આગળ ચાલવો જોઈએ. ટેસ્ટ-મેચ ચાલતી હોય ત્યારે અમુક ઑવર ફેંકાયા સિવાય નવો દડો ન લઈ શકાય એવો નિયમ છે. અહીં મઝાની વાત એ છે કે કૃષ્ણ આટલા બધા સમર્થ હોવા છતાં રમતના નિયમને વશવર્તે છે. કેટલાક ચોખલિયાઓ કહેશે કે એક દડો લેવા માટે કૃષ્ણ યમુનામાં ઝંપલાવવા જેટલું સાહસ શું કામ કરે છે? એ નવો દડો લઈને પોતાનો દાવ આગળ વધારી શક્યા હોત. આવી રજૂઆત કરતા મિત્રોને એટલી ખબર નથી કે કૃષ્ણએ યમુનામાં જઈને રમતના નિયમોને બચાવી લીધા છે. સ્પોર્ટ્સમેનશિપને જીવતદાન આપ્યું છે. અહીં દડો કે કાલિયમર્દન નિમિત્ત બને છે પણ રમત કેન્દ્રસ્થાને રહે છે. દડો એ શૈશવનું પ્રતીક છે. કૃષ્ણએ યમુનામાંથી દડો બહાર કાઢીને ખેલદિલી અને શૈશવને કાલીનાગના ભરડામાંથી બચાવી લીધું છે. આજે શૈશવ અને યુવાન પેઢીનો દડો ડ્રગ્ઝના કાલીનાગના ભરડામાં ફસાઈ ગયો છે. એ દડો પાછો કોણ લાવશે? કૃષ્ણ ધૂળ ખાતા પકડાઈ જાય અને યશોદા બાળકૃષ્ણનું મોઢું ઉઘાડીને જુએ તો એને કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ દેખાય એ પ્રસંગ કેવળ કપોળકલ્પિત નથી પણ તર્કશુદ્ધ પ્રસંગ છે. કૃષ્ણ પણ કોઈ સામાન્ય બાળકની જેમ ધૂળ ખાતા હોય. જેમ પાણીના એક ટીપામાં આપણે સાગરનો 'ઘુઘવાટ સાંભળી શકતા હોઈએ તો માટીના એક કણમાં આપણે બ્રહ્માંડ કેમ ન જોઈ શકીએ?' આજે કૃષ્ણના જીવનકાર્યને તપાસવા માટે કેટલાક અભ્યાસીઓ આદુ ખાઈને પાછળ પડ્યા છે. નવાં નવાં અર્થઘટનો પેદા થવા લાગ્યા છે. નવા અને શિખાઉ અભ્યાસીઓને કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ નથી દેખાતું. એમાં એમનો વાંક નથી. કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ જોવા માટે જાડા કાચનાં ચશ્માં પહેરેલી આંખની જરૂર નથી પણ આપણી આંખની જરૂર છે. વાંક આપણો નથી, આપણી આંખનો વાંક છે. તમને જો તમારા પોતાનાં બાળકોમાં દુનિયાભરનું સુખ દેખાતું હોય તો કૃષ્ણના મોઢામાં બ્રહ્માંડ કેમ ન દેખાય? અહીં હું ચમત્કારની વાત નથી કરતો પણ તર્કસંગત વાત કરું છું. કૃષ્ણનું મોરપીંછ મને ખેંચે છે. અને ગોકુળના પાદરમાં ખેલાતી મેચનો હું પ્રેક્ષક છું. એટલે મારે મન ગોકુળ એ ગામ નથી પણ ભાવ છે. કૃષ્ણ એ ભગવાન નથી પણ મારો બાળપણનો ગોઠિયો છે. કૃષ્ણનો વાંસળી સાથેનો સંબંધ પણ નવો અર્થ પ્રગટાવે છે. જર્મનીના હેમલીન શહેરમાં એક વાંસળીવાળો આવે અને એ વાંસળીના સૂરથી ખેંચાઈને શહેરનાં ઉંદરો અને બાળકો બહાર ખેંચાઈ આવે એમ કૃષ્ણની વાંસળીના સૂરથી ગોપી અને ગોવાળિયાઓ કૃષ્ણ તરફ ખેંચાઈ આવતાં. અહીં વાંસળીનો મહિમા નથી પણ ફૂંકનો મહિમા છે. કદાચ હું આજે વાંસળી વગાડવા જાઉં તો મને ખાતરી છે કે પડોશીઓ અને કુટુંબીઓ ચપ્પલ પહેરીને બહાર નીકળી જાય. પણ કૃષ્ણની વાંસળીથી બધા ખેંચાયા. અહીં સમજવાની વાત એ છે કે કૃષ્ણની વાંસળી માણસ માણસને જોડે છે, તોડતી નથી. ફૂંક તો દરેકની પાસે છે. કોઈ દીવો ઠારવા માટે ફૂંક મારે છે, કોઈ ચૂલામાં અગ્નિ પેટાવવા ફૂંક મારે છે, કોઈ ઘાની પીડા ઓછી કરવા માટે ફૂંક મારે છે, કોઈ શંખમાં ફૂંક મારે છે, કોઈ ફુગ્ગામાં ફૂંક મારીને પવનને કેદ કરી લે છે, કોઈ મંથરા કૈકેયીના કાનમાં ફૂંક મારે છે, કોઈ નણંદ-સાસુના કાનમાં ફૂંક મારે છે, કોઈ સિગારેટનો કસ લઈ ફૂંક મારે છે. હવે તમે વિચાર કરો કે આપણી ફૂંક કૃષ્ણની ફૂંક જેટલી નિરામય છે? વાંસળી પણ જેની ફૂંક મેળવી કૃતાર્થ થઈ જાય એવી ફૂંક આજે ક્યાં છે? મને ઘણીવાર એવું થાય છે કે કૃષ્ણની ફૂંક પામીને વાંસળીનેય એવું થતું હશે કે હુંય સૂર બનીને ઊડી જાઉં. અહીં જેની ફૂંક નિરામય છે એનો શબ્દ ટકે છે. મારે મન કૃષ્ણ એ કોઈ ઇતિહાસનું પાત્ર નથી પણ મારામાં વહેતું લોહી છે. એ વહેતા લોહીનો લય વાંસળીના કાણામાંથી નીચે વેરાઈ જાય છે. ખોબાની ચારણીમાંથી ઝરી જાય છે. મારા લોહીની નદીને ગોકુળનું પાદર મળ્યું નથી.